મૌનની મહેફિલ (ગઝલ તથા કાવ્યો)

ડાઘ ક્યાંથી આટલા લાગી ગયા, જિંદગી હમણાં જ મેં રંગી હતી

મૌનની મહેફિલ (ગઝલ તથા કાવ્યો): હર્ષ બ્રહ્મભટ્ટ

પ્રકાશક: જયેશ પી. શાહ, નવભારત સાહિત્ય મંદિર, ૨૦૨-પેલિકન હાઉસ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, આશ્રમ રોડ, અમદાવાદ ૩૮૦ ૦૦૯, ફોન ૦૭૯-૨૬૫૮ ૩૭૮૭. Website: http://www.navbharatonline.com, email: info@navbharatonline.com

પ્રથમ આવૃત્તિ: એપ્રિલ, ૨૦૦૯, કિંમત: રૂ. ૧૫૦/-, સાઈઝ: ૧૭ x ૧૭ સે.મી.

હર્ષ બ્રહ્મભટ્ટ ચૂપચાપ પ્રવેશીને ભાવકના હ્રદયનો કબજો લઈ લેતા આ યુગના એક મેજર પોએટ છે. કોઈ હોહા વગરનું એમનું વ્યક્તિત્વ એમના સર્જન જેવું જ છે. ‘મૌનની મહેફિલ’ હર્ષમિજાજનો ત્રીજો કાવ્યસંગ્રહ છે. ત્રણ ગુજરાતી કાવ્યસંગ્રહો ઉપરાંત બે ઉર્દૂ દીવાન પણ હર્ષ બ્રહ્મભટ્ટ પાસેથી મળ્યાં છે.

ઋષિકવિ રાજેન્દ્ર શુક્લ પ્રસ્તાવનાઓ લખતા નથી. ‘મૌનની મહેફિલ’માટે કવિએ અપવાદ કર્યો છે. રાજેન્દ્ર શુક્લ લખે છે: ‘… ગઝલમાં, કવિતામાં બધું જ ન થાય અને બધું જ થાય. કોઈ પણ સ્વકીય અનુભૂતિને નિરૂપી શકાય પણ તે ગઝલની, કવિતાની શરતે; અને એ શરત બહુ આકરી છે.’

આ આકરી શરત પાળીને હર્ષ બ્રહ્મભટ્ટે ‘મૌનની મહેફિલ’ને સજાવી છે. સંગ્રહની પહેલી જ ગઝલથી કવિનો મિજાજ ટેઈક-ઓફ લઈ ઊંચી ઉડાન તરફ રવાના થાય છે. ‘બોલ્યો’ ગઝલ (પૃ.૩)નો મત્લા છે:

સુખ વિશે જયાં હેસિયતની બ્‍હાર બોલ્યો,
સ્વપ્ન જુએ છે? તરત અંધાર બોલ્યો.

અધૂરાં સપનાઓને દીવા સ્વપ્નો દ્વારા સાકાર કરવાના પ્રયત્નો કેટલા જલદી વાસ્તવિક્તાની ધરતી પર પટકાતા હોય છે? કદાચ સ્વભાવમાં વ્યવહારુપણું ઓછું હશે? કદાચ ક્યારેક થઈ ગયેલી ભૂલો નડતી હશે? કવિ કહે છે:

કેટલાં વરસો ગયાં એ ભૂંસવામાં,
ક્રોધમાં જે શબ્દ હું બે-ચાર બોલ્યો
.

પોતાની માની લીધેલી ભૂલો સ્વીકારતા કવિને ખબર છે કે વ્યવહારની દુનિયામાં કેવા શબ્દોની બોલબાલા છે:

ખૂબ ઊંડી છે કહી સહુએ વધાવી,
વાત મામૂલી અગર વગદાર બોલ્યો.

કવિને દુનિયાદારી શું છે તેની ખબર છે, વ્યવહાર અને વાસ્તવિકતાની ઓળખ છે. દુનિયાએ સ્વીકારેલો ધર્મ ક્યો છે તેની પણ જાણ છે પરંતુ એ ધર્મ તેઓ આચરી શકતા નથી. કારણ?

એક વેળા સાંભળ્યું મેં આતમાનું,
ત્યારથી વચ્ચે એ વારંવાર બોલ્યો.

અંતરાત્માના અવાજે પાડી આપેલી નોખી કેડી પર એક-એક ડગલું આગળ વધતા કવિ વિસામો લઈને વિચારે છે અને કહે છે (પૃ.૫):

જાત સુધીનું અંતર કાપી થાકી જઉં છું,
શ્વાસ, ગજું ને પગલાં માપી થાકી જઉં છું.

તમે કેમ છો? કઈ બાજુ?ની લવડદેવડ,
એ જ જવાબો આપી આપી થાકી જઉં છું.

દુનિયામાં સસ્તા લોકો તમા્રા કરતાં આગળ વધી જાય ત્યારે શું એ લોકોએ ગયા ભવે કરેલાં પુણ્યનું  એ પરિણામ હશે? તમારી નિષ્ઠાભરી દીર્ઘ સફર પછી આવી જતી પછડાટો શું તમારા ગયા જન્મના પાપનું પરિણામ હશે? ઈશ્વરમાંથી ઘડીભર આસ્થા ગુમાવી બેસો એવા તબક્કે જિંદગી આવીને ઊભી રહે છે ત્યારે કવિના શબ્દો પ્રગટે છે:

બધી ગણતરી, બધી માન્યતા ખોટી પડતી,
કોણ પુણ્યશાળી કે પાપી? થાકી જઉં છું.

ટકે શેર ભાજી અને ટકે શેર ખાજાની આ અંધેરી નગરીના ગંડુ રાજાઓના જમાનામાં કવિ માટે ટકી રહેવું મુશ્કેલ છે. આ બધાથી અલિપ્ત થઈ જવાથી, વિરક્ત બની જવાથી કદાચ કંઈક વાત બને(પૃ.૨૩):

છોડવું શું? અને પકડવું શું?
જાત સાથે સતત ઝઘડવું શું?

આ જ ગઝલમાં કવિ આગળ કહે છે:

ડુસકાંનીય ક્યાં રહી ત્રેવડ,
એકઠું બળ કરીને રડવું શું
?

અને આ ભાવ પરાકાષ્ઠાએ પહોંચે  છે ત્યારે એક જાનદાર મક્તા પ્રગટે છે:

જ્યાં ટકે શેર હર્ષ છે સઘળું,
ત્યાં સુધરવું અને બગડવું શું?

અણગમતી પરિસ્થિતિઓમાં હૂંફ આપવા જ ભગવાને મનગમતા મિત્રો બનાવ્યા છે. ‘મિત્રો’(પૃ.૩૩) ગઝલમાં હર્ષ બ્રહ્મભટ્ટ આવા મિત્રોને પોતાના મૌનની મહેફિલમાં બોલાવે છે કારણકે કવિ જાણે છે કે તાળીઓના ગડગડાટ કરતા અને ક્યા બાત હૈનો વરસાદ વરસાવતા મિત્રો કરતાં વધુ મૂલ્યવાન એ મિત્રો છે જેઓ મારા મૌનને સાંભળી શકે છે:

છે ઘડી ધન્ય, ધન્ય પળ મિત્રો,
આંખ છે સ્નેહથી સજળ મિત્રો.

સ્વર્ગ ઊતર્યું છે આજ ધરતી પર,
આભ જોતું ચકળવકળ મિત્રો.

હોય સદ્‍ભાગ્ય હર્ષ તો જ મળે,
ખૂબ સહેલાઈથી સરળ મિત્રો.

‘બારણું’(પૃ.૪૩) ગઝલમાંનાં આ બે શે’ર બ્લોગમિત્રોને જરૂર ગમી જવાના:

આ આપણી વચ્ચે ઉઘડતું બારણું,
કાં લાગતું ગઈ કાલનું સંભારણું.

ઇ-મેઈલ બ્લેન્ક મોકલું છું હું તને,
વાંચી શકે તો વાંચ તું ખાલીપણું.

દરેક સમજદાર ભાવક માટે કોઈ પણ સારા કાવ્યસંગ્રહની ઓછામાં ઓછી એક રચના આખેઆખી પોતાના જીવનનું રાષ્ટ્રગીત બની શકે એવી મળી આવતી હોય છે. હર્ષ બ્રહ્મભટ્ટના ‘મૌનની મહેફિલ’માં આવી એકાધિક રચનાઓ છે. એમાંની માત્ર એક, ‘થંભી હતી’(પૃ.૪૧) ગઝલના પાંચેય શે’ર બોલકા બન્યા વિના, મૌનના વાતાવરણનો મલાજો રાખીને ટાંકું છું:

મેં જ તો એને સતત ઝંખી હતી,
વેદના મારી જીવનસંગી હતી.

વાંસવન જેવું બનેલું મન છતાં,
વાંસળીની ચોતરફ તંગી હતી.

ડાઘ ક્યાંથી આટલા લાગી ગયા,
જિંદગી હમણાં જ મેં રંગી હતી.

એક તરણાનો સહારો ના મળ્યો,
કમનસીબી પ્‍હાડ શી જંગી હતી.

મેં તરાપો પાણીમાં મૂક્યો અને-
એકદમ વહેતી નદી થંભી હતી!

‘મૌનની મહેફિલ’ની સાથે કવિના આગલા બે કાવ્યસંગ્રહો ‘એકલતાની ભીડમાં’(ત્રીજી આવૃત્તિ) અને ‘અંદર દીવાદાંડી’(ચોથી આવૃત્તિ) પ્રગટ થયાં છે. ઉપરાંત ઉર્દૂ દીવાનો ‘સરગોશી’(પાંચમું પુનઃમુદ્રણ) તથા ‘કંદીલ’(બીજી આવૃત્તિ) પણ પ્રગટ થયાં છે. આ પાંચેય ખૂબસૂરત કાવ્યસંગ્રહોના ખૂબસૂરત પ્રોડક્શનમાં છોગારૂપી ઉમેરાય છે એક સીડી ‘લે! ગઝલ પ્રગટાવ તું…’જેમાં કવિએ ધીરગંભીર અવાજે પોતાની ગઝલો તથા કાવ્યોનું પઠન કર્યું છે. સાથે ‘પાંખ ફૂટી આભને…’ સીડીમાં હર્ષ બ્રહ્મભટ્ટની રચનાઓને ટોચના સંગીતકારો-ગાયકોએ (પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિત-હેમા-આલાપ દેસાઈ, ગૌરાંગ વ્યાસ, સાધના સરગમ, ભૂપિન્દર સિંહ, શ્યામલ-સૌમિલ મુન્શી, નયનેશ જાની, પાર્થિવ ગોહિલ) સંગીતબદ્ધ કરી છે/ ગાઈ છે.

‘મૌનની મહેફિલ’માં બીજી પ્રસ્તાવના લખતાં કવિ હર્ષ બ્રહ્મભટ્ટના સમકાલીન અને ઊંચા ગજાના કવિ રાજેશ વ્યાસ ‘મિસ્કિન’ સાચું જ લખે છે: ‘…ખરેખર તેમની (હર્ષ બ્રહ્મભટ્ટની) ગઝલો દિલની ઝબાનની ગઝલો છે. જીવન પ્રત્યેનો તેમનો દ્રષ્ટિકોણ પોઝિટિવ છે અને તેનું કારણ તે આવતી કાલની ફિકરમાં નથી જીવતા, ગઈ કાલના સંતાપમાં નથી જીવતા. પ્રત્યેક પળે જીવી લેવાને જ જિંદગી ગણે છે…’

‘મૌનની મહેફિલ’ સંગ્રહના આરંભે ‘મારી વાત’ કરતાં હર્ષ કહે છે:‘આ મહેફિલ આપને એવી કેટલીક ક્ષણો ચોક્કસ પૂરી પાડશે, જે આપની સ્મૃતિમાં દીર્ઘકાળ સુધી સચવાઈ રહે.’

કવિના આ આત્મવિશ્વાસને સંગ્રહની પ્રત્યેક ગઝલમાંથી પ્રગટતી સચ્ચાઈ સમર્થન આપે છે. વિદાય લેતાં આ થોડા શે‘ર ‘સાર શું’(પૃ.૭૫) ગઝલનાં લેતા જાવ. સફરમાં ભાથું બંધાવીને રાખ્યા હશે તો કામ આવશે:

સંધિ વિણ આરો નથી,
ત્યાં વળી તકરાર શું?

હોય પગમાં બેડીઓ,
રાખવી તલવાર શું?

ન્યૂઝ મેકર હું જ છું,
મારે વળી અખબાર શું?

જોડતો ને તોડતો,
એવો સર્જનહાર શું?

છળકપટનું આ જગત,
પ્રેમ શું ને પ્યાર શું?

* * *

આ લેખ તમને ગમ્યો? તો ’બુકસૌરભ’ વિભાગમાં અન્ય પુસ્તક પરિચય પણ તમને ગમશે.

12 comments for “મૌનની મહેફિલ (ગઝલ તથા કાવ્યો)

 1. June 30, 2009 at 4:20 AM

  ‘મૌનની મહેફિલ’નો સરસ પરિચય કરાવ્યો.

 2. July 1, 2009 at 12:02 AM

  સુંદર પુસ્તક પરિચય, સુંદર શેરની પસંદગી – પરિચયમાંથી પુસ્તકની સૌરભ સુપેરે સ્પર્શે છે.

 3. July 1, 2009 at 10:34 AM

  yes, it’s a nice book…

  and `sar shun?’ is very nice gazal!

 4. jay
  July 2, 2009 at 3:20 AM

  harshbhai ni rachna o pan emana jevi j hoy 6e..mulayam ne sachukli.

 5. SALIL DALAL(TORONTO)
  July 3, 2009 at 6:32 PM

  હર્ષભાઈના નવા કાવ્યસંગ્રહ બદલ તેમને હાર્દિક અભિનંદન !
  તેમના પોતાના અવાજમાં કાવ્યપઠનની સીડી ઉપલબ્ધ થઇ છે વગેરે એમની સાહિત્યિક પ્રવૃત્તિઓના સમાચાર વિગતે લખવા બદલ ‘બ્લોગ સૌરભ’નો સવિશેષ આભાર.
  આ બ્લોગના શરૂઆતના દિવસોમાં લખાયું છે એમ, અમિતાભ બચ્ચન દુનિયાના ખૂણે ખૂણે ભ્રમણ કરતા હોવા છતાં પણ તેમના બ્લોગમાં ક્યારેય ખાડો પાડવા દેતા નથી.
  એટલા બધા વ્યસ્ત શેડ્યુઅલમાં પણ ડાયરી જેવો બ્લોગ રોજ લખતા બચ્ચનસાહેબનું ટાઇમમેનેજમેન્ટ જેટલું આશ્ચર્ય જનક લાગે છે એટલું જ હર્ષભાઈનું પણ.
  સચિવાલયના,કોઈને કલ્પના પણ ના આવી શકે એટલા,તેમના ખીચોખીચ વ્યસ્ત સમય સાથે પણ કવિતા જેવા સંવેદનાના સૌથી નાજુક સર્જનાત્મક ક્ષેત્રમાં એ આટલા સફળ કાવ્યસંગ્રહો આપી શકે છે.
  તેમને મળવા જનાર કોઈ સાહિત્યકાર કે સાહિત્યપ્રેમીને એ, એટલી સખ્ખત મસરુફિયત વચ્ચે પણ, તેમની સહજ શાંત પ્રકૃતિ મુજબ સાંભળે કે કોઈ બાબતે વિદ્વતાપૂર્ણ ચર્ચા કરે ત્યારે ક્યાંય પેલી સજ્જડ વ્યસ્તતાનો ભાર સામી વ્યક્તિને લાગવા ના દે. આ નાનીસુની વાત નથી.
  કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટની સાથે સાથે અત્યંત લો પ્રોફાઈલ ‘વ્યક્તિ હર્ષભાઈ’ વિષે પણ ક્યારેક વિગતે લખાવું જોઈએ.

 6. July 3, 2009 at 11:47 PM

  વાહ બોલાઇ ગયું, આ રચનાઓની માત્ર ઝાંખી વાંચીને ..

 7. Dr Bhagirath
  July 6, 2009 at 4:32 PM

  Great!!!!
  Wonderful, Just i read Harshbhai,,
  Appreciable, Keep it on..

 8. Envy
  July 8, 2009 at 10:20 AM

  Silence is truely effective just as usual.
  Thnx Saurabhji for making us abreast to such a nice
  collection.

 9. sudhir patel
  August 9, 2009 at 7:16 AM

  સરસ ગઝલ-સંગ્રહનો એટલો જ સુંદર આસ્વાદ અને પરિચય બદલ આભાર, સૌરભભાઈ!
  સુધીર પટેલ.

 10. December 14, 2009 at 3:05 PM

  સુંદર ખૂબ જ સુંદર જાણકારી બદલ આભાર.
  ન્યૂઝ મેકર હું જ છું
  મારે વળી અખબાર શું?

  જોડતો ને તોડતો

  એવો સર્જનહાર શું?

  વાહ!!અદભૂત!!

 11. "માનવ"
  February 12, 2010 at 8:39 PM

  વાહ….

  ખુબ જ સરસ છે.

  સૌરભ ભાઇ વાસ્તવ માં ખુબ જ સરસ લખાંણ છે.

  Regards..
  જીજ્ઞેશ પારેખ “માનવ”

 12. March 9, 2010 at 12:23 PM

  ગઝલો નો સંગહ સારો છે….

  “માનવ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *