મારા જેલના અનુભવો – ૨

મારું નામ-કેસ નં. લખેલી પાટી ગળા નીચે પકડી હું પોલીસફોટોગ્રાફર સામે ઊભો રહ્યો

આ ફિંગરપ્રિન્ટ્સ અને ફોટા ક્રાઈમ બ્રાન્ચની ફાઈલોમાં પુરાઈ જવાના હતા. આતંકવાદી, ખૂની, બળાત્કારી અને રાજદ્રોહીઓથી ઉભરાતી ગુજરાત પોલીસની ફાઈલોની સાથે એક પત્રકાર-લેખકની ફાઈલ પણ ભવિષ્યમાં કોઈકને મળી આવશે. હું હિસ્ટરીશીટરની હરોળમાં મુકાઈ રહ્યો હતો. આ ફોટા અને આંગળાની છાપનો મારો રેકોર્ડ ભૂંસાવાનો નહોતો. કોર્ટમાં ગુનેગાર સાબિત ના થાય ત્યાં સુધી દરેક આરોપી નિર્દોષ હોય છે એવું ભલે કહેવાતું હોય, પણ જનમાનસમાં દરેક આરોપી ગુનેગાર તરીકે જ અંકિત થઈ જતો હોય છે. આરોપી હોવાનો બોજ મારે હવે આખી જિંદગી ઊંચકીને ચાલવાનું હતું.

બાથરૂમના દરવાજાની બહાર ઊભા રહીને કોન્સ્ટેબલે કહ્યું, ‘જઈ આવો,દરવાજો અંદરથી બંધ નહીં કરતા.’

પોલીસ રિમાન્ડના બીજા દિવસે સવારે છ વાગે મારી આંખ ઉઘડી ગઈ. અમદાવાદમાં ગાયકવાડ હવેલીની ક્રાઈમ બ્રાન્ચની પોલીસ કસ્ટડીમાં ગાળેલી પ્રથમ રાત્રિ વીતી ચૂકી હતી. મારા જાપ્તામાં મુકાયેલા બે પોલીસોમાંના એકે સામેની પ્લાસ્ટિકની ખુરશી પર અને બીજાએ બાજુના બાંકડા પર લંબાવી દીધું હતું. જાપ્તાવાળાઓ જાગ્યા એટલે મેં એમને કહ્યું કે મારે બાથરૃમ જવું છે. બેમાંનો એક કોન્સ્ટેબલ પહેલા માળેથી પગથિયાં ઉતરીને મારી સાથે આવ્યો. બાથરૂમના દરવાજા બહાર ઊભા રહીને એણે કહ્યું, ‘જઈ આવો,દરવાજો અંદરથી બંધ નહીં કરતા.’

હાથ-મોઢું ધોવા માટેનું બેઝિન બાથરૂમની પાછળની તરફ હતું. મારી પાસે બ્રશ કે દાતણ નહોતું. કોગળા કરીને મોઢું ધોઈ લીધું. ઉપર પાછો આવ્યો ત્યારે બીજા કોન્સ્ટેબલે પૂછયું, ‘ચા પીવાના છો?’ મેં ના પાડી. પછી તરત મને વિચાર આવ્યો એટલે મેં કહ્યું, ‘તમારે પીવી હોય તો મંગાવી લો… ઘરેથી પૈસા આવશે ત્યારે ચૂકવી દઈશ…’ પેલાએ કહ્યું, ‘અમારે પીવી છે એટલે નથી પૂછતો… તમારા લોકોનાં ચા-પાણી-જમવાનો ખર્ચ સરકાર આપે છે…’ મેં ફરી ના પાડી. વાસી મોઢે અને કસ્ટડીના વાતાવરણમાં ચા ગળે ઉતરવાની નહોતી.

બપોરે મને પીએસઆઈની પહેલા માળની કેબિનમાંથી ભોંયતળિયાની ઓફિસે લાવવામાં આવ્યો. સિનિયર પોલીસ રાઈટર કરણસિંહે મારાં નિવેદનો નોંધ્યાં. જમવાનો સમય થયો એટલે એક સબ-ઈન્સ્પેક્ટરે પૂછયું, ‘તમારે શું જમવું છે?’ મેં કહ્યું, ‘કંઈ નહીં..’ એમણે પૂછયું ‘નાસ્તો કરવો છે?’ મેં કહ્યું ‘મને ભૂખ નથી.’ ‘એવું ના ચાલે’, એમણે કહ્યું ‘અમારાથી તમને કે કોઈ પણ આરોપીને ભૂખ્યા ના રખાય…’

મારા કહેવાથી પાર્લે-જીનું એક પેકેટ અને ચા મંગાવવામાં આવ્યાં. અડધી ચા સાથે બે-ત્રણ બિસ્કિટ ખાઈને મેં કહ્યું ‘બસ, પેટ ભરાઈ ગયું…’ મારી આસપાસના પોલીસોએ પોતપોતાના ટિફિનમાંથી જમવાનું પૂરું કરી લીધું એટલે મારાં સ્ટેટમેન્ટ્સ નોંધવાનું કામ આગળ ચાલ્યું. વચ્ચે મારી વાત અટકાવીને મેં પૂછયું, ‘મારા વકીલને મારે મળવું છે.. મારા ઘરે વાત કરવી છે..’

‘થઈ જશે. બપોરે તમને કોર્ટમાં હાજર કરીને રિમાન્ડ માગવાના છે..’ મને જવાબ આપવામાં આવ્યો.

‘કેટલા વાગ્યે લઈ જશો? કઈ કોર્ટમાં…?’

‘લઈ જઈશું.’ મને અધ્ધર જવાબ મળ્યો.

* * * *

અદાલતે બે દિવસના રિમાન્ડ મંજૂર રાખીને મને પોલીસ કસ્ટડીમાં રાખવાનો હુકમ કર્યો. ઓર્ડર કરતાં પહેલાં કોર્ટ તરફથી મને પૂછવામાં આવ્યું, ‘કસ્ટડીમાં કોઈ તકલીફ છે?’

મોડી સાંજે મને સૌ પ્રથમવાર ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટમાં લઈ જવામાં આવ્યો. મારી ધરપકડના ૨૪ કલાક પૂરા થવાને થોડાક કલાકની જ વાર હતી. ક્રાઈમ બ્રાન્ચે મારા બે દિવસના રિમાન્ડ માંગ્યા. મારા વકીલે મારી ધરપકડનો વિરોધ કરતી દલીલો કરીને મને જામીન પર છોડવાની અરજ કરી. અદાલતે બે દિવસના રિમાન્ડ મંજૂર રાખીને મને પોલીસ કસ્ટડીમાં રાખવાનો હુકમ કર્યો. ઓર્ડર કરતાં પહેલાં કોર્ટ તરફથી મને પૂછવામાં આવ્યું, ‘કસ્ટડીમાં કોઈ તકલીફ છે?’

પોલીસ હિરાસતમાં હોય એવા દરેક આરોપીને કોર્ટ દર વખતે આવું પૂછતી હોય છે. જેમને પોલીસ તરફથી ખરેખર ‘તકલીફ’ આપવામાં આવી હોય એવા આરોપીઓ પણ કોર્ટમાં પોલીસની હાજરીમાં પોતાની જુબાન ખોલતાં ગભરાતા હોય છે. મારા માટે એ પ્રકારની ‘તકલીફ’નું કોઈ કારણ નહોતું. મેં નકારમાં માથું ધુણાવ્યું.

પોલીસ રિમાન્ડમાં સોંપાયેલા દરેક આરોપીની જેમ મને પણ રોજ સરકારી હોસ્પિટલમાં મેડિકલ ચેક-અપ માટે લઈ જવાનો કોર્ટે હુકમ કર્યો. મેટ્રો કોર્ટમાંથી પોલીસની સુમો મને સીધી આશ્રમ રોડની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ લઈ ગઈ. ભોંયતળિયાના આઉટડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ (ઓપીડી)માં દર્દીઓની લાંબી લાઈન હતી. બધાંને વટાવીને મને સૌથી આગળ ઊભો રાખવામાં આવ્યો. એક જુવાન ડૉક્ટરે મારી સામું જોયું, સાથે આવેલા પોલીસોનો જાપ્તો જોયો. તરત મારા કેસપેપર બનાવીને પૂછયું, ‘બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હાર્ટની બીમારી કે બીજી કોઈ ફરિયાદ છે?’ મેં કહ્યું ‘ના, કોઈ નહીં.’ ડૉક્ટરે રંગીન કાગળ પર નોંધ કરીને મને હોસ્પિટલમાં લાવનાર પોલીસ કોન્સ્ટેબલને એનું નામ પૂછયું. નામ નોંધીને ડૉક્ટરે કોન્સ્ટેબલ સામે જોઈને સવાલ કર્યો, ‘બક્કલ નંબર?’ કોન્સ્ટેબલે પોતાનો બક્કલ નંબર લખાવ્યો. પછી મારા જાપ્તામાં આવેલા પોલીસ સબ-ઈન્સ્પેક્ટરનું નામ લખીને ડૉક્ટરે પૂછયું, ‘તમારો બક્કલ નંબર?’ પીએસઆઈ ડઘાઈ ગયા. ગુસ્સે થવા જાય ત્યાં જ કોન્સ્ટેબલે બાજી સંભાળી લીધી અને જુવાન ડૉક્ટર પાસે જઈ ધીમેથી કહું, ‘સાહેબ સબ-ઈન્સ્પેક્ટરના બક્કલ નંબર ના હોય!’

વી.એસ. હોસ્પિટલમાંથી મને ગાયકવાડ હવેલી પાછો લાવવામાં આવ્યો ત્યારે મારી ઓફિસ છોડયાને ૨૪ કલાક વીતી ચૂક્યા હતા. આ બીજો દિવસ ૧૩ જૂન ર૦૦૮નો શુક્રવાર હતો. ‘ફ્રાઈડે ધ થર્ટીન્થ!’ મારા સિનિયર ઈન્વેસ્ટિગેટિંગ ઓફિસર (આઈ.ઓ.) અને ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર એ.વી. ગખ્ખરે એ રાત્રે મારી હાલત પર તરસ ખાતાં મને કહ્યું હતું. એ બીજી રાત્રે પણ હું જમ્યા વિના સૂઈ ગયો.

શનિવારની સવારે મને ઘરેથી મારી રોજિંદી જરૃરિયાતની ચીજો મંગાવવાની છૂટ મળી. મેં ટૂથપેસ્ટ, બ્રશ, ઉલિયું, કાંસકો, એક જોડી કપડાં અને ટુવાલ મંગાવી લીધાં.

શનિવારની સવારથી ક્રાઈમ બ્રાન્ચમાં ચહલ-પહલ હતી. આગલા દિવસની જેમ આજે પણ ભોંયતળિયાની ઓફિસમાં બેસાડીને રાઈટર કરણસિંહ મારાં નિવેદનો નોંધતાં હતાં. ચહલ-પહલનું કારણ બનાવટી પાસપોર્ટ પર શારજાહ જતાં પકડાયેલા બે મદ્રાસીઓ હતા. એરપોર્ટ પોલીસે આ કેસ ક્રાઈમ બ્રાન્ચને મોકલ્યો હતો. પોલીસોની આપસની વાતચીત પરથી જણાતું હતું કે ક્રાઈમ બ્રાન્ચ આવા નાના-નાના કેસની તપાસમાં લાગી જશે તો બીજાં ઈન્વેસ્ટિંગેશન્સ માટે કેવી રીતે સમય મળશે. છેવટે ક્રાઇમ બ્રાન્ચે જ એ કેસ હાથમાં લીધો.

મારી બાજુના બાંકડા પર એ બેઉ મદ્રાસીઓને બેસાડવામાં આવ્યા. પૂછપરછ કરતાં ખબર પડી કે તેઓ તમિલનાડુના નહીં પણ આંધ્ર પ્રદેશના વતની છે અને તેલુગુભાષી છે. બેમાંના એકનું નામ શ્રીનુ હતું. પાસપોર્ટ પર ફોટો એનો હતો પણ નામ-સરનામું રાજસ્થાનમાં રહેતા કોઈ મુસ્લિમનાં હતાં. એરપોર્ટ પર શ્રીનુને પૂછવામાં આવ્યું ત્યારે એણે પોતાનું સાચું નામ કહીને આંધ્રપ્રદેશનું સરનામું જણાવ્યું એમાં એ પકડાઈ ગયો. શ્રીનુને હૈદરાબાદથી અમદાવાદ એરપોર્ટ સુધી મૂકવા આવેલા અશોક નામના એના મિત્રને પણ પોલીસે પકડી લીધો. અશોકને હિંદી થોડી ઘણી આવડતી હતી પણ શ્રીનુ તેલુગુ સિવાય બીજી કોઈ ભાષા જાણતો નહોતો. રાઈટર કરણસિંહે શ્રીનુને પૂછયું કે તું પરણેલો છે? તારી પત્નીનું નામ શું? ત્યારે અશોકે શ્રીનુને તેલુગુમાં ટ્રાન્સલેટ કરીને એ સવાલ ફરીથી પૂ્છયો જેમાંથી મને માત્ર ’ભાર્યા’ શબ્દ જ સમજાયો. શ્રીનુ-અશોકને આ સંજોગોમાં મળ્યો ત્યારે મને ખબર નહોતી કે ભવિષ્યમાં એ બંને સાથે હું પણ જેલમાં જવાનો છું અને શ્રીનુને હિંદી બોલતાં શીખવાડવાનો છું. એટલું જ નહીં મને જામીન મળ્યા પછી જેલમાંથી બહાર જતી વખતે એ મારો સામાન ઊંચકીને છેક જેલના દરવાજા સુધી મને મૂકવા આવવાનો છે.

મોટા સફેદ કાગળ પર મારાં દસેય આંગળાંની છાપ વારાફરતી લેવાઈ…મારી હથેળીઓ કાળી થઈ ગઈ હતી… બેઉ પંજા મેં મારા વાળ પર ઘસી નાખ્યા. હાથ ઉપરાંત મારી મથરાવટી પણ મેલી થઈ ગઈ.

એક બાજુ શ્રીનુ-અશોકની પૂછપરછ થતી હતી અને બીજી તરફ એક મોટા સફેદ કાગળ પર મારાં દસેય આંગળાંની છાપ વારાફરતી લેવાઈ રહી હતી. કાળી પ્રિન્ટિંગ ઈન્કના રોલરને પતરા પર ફેરવી મારી એક પછી એક આંગળીઓ એના પર મૂકવામાં આવી જેને કાગળ પર દબાવતાં એની છાપ ઉપસતી. છેલ્લે બેઉ પંજાની એક સાથે છાપ લેવામાં આવી. મારી હથેળીઓ કાળી થઈ ગઈ હતી. લૂછવા માટે મેં કપડું માંગ્યું ત્યારે કહેવામાં આવ્યું, ‘આ છાપકામની શાહી છે, કાગળથી કે કપડાથી નહીં લૂછાય, માથા પર ઘસી નાંખો…’ મેં બેઉ પંજા મારા વાળ પર ઘસી નાખ્યા. હાથ ઉપરાંત મારી મથરાવટી પણ મેલી થઈ ગઈ.

ફિંગરપ્રિન્ટ્સ લેવાઈ ગયા પછી મને બાથરૂમ પાસેના બીજા એક મકાનના અંધારિયા ઓરડા સુધી લઈ જવામાં આવ્યો. એ ક્રાઈમ બ્રાન્ચનો ફોટો સ્ટુડિયો હતો. એક પાટી પર ચોક વડે મારું નામ, કેસ નંબર અને તારીખ લખીને મારા બેઉ હાથમાં પકડાવી દેવામાં આવી. મારા ગળા નીચે, છાતી પાસે પાટી પકડીને હું પોલીસ ફોટોગ્રાફર સામે ઊભો રહ્યો. ક્લિક. મારો ચહેરો જુનવાણી કેમેરાની નેગેટિવમાં છપાઈ ગયો. ફ્લેશના બીજા ચમકારે મારો ડાબો સાઈડ ફેસ પણ છપાઈ ગયો.

આ ફિંગરપ્રિન્ટ્સ અને ફોટા ક્રાઈમ બ્રાન્ચની ફાઈલોમાં પુરાઈ જવાના હતા. આતંકવાદી, ખૂની, બળાત્કારી અને રાજદ્રોહીઓથી ઉભરાતી ગુજરાત પોલીસની ફાઈલોની સાથે એક પત્રકાર-લેખકની ફાઈલ પણ ભવિષ્યમાં કોઈકને મળી આવશે. હું હિસ્ટરીશીટરની હરોળમાં મુકાઈ રહ્યો હતો. આ ફોટા અને આંગળાની છાપનો મારો રેકોર્ડ ભૂંસાવાનો નહોતો. કોર્ટમાં ગુનેગાર સાબિત ના થાય ત્યાં સુધી દરેક આરોપી નિર્દોષ હોય છે એવું ભલે કહેવાતું હોય, પણ જનમાનસમાં દરેક આરોપી ગુનેગાર તરીકે જ અંકિત થઈ જતો હોય છે. આરોપી હોવાનો બોજ મારે હવે આખી જિંદગી ઊંચકીને ચાલવાનું હતું.

પાટી સાથે ફોટા પડાવવાનો હીણપતભર્યો વિધિ પૂરો કરીને હું વિચારતો હતો કે મારી ધરપકડના સમાચાર લોકો સુધી પહોંચશે ત્યારે મારા માટે આનાથી અનેકગણી વધારે અપમાનજનક સ્થિતિ સર્જાશે. બપોરે ફરી પોલીસ રાઈટરને મારું વધારાનું સ્ટેટમેન્ટ લખાવી રહ્યો હતો ત્યારે ટીવી કેમેરામેનને લઈ એક ચેનલવાળી રિપોર્ટર પીએસઆઈ વાઘેલા પાસે આવી. વાઘેલાએ એને સમજાવીને રવાના કરી દીધી. અડધો કલાક પછી બહારની ચોકી પરથી સંદેશો આવ્યો. પ્રેસ ફોટોગ્રાફરો અને ટીવી કેમેરામેનો ભેગા થઈ ગયા હતા. વાઘેલાએ નિઃસહાય થઈ મારી સામે જોયું અને કહ્યું આ ‘તમારા દોસ્તારો મને નહીં છોડે.. બહાર કંપાઉન્ડમાં જઈને એમને મોઢું બતાવી આવો…’

મીડિયાના ડઝનેક ફોટોગ્રાફરો-કેમેરામેન મને શૂટ કરવા તલપાપડ હતા. મારે એમના લેન્સ સામે ઊભા રહીને મારી બદનામીનો સામાન એમને આપવાનો હતો. મારા ફોટા અને ટીવીના ફૂટેજ સાથે કેવી સનસનીખેજ ભાષામાં સ્ક્રિપ્ટ લખાવાની હતી તે હું જાણતો હતો.

બે કોન્સ્ટેબલ સાથે મને કંપાઉન્ડની ખુલ્લી જગ્યામાં મોકલવામાં આવ્યો. અષાઢ પહેલાંનો ઝરમર વરસાદ વરસતો હતો. મીડિયાના ડઝનેક ફોટોગ્રાફરો-કેમેરામેન મને શૂટ કરવા તલપાપડ હતા. મારે એમના લેન્સ સામે ઊભા રહીને મારી બદનામીનો સામાન એમને આપવાનો હતો. મારા ફોટા અને ટીવીના ફૂટેજ સાથે કેવી સનસનીખેજ ભાષામાં સ્ક્રિપ્ટ લખાવાની હતી તે હું જાણતો હતો. ક્રાઈમ બ્રાન્ચનું નાર્કોટિક્સ અને ગેન્ગ એક્ટિવિટીઝ ડિપાર્ટમેન્ટવાળું લાલ-ભૂરું, પાટિયું મારી પાછળ દેખાય એ રીતનું ફોક્સ ગોઠવીને તેઓ દરેક એન્ગલથી મને શૂટ કરતા રહ્યા. પાંચેક મિનિટ પછી પોલીસે મને એમનાથી દૂર કર્યો. અડધો કલાક પછી પત્રકારમિત્રોનું બીજું એવું જ ટોળું આવ્યું. ફરી મને બહાર લાવવામાં આવ્યો. ફરી કેમેરાના શટરના અવાજો અને ફ્લેશના ઝબકારા. સાંજે ક્રાઈમ બ્રાન્ચ તરફથી અમદાવાદ પોલીસ કંટ્રોલને એક અખબારી યાદી મોકલવામાં આવી. એની નકલ ગુજરાતનાં તમામ છાપાં-ટીવી ચેનલોના રિપોર્ટરોને મળવાની હતી. પ્રેસ રિલીઝનું મથાળું હતું : ‘વિચારધારા’ સાપ્તાહિકના તંત્રી સૌરભ શાહની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ધરપકડ.

(ક્રમશઃ)

‘મારા જેલના અનુભવો’નું પ્રથમ પ્રકરણ તથા નવાં પ્રકરણો તેમ જ ‘ચિત્રલેખા’માં પ્રગટ થયેલી મુલાકાત
સાબરમતી જેલમાં વીતાવેલા ‘એ ૬૩ દિવસો…’ વાંચવા અહીં ક્લિક કરો
.

8 comments for “મારા જેલના અનુભવો – ૨

 1. June 28, 2009 at 10:31 AM

  તમરા જેલ વિસે ન અનુભવો સારા

 2. Jitu
  June 28, 2009 at 12:33 PM

  સૌરભ ભાઈ

  કલાકાર દાદ્ નો અને સન્માન નો ભૂખ્યો હોય છે અને તેનાથી પોતાની કલાના જોરે મળેલું સન્માન આવી રીતે હણાઈ જાય …ભલેજ થોડા કલાકો માટે તે કેટ્લું દુખદ હશે તે એક સ્વામાની માણસ સારી રીતે કરી શકે. તે તમારા દિવસો નહિં પણ કલાકો કે મિનીટો ની જેમ જ નિકલ્યા હશે. તમે તે સહન કરવાનું બળ કેવી રીતે મેળ્વ્યું તે જાણવાની ઊત્સૂક્તા તો રહેશેજ સૌરભભાઈ

  જીતુ

 3. pravin
  June 28, 2009 at 2:32 PM

  સૌરભભાઈ, વિચારધારા જન્મતા પહેલાજ તેની ધરપકડ કરવામાં આવી, કાગળ-પેન જપ્ત થયા તો તે અહીં સ્ક્રીન પર પ્રગટ થઈ… વિચારધારા મરતી નથી, માત્ર એનો પ્રગટ થવાનો અંદાઝ બદલાય છે….હું ઘણા વખતથી તમારો વાચક અને ચાહક છું અને તેમાં પણ તમે જ્યારે ફતવાઓ વિશે લેખમાળા કરી અને તે બાદ બેસ્ટ બેકરી કેસમાં ભગવતી સાહેબ સાથે ભાષણો આ૫તા હતા ત્યારથી તમે મારા સૌથી પ્રિય લેખક-પત્રકાર બની ગયા હતા… વધુ ને વધુ પ્રગતી થાય તેવી શુભેચ્છાઓ આપું છું.

 4. Bhavesh Jani
  June 28, 2009 at 3:55 PM

  અખબારમાં તમારી ધરપકડની ખબર વાંચી હતી, જે દરેક વાચક વર્ગ માટે “Shocking news” હતા.

 5. parth sudheer mankad
  June 29, 2009 at 9:46 AM

  hello saurabh uncle very sad to know abt yourself agar pappa hot to tamne atli taklif na padat. very shocking news for me.

  • June 29, 2009 at 1:13 PM

   hi. parth!
   so long!

   i remembered Sudhir Mankad intensely during jail days. he was one of the most brave journalist i have met and befriended during my formative years.

   he used to gift irving wallace’s ‘The R Document’ novel to his friends during and after the 1975’s emergency. i still have the same copy with me which he gifted.

   by the way, do not worry… saurabhuncle was sent to jail NOT because he was convicted or proved guilty but because the bail was rejected 4 times and on the 5th instance got bail and during that time they put me under judicial custody which meant that i was housed the notorious Sabarmati central prison for 63 days. our uninformed and innocent janata belive that any one who has to stay in jail is guilty and a convict. in fact in my case, the court has still not framed any charges against me(which is more than a year after the arrest) and the actual process of the trial is yet to begin.

   but as you know very well, being Sudhir Mankad’s son, some people in the society consider themselves wiser than the court and are eager to declare a person guilty before the court decides whether there is an iota of truth in the allegations or not.

   well be in touch through e-mail (hisaurabhshah@gmail.com) and i shall send you my phone numbers. do meet me if you happen to visit amadavad.
   regards to all in the family.
   love.
   -saurabh

 6. djvakil45
  July 14, 2009 at 4:55 PM

  OF COURSE SHOCKING BUT INTERESTING EPSODE. I REALLY APPRECIATE THE COURAGE YOU HAVE SHOWN DURING THIS WHOLE PROCESS.IF IT WOULD HAVE BEEN A NOVEL, MY EYES WOULD NOT HAVE SHOWN TEARS IN MY EYES, BUT SINCE I KNOW THIS IS A FACT, I AM FULL OF TEARS… KEEP ROLLING FURTHER…

 7. bhavesh
  March 17, 2010 at 11:59 PM

  Saurabh bhai,
  its really good efforts to narrant the real but strange experince happen with very good and innocent person in jail. I have the same type of the experience, withouut any crime, some may complain aginest you and landed in jail. its really shocking and also impresson on the people that youu are not suspect put a criminal.really you have narrated the best way.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *