ઊંઝાની ત્રણ જોક્સ: ચોરી, અપહરણ, પંચતંત્ર

Friday, June 26, 2009
In ગુડ મૉર્નિંગ at 11:58 pm

રમૂજ:૧

એક ચોર હતો. તે ચોરી કરવા ગયો. ચોરી કરતાં કરતાં અચાનક એને એક પ્રશ્ન થયો. તિજોરી ખુલ્લી મૂકીને એણે પોતાના બૉસને ફોન લગાડ્યો: ‘બૉસ, એક સવાલ થાય છે.’

‘જલદી બોલ, ગધેડા. અડધી રાતે શેના સવાલો થાય છે તને?’

‘બૉસ, આપણે તો ઊંઝાવાદીઓ છીએ અને અહીં તો તિજોરી છે–તીજોરી તો  દેખાતીય નથી, શું કરું?’

‘અક્કલના ઓથમીર, માલ સાફ કરતી વખતે હ્રસ્વ ઈ દીર્ઘ ઈ જોવાની નહીં. જલદીથી તિજોરીમાંના રૂપિયા લઈને આવી જા… અને એક મિનિટ… રૂપિયા ભલે દીર્ઘ ઈવાળા ન  હોય, લઈ લેજે, પડતા નહીં મૂકતો…’

‘ભલે બૉસ, પણ એક.. એક છેલ્લો સવાલ…’

‘વળી પાછું શું છે?’

‘બૉસ, પોલિસમાં હ્રસ્વ ઈ આવે કે પોલીસ કહીએ એમાં દીર્ઘ ઈ વપરાય?’

‘તે અત્યારે તને એ કેમ યાદ આવ્યું?’

‘બૉસ, સાયરન સંભળાઈ એટલે!’

* * *
રમૂજ : ર

સી. આઈ. ડી. ક્રાઈમ બ્રાન્ચમાં શહેરના સૌથી પૈસાદાર ઉદ્યોગપતિ બેઠા છે. એમના દીકરાનું અપહરણ થયું છે. અપહરણકર્તાએ દસ કરોડની વસુલી માગી છે. શેઠ પૈસા આપીને દીકરાને છોડાવી લાવવા આતુર છે. ક્રાઈમ બ્રાન્ચના ઑફિસરો કહે છે, ‘થોડી રાહ જુઓ અમે તમારા દીકરાની ભાળ મેળવી જ રહ્યા છીએ… કિડનેપર કોઈકને કોઈક રીતે તમારો સંપર્ક કરશે જ..’

ત્યાં જ શેઠના બ્લૅકબેરી મોબાઈલ પર ઈમેઈલ મેસેજ આવ્યાનું ટણિંગ થયું. શેઠે મેસેજ ખોલ્યો, વાંચીને એમને પરસેવો વળી ગયો. ધ્રુજતા હાથે એમણે બ્લૅકબેરી ડીસીપીના હાથમાં મૂક્યો. મેસેજ વાંચીને ડીસીપી સાહેબ ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, ‘શેઠ તમારા દીકરાનો  કિડનેપર પકડાઈ ગયો…’

‘કેવી રીતે?’

‘આ જુઓ શું લખ્યું છે!’

‘શું લખ્યું છે?’

‘લખે છે: આપના ખીલાફ મને કોઈ ફરીયાદ નથી પણ મારી પરીસ્થીતીની જરુરીયાતને હીસાબે… બસ, આટલું જ કાફી છે, શેઠ. ચાલો, ઊંઝા, તમારો દીકરો ત્યાં જ છે!’

* * *
રમૂજ ૩: ઊંઝાનું પંચતંત્ર

એક જંગલ હતું. જંગલમાં એક સિંહ રહેતો હતો. સિંહ જંગલનો રાજા હતો. એક દિવસ રાજા સિંહ માંદો પડ્યો. રાજવૈદે સારવાર કરી પણ સિંહની બીમારી મટે જ નહીં, મટે જ નહીં. છેવટે મંત્રીએ રાજાને ઈલાજ સૂચવ્યો, ‘મહારાજાધિરાજ, સાંભળ્યું છે કે અહીંથી સો ગાઉ દૂર ઊંઝા નામના પ્રદેશમાં એક વાંદરો રહે છે. આવી બીમારીઓના ઈલાજ માટે એ ખૂબ જાણીતો છે.’

‘તો રાહ કોની જુઓ છો, એક પવનવેગી સાંઢણી પર બેસાડીને બોલાવી લાવો એને મારા મહેલમાં.’

બીજે દિવસે પ્હો ફાટતાં જ ઊંઝાનો વૈદરાજ વાંદરો વાજતે ગાજતે મહારાજા સિંહના મહેલમાં દાખલ થયો. સિંહનો આગલો ડાબો પગ હાથમાં લઈ નાડી ચૅક કરીને ઊંઝાના વૈદરાજ વાંદરાએ માથું ધુણાવ્યું.

‘શું? કોઈ ગંભીર વાત છે?’ સિંહે પૂછ્યું.

‘શ…’ ઊંઝાના વૈદરાજ વાંદરાએ સિંહનો આગલો જમણો પગ હાથમાં લઈ નાડી તપાસી અને ફરી માથું ધુણાવ્યું.

‘વૈદરાજ, બોલો તો ખરા, બહુ સિરિયસ રોગ છે મારો?’

ઊંઝાના વૈદરાજ વાંદરાએ સિંહનો પાછલો ડાબો પગ હાથમાં લઈ નાડી તપાસી અને ફરી માથું ધુણાવ્યું.

સિંહ ગભરાઈ ગયો. ઊંઝાના વૈદરાજ વાંદરાએ સિંહનો પાછલો જમણો પગ હાથમાં લઈ નાડી ચૅક કરી. સિંહનો શ્વાસ અધ્ધર થઈ ગયો. ઊંઝાનો વૈદરાજ વાંદરો બોલ્યો, ‘સિંહરાજ, તમે મરવા પડ્યા છો… તમારી આવરદા હવે ઝાઝી બચી નથી.’

‘હવે શું થશે?’ સિંહ ગભરાઈ ગયો.

‘મારી પાસે તમારો ઈલાજ છે’, ઊંઝાનો વૈદરાજ વાંદરો બોલ્યો.

‘શો ઈલાજ છે, વૈદરાજ,’ સિંહે પૂછ્યું.

‘તમારી બીમારી તમારા પાચનતંત્રને કારણે સર્જાઈ છે. છેલ્લે તમે શું ખાધું હતું…’

‘શું ખાધું હતું..?’ સિંહે માથું ખંજવાળીને યાદ કર્યું, ‘આમ તો રૅગ્યુલર જે ખાઉં છું તે જ… હા, હા, છેલ્લે  રાજમહેલમાં પાર્ટી હતી ત્યારે એક શિયાળ ખાધું હતું..’

‘અરે, અરે, અરે, મહારાજ… આ તમે શું ખાધું?’ ઊંઝાનો વૈદરાજ વાંદરો બોલી ઊઠ્યો.

‘કેમ, કેમ, કેમ?’ સિંહે પૂછ્યું.

‘શિયાળ તે કોઈ દિવસ ખવાય? એ તો હ્રસ્વ ઇ પ્રાણી કહેવાય.. બીજું શું ખાધું હતું, મહારાજ?’

‘બસ, જમ્યા પછી ડિઝર્ટમાં એક કબૂતર ખાધું’

‘કબૂતર? એ તો દીર્ઘઊ પંખી કહેવાય… મહારાજ, મહારાજ, આ તમે શું કરો છો? આજથી તમારે હવે એક જ ઈ અને એક જ ઉ વાળાં પ્રાણીઓ ખાવાનાં!’

‘એક જ ઈ? એ વળી કયું પ્રાણી છે? આવા જનાવરનું તો મેં કોઈ દિવસ નામ સુદ્ધાં નથી સાંભળ્યું, વૈદરાજ!’

‘સમજાવું છું, મહારાજ. ઊંઝાવાળા વાંદરા વૈદરાજે પોતાના તાર્કિક, સમાધાનકારી અને ઉભયપક્ષે ઉપયોગી એવા મેડિકલ સાયન્સના ઉપચારો લંબાણ પૂર્વકની દલીલો દ્વારા સમજાવ્યા જે તમામ મહારાજાના માથા ઉપરથી બાઉન્સ થઈ ગયા.

‘વૈદરાજ, કંઈ સમજાય એવું તો બોલો…’

‘મહારાજ, આજથી હવે તમારે માત્ર સસલું ખાવાનું. એ હ્રસ્વ ઉ પ્રાણી છે.’

‘એક સસલું ખાઈને કેવી રીતે પેટ ભરાય?’

‘ઠીક છે, તો સાથે સુવ્વર, ડુક્કર કે ભુંડ–જે ભાવે તે ખાજો..’

‘છી.. છી.. રાજા થઈને અમે આવાં પ્રાણી ના ખાઈએ.’

‘ઓકે, તો ઝીબ્રા ખાજો..’

‘ઝીબ્રા! આ ગીરના જંગલમાં ઝીબ્રા ક્યાંથી લાવવાના મારે?’

‘ભલે, તો હાથી ખાજો — એ દીર્ઘ ઈ પ્રાણી છે…’

‘વૈદરાજ, એની સાથે અમારી સંધિ છે, મારાથી ના ખવાય..’ સિંહ ગુસ્સે થયો.

‘ઠીક છે…’ ઊંઝાનો વૈદરાજ વાંદરો ચિંતામાં પડી ગયો, ‘એક કામ કરો, તમે હરણ, મગર અને જરખનો આહાર શરૂ કરી દો — કાનામાતર કે ઈ-ઉ વગરનાં પ્રાણી તમને સહેલાઈથી પચી જશે…’

સિંહનો રોષ વધતો ગયો, ‘ વૈદરાજ, તમે મને ભૂખ્યો રાખીને મારી નાખવાનો પેંતરો રચો છો.. જરા, અહીં આવો તો..’ સિંહે ઊંઝાના વૈદરાજ વાંદરાને નજીક બોલાવીને ઝાપટ મારી અને એનું ગળું પકડી એક જ કોળિયે એને આરોગી ગયો.

ઊંઝાના વૈદરાજ વાંદરાને ખાતાં જ સિંહને સારું લાગવા માંડ્યું અને એ નાચતોકૂદતો ગાવા લાગ્યો.

  • Share/Bookmark

7 Responses to “ઊંઝાની ત્રણ જોક્સ: ચોરી, અપહરણ, પંચતંત્ર”

  1. હા…હા…હા…હા…
    મજા આવી ગઈ !

    #466
  2. સારી સવાર માટે આભાર. રમૂજ્-૨ વધારે ગમી.

    #467
  3. ક્યા બાત હૈ !

    ત્રણ જોક્સની સિક્સર !!

    #471
  4. અલકેશ પટેલ

    જોરદાર. જોડણી બદલવાની અવૈજ્ઞાનિક દલીલોના પરિણામો અંગેના કટાક્ષ ગમ્યા. Please do not stop hunting these monkeys…

    #486
  5. Gaurang Acharya

    સવારમાં કાંતાએ રમાને પૂછયુ “રમા મારા નર(ળ)માં પાણી નથી આવતું, તારા નર(ળ)માં આવે છે?

    #496
  6. Jina

    વાહ વાહ!! તમે તો અમારા સૌની લાગણીઓને વાચા આપી છે… મજા આવી ગઈ!!

    #679

Leave a Reply

 

શે’ર બજાર

मैं तुम्हारा स्नेह,संवेदन, समादर चाहता हूं,
पर नहीं उस दाम पर जो मांगते तुम.
-हरिवंशराय बच्चन
Quoted by the poet's son on the header of his blog: www.bigb.bigadda.com

કેલેન્ડર

June 2009
M T W T F S S
« May   Jul »
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

આ બ્લોગ પર શોધો

આ બ્લોગનો શુભારંભ

સોમવાર, ૨૫ મે ૨૦૦૯
(સ્વ. હરકિસન મહેતા,
નવલકથાકાર અને
તંત્રી:‘ચિત્રલેખા’ની,
૮૧મી જન્મજયંતિ)