છઠ્ઠી ડિસેમ્બરની એ તારીખની તવારીખ

અંગ્રેજી દૈનિકોએ હકીકતોની ખોટી રજૂઆત કરીને દેશભરમાં

ઘૃણા અને વિસંવાદિતા ફેલાવવામાં મોટો ભાગ ભજવ્યો.

(આ લેખ “સમકાલીન’માં ૬ જાન્યુઆરી ૧૯૯૩એ શરૂ થયેલી મારી ૭ લેખોની લેખમાળા ‘અયોધ્યા પછીના ૩૧ દિવસ’નો પહેલો લેખ છે. આવતા ૫-૭ દિવસ આ  લેખમાળાના લેખો ‘વિચારધારા આર્કાઇવ્ઝ’ હેઠળ પોસ્ટ કરવાનો વિચાર છે. લેખો ક્યાંક અપડેટ પણ કર્યા છે.)

૨૦૦૨ની સાલમાં જેમ ગુજરાતને આખા દેશમાં બદનામ કરવામાં આવ્યું એમ એનાં દસ વર્ષ પહેલાં ભારતને આખી દુનિયામાં બદનામ કરવાની શરૂઆત કરી હતી, આ સેક્યુલરવાદી અંગ્રેજી છાંપાઓએ અને ટીવી ચેનલોએ.

babri1તે વખતે જોકે, સદનસીબે દેશી ટીવી ચેનલોનું ન્યુસન્સ નહોતું. ‘બાબરી મસ્જિદને ભોંયભેગી કરી નાખવામાં આવી’ એવું કલકત્તાના ‘ટેલિગ્રાફ’એ છાપ્યું તો ‘સ્ટેટ્સમેને’ લખ્યું : ‘કારસેવકો બાબરી મસ્જિદ પર તૂટી પડ્યા, મોટા ભાગનો હિસ્સો તોડી નાખ્યો સલામતી દળો નિષ્ક્રિય.’ આપણા સેક્યુલરશિરોમણિ ‘ટાઈમ્સ ઓફ ઈંડિયા’એ પણ કચકચાવીને મથાળું ફટકાર્યુ: ‘કારસેવક્સ ડિસ્ટ્રોય બાબરી મસ્જિદ. ’ ‘ઈંડિયન એક્સપ્રેસ’, મદ્રાસનું ‘હિન્દુ’, નવી દીલ્હીનું ‘હિન્દુસ્તાન ટાઈમ્સ’, બેંગલોરનું ‘ડેક્કન હેરલ્ડ’- દરેક પ્રમુખ અંગ્રેજી છાપાએ પ્રથમ પાને મોટા મથાળામાં બાબરીની ઈમારતને ‘મસ્જિદ’ ગણાવી.

આની સામે ઠાવકાં ગુજરાતી, હિન્દી, મરાઠી અખબારોએ કાં તો બાબરીની ઈમારત શબ્દો વાપર્યા (હિન્દીમાં ‘ઢાંચા’) કાં બાબરી શબ્દનો ઉપયોગ મથાળામાં ટાળીને લખ્યું: ‘ઝનૂને ચડેલા કારસેવકોએ કરેલું વિવાદાસ્પદ બાંધકામને નુક્સાન.’

બાબરીની જર્જરિત, વિવાદાસ્પદ ઈમારતને કોઈ કાળે મસ્જિદ કહી શકાય નહીં, કારણ કે ત્યાં છેલ્લા ચાર દાયકથી નમાજ પઢાતી નહોતી. એટલું જ નહીં, ત્યાં અન્ય ધર્મની, હિન્દુ ધર્મની- મૂર્તિની સ્થાપના થઈ ચૂકી છે. આમ, આ દ્રષ્ટિએ પણ ઈસ્લામ મુજબ આ જગ્યા ‘કાફિરો’ની થઈ ગઈ કહેવાય અને ‘કાફિરો’નું ધર્મસ્થળ ઈસ્લામ માટે હરામ બરાબર છે.

ટૂંકમાં, છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના રોજ, અયોધ્યામાં બાબરના નામ સાથે સંકળાયેલી, જે ઈમારત તૂટી તે મસ્જિદ નહોતી, ઈસ્લામના અનુયાયીઓની આસ્થા જેનામાં હોય એવું કોઈ ધર્મસ્થળ એ નહોતું (આસ્થા હોત તો છેલ્લા ચાર દાયકાથી ત્યાં કોઈ નમાજ પઢવા પઠવા કેમ ન ગયું?).

આમ છતાં અંગ્રેજી દૈનિકોએ તથા કોંગ્રેસી વડા પ્રધાન નરસિંહ રાવના દૂરદર્શને દરેક સમાચારમાં બાબરીને ‘મસ્જિદ’ ગણાવી અને દુનિયાભરમાં એવો પ્રચાર થવા દીધો કે ભારતમાં ‘મસ્જિદો તોડી પાડવામાં આવે છે?’.(અતિયોશક્તિ કરવામાં અંગ્રેજી પત્રકારોને કોઈ પહોંચી ન વળે-ચાહે એ દેશી છાપું હોય કે વિદેશી). હકીકતોની વિકૃતિની હદ ત્યારે આવી ગઈ, જ્યારે આ અંગ્રેજી અખબારો સગવડપૂર્વક એક તથ્યનો ઉલ્લેખ કરવાનો ચૂકી જતા હતાં કે આ સ્થળે ચાર દાયકાથી રોજ ભગવાન રામની મૂર્તિ સામે આરતી થતી રહી છે.

આ વિવાદાસ્પદ ઈમારતને મસ્જિદ કહેવાની ભૂલ કરનારા (કે પછી જાણીજોઈને એને મસ્જિદ કહેનારા) અંગ્રેજી છાપાંના તંત્રીઓ વિસરી ગયા કે આવું કરવાથી મુસલમાન સમાજ અપમાનિત થયાંની લાગણી અનુભવશે અને એમનો રોષ ભભૂકી ઊઠશે  (કે પછી આવું થાય એટલે જ એમણે મસ્જિદ શબ્દનો પ્રયોગ કર્યો? જેથી હિન્દુઓ અને હિન્દુત્વની વિચારધારા સમગ્ર દુનિયામાં બદનામ થઈ જાય, એ હિન્દુત્વ  જેનુ હાર્દ  કોન્વેન્ટમાં ભણીને પોતાને બ્રાઉનસાહેબ માનતી થઈ ગયેલી અંગ્રેજી પત્રકારોની નવી પેઢીએ ઓળખ્યું નથી, ઓળખવાની હેસિયત પણ નથી એમની).

બાબરી વિશેના સમાચાર, છઠ્ઠી ડિસેમ્બરે દૂરદર્શને આપ્યા અને સાતમી ડિસેમ્બરે દરેક અંગ્રેજી અખબારે, આપ્યા ત્યારે  એ સમાચારોમાં ‘મસ્જિદ’ને બદલે ગુજરાતી, હિન્દી, મરાઠી વર્તમાનપત્રોનું અનુકરણ કરીને ‘ધર્મસ્થાનક’, ‘વિવાદાસ્પદ ઈમારત’  કે પછી એના પર્યાય શબ્દો વપરાયા હોત તો સેક્યુલરવાદી રાજકારણીઓ અને મુસ્લિમ નેતાઓ મોટા ભાગના મુસલમાનોને ઉશ્કેરવામાં નિષ્ફળ ગયા હોત.

એક અચ્છા તંત્રી તરીકે જેમની નામના છે તે વિનોદ મહેતા (પંજાબી મહેતા, ગુજરાતી નહીં) એમના સાપ્તાહિક ‘આઉટલુક’માં એકપક્ષીય અને તદ્દન ખોટા અહેવાલો છાપીને દેશની ઘણી મોટી કુસેવા કરી રહ્યા છે, પણ એક જમાનામાં તેઓ નવી દિલ્હીના નાનકડા છાપા ‘પાયોનિયર’ના તંત્રી હતા ત્યારે તેઓ અત્યારે છે એટલા અસહિષ્ણુ નહોતા. સ્યુડો સેક્યુલર તો તેઓ ત્યારે પણ હતા. આમ છતાં અન્ય પક્ષના મતને, ભિન્નમતને પણ સારું એવું મહત્વ તેઓ આપતા હતા. તે વખતે, ‘પાયોનિયર’ સહિતનાં દૈનિકોએ, હકીકતોની ખોટી રજૂઆત કરીને દેશમાં ઘૃણા અને વિસંવાદિતા ફેલાવવામાં મોટો ભાગ ભજવ્યો . છેક સાતમી ડિસેમ્બરથી ‘પાયોનિયર’ અયોધ્યામાં તોડી પડાયેલી ઈમારતને મસ્જિદ તરીકે ઓળખાવતું હતું. શું ‘પાયોનિયર’ને ખબર નહોતી કે આવા ઉશ્કેરણીજનક શબ્દપ્રયોગથી અત્યારે દેશભરમાં જે કોમી રમખાણો થઈ રહ્યાં છે તેને વધુ ઉત્તેજન મળે છે?’

ભારતનાં અંગ્રેજી છાપાંઓએ ઝનૂની સેક્યુલરવાદને કારણે જેટલી કોમી ઉશ્કેરણી કરી છે એટલી ઉશ્કેરણી તો  ખરેખર કોમવાદી ધોરણે પ્રગટ થતાં ઉર્દૂ છાપાંઓએ પણ નથી કરી.  અત્યારે અંગ્રેજી છાપાંઓ અને ટીવી ચેનલોના સમાચારો તથા વિશ્લેશણો જે રીતે હિન્દુત્વની કોઈ પણ વાતને ઉતારી પાડવા આતુર હોય તે  ટ્રેંડ છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ પછી શરૂ થયો.

છઠ્ઠીની ઘટના વિશે ‘ટાઈમ્સે’ ૭ ડિસેમ્બર ૧૯૯૨ના  સોમવારે પહેલે પાને ’ધ રિપબ્લિક બિસ્મર્ચડ’ (પ્રજાસત્તાકને નામને કાળી ટીલી) મથાળાથી જે તંત્રીલેખ લખ્યો તેમાં હિન્દુઓ તેમ જ હિન્દુત્વના વિચારો સામે ભારોભાર વિષ ઓકવામાં આવ્યું : ‘અયોધ્યાની ઘટનાએ પુરવાર કર્યું છે કે ભાજપ સરકાર ચલાવવા માટે નાલાયક છે… સંઘપરિવારનો રાષ્ટ્રવાદ હિન્દુ સમાજને સંગઠિત કરવાને બદલે અવિશ્વાસ અને ભાગલાવાદનાં બીજ રોપી રહ્યો છે… ભારતનું મોં કાળું કરી નાખવામાં આવ્યું છે…’ આટલું કહ્યા પછી ‘ટાઈમ્સ ઓફ ઈંડિયા’ના મૌલાનાઓએ લખ્યું હતું : ‘દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામે પોતાના સહધર્મીઓને શાંતિ જાળવવાની અપીલ કરી છે એ વાતની ખાસ નોંધ આપણે લેવી જોઈએ.’

લશ્કર-એ-તોયબાએ ઈદની ઉજવણી કરી શકાય તે માટે ચાર દિવસનો યુદ્ધવિરામ જાહેર કર્યો તેના સમાચાર દરેક ટીવી ચેનલે ખૂબ જોરશોરથી આપ્યા. આ ચેનલોન શું ખબર નથી કે પાંચમા દિવસે આ આતંકવાદી જૂથ ફરી પાછો હત્યાઓનો દોર શરૂ કરશે. પણ મુસ્લિમોને (ચાહે એ આતંકવાદી માનસ ધરાવતાં કેટલાક મુસ્લિમો કેમ ન હોય) રાજી રાખવા જાહેરમાં ગુંલાટી મારવા તૈયાર એવા ટીવી પત્રકારો ચાર દિવસના સગવડિયા યુદ્ધવિરામને એ રીતે ચગાવતા હતા જાણે લશ્કરે-એ-તોયબાના ત્રાસવાદીઓ ગાંધીજીનાં ચરણે બેસવાની તૈયારી કરી રહ્યા હોય.

શાહી ઈમામ જાણે બાપુના અવતાર હોય એ રીતે ‘ટાઈમ્સ ઓફ ઈંડિયા’એ આ કટ્ટર કોમવાદી શખ્સની ‘શાંતિની અપીલ’ની નોંધ લીધી. કોમવાદીઓની આવી અપીલ કેટલી પોકળ હોય છે એની ‘ટાઈમ્સ’ના તંત્રીઓને ખબર નહોતી? હતી, જરૂર હતી. પણ એ વખતે દેશમાં એવી પરિસ્થિતી સર્જાઈ હતી, જે પાછી આવા તંત્રીઓ અને છાપાંઓએ જ સર્જી હતી, કે જો તમે મુસલમાનતરફી હો તો જ સેક્યુલર, બિનસાંપ્રદાયિક કે ધર્મનિરપેક્ષ ગણાવ. હિન્દુતરફી એક હરફ પણ ઉચ્ચારો તો તરત જ તમારા કપાળે કોમવાદી હોવાનો ડામ દેવામાં આવે.

‘ઈંડિયન એક્સપ્રેસ’ના તંત્રી તે વખતે પ્રભુ ચાવલા હતા, જે અગાઉ અને હવે ફરી પાછા ‘ઈંડિયા ટુડે’ તથા ‘આજ તક’ ના તંત્રી છે. તક જોઈને સેક્યુલરના પલ્લામાં જઈ બેઠેલા પ્રભુ ચાવલાએ  એ વખતે ‘એક્સપ્રેસ’ના તંત્રીલેખમાં લખ્યું હતું: ‘રવિવારે અયોધ્યાએ જે કંઈ જોયું તે આપણા દેશનું હડહડતું અપમાન હતું. ધાર્મિક ઉદ્દેશને આગળ ધરીને ભારતના મુખ્ય વિરોધ પક્ષે (અર્થાત ભાજપે) પોતાના ઝનૂનીપણાનાં દર્શન કરાવ્યાં છે અને તેણે કપટનો આશરો લીધો છે. આમ આ પક્ષ હવે ખુલ્લો પડી ગયો છે…’

સાતમી ડિસેમ્બર ૧૯૯૨ પછી અંગ્રેજી છાપાંઓની સેક્યુલર ગટરધારા પૂરજોશથી વહેતી થઈ ગઈ. આ જોઈને વિદેશી અખબારોના નવી દીલ્હી સ્થિત સંવાદદાતાઓને પણ જોર ઊપડ્યું. તેઓ બમણા જોશથી ‘કોમવાદી ભારત’ને ઝૂડી નાખતા. પાકિસ્તાન, સાઉદી અરેબિયા, બ્રિટન, અમેરિકા સૌ કોઈ, ભારતના હિન્દુઓ ઓસામા બિન લાદેનના ભાગીદાર હોય તેવી ભાષામાં વાત કરતા થઈ ગયાં. તે વખતે બિન લાદેન ત્રાસવાદી તરીકે જાણીતો નહોતો થયો, પણ ઈસ્લામના ત્રાસવાદ વિશે દુનિયાને પાક્કી જાણ હતી, છતાં તેઓ એ વિશે ચુપકીદી રાખીને હિન્દુત્વની વિચારધારાને હલકી ચિતરીને હિન્દુઓ પછાત, ઝનૂની અને કોમવાદી છે એવી છાપ ઉપસાવતા હતા.

ગોધરા પછીનાં રમખાણો વખતે ફ્રાંસમાં એક સામાયિકનો દળદાર વિશેષાંક ભારતની વર્તમાન સ્થિતિ વિશે પ્રગટ થયો. એમાં ભારતને અને હિન્દુઓને ખૂબ હલકી રીતે ચિતરવામાં આવ્યા હતા. ફ્રાંસના જાણીતા અખબાર ‘લ ફિગેરો’ના ભારતના સંવાદદાતા ફાંઝવા ગોતિયેને કોઈ ભારતીય પત્રકારે પૂછ્યું કે તમને, ફ્રેંચ પત્રકારોને, ભારત માટે આટલો દ્વેષ કેમ છે? શા માટે તમે અમને ઉતારી પાડતા લેખો લખો છો? ફાંઝવા ગોતિયેએ જવાબ આપ્યો: ‘આમાંનો એક પણ લેખ ફ્રેંચ પત્રકારે નથી લખ્યો. ભારતમાંના અગ્રેજી છાપાં-મેગેઝિનોમાં પ્રગટ થયેલા ભારતીય પત્રકારોના લેખોનો માત્ર ફ્રેંચ ભાષામાં કરેલો તરજૂમો છે!’

ફાંઝવા ગોતિયે એક સુખદ અપવાદ છે. બધા વિદેશી પત્રકારો એવા નથી હોતા. દેશી અંગ્રેજી પત્રકારો પણ ક્યાં ગોતિયે જેવા હોય છે. તેઓ ભારતના ઈતિહાસનો, ભારતની સંસ્કૃતિનો અભ્યાસ કર્યા વિના ભારતના હિન્દુઓને કોમવાદી કહી આખા રાષ્ટ્રને દુનિયામાં બદનામ કરતા રહે છે. રાષ્ટ્રની આવી બદનામી થતી હોય ત્યારે રાષ્ટ્રપ્રેમી ચૂપ બેસી રહે તો એ પણ રાષ્ટ્રદોહનો ગુનો આચરે છે એવું ગણાય.

3 comments for “છઠ્ઠી ડિસેમ્બરની એ તારીખની તવારીખ

 1. June 29, 2009 at 6:41 AM

  ભારતમાં તો સેક્યુલર નેશનના નામે તૂત જ ચાલે છે. દેશના પ્રધાનમંત્રી જો લાલ કિલ્લાથી જાહેરાત કરતા હોય કે દેશના રિસોર્સ પર પહેલો હક્ક મુસલમાનોનો છે તો પછી સેક્યુલરતાની વાત જ ક્યાં આવી?

  સૌરભભાઇ જો તમે આજના સાંપ્રત પ્રવાહો વિશે લખો તો વધૂ મઝા આવશે. સાથે સાથે આ જ લખાણોને અંગ્રેજી ભાષામાં પણ મૂકો જેથી વાંચનારા લોકોનો બહોળો વર્ગ મળે અને સાચી સમજણ કેળવાય.

 2. June 29, 2009 at 10:44 AM

  આ બાબત માં આપણા હિંદુ લોકો જ વધુ જવાબદાર છે. એમને એમાં બાળકો ને અંગ્રેજી શાળા માં ભણાવવાનો બહુ ધખારો છે. અંગ્રેજી શાળા માં એમને પશ્ચિમી સંસ્કૃતિ અનુસાર ભણાવવામાં આવે છે. તેથી આવા બાળકો માં હિંદુ સંસ્કૃતિ પ્રત્યે ની કોઈ સમજ વિકસતી જ નથી. એમને બાળપણ થી જ હિંદુ સંસ્કૃતિ પ્રત્યે ઘૃણાસ્પદ બાબતો જ બતાવવામાં આવે છે. આવા બાળકો મોટા થઇ ને જે પણ ક્ષેત્ર માં જાય હિંદુ સંસ્કૃતિ ને ભાંડતા જ રહે છે. ભલે એ સંગીત, કળા, સાહિત્ય, શિક્ષણ, પત્રકારત્વ કોઈ પણ ક્ષેત્ર હોય. આપણે જ આ બધી અંગ્રેજી ચેનલો અને છાપાંઓ ને માથે ચડાવ્યા છે. એ જે બતાવે એ જ સાચું તેવો આપણો અભિગમ છે.

  આપણે આપણી માનસિકતા બદલવાની જરૂર છે. હિંદુ સંસ્કૃતિ ના સારા પાસાઓ નવી પેઢી સમક્ષ મુકવા જોઈએ. એ માટે એવી શાળાઓ સ્થાપવી જોઈએ . અભ્યાસક્રમ માં નવા પ્રકરણ ઉમેરવા જોઈએ. અત્યારે આપણે અંગ્રેજો અને મુસ્લિમો એ ભારત પણ આક્રમણ કર્યું અને રાજ કર્યું એવું ભણીએ છીએ. પણ આપણો ઇતિહાસ તો એનાથી હજારો વર્ષ જુનો છે. એ વિશે ના પ્રકરણો અભ્યાશ્ક્રમ માં દાખલ કરવા જોઈએ. જેથી અત્યાર ની નવી પેઢી ને આપણી હિંદુ સંસ્કૃતિ નું સાચું દર્શન થાય.

 3. Envy
  July 8, 2009 at 11:10 AM

  I dare to disgree with Mr Kaushal, he is wrong in saying that if you have studied in English as medium, you cut away from the culture of land…totally mis-conceptula,mis-interpreted thinking!
  Saurabhji, it is blattant fault of our people, why dont we all write opposing letters to English press for their biased & blattant wrong observations?? we are more in numbers and they cant dare continue like this if we oppose every time they say lie.
  I agree, a common person cant put his thoughts like you do but still, we can make difference to it.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *