અંગ્રેજી અખબારી આલમની વિશ્વસનીયતા

’૯૨ની અયોધ્યા ઘટના પછીનું પ્રથમ સપ્તાહ અંગ્રેજી અખબારી આલમની વિશ્વસનીયતાની દ્રષ્ટિએ અત્યંત કંગાળ રહ્યું હતું

(આ લેખ “સમકાલીન’માં ૬ જાન્યુઆરી ૧૯૯૩એ શરૂ થયેલી મારી ૭ લેખોની લેખમાળા ‘અયોધ્યા પછીના ૩૧ દિવસ’નો ત્રીજો લેખ છે. આવતા  દિવસોમાં આ  લેખમાળાના લેખો ‘વિચારધારા આર્કાઇવ્ઝ’ હેઠળ પોસ્ટ કરવાનો વિચાર છે. લેખો ક્યાંક અપડેટ પણ કર્યા છે.)


ડૅવિડ સાર્નોફ નામના એક બ્રિટિશ પ્રકાશક તથા અખબારમાલિકની એક ઉક્તિ ખૂબ જાણીતી છે : અખબારના માલિકોનું કામ પ્લમ્બરની જેમ પાઈપલાઈન ફીટ કરી આપવાનું છે. આ પાઈપમાંથી શું વહેશે તે નક્કી કરવાની જવાબદારી તંત્રીઓની છે.

૬ ડિસેમ્બર ’૯૨ના રોજ અયોધ્યામાં સર્જાયેલી ઘટના પછી દેશભરના તંત્રીઓ પાસે બે વિકલ્પો હતા. એક, ખાળમાં વહી જનારું દૂષિત જળ વહેવડાવવું અને બે, શુદ્ધ ગંગાજળ વહેવડાવવું. સ્વાભાવિકપણે જ કોઈ તંત્રી કબૂલ નહીં કરે કે પોતે અયોધ્યાની બાબતમાં શુદ્ધ ગંગાજળ સિવાયનું બીજું કોઈક પ્રવાહી વહેવડાવ્યું છે.

જોકે, પ્રવાહી વિશે અભિપ્રાય આપવાનું કામ તંત્રીઓએ નહીં, પત્રકારોએ નહીં, પણ વાચકોએ પોતે કરવાનું હોય છે અને એ પણ ખૂબ બોલકા એવા આંગળીને વેઢે ગણાય એવા વાચકોએ નહીં, મૂક રહેવા છતાં બધું જ સમજતા બહોળી સંખ્યાના વાચકવર્ગે.  અયોધ્યા વખતે આ મૂક અને જેન્યુઇન વાચકોએ કામ બખૂબી કર્યું.

પરંપરાગત અભિવ્યક્તિરૂપે કહેવાતું આવ્યું છે કે અખબારો સમાજનો અરીસો છે. સમાજ જેવો છે એવો જ અખબારોમાં પ્રતિબિંબિત થાય છે. અયોધ્યાની બાબતમાં રાષ્ટ્રના પ્રમુખ અખબારોએ શું સમાજના અરીસાની ભૂમિકા ભજવી હતી? બહુમતી ભારતીય જનસમૂહે અયોધ્યાની ઘટના પછી જે સંવેદનો અનુભવ્યા તે સંવેદનોનો પડઘો શું આ અખબારોએ પાડ્યો ખરો? જરા તપાસીએ.

’૯૨ ની અયોધ્યાની ઘટના પછીનું પ્રથમ સપ્તાહ અંગ્રેજી અખબારી આલમની વિશ્વસનીયતાની દ્રષ્ટિએ અત્યંત કંગાળ રહ્યું હતું. વાચકોની લાગણી પર અંગ્રેજી તંત્રીઓની જુઠ્ઠી બિનસાંપ્રદાયિકતાનું બુલડોઝર ફરી વળ્યું હતું. પત્રકારો અને ફોટોગ્રાફરોને અયોધ્યામાં માર મારીને અધમૂઆ કરી નાખવામાં આવ્યા એ બનાવને કેટલાંક અખબારોએ વધુ પડતો ચગાવ્યો ત્યારે એક સેક્યુલર અંગ્રેજી તંત્રીએ નોંધ્યું : ‘પત્રકારો અયોધ્યા ગયા ત્યારે એમણે આવાં જોખમોની તૈયારી રાખવાની જ હોય. એમને ખબર હોવી જોઈએ કે પોતે એક મહત્વની રાષ્ટ્રીય ઘટનાનું રિપોર્ટિંગ કરવા જઈ રહ્યા છે, નહીં કે રોટરી ક્લબની કોઈ મીટિંગનું.’

તંત્રીની વાત સો ટકા સાચી હતી.  અનેક પત્રકારોએ ચૂપચાપ નુકસાન સહન કર્યું પણ ખરું. એક ગુજરાતી દૈનિકના અમદાવાદ સ્થિત હોનહાર પ્રેસફોટોગ્રાફર પણ અયોધ્યામાં કારસેવકોને હાથે પોતાના કીમતી કૅમેરા તથા અન્ય સાધનો ગુમાવીને આવ્યા હતા. છતાં એમણે પોતાના અખબારમાં લખેલા ફર્સ્ટહેન્ડ અનુભવના રસપ્રદ લેખમાં ક્યાંય આ વિશે કકળાટ કર્યો નહીં. આની સામે ‘બિઝનેસ ઇન્ડિયા’ પાક્ષિકની પત્રકાર રુચિરા ગુપ્તા અયોધ્યાથી માર ખાઈને પાછી આવી અને પ્રેસ કૉન્ફરન્સ ભરીને એણે રડારોળ કરી મૂકી. આ પ્રેસ કૉન્ફરન્સના રિપોર્ટ છપાયા ત્યારે એક વાચકે પૂછ્યું, ‘બહેન, તારે ત્યાં જવાની શી જરૂર હતી?’ સેક્યુલર અંગ્રેજી તંત્રીઓએ રુચિરા ગુપ્તા જેવા પત્રકારોનો પક્ષ લીધો, જે એમના સ્વભાવ પ્રમાણે સાહજિક હતું.

મુંબઈની વાત કરીએ તો નિખિલ વાગળે એક અત્યંત પ્રતિભાશાળી અને તરુણ મરાઠી પત્રકાર છે. શિવ સેનાની જોહુકમી સામે એમણે પોતાની માલિકીના મરાઠી સાંધ્ય દૈનિક ‘ આપાલં (આપણું )મહાનગર’માં બાંયો ચડાવીને લખ્યું ત્યારે બાળ ઠાકરેના શિવ સૈનિકોએ એમની ઑફિસ ખેદાન મેદાન કરી નાખી હતી. નિખિલ વાગળેની  હિન્દુ વિરોધી અને મુસ્લિમ તરફી ગણાયેલી બિનસાંપ્રદાયિકતાવાદી નીતિ અનેક હિન્દુત્વપ્રેમી વાચકોને ગળે ઊતરી નહીં. અયોધ્યાની ઘટના પછી મહાનગરમાં છપાયેલા તંત્રીલેખો તથા અન્ય લેખોને કારણે ઉશ્કેરાયેલા હિન્દુ વાચકો વિશે કોઈકે અફવા ઉડાવી કે મહાનગરની ઑફિસને આગ ચાંપવામાં આવી છે. આ અફવા ઊડી હતી ૯મી ડિસે. ’૯૨ના રોજ, જે દિવસે મુંબઈ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. બીજા દિવસે, ૧૦ ડિસે. ’૯૨ નિખિલ વાગળેના ‘મહાનગર’ના પહેલા પાને એક બૉક્સ આઇટેમ પ્રગટ થઈ, જેમાં વાગળેની નવી જ દુનિયા પ્રગટ થઈ : ‘કાલે ‘મહાનગર’ની ઑફિસને આગ લાગવાની અફવા પ્રસરી હતી. અનેક વાચકોએ ફોન કરીને આ વિશે પૃચ્છા કરી. અમારા હિતચિંતકોએ સહૃદયથી વ્યક્ત કરેલી આ ચિંતાના ઉત્તરરૂપે કહેવાનું કે ‘મહાનગર’ અને એના તમામ સ્ટાફસભ્યો સુખરૂપ છે.’ (હવે વાંચો) ‘કાલે સ્થાનિક શિવસૈનિકોએ ‘મહાનગર’ને જે સાથ સહકાર આપ્યો છે તે બદલ અમે એમના આભારી છીએ.’

આ છેલ્લા વાક્યનો અર્થ સ્વયંસ્પષ્ટ હતો. સિવાય કે પાછળથી ફેરવીતોળીને વાગળેએ એનો વેગળો અર્થ તારવ્યો હોય. આ કોણ ગાઈ રહ્યું છે કે મેરા કાતિલ હી મેરા મસિહા હૈ!

આ લેખ તમને ગમ્યો? તો તમને ’વિચારધારા આર્કાઇવ્ઝ’ના અન્ય લેખો વાંચવા ગમશે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *