વણજારાનાં જેલકાવ્યો

બે વર્ષથી કારાવાસ ભોગવી રહેલા મારા સાથી કેદી અને

ઍન્ટી ટૅરરિસ્ટ સ્ક્વૉડના ભૂતપૂર્વ ચીફ ડી.જી. વણજારાનાં જેલકાવ્યો

વણઝારાસાહેબ પરના આક્ષેપો પુરવાર થાય તો એમને ફાંસીની સજા પણ થઈ શકે છે અને આપણે સૌ…

ડી.જી. વણજારા: એક પોલીસ ઓફિસરનાં જેલકાવ્યો

ડી.જી. વણજારા: એક પોલીસ ઓફિસરનાં જેલકાવ્યો

મારી તીવ્ર ઇચ્છા હતી કે જેલમાંથી બહાર જતાં પહેલાં આ એક કેદીનાં દર્શન કરું. મારું સદભાગ્ય કે સાબરમતી સેન્ટ્રલ જેલમાં ટાઇટ સિક્યુરિટી વચ્ચે, મારી બેરેક નં.૬થી  લગભગ ૫૦૦ પગલાં દૂર આવેલા સરદાર યાર્ડ્માં રાખવામાં આવેલા એ કેદીને પૂરા એક કલાક માટે મળી શક્યો. એ કેદીનું નામ ડાહ્યાજી ગોબરજી વણજારા (તેઓ વણઝારાને બદલે આમ જ લખે છે). જન્મ: ૧ જૂન ૧૯૫૪. છેલ્લો હોદ્દો ડી. આઈ. જી.- ડેપ્યુટી ઇન્સપેક્ટર જનરલ. બાહોશ આઇ.પી.એસ. ઓફિસર તરીકે નામના મેળવનાર અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના ચીફ તરીકે બજાવેલી કામગીરીને કારણે ગુજરાતભરમાં સૌના આશીર્વાદ મેળવનાર વણજારા સવા બે વર્ષથી જેલમાં છે. અન્ય આક્ષેપો ઉપરાંત એમના પર આક્ષેપ છે સોહરાબુદ્દીન નામના સેક્યુલરોના લાડકવાયા બની ગયેલા ખતરનાક ગુંડાને એક એન્કાઉન્ટરમાં મારી નાખવાનો. વણઝારાસાહેબ પરના આક્ષેપો પુરવાર થાય તો એમને ફાંસીની સજા પણ થઈ શકે છે અને આપણે સૌ અમદાવાદીઓ, ગુજરાતવાસીઓ, હિન્દુસ્તાનીઓ, એન.આર.આઇઓ પાણીપુરી અને દાળ ઢોકળીના સ્વાદને જીવનમરણનો ખેલ ગણીએ છીએ, છટ!

હું વણજારાને જેલમાં અને તે પછી પણ કેવી રીતે મળ્યો એની વાત ‘મારા જેલના અનુભવો’નાં આગામી  પ્રકરણોમાં આવશે. અહીં મારે આજે બપોરે મારા ઘરે વણજારાસાહેબે મોકલાવેલા એક પેકેટ વિશે તેમ જ એમાંથી નીકળેલી સ્ફોટક સામગ્રી વિશે વાત કરવાની છે. ડી.જી. વણજારાએ આ બે-સવા બે વર્ષમાં જે અનુભવ્યું, જેની અનુભૂતિ કરી તે બધી જ લાગણીઓ બે કાવ્યસંગ્રહરૂપે ઠાલવી દીધી છે. આજે આ બંને કાવ્યસંગ્રહની વણજારાએ લખેલી પ્રસ્તાવના વાંચો. કાલે હું આ દિલ થડકાવનારાં જેલકાવ્યો વિશે લખીશ.

જીવનઅને જગત ક્યારેય સીધી લીટીમાં ચાલતાં નથી: ડી.જી.વણજારા

DSC02831જીવન અને જગત ક્યારેય સીધી લીટીમાં ચાલતાં નથી. તે અત્યંત રહસ્યમય અને આશ્ચર્યોથી ભરપૂર હોય છે. ધરતીના પેટાળમાં સમયાંતરે ટેક્ટોનિક હલચલ થતી રહેતી હોય છે. જેના કારણે ધરતીની સપાટી ઉપર ક્યારેક ભૂકંપ અને સુનામીનાં દ્રશ્યો સર્જાય છે, તો કયારેક જ્વાળામુખી ફાટી નીકળતા હોય છે. ક્યારેક ડુંગરા પાદરમાં ફેરવાઈ જતા હોય છે, તો ક્યારેક પાદરના સ્થાને ડુંગરા ઊભા થઈ જતા હોય છે. જળના સ્થાને સ્થળ અને સ્થળના સ્થાને જળ ફરી વળતાં હોય છે. મહાન નદીઓ ક્યારેક અદ્રશ્ય થઈ જતી હોય છે અથવા તો તેમના પ્રચંડ જળ-પ્રવાહોની દિશાઓ બદલાઈ જતી હોય છે. ક્યારેક નાનાં નાનાં નગર-રાજ્યોમાંથી મહાકાય સામ્રાજ્યો ઊભાં થતાં હોય છે, તો ક્યારેક મોટાં મોટાં સામ્રાજ્યોને ખંડેરમાં તબદીલ થઈ જતાં વાર લાગતી નથી.

મારા આંતરબાહ્ય જીવનમાં પણ સમયાંતરે આવાં જ કોઈ ટેક્ટોનિક હલચલ અને ઊથલપાથલ થતાં રહ્યાં છે, જેના કારણે મારાં મન-બુદ્ધિ અને દેહ-જગતમાં ભૂકંપ અને સુનામી સર્જાતાં રહ્યાં છે, અને હ્રદયના ઊંડાણમાં લાગણીઓનો લાવારસ હંમેશાં ઊભરાતો રહ્યો છે. મારા જીવનની સપાટી પર સતત ફૂંકાઈ રહેલાં આવાં આંધી, તોફાન અને વાવાઝોડાંઓએ મને એટલો બધો કઠોર રહેવા દીધો નથી કે જેટલો હું બહારથી દેખાઉં છું.

અંગ્રેજ કવિશ્રી વડ્‍ઝવર્થએ કાવ્ય-સર્જનની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે poetry is a spontaneous overflow of the powerful feelings. આ મહાન કવિએ કવિતાને તીવ્ર લાગણીઓના સહજ ઉભરા સમાન ગણાવી છે. ઉભરાઈ રહેલી તીવ્ર લાગણીઓ જ્યારે સહજ રીતે શબ્દ-દેહ ધારણ કરે, તો તે કવિતા બનીને ઝરણાની માફક વહેવા માંડે છે. ઝરણાનાં નીર સહજ રીતે જ ઉપરની સપાટીએથી નીચેની સપાટી તરફ વહે છે, આવી રીતે વહેવા માટે ઝરણાના નીરને કોઈ પરિશ્રમ કરવો પડતો નથી. તે જ પ્રમાણે તીવ્ર લાગણીઓમાંથી પ્રગટ થતું કાવ્ય-સર્જન પણ સહજ હોય છે. આવું જ કંઈક મારા જીવનમાં પણ બન્યું છે અને બની રહ્યું છે, જેના કારણે કવિતાનું ઝરણું જ નહીં, પરંતુ કવિતાઓની બન્ને કાંઠે વહેતી નદીઓ જ ફૂટી નીકળી છે.

સ

ડેપ્યુટી ઇન્સપેક્ટર જનરલ (સસ્પેન્ડેડ) ડી. જી. વણજારાની ધરપકડ થયા પછી એમને કોર્ટમાં લઈ જતી વખતે. અત્યારે તેઓ સાબરમતી જેલમાં છે. એમનો કેસ હજુ ચાલે છે .

આજે તા. ૨૪-૪-૨૦૦૯ છે. આજથી બે વર્ષ પહેલાં આજના જ દિવસે એટલે કે તા.૨૪-૪-૨૦૦૭ના રોજ મારી ધરપકડ થયેલી, તે પહેલાં પણ મેં ઘણું કાવ્ય-સર્જન કરેલું છે. મારી ધરપકડ થયા બાદ તો મારી ભાવનાઓ વધુ તીવ્ર બનીને શબ્દ-દેહ ધારણ કરવા લાગી. મારા કારાવાસ દરમિયાન આજ સુધીમાં મેં લગભગ ૪૦૦ જેટલી કવિતાઓનું સર્જન કર્યું છે.પરંતુ આ કાવ્યોને પ્રકાશિત કરવાનું મેં ક્યારેય વિચાર્યું ન હતું. કાવ્ય-સર્જન બાબતે મારો ભાવ ‘સ્વાન્તઃ સુખાય તુલસી રઘુનાથગાથા’ એવો રહ્યો છે. પરંતુ જેલની સાપ્તાહિક ‘કૌટુંબિક મુલાકાતો’ દરમિયાન મારા પરિવારના સભ્યો સતત આગ્રહ કરવા લાગ્યા કે કવિતાઓની સાહિત્યિક ગુણવત્તા અને વિષય-વસ્તુ ઘણાં જ ઉત્તમ છે, માટે કવિતાઓને વિના વિલંબે છપાવવી જોઈએ. હું તેમને હૈયાધારણ આપતો હતો કે જેલમાંથી છૂટ્યા પછી છપાવીશું. પરંતુ જેલ-યોગ તો વધુ ને વધુ લંબાવા લાગ્યો એટલે અનિચ્છાએ પણ તેમના આગ્રહને વશ થઈને, કવિતાઓ છપાવવા માટે મારે સંમતિ આપવી પડી.

હું જેલમાં હોઉં અને બહાર કવિતાઓનું પ્રકાશન થઈ જાય, તે અશક્ય નહીં તો મુશ્કેલ તો જરૂર હતું જ. પ્રકાશનકાર્યમાં ઘણી અટપટી પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડતું હોય છે અને ઘણી સમય-સાધના કરવી પડતી હોય છે. મારા પ્રત્યેના પ્રગાઢ આદર-ભાવને કારણે મારા પરિવારના સભ્યોએ આ બીડું ઝડપી લીધું. જેના કારણે આજે એક નહીં પરંતુ બે બે કાવ્ય-સંગ્રહો એકસાથે પ્રકાશિત થઈ રહ્યા છે. હું જાણું છું કે એક હાથનું કામ બીજો હાથ કરે તો બન્ને હાથ એક્બીજાનો ઋણસ્વીકાર કરવાની વિધિમાં નથી ઊતરતા, છતાં પણ આવા ભગીરથ કાર્યને ઘણા જ ટૂંકા ગાળામાં સફળ બનાવનાર મારા પરિવારજનોનો સાધોભાવ અને ધન્યવાદ કરતાં, આજે હું અત્યંત આનંદની લાગણી અનુભવી રહ્યો છું.

સ

હું જેલમાં હોઉં અને બહાર કવિતાઓનું પ્રકાશન થઈ જાય, તે અશક્ય નહીં તો મુશ્કેલ તો જરૂર હતું: વણજારા

મારા બે ભાઈઓ (૧) કાળુજી તથા (૨) વનરાજસિંહ, મારા જીવનના અત્યંત કપરા કાળ દરમિયાન મારી ઢાલ અને તલવાર બનીને મારી આજુબાજુ રહ્યા છે. હું જેલમાં હોઉં કે બહાર હોઉં તેઓ હંમેશા મારા પડછાયાની માફક મારી સાથે રહ્યા છે. પડછાયો તો ફક્ત દિવસે જ સાથે રહેતો હોય છે અને રાત્રે સાથ છોડી દેતો હોય છે, પરંતુ મારા ભાઈઓ એવા પડછાયાઓનું જ્વલંત ઉદાહરણ છે જે રાત હોય કે દિવસ ક્યારેય મારો સાથ છોડતા નથી. કાવ્ય-સંગ્રહો ત્વરિત પ્રકાશિત કરાવવાની મૂળ પ્રેરણા આપવામાં તેમજ હાથમાં લીધેલું કામ ઝડપથી પૂરું કરાવવામાં તેમનું મોટું યોગદાન છે. તે માટે મારા બન્ને ભાઈઓ મારા હાર્દિક ધન્યવાદના અધિકારી છે.

શરૂઆતના તબક્કે હું એવું માનીને ચાલતો હતો કે કારાવાસ દરમિયાન લખાયેલી બધી જ કવિતાઓ પૈકી જે છપાવવા જેવી હતી, તેવી લગભગ ૩૦૦ જેટલી કવિતાઓનો એક જ કાવ્ય-સંગ્રહ બહાર પાડવો. પરંતુ આ સંદર્ભે મારા જ્યેષ્ઠ પુત્ર અર્જુનસિંહએ અત્યંત મહત્વનો ફેરફાર સૂચવ્યો. તેના કહ્યા પ્રમાણે એક જ કાવ્ય-સંગ્રહ છપાવવાના સ્થાને કવિતાઓને વિષય-વસ્તુ પ્રમાણે, બે સરખા ભાગમાં વહેંચી અલગ અલગ બે કાવ્ય-સંગહો છપાવવાનું નક્કી કરવામાં આવ્યું. તદ્‍ અનુસાર આધ્યાત્મિક ઉત્થાન અને અંતર-યાત્રાના સંકેતો આપતી ૧૪૫ કવિતાઓનો એક કાવ્ય-સંગ્રહ ‘વિજયપંથ’ના નામે પ્રકાશિત કરવામાં આવ્યો. જ્યારે દેશભક્તિ અને વીરરસથી છલકતી બીજી ૧૪૫ કવિતાઓનો બીજો કાવ્યસંગ્રહ ‘સિંહગર્જના’ના નામે પ્રકાશિત કરવામાં આવ્યો. આવું અત્યંત સમજદારીયુક્ત સૂચન કરી કવિતાઓનું બે ભાગમાં વર્ગીકરણ કરી-કરાવી હસ્તલિખિત પ્રતો પ્રેસ સુધી પહોંચાડી આગળનું કામ સરળ કરવા બદલ મારો પુત્ર ચિ. અર્જુનસિંહ મારા ઘણા જ ધન્યવાદને પાત્ર છે.

સમગ્ર મામલો  પ્રેસ સુધી પહોંચ્યો એટલે આગળનું ધમધોકાર કામકાજ મારા અનુજ પુત્ર પૃથ્વિરાજસિંહએ ઉપાડી લીધું. તે એક બાજુ પ્રકાશક અને વ્યવસ્થાપકશ્રીના સંપર્કમાં રહી ત્રણ ત્રણ વખત પ્રૂફરીડિંગ કરાવી, દરેક વખતે તેની મારાથી ખરાઈ કરાવી, ભાષા-વ્યાકરણ-જોડણીની દ્રષ્ટિએ બન્ને કાવ્ય-સંગ્રહોને લગભગ ક્ષતિરહિત બનાવવામાં તેનો અમૂલ્ય ફાળો છે. જે બદલ હું મારા પુત્ર ચિ. પૃથ્વિરાજસિંહની પીઠ થબથબાવીને અત્યંત રોમાંચ અનુભવી રહ્યો છું.

જે અગરબત્તીની માફક પોતે અવિરત સળગતી રહીને મારા જીવનપથને સફળ અને સુગંધિત બનાવવા ચૂપચાપ કાર્યરત રહેતી હોય છે, અને તેમ કરી મારી યશ-કલગીઓમાં સદૈવ વધારો કરતી રહેતી હોય છે, તેવી મારી ધર્મપત્ની શ્રીમતિ ગૌરીદેવીનું પણ તેણીના સક્રિય યોગદાન બદલ સહર્ષ અભિવાદન કરું છું. તેમજ મારી કવિતાઓના આદિ, મધ્ય અને અંતમાં જેની હયાતિના હસ્તાક્ષરો વર્તાતા હોય છે, તેવી સર્જનશક્તિના પર્યાય જેવી મારી હ્રદય-રંભાને અત્રે યાદ કરવાનું ભૂલી જાઉં, તો હું નુગરો કહેવાઉં. આ પ્રસંગે હું તેનું પણ તેના પ્રચ્છન્ન છતાં જીવંત યોગદાન બદલ હાર્દિક અભિવાદન કરું છું.

આ તબક્કે નવરત્ન એન્ટરપ્રાઈઝના શ્રી કૃણાલભાઈ એમ. શાહનો મારે ખાસ આભાર વ્યક્ત કરવાનો છે. મારા જેલમાં હોવાને કારણે હું તેમને જઈને મળી શકું નહીં તે સ્વાભાવિક છે. જેથી મેં તેમને જ્યારે જ્યારે યાદ કર્યા ત્યારે ત્યારે અત્યંત વ્યસ્ત રહેતાં હોવા છતાં પણ બહુ જ પ્રેમપૂર્વક મને સામેથી મળી જવામાં તેમણે ક્યારેય સંકોચ અનુભવ્યો નથી. અને તેમ કરી એક સાથે બે બે પુસ્તક-પ્રકાશનનું કામ સરળ બનાવી દેવા બદલ હું શ્રી કૃણાલભાઈ શાહને ખાસ અભિનંદન આપું છું અને તેમનો ઋણસ્વીકાર કરું છું. આ તબક્કે બન્ને કાવ્ય-સંગ્રહોના પ્રૂફરીડર સુશ્રી શીતલબહેન ભાવસાર, કોમ્પ્યુટર કામ કરનાર ફાગુન ગ્રાફિક્સના શ્રી મહેન્દ્રભાઈ પંડ્યા અને મારી સાથેના સંપર્ક-સૂત્રો જીવંત રાખનાર શ્રી દક્ષેશભાઈ મહેતાને પણ ધન્યવાદ આપું છું અને તેમનો સહુનો અંગત ઋણસ્વીકાર કરું છું.

અત્રે એ નોંધવું જરૂરી છે કે ‘વિજયપંથ’ કાવ્યસંગ્રહમાં છપાયેલી કુલ ૧૪૫ કવિતાઓ પૈકીની બે કવિતાઓ કે જેમના શીર્ષક્ની બાજુમાં તારા(*)નું નિશાન કરેલું છે, તે કવિતાઓ જેલમાં આવ્યા પહેલાં લખેલી છે, પરંતુ વિષય-વસ્તુ સાથે સુસંગત હોઈ તેમનો આ સંગ્રહમાં સમાવેશ કર્યો છે. બાકીની ૧૪૩ કવિતાઓ કારાવાસ દરમિયાનનું સર્જન છે. અને ‘સિંહગર્જના’ કાવ્યસંગ્રહમાં છપાયેલી કુલ ૧૪૫ કવિતાઓ પૈકીની ૧૨ કવિતાઓ કે જેમના શીર્ષક્ની બાજુમાં તારા(*)નું નિશાન કરેલું છે, તે કવિતાઓ જેલમાં આવ્યા પહેલાં લખેલી છે, બાકીની ૧૩૩ કવિતાઓ કારાવાસ દરમિયાનનું સર્જન છે.

અને અંતે… જેમની ‘કૃપા’થી મારા જીવનમાં ‘સમતાનો સૂરજ’ઊગ્યો છે અને જીવનનાં તમામ ઝંઝાવાતોનો પ્રસન્નવદને સામનો કરવા જેમણે મને સક્ષમ બનાવ્યો છે, અને મારાં આ બન્ને કાવ્ય-સંગ્રહો  તે ક્ષમતાના પ્રગટ પુરાવાઓ સિવાય બીજું કાંઈ જ નથી, તેવા મારા સદ્‍ગુરુનું પાવન સ્મરણ કરી તેઓશ્રીની જ પરમ-સ્મૃતિમાં વિરમું છું.

-ડી.જી. વણજારા

I.P.S

સ

દેશપ્રેમી વણજારા: સરદાર પટેલના માર્ગે આગળ વધવા જનારાને સાબરમતી જેલમાં સરદાર રહ્યા હતા તે ખોલીમાં કારાવાસ વેઠવો પડે છે.

હાલનું સરનામું:

સરદાર યાર્ડ, ખોલી નં. ૧,

સાબરમતી મધ્યસ્થ જેલ,

અમદાવાદ, ગુજરાત રાજ્ય

તા. ૨૪-૪-૨૦૦૯

(‘સિંહગર્જના’ અને ‘વિજયપંથ’: ડી.જી. વણજારા [કાવ્યસંગ્રહ]; પ્રકાશક: કૃણાલ એમ. શાહ, નવરત્ન એન્ટરપ્રાઇઝ, અમદાવાદ. પ્રથમ આવ્રુત્તિ: ૨૦૦૯; પાનાં ૧૭૮ અને ૧૪૮-ડેમી સાઇઝ; કિંમત:રૂ.૨૦૦ અને રૂ. ૧૫૦)

આ લેખ તમને ગમ્યો ? તો ’બુકસૌરભ’ વિભાગમાં અન્ય પુસ્તક પરિચય પણ તમને ગમશે.

8 comments for “વણજારાનાં જેલકાવ્યો

 1. અલકેશ પટેલ
  July 1, 2009 at 11:30 PM

  એક બાહોશ પોલીસ અધિકારીની વાત આ રીતે બ્લોગમાં મૂકી તે સારું જ કર્યું, સૌરભભાઈ. બાકી તો પેલા લઘુમતીવાદી (અંગ્રેજી) છાપાંઓને તો હિન્દુત્વ શબ્દ પણ ભૂલેચૂકે બોલનાર કોઈ હિન્દુ રાષ્ટ્રપ્રેમીની આવી ઊજળી બાજુ વિશે અહેવાલ આપવામાં પણ એમનું કોમવાદી સેક્યુલારિઝમ નડે છે.

 2. Envy
  July 2, 2009 at 9:30 AM

  Thnx Saurabhbhai,
  It is tragedy that the terrorist who kills common people, if brought to court gets support of press and NGOs to save his skin but, if that terrorist is killed in encounter(why we think true or fack?)the police is labelled killer and press spits on him!sic.
  India will never learn from America, Europe or Israil, as how to deal with terrorism and save nation.
  Kudos to Vanzaraji and best wishes for him to win the case in the future.

 3. July 3, 2009 at 6:25 PM

  વહ દિન હવા હુએ કિ પસીના ગુલાબ થા,
  અબ ઈત્ર ભી મલો તો પસીને મેં બૂ નહિ !

  અલબત્ત, આ પંક્તિ વણઝારાને લાગુ પડે કે ગુજરાતી કવિતાવિશ્વને એ હું નક્કી કરી શકતો નથી..!

 4. Bharat Patel
  November 9, 2009 at 10:08 PM

  Dear Surabhbbhai,
  Earlier also I read article on Respected D.G.Vanzara Sir interviewed by Shree Gunvant Shah. It is so depressed sitution in our great country that who defend this society getting jail and who make our country hell getting bail. I thanking you sir on behalf of all reader of your blog giving such article. We also expect many more like this one.
  And one my personel wish : If I am a police officer, I want to be like D.G Vanzara, Chief – Anti terrorist Squad, Gujarat Police

 5. September 13, 2010 at 3:37 PM

  ભાઈ,
  મેં કાલે એક લેખ મુકેલો”પાપ તારું પરકાશ જાડેજા”.એમાં વણઝારા સાહેબ ને યાદ કરેલા છે.મેં જેસલ તોરલ ની વાત ઉપર લેખ મુકેલો છે કે જેસલ જાડેજા એ ૧૪૦ વરરાજા મરેલા,લાખો હરણ મરેલા,મોરલા મરેલા છતાં એક તોળી રાની પાપ તારું પરકાસ કહીને એની નાવડી ડૂબતી બચાવી લે તો કર્મ નો નિયમ ક્યા ગયો?ખરાબ કર્મો નાં ફળ ખાલી કહી દેવાથી જેસલ ને પીર બનાવી દેતા હોય તો કર્મ નાં નિયમ ની વાતો કરાવી નકામી છે.એમાં મેં લખેલું કે આ ત્રાસવાદી ઓ માણસો છે એમને સુધારો અને એમણે જે હજારો લોકો ને મારી નાખ્યા તે તુચ્છ આત્માઓ ગયા ભાડ માં.વણઝારા સાહેબે તોરલ રાણી ની જેમ સોરાબુદ્દીન ને મારવાને બદલે પાપ તારું પરકાસ કર્યું હોત તો બંને પીર થઇ ને પૂજાત.હવે એમને સજા થવાની,તુચ્છ આત્મા.ઉપર દિલ્હી માં તોરલ રાણી બેઠી છે,એ હવે વણજારા સાહેબ ને સજા કરાવશે.ગુજરાત નો વિકાસ ખમાતો નથી.ગુજરાત પોલીસે માફિયા અને ત્રાસવાદી ઓ ને ફાવવા દીધા નથી.આતો પોલીસ નું મોરલ તોડવાની વાત છે.ફરી કોઈ પોલીસવાળો પોતાની લાઈફ નું બલિદાન અહીં આપે.ભાઈ શ્રી સુબોધ શાહે એક પુસ્તક અંગ્રેજીમાં લખ્યું છે “culture can kill”.If possible read it.

 6. DRKULBHUSHANPATEL
  November 2, 2010 at 8:07 PM

  sir,I myself has pleasure of meeting with this officer frequently and irrespective of their alleged role in so called fake encounter case I respect their morale courage as well as their conviction in whatever they believe,so I offer my salute herewith,jay garavi gujarat,vande gujarat.

 7. arunkumar sadhu
  September 7, 2011 at 11:24 PM

  tamaro aa blog dambhi patrkaro na gale sansanto tamacho 6.

 8. abhigam mori
  September 15, 2013 at 8:47 PM

  સૌહરાબુદીનને માર્યો બરાબર છે, પણ નિર્દોષ કૌશરબી ને કેમ? હિન્દુઓ જો આટલા ક્રૂર હોત તો વિદેશીઓ અને વિધર્મીઓ આ દેશમાં આવી ન શકત. ક્રૂરતા અને વીરતામાં ફેર છે, માટે પૃથ્વીરાજ ચૌહાણો હારતા ગયા અને માર્યા ગયા હતા…..જયભારત!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *