કોમવાદ અને બિનસાંપ્રદાયિકતા: કોનું ઝનૂન ખતરનાક?

કોમવાદ અને બિનસાંપ્રદાયિકતા: કોનું ઝનૂન ખતરનાક?

(આ લેખ ૬ ડિસેમ્બર ૧૯૯૨ના રવિવારે અયોધ્યામાં રામ જન્મભૂમિના સ્થાને બનેલી બાબરીનો ઢાંચો ધ્વસ્ત થયો તે પછી, ૭મીનાં દેશભરનાં અંગ્રેજી છાપાં વાંચીને ૮મીએ લખ્યો અને ૯ ડિસેમ્બરની સવારે ‘સમકાલીન’ની મારી કૉલમમાં પ્રગટ થયો. મારા પુસ્તક ‘અયોધ્યાથી ગોધરા’નો આ એક અગત્યનો લેખ છે. સમગ્ર ભારતના પત્રકારોમાંથી આંગળીના વેઢે ગણાય એટલાએ જ એ વખતે આ લેખમાં છે એવો સુર ધરાવતા લેખ કે તંત્રીલેખ લખ્યા હતા. મારા સુખદ આશ્ચર્ય વચ્ચે ત્યાર બાદ બીજા ઘણા રાજકીય વિષ્લેશકો આ સુરમાં લખતા થયા.)

આતંક ચાલી રહ્યો છે. પોતાને બિન-સાંપ્રદાયિક કહેવડાવવાના ઉત્સાહના અતિરેક કરનારા તંત્રીઓ આઠ કૉલમના પોતાના રજવાડામાં આતંક ચલાવી રહ્યા છે. દેશની નેબું ટકા પ્રજા જ્યારે અયોધ્યાની ઘટનાથી ખુશખુશાક થઈ ગઈ છે ત્યારે વાચકોનો બૌદ્ધિક સ્તર ઊંચો લાવવાનો ઠેકો લઈને બેઠેલા ભારતનાં પ્રમુખ અંગ્રેજી દૈનિકો મોં લટકાવીને પોતાની કલમને કાળો સાડલો ઓઢાડીને બેઠાં છે. ફેબિક ઑફ સેક્યુલરિઝમની વાતો કરતાં એમનું મોઢું સૂકાતું નથી અને બિન-સાંપ્રદાયિકતાના એ પોતમંથી ચીદરડીઓ બનાવી એની ધજા ફરકાવતાં તેઓ થાકતા નથી.

અયોધ્યામાં જે થયું તે થવાનું જ હતું. રવિવારે આ થયું ન હોત તો ભવિષ્યમાં કોઈ પણ ઘડીએ એવું થયું હોત. કૉંગ્રેસીઓ દ્વારા બિનસાંપ્રદયિકતાના પ્રેશર કૂકરમાં ઠાંસવામાં આવેલી બહુમતી હિન્દુ પ્રજાની વરળ જો આ રીતે ન નીકળી હોત તો આખું કૂકર ઍટમબૉમ્બની જેમ ફાટ્યું હોત. મોટી દુર્ઘટના સર્જાઈ હોત.

રામજન્મભૂમિ કે બાબરી મસ્જિદ (હવે ભૂતકાળ)ની કોઈ કોમવાદની સમસ્યા નથી. કોમવાદ આ સમસ્યાની આડપેદાશ છે. આ આડપેદાશને કેન્દ્રમાં રાખીને વિશ્લેષણ કરનારાઓ જાણીજોઈને ભીંત ભૂલે છે. હિન્દુ-મુસ્લિમ અલગાવ માટે છેલ્લા સાડાચાર દાયકાથી તકવાદી ને મતવાદી કૉંગ્રેસી નેતાઓ બિનસાંપ્રદતિકતાન શસ્ત્રનો ઉપયોગ કરતા આવ્યા છે.

સરકારે કોમવાદી પક્ષો પર પ્રતિબંધ મૂક્યો છે. ૧૯૯૨માં આપણે ૧૯૪૮વાળી જોઈ રહ્યા છીએ. પ્રતિબંધિત પક્ષોમાં મુસ્લિમ લીગનું નામ નથી. સરકાર કયા પક્ષને કોમવાદી કહેશે? જે પક્ષો હિન્દુવાદી છે એ શું આપોઆપ કોમવાદી થઈ જાય? અને જે પક્ષ ઝનૂનભેર કોમવાદ ફેલાવે છે, પણ તે મુસ્લિમોનો પક્ષ છે એટલેશું તે આપોઆપ બિનસાંપ્રદાયિક થઈ ગયો? હિન્દુસ્તાનમાં રહીને આપણે જો એ જ જોવાનું હોય કે હિન્દુત્વનો અર્થ કોમવાદ થાય તો પ્રત્યેક હિન્દુએ હવે નમાજ પઢતાં શીખી લેવું પડશે. ઈસ્લામિક રિપબ્લિકન ઑફ ભારતની ઘોષણા કરવાની જ બાકી રહી છે.

ઉપરાષ્ટ્રપતિએ મસ્જિદ જમીનદોસ્ત થવાની ઘટનાને મહાત્મા ગાંધીની હત્યાના બનાવ સાથે સરખાવી. ગાંધીજીનું આવું જાહેર અપમાન અને એ પણ રાષ્ટ્રના એક ઉચ્ચ આસને બિરાજતી વ્યક્તિન હાથે અગાઉ ક્યારેય નથી થયું. ગાંધીજીની હત્યા થોડાક ભાનભૂલેલા ચળવળિયાઓના આક્રોશનું પરિણામ હતું અને માત્ર એક જ વ્યક્તિના હાથે એ ઘટના બની. બાબરી મસ્જિદની જમીનદોસ્તી પાછળ કરોડો હિન્દુઓની લાગણીનો ટેકો હતો અને બે, પાંચ કે સો, બસો નહીં પણ દોઢ લાખ કરતાં બધુ હિન્દુવાદીઓએ મસ્જિદ પર આક્રમણ કર્યું. આ જુસ્સો એમનામાં ક્યાંથી આવ્યો તેની તપાસ કરી છે? હિન્દુઓ માટે બાબરી મસ્જિદને તોડી પાડવાની ઘટનાનું પ્રતીકાત્મક મૂલ્ય છે. કોમવદી મૂલ્ય બિલકુલ નથી. આ ઘટના દ્વારા હિન્દુઓએ એક સ્પષ્ટ સંદેશો નવી દિલ્હીને અને એના આંગણાંમા રમતાં લઘુમતી ગલૂડિયાંઓને પહોંચાદી દીધો છે: ઈનફ ઈઝ ઈનફ. લઘુમતી પ્રજાઓ હિન્દુસ્તાનમાં રહે જરૂર રહે, પણ અમનથી રહે. ચમન પણ કરે. પરંતુ જે ઘડીએ એમના નેતાઓએ રાજકારણીઓના ખભા પર ચડીને હિન્દુઓના બાપ બનવાની કોશિશ કરી છે તે ઘડીએ એમનો અસલી, બદતર ચહેરો દુનિયાને દેખડી દઈશું.

‘મુસ્લિમો પર લાગેલા આ ઘા રુઝાતાં વર્ષો વીતી જશે’ બિનસાંપ્રદાયિક તંત્રીઓ એકસાથે ઊંચા અવાજે બોલે છે. આવું લખીને આ તંત્રીઓ મુસલમાનોને ઉશ્કેરી રહ્યા છે. મુસ્લિમોને વિચાર ન આવતો હોય તો પણ પરાણે એમના દિમાગમાં તેઓ એ વાત ખોસી રહ્યા છે કે ભાઈ મુસલમાન, તારા આ ઘાને ફરી ફરી કાપી, મીઠું લગાડી જીવતા રાખજે, અમારી દંભી બિનસંપ્રદાયિકતાની આબરૂનો સવાલ છે. બહુમતી હિન્દુઓ વિરુદ્ધ લખતા આ તંત્રીઓના છાપામાં કામ કરતા પત્રકારો અને ફોટોગ્રાફરોને અયોધ્યામાં માર ન પડે તો જ નવાઈ.

પીટીઆઈએ અયોધ્યાથી ક્રીડ કરેલી એક આઈટેમમાં જણાવ્યું છે કે બાબરી મસ્જિદનો કાટમાળ ખસેડીને મંદિર માટે પાયો ખોદતાં જમીનમાંથી કેટલાક અવશેષો મળી આવ્યા. પુરાતત્વની દૃષ્ટિએ તપાસતાં આ વશેષો અગાઉ અહીં મંદિર હતું તે બહાર આવ્યું. આમ છતાં કેન્દ્ર સરકાર આ જમીન પર ફરી મસ્જિદનું નિર્માણ કરવાની જીદ લઈને બેઠી છે. આવું થશે તો કારસેવકોએ સ્થાપેલી રામની પ્રતિમાનું વિસ્થાપન કરવું પડશે. સરકારની જીદથી જે હિન્દુ બેક્લેશ સર્જાશે તે ખાળવાનું ગજું દુનિયાની કોઈ મિલિટરીમાં નહીં હોય.

બાબરી મસ્જિદ ફરી ચણાય કે પછી ત્યાં રામમંદિર ઊભું થાય : આ બંને શક્યતાઓનું મહત્વ રવિવારની ઘટના જેટલું નથી. કાલ ઊઠીને લાક કૃષ્ણ અડવાણી પોતે જ સ્ટ્રેટેજી બદલીને મસ્જિદની પહેલી ઈંટ ગોઠવે તો પણ બહુમતી દ્વારા લઘુમતીઓને જે સંદેશો પહોંચાડવનો હતો તે રવિવાર જ પહોંચી ગયો છે. સંદેશો બહુ સાદો સીધો છે: અમે બહુમતી છીએ, અમારી પાસે જે છે તે બધું જ ‘બહુ’ છે.

હવે શું થશે? બિનસાંપ્રદયિકતાનું પહેરણ પહેરીને બૌધિકમાં ખપવા માટે એક આખો વર્ગ ઊભો થશે. ચર્ચા-સેમિનારોમાં ભાજપનું નામ ખાંડણીમાં મૂકી એને દસ્તા વડે ખાંડવામાં આવશે. અપીલો બહાર પડશે. બિનસાંપ્રદાયિક જેવા, કૉંગ્રેસી રીતરસમને કારણે બિભત્સ વની ગયેલા, શબ્દને શેરડીના સંચામાં વારંવાર એનો ડૂચો વાલી નાખવામાં આવશે અને બહુમતી હિન્દુઓની લાગણીને વાચા આપતા ગણ્યાગાંઠ્યા જાગૃત હિન્દુઓને ફાંસીને માંચડે લટકાવવામાં આવશે.

ભારતના બંધારણની વાતો થાય છે પણ આ બંધારણના ઘડવૈયાઓએ કરેલી ભૂલોની વાતો નથી થતી. મુસ્લિમોના દબાણ હેઠળ કાશ્મીરને અપાયેલી ત્રણસો સિત્તેરમી કલમ રદ કરવાની વાત થતી નથી. કલ્યાણ સિંહે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું હોવા છતાં, તું શું જવાનો, હું તને લાત મારીને કાઢી મૂકીશ એવી ભાવના સાથે થયેલા, લોકશાહી પદ્ધતિએ ચૂંટાયેલી એક રાજ્ય સરકારને સસ્પેન્ડ કરવાના ગેરબંધારણીય પગલાની વાત થતી નથી. જવાહરલાલ નહેરુએ શરૂ કરેલી બિનસાંપ્રદાયિકતાની રાજરમતની વાત થતી નથી.

અમેરિકાના વિદેશ ખાતાએ આ ઘટના ‘ભારતની આંતરિક સમસ્યા છે’ કહીને ડહાપણભરી રીતે એમાં માથું ન મારવાની જાહેરાત કરી છે છતાં ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’ના વૉશિંગ્ટનસ્થિત સંવાદદાતા અહેવાલ મોકલે છે, જે છપાય પણ છે: અયોધ્યા લોઅર્સ ઈન્ડિયા ઈન અમેરિકન આઈઝ. દોઢડહાપણનું આ જ્વલંત ઉદાહરણ છે.

ભાજપ અને હિન્દુવાદી પક્ષના નેતાઓએ સરકારને તથા અદાલતને આપેલા વચનનો ભંગ થયાની વાત કરનારઓએ પહેલાં એ તપાસવું જોઈએ લે છેલ્લા સાડા ચાર દાયકા દરમિયાન ભારતીય પ્રજાને આપેલાં કયાં વચનો કૉંગ્રેસે નિભાવ્યાં? ગરીબી, ભ્રષ્ટાચાર અને કોમવાદ દૂર કરવાનાં વચનો લોકોને કોણે આપ્યાં હતાં?

ભારત બંધ અનેક વાર યોજાયા છે. ક્યારેય દૂરદર્શન જેવાં સરકારી માધ્યમોએ આ બંધની પૂર્વઘોષણા કરી નથી. બાબરી મસ્જિદ ઍક્શન કમિટીએ મંગળવાર, આઠમી ડિસેમ્બર ભારત બંધની ઘોષણા કરી (ભાજપ સિવાયના અન્ય વિરોધ પક્ષો પાછળથી એમાં જોડાયા) અને ટીવીએ એને ફુલ પબ્લિસિટી આપી, આ જ જો બિનસાંપ્રદાયિકતા હોય તો તે લઘુમતીઓને મુબારક.

મુસ્લિમો સામે અંગત દ્વેષભાવ કોઈનેય નથી. એમનો હાથા તરીકે ઉપયોગ કરનારા મુસ્લિમ અને હિન્દુ નેતાઓ સામેનો આક્રોશ અયોધ્યાની ઘટના દ્વારા બહાર આવ્યો છે. કેટલાક લોકો સુવર્ણમંદિરમાં થયેલા ઑપરેશન બ્લુસ્ટારના બનાવ સાથે આ ઘટનાની સરખામણી કરે છે. આ લોકોને ખબર નથી કે આવું કરીને તેઓ ધર્મને નામે ચલતા ઝનૂનવાદનો બચાવ કરી રહ્યા છે. કોમવાદનું ઝનૂન ખતરનાક હોય છે. અયોદ્યાની ઘટનાએ પુરવાર કર્યું છે કે એથીય વધુ ખતરનાક ઝનૂન બિનસાંપ્રદાયિકતાનું હોય છે.

5 comments for “કોમવાદ અને બિનસાંપ્રદાયિકતા: કોનું ઝનૂન ખતરનાક?

 1. June 27, 2009 at 6:56 PM

  – મને યાદ છે એ વખતે ઇન્ડિયા ટુડેએ કવર આખું કાળા રંગનું કરીને તેમાં ઉપર ‘નેશનલ શેમ’ એવું મથાળું બાંધ્યું હતું.

  – દર છઠ્ઠી ડિસેમ્બરે આ જ છાપાંઓ હજુ પણ જાણે કોઈ મહાપુરુષની વરસી-મૃત્યુતિથિ હોય તેમ તેને યાદ કરે છે. અને એ રીતે ઘા તાજા જ રાખવા પ્રયાસો કરે છે.

  – મિડિયા અને સેક્યુલરોનો પ્રભાવ અને દબાણ એવું થયું કે જે લોકોએ રામમંદિરના સમર્થનમાં રથયાત્રા યોજી હતી તેમને પણ હવે અફસોસ થવા લાગ્યો છે – વ્યક્ત કરવા લાગ્યા છે… એ રીતે કે ‘એ ઘટના મારા જીવનની સૌથી દુખદ ઘટના હતી.’

  – હજુ આજે પણ ઘણા ગુજરાતી, અંગ્રેજી કે હિન્દી સેક્યુલરો બે ઘટનાને ‘નેશનલ શેમ’ તરીકે અચૂક યાદ કરે છે- એક તો આ છઠ્ઠી ડિસેમ્બરવાળી અને બીજી – ગુજરાતનાં રમખાણોની.

  • June 27, 2009 at 7:54 PM

   યસ, જયવંત!

   અને એ જ અંકથી ‘ઇન્ડિયા ટુડે’ની ગુજરાતી આવૃત્તિ શરૂ થઈ હતી જેની ટ્રાન્સલેટેડ કવર સ્ટોરીનું ‘મૌલિક’ મથાળું હતું-‘કાળી ટીલી’! પહેલા જ અંકથી ‘ઇન્ડિયા ટુડે’એ મને એમનો ઑડિટર (એડિટર નહીં, ઑડિટર જે મૅનેજમેન્ટને દૂર રહીને દરેક અંકની વિગતે સમીક્ષા લખીને મોકલે જેની ઘણી ઊંચી ફી ચૂકવાય) નીમ્યો હતો. મેં પ્રથમ અંકની ૧૦ અંગ્રેજી પાનાં ભરીને આકરી સમીક્ષા કરી આપી જે એ લોકોને ગમી! પણ મેં ‘ઇન્ડિયા ટુડે’નો આગ્રહ હોવા છતાં આગળ કામ ના લંબાવ્યું.

   તે સમયે, જયવંત, તમારા ‘અભિયાન’ સાપ્તાહિકની ઑફિસ કાંદિવલી-ઇસ્ટ,મુંબઈ હતી. એ જ અઠવાડિયે ત્યાં મારા સેક્યુલર મિત્રો રમેશ ઓઝા અને સંજય વોરા તથા હિન્દુવાદી મિત્ર વીરેન્દ્ર પારેખ ભેગા થઈ ગયા. તંત્રી વિનોદ પંડ્યા અમને ચા-પાણી માટે બહાર લઈ ગયા.ચર્ચા દરમ્યાન અંગ્રેજી મિડિયા માટેની મારી ટીકાઓ પરાકાષ્ઠાએ પહોંચી રહી હતી, સહસા મારા મોઢામાંથી નીકળી ગયું, ‘આ સેક્યુલર છાપાં-મૅગેઝિનોને તો બાળી નાખવાં જોઈએ…’ પછી તરત મને મારી ભૂલ સમજાઈ એટ્લે મેં સુધારી લીધૂં, ‘સૉરી, બાળવાં નહીં, દફનાવવા જોઈએ જેથી એમની ધાર્મિક લાગણી દુભાય નહીં…’
   તે જમાનામાં આ વાક્યને ‘સમકાલીન’ તંત્રી સ્વ. ગાંધીભાઈએ ક્વોટેબલ ક્વોટ બનાવી દીધું હતું.

 2. pravin
  June 27, 2009 at 10:43 PM

  સૌરભભાઈ, તમને હું મારા સૌથી પ્રિય all in one ગણું છું કારણ કે તમે જે માનો છો તે જ લખો છો … તમે હંમેશા (સ્વ બક્ષીજી સાથે)મારા અતિ પ્રિય… સ્વર્ગસ્થ મુનશીજીનાં શબ્દોમાં કહું તો કાલમેવ દુર્ઘર્ષમ કાલાગ્નિમેવ દુઃસહમ … રહ્યા છો.
  LOVE YOU HAMESHA…

 3. Hitendra solanki from Silvassa DNH
  December 6, 2016 at 7:26 PM

  Before 24 years. It’s good conviction.
  Very nice and clear thought process.
  Man gaye GURUJI

 4. Hetal Desai
  December 7, 2016 at 12:46 AM

  Solid article sir.I remember I was just 14years at that time was preparing for board exam but never missed your articles . Your articles have played major role in developing my thoughts whatever I am today with respect to my public behaviour n opinion all credit goes to you thanks to you sir for that n till today we are getting something or other to learn from your write up 🙏🏻

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *