તારી પાસે મા છે તો મારી પાસે સિનેમા છે

જાઓ, પહેલે ઉસ આદમી કા સાઈન લેકે આઓ જિસને મેરે હાથ પે યે લિખ દિયા થા..Mere Baap Chor Hai - Amitabh Bachchan and Shashi Kapoor - Deewar Film Dialogue

ગઈ કાલની આળસભરી બપોરે બચ્ચનજી અમારા ઘરમાં આ ડાયલોગ બોલી રહ્યા હતા.

ગઈ કાલે ‘દીવાર’ જોઈ. કેટલામી વાર જોઈ હશે? ગણતરી પણ નથી રહી. એક જ ફિલ્મમાં ઠાંસી ઠાંસીને યાદગાર સંવાદો અને સીન્સ ભર્યા હોય એવી હિન્દી ફિલ્મો કેટલી? બહુ ઓછી. ‘દીવાર’ની પટકથા -સ્ક્રીનપ્લે-નો અભ્યાસ કોઈ પણ વિદ્યાર્થીના અભ્યાસક્રમમાં ફરજિયાત બનવો જોઈએ. ‘દીવાર’માં ગીતો નહોતાં. ફિલ્મ બની ગયા પછી ડિસ્ટ્રિબ્યુટરના આગ્રહથી નાખવામાં આવ્યા. લેખકો સલિમ-જાવેદનો સખત વિરોધ હતો અને દિગ્દર્શક યશ ચોપરાનો પણ. પરંતુ નિર્માતા ગુલશન રાય વ્યવહારુ માણસ હતા. બે ગીતો ઉમેરાયાં. બેઉ ગીતો સ્પષ્ટપણે પાછળથી ચિપકાવેલાં લાગે. એમાંનું એક કહ દૂં તૂમ્હેં જાણીતું બન્યું. બીજું, અરૂણા ઈરાનીનું મુજરા ગીત, ભૂલાઈ ગયું. ફિલ્મ જોયાના બે કલાક પછી પણ એના શબ્દો યાદ ન આવે.

DEEWARનિર્માતા કે ડિસ્ટ્રિબ્યુટરની દખલગીરીને કારણે ફિલ્મમાં કશુંક કાઢવું કે ઉમેરવું પડે ત્યારે દિગ્દર્શક ઘણી વખત રૂઠી જતો હોય છે. ક્યારેક એ પોતાની ફિલ્મમાં દિગ્દર્શક તરીકેની પોતાની ક્રેડિટ મૂકવાની ના પાડતો હોય છે. ક્યારેક આવી ફિલ્મો હિટ જતી હોય છે. ઈસ્માઈલ શ્રોફની સાથે એવું જ બનેલું. ક્યારેક એવી ફિલ્મો ફ્લોપ જતી હોય છે. શેખર કપૂરની સાથે એવું જ બનેલું. પણ યશ ચોપરાએ ડિસ્ટ્રિબ્યુટર કે પ્રોડ્યુસર સામે એવી બગાવત કરવાને બદલે નમતું જોખી લીધું. આજે એ ફિલ્મના દિગ્દર્શક તરીકે યશ ચોપરાનું નામ સૌને યાદ છે. કેટલાને પેલું અરૂણા ઈરાનીવાળું ગીત યાદ છે.

સર્જકે ક્યારે સમાધાન કરવું અને ક્યારે નહીં એના કોઈ ચોક્કસ નીતિ-નિયમો હશે? હશે.

એની વે. ફિલ્મની પટકથા યાને કિ સ્ક્રીન પ્લે. મજબૂત હોય તો ફિલ્મની સફળતાની ૫૦ ટકા ગેરન્ટી મળી જાય.બાકીના ૫૦ ટકામાં સંગીત, એક્ટિંગ અને દિગ્દર્શન. તો પછી સાઉન્ડ, સેટિંગ્સ, ન્રુત્ય, કોસ્ચ્યુમ્સ, ફોટોગ્રાફી ઈત્યાદિ? એ બધું સોને પે સુહાગા જેવું હોવાનું. નબળી સ્ટોરી-સ્ક્રીન પ્લે પરથી ફિલ્મ બનાવો અને ઉત્તમ મ્યુઝિક, સાઉન્ડ, સેટિંગ્સ, ફોટોગ્રાફી એમાં ઉમેરો તો કેવું પરિણામ આવે? વિનોદ ચોપરાની ૧૯૪૨-અ લવ સ્ટોરી જોઈ હતી? (નવામાં આશુતોષ ગોવારિકરની ‘જોધા અકબર’)

આની સામે ઉત્તમ સ્ક્રિપ્ટ લઈ લો પછી સંગીત કે સેટિંગ્સ કે ફોટોગ્રાફી બી/સી ગ્રેડનાં હોય તોય શો ફરક પડે છે? હૃષિદાની ‘બાવર્ચી’ જોઈ હતી?

ફિલ્મનાં મુખ્ય પાત્રોનો વ્યવસાય જો એમના પહેરવેશ પરથી તરત દર્શકોને ખબર ના પડે તો કોઈક રીતે બને એટલો જલદી દર્શકોને જણાવી દેવાનો. ફિલ્મરાઈટિંગનો આ પહેલો ઉસૂલ… એટલે જ આપણે ત્યાં ફિલ્મી વિલનોનાં નામ ફિલ્મી વિલનો જેવાં જ હોય છે, અને એમનો પહેરવેશ પણ. અને એટલે જ ફિલ્મનો ડોક્ટર જનરલ પ્રેક્ટિશનર હોય કે પછી મોટો સર્જ્યન તો પણ સફેદ કોટ પહેરીને હાથમાં સ્ટેથોસ્કોપ રમાડતો જોવામાં આવે. અને ફિલ્મોનો પત્રકાર? જિન્સ- લાંબો ઝભ્ભો- કોલ્હાપૂરી ચંપલ- ખભે બગલ થેલો…

ફિલ્મોમાં, નવલકથાની જેમ જ, પાત્રાલેખન ખૂબ અગત્યનું. પાત્રાલેખન એટલે? પાત્ર વિશેની નાની મોટી ખૂબીઓ તથા ખામીઓ પ્રગટ થાય એવા સંવાદ, એવાં દ્રશ્ય પણ. એ બધી જ ખૂબીઓ ખામીઓ પહેલેથી એક સાથે પ્રગટ કરવાની લાહ્યમાં ફિલ્મ સ્લો થઈ જાય. એને બદલે આખી વાર્તા દરમ્યાન જેમ જેમ જરૂર પડતી જાય એમ ખુલતી જાય તો વાર્તા જામી જાય.

main4ફિલ્મના મુખ્ય સીન સુધી પહોંચવા માટે ક્યારેક એક-બે નહીં ત્રણ-ત્રણ પેટાસીનની જરૂર પડતી હોય છે. ભાઈની ધરપકડ કરવામાં દ્ર્ઢતા આવે એ માટે પાઉંની ચોરી કરતા એ.કે.હંગલના પુત્રને ગોળી મારીને એના ઘરે ખાવાનું લઈ જવાનો સીન જરૂરી હતો. જેથી ખાવાનું લઈને આવેલા શશી કપૂરને શ્રીમતી હંગલ મહેણું મારી શકે કે તને ગોળીબાર કરવા મારો દીકરો જ મળ્યો? આ શહેરના દાણચોરો, ગુંડાઓ ના દેખાયા? એ જ રીતે પૂલની નીચે ભાઈને સમજાવવા ગયેલા બચ્ચનજીના તુમ્હારે પાસ ક્યા હૈ, અંય-વાળા સીન અગાઉ બચ્ચનજી અને ઈફતેખારજીના સાથી ગુંડાઓ ઈન્સ્પેક્ટર રવિ વર્માને પોતાના ‘રસ્તામાંથી દૂર’ કરી નાંખવાની જીદ કરે એ સીન પણ અનિવાર્ય હતો.

amitabh_nirupa_20030512ફિલ્મ કે નવલકથામાં તમારા દર્શક-વાચકને ખબર હોય છે કે આ બધું રિયલ નથી છતાં એને ફિલ્મ જોતી કે નવલકથા વાંચતી વખતે એવું માની લેવું ગમે છે કે આ બધું પોસિબલ છે. અંગ્રેજીમાં આના માટે પ્લોસિબલ શબ્દ છે. સારી ફિલ્મ એ કહેવાય જે તમને સંપૂર્ણપણે પલાયનવાદમાં સરકાવી દે. ‘દીવાર’ના છેલ્લા મંદિરવાળા દ્રશ્યમાં બચ્ચન ડ્રાઈવ કરીને ગાડીનાં પૈડાં છેક મંદિરના પગથિયાં પર ચડાવી દે છે ત્યારે તમને બિલકુલ એવો ભય નથી લાગતો કે હમણાં ઈન્સ્પેક્ટર રવિ વર્મા આવશે અને ખોટી રીતે ગાડી પાર્ક કરવા બદલ બચ્ચનને પચાસ રૂપિયાનો દંડ કરશે.

તદ્દન નાની નાની બાબતોમાં પટકથા લેખકે જે ધ્યાન રાખ્યું હોય તેને કારણે દર્શકોને ખબર પણ ન પડે તે રીતે તેઓ ફિલ્મની વાર્તાના ચુંબક તરફ ખેંચાઈ જતા હોય છે. કોઇ પાત્ર બીજાને ખૂબ અગત્યની વાત કહેવા માગતું હોય તો દિવસના સમયે એણે એની ઓફિસે જઈને એ વાત કહેવી પડશે. દર્શકને એ સીનમાં કંઈ મઝા નહીં પડે. પણ પટકથા લેખક સમય રાત્રિનો કરી નાખે અને મધરાતે એ પેલા પાત્રના ઘરે ડોરબેલ વગાડે તો ડાયલોગ શરૂ થતાં પહેલાં જ દર્શકને ફીલ આવી જાય કે કંઈક તો બી સોલિડ રાડો થયો લાગે છે.

ફિલ્મો જોઈને રોમાંચ થાય છે, હસવું આવે છે, રડવું આવે છે, જુની યાદો તાજી થાય છે, નવાં સપનાં જાગે છે…

bachchandeewaarસારો પટકથા-લેખક માત્ર અગત્યનાં દ્રશ્યોને જ ભરપૂર વળ ચડાવીને નાટ્યાત્મક બનાવે છે. નબળા સ્ક્રિપ્ટ લેખક એકેએક સીનને વળ ચડાવવા બેસે છે જેને પરિણામે ક્લાઈમેક્સ પર પહોંચ્યા પછી એની પાસે ટાઈમ જ બચતો નથી અને એણે ઉતાવળે, નાટ્યાત્મક્તા વિના અંત આટોપી લેવો પડે છે. જિંદગીના બનાવોમાં પણ તમામ પ્રસંગો નાટ્યાત્મક થોડા હોવાના. કોઇ તમને કહે કે મેં ગઈ કાલે ટિંડોળાનું શાક બનાવીને ખાધું હતું તો એમાં તમને કેટલો રસ પડે? પણ એ શાક બનાવાની રેસિપી તમને કરીના કપૂર ફોન પર બતાવતી હતી અને શાક બનાવી લીધા પછી મલ્લિકા શેરાવતે બનાવેલી રોટલી સાથે ખાધું એવું કોઇ કહે તો તમને જરૂર એ સીનમાં રસ પડે. સારી પટકથાવાળી ફિલ્મો, પછી તે કોઇ પણ વિષયની હોય, તમને હંમેશાં ગમતી રહેવાની. કારણ કે ગમે એટલા સીધાસાદા દેખાતા માણસની જિંદગી ક્યારેય બ્લેક એન્ડ વ્હાઇટ નથી હોતી.

(વર્ષો પહેલાં આ લેખ ’ગુડમોર્નિંગ’ કોલમ માટે લખ્યો, આજે સહેજ અપડેટ કર્યો.)

5 comments for “તારી પાસે મા છે તો મારી પાસે સિનેમા છે

 1. pravin
  June 28, 2009 at 4:20 PM

  આજે ફરીવાર દિવાર જોયું, THANKS

 2. June 29, 2009 at 10:08 AM

  આવી સરસ ફિલ્મો માં બીજું એક નામ ઉમેરી શકાય “આનંદ”. રાજેશ ખન્ના નો અદભૂત અભિનય ક્યારેય નહિ ભૂલી શકાય.

 3. July 14, 2009 at 5:34 AM

  ગઈકાલે જ ડીવીદી પર શુટ એટ સાઈટ જોયું! સરસ સિનેમા. નાસિરૂદ્દીન શાહ છવાય ગયા છે. એક વાર જો ન જોયું હોય તો અવશ્ય જોવા વિનંતી છે. બ્રિટનમાં ટ્યુબ રેલ્વેમાં થયેલ ધડાકાની પાશ્વભુમિ પર રચાયેલ સરસ સિનેમા

 4. sudhir patel
  July 26, 2009 at 2:03 AM

  આજે ફરી ‘દિવાર’ જોવાની ઈચ્છા થઈ આવી છે અને રાત્રે કદાચ જોઈ લેશું!
  મારા પ્રિય હિરો દેવાનંદની ‘ગાઈડ’ પણ ઉત્તમ હિન્દી ફિલ્મોમાંની એક છે અને ખબર પણ નથી એ કેટલી વાર જોઈ છે! એ ફિલ્મ સાથે બચપણની યાદો પણ જોડાયેલી છે અને એનાં અંતિમ દૃશ્યો, જે લીંબડી-વઢવાણની ભોગાવો નદીના પટમાં લેવાયા હતાં એનો હું સાક્ષી બન્યો હતો.
  નવેક વર્ષની ઉમર હશે, ત્યારે મનપસંદ કલાકારોને નજીકથી જોયાનો રોમાંચ આજે પણ છે!
  સુધીર પટેલ.

 5. tejas
  January 10, 2011 at 3:11 PM

  i would like to add more films like SHOLAY ,KHAMOSHI(dir:vidhu vinod chopra ) n ek ruh kaa huwa faisla(by basu chatterjee)
  with sollid screenplay

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *