ક્યાં છે મારા સોટીપોઠી, છેલછબો ને છકોમકો

રૂપાની ઘંટડી જેવો અવાજ ધરાવતી રાજકુમારી અને બત્રીસલક્ષણો રાજકુમાર રેલવે સ્ટેશન પર ન મળે.એમને મળવા બાળવાર્તાઓ સુધી જવું પડે

ખાઈ પીને રાજ રાજ કરવું ગમે છે, પણ ગમતું બધું જ જીવનમાં થતું નથી. વાર્તાઓ, ખાસ કરીને બાળવાર્તાઓ, કદાચ એટલે જ લખાતી રહી છે. રૂપાની ઘંટડી જેવો અવાજ ધરાવતી રાજ કુમારી અને બત્રીસલક્ષણો રાજકુમાર રેલ્વે સ્ટેશનના પ્લૅટફૉર્મ પર ન મળે. એમને મળવા બાળવાર્તાઓનાં પાના સુધી જવું પડે.

એક જમાનો હતો, જ્યારે દોસ્તારોની યાદીમાં અડુકિયો દડુકિયો, સોટી પોઠી, છેલ છબો, છકો મકો,  મિયાં ફુસકી અને બકોર પટેલનો સમાવેશ થતો. અત્યારે એમના વિનાની જિંદગી અધુરી લાગે છે. આવાં અમર પાત્રોની અઢળક વાર્તાઓમાંની એક પણ વાર્તા ગુજરાતી ભણતા વિદ્યાર્થીઓની ટેક્સ્ટબુકમાં કેમ નથી?

વાર્તા પહેલાં કવિતા આવતી હોય છે બાળકના જીવનમાં. સાડી પહેરીને તળાવે વૉક લેવા જતી અને ડાયેટિંગ કરવાની જેને જરૂર હતી એવી બિલાડી ચં.ચી.મહેતા પાસે હતી. ભોંયતળિયેથી ભૂસકો મારનાર બહાદુર સુરેશ દલાલનો મિત્ર હતો.

બાળકવિતામાં તર્ક અથવા લોજિકની જરૂર ખરી? ના. તર્કની આંગળી પકડીને બાળકાવ્યો ન લખાય. બાળકાવ્યોનો  હિપ્પોપોટેમસ કુલફી ખાય અને એને શરદી થાય ત્યારે ઉદયન ઠક્કરે હિપ્પોની પૂંછડી નીલગિરિના તેલમાં બોળવી પડે અને વિક્સની બાટલીને બદલે આખી બરણીની  વ્યવસ્થા કરવી પડે.

બાળસાહિત્ય બહુ સૂક્ષ્મ રીતે નાનકડા માનસ પર અસર છોડી જાય છે. હરગોવિંદ દ્વારકાદાસ કાંટાવાળાના પુસ્તક ‘ટચૂકડી બીજી સો વાતો’માં ‘મા મને છમ્મ વડું’ની પ્રસિદ્ધ વાર્તાનાં અંતમાં સાત છોકરીઓ વારાફરતી જાગી જવાથી છેવટે બ્રાહ્મણ વડું ખાવા પામતો નથી. બ્રાહ્મણને ગુસ્સો ચડે છે. બીજે દિવસે તે બધી છોકરીઓને ગાડામાં નાખીને જંગલમાં મૂકી આવે છે. આવો અંત વાંચીને પેલા બ્રાહ્મણ માટે તમને કેવી લાગણી થાય?

આ જ વાર્તા શ્રી દક્ષિણામૂર્તિ પ્રકાશન મંદિર, ભાવનગર દ્વારા પ્રકાશિત ‘બાળવાર્તા ભાગ બીજો’માં પ્રસિદ્ધ થઈ છે. ગિજુભાઈ બધેકા દ્વારા પુનર્લેખન પામેલી આ વાર્તાનો અંત આવો છે: ‘પછી તો પાંચમી છોડી જાગી ને પાંચમું વડું એને આપવું પડ્યું પછી છઠ્ઠી જાગી ને છઠ્ઠું વડુ એને આપવું પડ્યું ને છેવટ સાતમું વડું સાતમી છોડીએ ખાધું. ત્યાં તો લોટ થઈ રહ્યો. બ્રાહ્મણ બ્રાહ્મણીએ વડાં ન ખાધાં, ને પાણી પીને સૂઈ ગયાં.’

DSC02709બાળવાર્તામાં બહુ પ્રગટપણે બોધ કે શિખામણની વાત ન આવે તો સારું. ગુજરાતી સાહિત્યના એક ઉત્તમ વાર્તાકાર અને બાળવાર્તાકાર ઘનશ્યામ દેસાઈ એમની મૌલિક બાળકથાઓની પ્રસ્તાવનામાં કહે છે, ‘બાળકોનું શુદ્ધ મનોરંજન કરાવવાનો જ મારો ઉદ્દેશ છે. વાર્તાઓ દ્વારા ઉપદેશ આપવાની રીત મેં અપનાવી નથી. બાળકો એક નવીન આનંદમય સૃષ્ટિમાં પ્રવેશ કરે એ જ એની ફળશ્રૃતિ મને લાગે છે.’

ઘનશ્યામ દેસાઈની કેટલીક વાર્તાઓમાં અનાયાસે ઉપદેશ અપાયો છે, જેમાં કશું ખોટું નથી. ‘બોખું જિરાફ’ વાર્તામાં જિરાફને પંખીઓના માળામાં રહેલા ઈંડા ખાઈ જવાની ટેવ છે. આ ટેવ ભુલાવવા ચતુર કાગડો એક દિવસ લોખંડનું ઈંડું મૂકી દે છે, જે ચાવવા જતાં જિરાફના બધા દાંત તૂટી પડે છે. ‘અદેખો ચકલો’માં મૉર્નિંગ ઍલાર્મની ફરજ બજાવતા કૂકડાની ઈર્ષ્યા કરતો ચકલો એક દિવસ પોતે કૂકડાની જવાબદારી ઉપાડે છે ત્યારે એના ગળામાંથી માંડ ઝીંણું ઝીણું ચીં… ચીં… નીકળે છે. ચકલાનું ઍલાર્મ કોઈ સાંભળતું નથી અને જંગલની દુનિયાનું રુટિન ખોરવાઈ જાય છે. પોતાને બહુ ગ્રેટ માનતા ચકલાઓ માત્ર ગુજરાતી ભાષાના બાળસાહિત્યમાં જ નથી હોતા, પુખ્ત સાહિત્યમાં પણ હોય છે.

બાળવાર્તા લખાય છે ત્યારે લેખકની સામે એ વાર્તાનો વાંચનાર હોય છે, વાર્તાઓ કહેનાર નહીં. બાળક માટે વાંચનાર મા – બાપને અનુભવ હશે કે વાર્તા જે શબ્દોમાં છપાઈ હોય છે એ જ શબ્દોમાં બોલવામાં આવે તો કહેનારને કે સાંભળનારને મઝા નથી પડતી. વાર્તાનો પ્લૉટ એ જ રાખીને થોડા શાબ્દિક ફેરફાર સાથે કહેવાથી વાર્તા ખીલી ઊઠે છે. કથાનું સ્થળ, સમય તથા મુખ્ય પાત્રો પ્રથમ બે – ત્રણ વાક્યોમાં કહેવાઈ જાય તો વાર્તાને શરૂઆતથી જ જોશ મળે છે. વાર્તા કહેતી વખતે વચ્ચે સાંભળનારને પ્રશ્ન પૂછવાથી એનું  ઈન્વોલ્વમેન્ટ વધે છે. સાંભળનાર બાળકનું નામ વાર્તાના એક પાત્ર તરીકે ઉમેરી દેવાથી વાર્તા વધુ રસપ્રદ લાગે છે. અમારા દાદા અમને બહુ નાનપણમાં ‘ગરાપ અને ભરસૌ’ની સાહસિક કથા કહેતા. મોટા થયા પછી ખબર પડી કે આ પાત્રોમાં દાદાજીએ બંને ભાઈઓનાં નામ ઊલટાવીને વાપર્યાં હતાં.

બાળવાર્તાઓના ક્ષેત્રે ગિજુભાઈ બધેકાએ અનેક દિશાનું કામ કર્યું. ગિજુભાઈ માને છે કે બધાં જ બાળકોને વાર્તા સાંભળવી ગમે એ જરૂરી નથી. કેટલાંક બાળકોને વાર્તા કરતાં જીવતીજાગતી દુનિયાનાં જીવંત અનુભવો કરવામાં વધારે મઝા પડે છે. ગિજુભાઈનું તારણ એવું છે કે વાર્તા સાંભળવામાં જે બાળકોને રસ પડતો હોય તેઓ મોટા થઈને સાહિત્યપ્રેમી થવાનાં.

બાળકો માટેના મૌલિક સર્જનનો પ્રેરણાસ્ત્રોત ક્યાં હશે. મોટે ભાગે બાળકોના જ ઉદ્ ગારોમાં, બાળસાહિત્યના સર્જન માટે પ્રેરણા આપનાર બાળકો જ હોય છે.

પંચતંત્રની વાર્તાઓમાં મનોરંજનની સાથે ઉપદેશ વણાઈ ગયો છે, પણ જ્યારે એ ઉપદેશને અલગ તારવી આપવામાં આવે છે ત્યારે જ બાળવાચક કંટાળે છે. બૉમ્બે સમાચાર પ્રેસે ઈ.સ. ૧૮૨૪માં ‘પંચોપાખ્યાન’ના નામે પંચતંત્રોની કથાઓ પ્રગટ કરી ત્યાર બાદ એનાં અનેક ભાષાંતરો – રૂપાંતરો ગુજરાતીમાં આવ્યાં.

અમર બાળસાહિત્યો સર્જવામાં સૌથી મોટો ફાળો બાળસામયિકોએ આપ્યો . બકોર પટેલના ત્રીસ ભાગ અત્યારે બજારમાં મળે છે. આ ત્રીસ ભાગમાંની તમામ બસોથી વધુ વાર્તાઓ હરિપ્રસાદ વ્યાસે ‘ગાંડીવ’ માસિક માટે લખી હતી. જીવરામ જોષીના છકો મકો, અડુકિયો દડુકિયો, છેલ છબો, અને મિયાં ફુસકીનું પ્રથમ પ્રકાશન ‘ગુજરાત સમાચાર’ના  ‘ઝગમગ’ સાપ્તાહિકમાં થયું હતું. ૧ જુન, ૧૯૪૯ના રોજ શરૂ થયેલા ‘રમકડું’ માસિકથી તંત્રી કિશોર શામળદાસ ગાંધીને જ નહીં, સમગ્ર બાળસામયિક જગતને જશ મળ્યો. ગુજરાતીમાં નાનામોટા અડધો ડઝન નવાં બાળમૅગેઝિનો શરૂ થાય તો જ આપણને થોડાં વધુ અમર પાત્રો મળે.

બંગાળીમાં એક જમાનો હતો, જ્યારે તમામ ટોચના સાહિત્યકારો સફળતાપૂર્વક (આ શબ્દ વધારે મહત્વનો છે) બાળસાહિત્ય સર્જતા, ફિલ્મકાર સત્યજિત રાય પણ લખતા. ગુજરાતીમાં આ જમાનો ક્યારે આવશે?

(‘ગુડ મોર્નિંગ’ કોલમ માટે લખેલો  આ લેખ મારા પુસ્તક ‘કંઈક ખૂટે છે’માં પ્રગટ થયો છે.)

2 comments for “ક્યાં છે મારા સોટીપોઠી, છેલછબો ને છકોમકો

 1. M.D.Gandhi, U.S.A.
  March 18, 2013 at 5:15 AM

  આપણી પાસે અને આસપાસ ગુજરાતીમાં એટલી બધી બાળવાર્તાઓનો ઢગલો છે અને નવી લખાતી નથી, પણ, એને વાંચનાર “ગુજરાતી” બાળક ક્યાં છે? જે છે તે અંગ્રેજીમાં ભણે છે અને વાંચે છે, જેમાં ગુજરાતી જેવું વાંચન કે જીવનભર યાદ રહી જાય તેવો બોધ તો આવતો નથી, અને આજનો બાળક વાર્તા તો વાંચતો જ નથી, એ તો “આઈ પેડ”, “આઈ પોડ” અને “ગેમ્સ”જ રમ્યાં કરે છે, બહુ બહુ તો ટીી ઉપર “સુપેરમેન” કે “વર્લ્ડ રેસલીંગ” જેવા કાર્ટુનો કે “શો” જોયા કરે છે……!!!!

  • અજય
   October 15, 2016 at 2:19 AM

   ગાંધી સાહેબ,તમારી સાથે હું એકદમ સહમત છું આજના બાળક બાળપણ શું છે એ જ નથી જાણતા એ લોકો તો સીધો જ જુવાનીમાં કુદકો મારે છે.પુસ્તક કેવું ને વાત કેવી..આજના બાળકો ફક્ત બટન દબાવતા જાણે છે અને ફક્ત ભોતીક્વાદ માં જ માને છે અને એના માટે એ લોકોના માતા પિતા અને આજ નું દેખા દેખી નું વાતાર્વ્ર્ણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *