ફરિયાદ: જ્યાં કરવાની છે ત્યાં થતી નથી

ફરિયાદ : જ્યાં કરવાની છે ત્યાં થતી નથી અને જ્યાં નથી કરવાની ત્યાં થતી રહે છે

વાતવાતમાં ફરિયાદ કરીને પોતે સંપૂર્ણતાના કેટલા મોટા આગ્રહી છે એવું સ્થાપવાનો મોહ ઘણા લોકોને હોય છે.

એક જમાનામાં મલેશિયાના કુઆલાલમ્પુર શહેરમા રમાતી કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેવા ગયેલી ભારતીય ટીમને  ત્યાં રહેવાની ખૂબ અગવડ પડી હતી. ફાઈવસ્ટાર સગવડોથી ટેવાઈ ચૂકેલા આપણા સચિન તેન્ડુલકર ઇત્યાદિ ટોચના ક્રિકેટરોએ એક રૂમમાં પાંચ જણ સાથે રહેવું પડ્યું હતુ. રૂમમાં નાસ્તા કે જમવાનું મળતું નહોતું. એ માટે નીચે ડાઈનિંગ હૉલમાં જવું પડતું હતું. એટલું ઓછું હોય એમ એમણે પોતાનાં કપડાં જાતે જ વૉશિંગ મશીનમાં નાખીને ધોવા પડતા હતાં. આ બધી અગવડો હોવા છતાં અખબારી સંવાદદાતાઓ એમના મોઢામાં આંગળા નાખીને આયોજકો વિરુદ્ધ ફરિયાદના બે શબ્દો બોલાવવા ઈચ્છે છે ત્યારે ક્રિકેટરો કહે છે : આ કંઈ તકલીફો ન કહેવાય. બધા ખલાડીઓ રહે છે એમ અમે રહીએ છીએ. અત્યારે અમે અમારા દેશ વતી રમવા આવ્યા છીએ. ફાઈવસ્ટાર સગવડો માણવાની આશાએ કૉમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહ્યા નથી. ઝમકદાર અહેવાલની આશાએ ક્રિકેટરોની પાસે જતા પત્રકારોના ફુગ્ગામાંથી હવા નીકળી જાય છે.

ફરિયાદ કરવી કે ન કરવી એ માણસના પોતાના હાથમાં છે. માણસ ધારે તો પાણીમાંથીય પોરા કાઢે. મોટાભાગે આંગણા માટેની ફરિયાદ ત્યારે જ થતી હોય છે જ્યારે નૃત્ય કરવાની નિપુણતા ન આવી હોય. સગવડો સાપેક્ષ છે. બે રૂપિયાની બોલપેન વડે, છપાયેલા કાગળની પાછલી કોરી બાજુ પર રેલવેની ભીડમાં ભીંસાઈને લખાયેલી કૃતિ ઉત્તમોત્તમ હોઈ શકે છે. ઍરકંડિશન્ડ કમરામાં તમામ આધુનિક સગવડો ઉપરાંત મોંઘામાં મોંઘા સફેદ કાગળ અને મૉં બ્લાં ફાઉન્ટનપેનનું સૌથી કિમતી મોડેલ તમારી સામે મૂક્યું હોય છતાં તમારામાં સર્જનાત્મક ચેતના ન હોય તો તમે ફરિયાદ કરી શકો કે આ ઍરકંડિશનર ખૂબ અવાજ કરે છે, આજે નહીં લખાય.

ફરિયાદ કરવાની માનસિકતા કેટલાક લોકોમાં જન્મજાત હોય છે. ફાઈવસ્ટાર હોટેલની કૉફી શોપમાં જઈને તેઓ ખાવાની વાનગીમાં જણાતી ખામીઓ વિશે ફરિયાદ શરુ કરી દેશે. રેલવેની કૅન્ટીનના સુપરવાઈઝરને તતડાવતા હોય એ રીતે પંચતારકના સ્ટુઅર્ડને ખખડાવી નાખશે. ભલા આદમીને ખબર નથી હોતી કે આ પ્રકારની જગ્યામાં માત્ર વાતાવરણ માટે આવવાનું હોય, નિરાંતે ગપ્પાંબાજી કરવા આવવાનું હોય. ફરિયાદ કરીને કે કચકચ કરીને તમે તમારો ઓર્ડર ફરીથી મગાવીને કદાચ બહેતર રીતે તૈયાર થયેલી વાનગી મેળવી શકશો. પણ આ પ્રક્રિયામાં તમારો મૂડ બદતર થતો જવાનો. જે વાતાવરણ માટે તમે તમારી પસીનાની કમાઈ ખર્ચી રહ્યા છો એ વાતાવરણ જ તમારા હાથમાંથી સરકી જવાનું.

વાતવાતમાં ફરિયાદ કરવાથી પોતે સંપૂર્ણતાનો કેટલો આગ્રહ રાખે છે એવું સ્થપાઈ જશે એ પ્રકારનો વહેમ ઘણા લોકોને હોય છે. વાતવાતમાં વાંકુ પાડવું કે સ્વભાવે જ વાંકદેખા હોવું આ બધાં લક્ષણોના મૂળમાં વારંવાર ફરિયાદ કરવાની આદત હોય છે. કશુંક સરસ વાંચવા, જોવા, સાંભળવા, આરોગવા, અનુભવવા મળ્યું હોય ત્યારે પણ એમના મોઢામાંથી અચૂક આમાનું એકાદ વાક્ય નીકળવાનું : હા, પણ પુસ્તકનું મુખપૃષ્ઠ બહુ સારું નહોતું. અથવા, ફિલ્મનું બિગિનિંગ જરા ધીમું હતું. અથવા, આખી કેસેટમાં ફલાણું ગીત નકામું છે. અથવા જમ્યા પછીની કુલ્ફી જરા વધુ કડક હતી. અથવા, આવું કંઈ પણ. આ પ્રકારની ફરિયાદ કરતી વખતે આપણે ભૂલી જઈએ છીએ કે જે બાબત વિશે આપણે ફરિયાદ કરી રહ્યા છીએ એ બાબતનું એકંદરે તદ્દન ગૌણ મહત્વ છે. પુસ્તક તમને ખૂબ ગમી ગયું અને એનું મુખપૃષ્ઠ નબળું છે જ, પણ એ વિશે ફરિયાદ પ્રગટ કરીને આપણે આપણી જ મઝા બગાડી નાખતા હોઈએ છીએ. એકંદરે ખૂબ જ સંતોષકારક ડિનર લીધા પછી ડિઝર્ટમાં કશુંક વત્તું ઓછું હોવાથી સમગ્ર ભોજનની મઝા શા માટે બગાડી નાખવી. કૅસેટનાં એકાદ બે ગીત ન ગમ્યાં હોય પણ બાકીનાં ગીતો  દિલમાં વસી ગયાં હોય તો મહત્વ શેનું વધારે આંકવાનું.

આવી ફરિયાદો કરીને આપણે પોતાની જાતને બીજાઓ કરતાં ઊંચી પાયરીએ મૂકવાની કોશિશ કરીએ છીએ. મને ખબર છે કે આના કરતાં કશુંક વધુ સારું હોઈ શકે છે- એવી જાણકારી પ્રગટ કરીને ફરિયાદ કરતી વખતે આપણે જેની ટીકા કરીએ છીએ એમના કરતાં વધુ આવડતવાળા છીએ એવો અહમ્ પોષવા માગીએ છીએ. અમુક વસ્તુ વિના મને ચાલે જ નહીં કે મારો ટેસ્ટ કેટલો ઊંચો છે એવું જણાવવાના મોહમાં ફરિયાદ કરવાની ટેવ આપણને પડી જાય છે. વખત જતાં આપણા વર્તુળમાં આપણો સ્વભાવ કચકચિયો છે એવી ખ્યાતિ ફેલાઈ જાય છે.

ફરિયાદની બાબતમાં આપણી સૌથી મોટી મુસીબત એ છે કે જ્યાં કરવાની જરૂર છે ત્યાં કરતા નથી. એવો ટાઈમ જ કોને છે, એવું કહીને છટકી જઈએ છીએ. અથવા તો, આપણી ફરિયાદથી ક્યાં કશું સુધરવાનું છે એવો નિ:સાસો નાખીને હાથ પર હાથ જોડી બેસી રહીએ છીએ. શાસન, વહિવટી તંત્ર, લિમિટેડ કંપનીઓનાં ઉત્પાદનો, જાહેર સેવાઓ ઈત્યાદિ સાથેના સંપર્ક દરમિયાન અસંતોષ ઊભો થાય ત્યારે ગ્રાહક અદાલત નામે કન્ઝુમર કોર્ટમાં જવાનો કે લાગતાવળગતા ઉપરી અધિકારીઓને ફરિયાદ કરવાનો વિકલ્પ દરેક સામાન્ય નાગરિક પાસે ખુલ્લો હોય છે. આમ છતાં, જાતઅનુભવ વિના, બીજા કોઈકના કિસ્સાને ટાંકીને નવ્વાણું ટકા લોકો કહેવાના : અમારી ફરિયાદ બહેરા કાને જ અથડાવાની, સમય બગાડીને શો ફાયદો. આવા લોકોને કુલફી કડક હોવાની ફરિયાદ કરતી વખતે જ સમયનો સદુપયોગ થઈ રહ્યો છે એવું લાગે છે.

આ લેખ તમને ગમ્યો ? તો ’બેસ્ટ ઓફ સૌરભ શાહ’ વિભાગના બીજા લેખો પણ તમને ગમશે.

(આ લેખ ‘ગુડ મોર્નિંગ’ કોલમ માટે લખાયો અને ‘સ્વભાવનું મેનેજમેન્ટ: છીએ એના કરતાં થોડા ઓછા દુ:ખી  થવાની કળા’ પુસ્તકમાં પ્રગટ થયો .)

5 comments for “ફરિયાદ: જ્યાં કરવાની છે ત્યાં થતી નથી

 1. July 1, 2009 at 2:01 PM

  Ekdum sachi vat che !!

 2. Florence
  July 2, 2009 at 11:10 AM

  પતિ નો ત્રાસ હોય અને ફરિયાદ પાડોશીને, એનાથી ના તો વાતોનો, ના તો ફરિયાદોનો અન્ત આવે છે, કારણ એનાથી સમસ્યાઓનો અન્ત નથી આવતો, ચાલો ઘણા વર્ષો જૂની એક સમસ્યાનો ઊકેલ આજે મળી ગયો. તમારા આ વાક્ય થી સમજો જિંદગીની સમસ્યાઓનો ઉકેલ મળી ગયો. વાંચીને એવુ લાગ્યું, જાણે બન્ધ બેસતું માપ આવી ગયું. આભાર.

 3. deepak
  July 2, 2009 at 5:34 PM

  dear saurabhbhai
  tren k bas ni taklif pade tiyre bajuwalne fariyad karvathi kai nathi valvanu te mate st. master k depoma lagta valgta ne karvai hoy, pan teni palojan ma koi ne padvu gamto nathi. hu apvad 6u ane bija pan hasej pan vadhu loko joday tevi it6a rakhu 6u.

 4. July 3, 2009 at 11:58 PM

  સાવ સાચી વાત કહો છો. ઇનફેક્ટ, કેટલાક વિચારોને તમે દિશા આપો છો. જ્યાં ઇઝી લાગે ત્યાં જ લોકો ફરિયાદ કરે છે બાકી કોઇ ગંદકીમાં હાથ બગાડતું નથી.

 5. August 13, 2015 at 5:06 PM

  May be we are having born habit of complaining…however it is true, as you said above it should extended to all verticals of our daily routine…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *