તમારો બ્લોગ…: થોડી વધુ ટિપ્સ

કોપીરાઈટના કાયદાનો ભંગ ક્યારે થાય અને ક્યારે નહીં એની જાણકારી

સારા, વધુ વંચાતા બ્લોગ કેવી રીતે સર્જવા એની વાત આગળ લંબાવીએ. આગળ વધતાં પહેલાં બે વાત મારે નવા દાખલા આપીને દોહરાવવી છે.

કોપીરાઈટના કાયદાનો ભંગ ક્યારે થાય અને ક્યારે નહીં એની જાણકારી અનેક ભોળા બ્લોગરોને નથી હોતી. કેટલાક બ્લોગરો જાણી જોઈને કોપીરાઈટના કાયદાનો ભંગ કરતા હોય છે. કાયદાની રીતે આ બંને પ્રકારના બ્લોગરો એકસરખા ગુનેગાર છે.

કોપીરાઈટ વિશેની વાત કવિ અંકિત ત્રિવેદી સાથે થતી હતી ત્યારે એમણે બે સરસ કિસ્સા કહ્યા. ભાવનગરમાં આશિત દેસાઈનાં ગીતોનો કાર્યક્રમ પૂરો થયા પછી એક શ્રોતા અંકિત ત્રિવેદી પાસે આવ્યો. કહે, ‘આ આશિત દેસાઈને કહોને કે એમની ‘નમોસ્તુતે’ની સીડીમાંથી મારે ત્રણસો સીડી કોપી કરીને મારાં સગાંમિત્રોમાં આપવી છે પણ સીડી મારા કોમ્પ્યુટરમાં કોપી જ નથી થતી!’

અંકિત હજુ કંઈ આગળ કહેવા જાય ત્યાં જ પેલા ભાઈ કહે, ‘પછી મેં બહાર પચાસ રૂપિયા ખર્ચીને સીડીનો લોક ખોલાવ્યો ત્યારે માંડ નકલ બનાવી શક્યો… એમને કહેજો કે હવે આવી સીડીઓ ના બનાવે!’

આ સવાંદ વખતે આશિત દેસાઈ બાજુમાં જ ઊભા હતા!

પોતે ચોરી કરે છે એનું જ જેને ભાન નથી અથવા આવી ચોરી પોતાનો જન્મસિદ્ધ અધિકાર છે એવું માનનારાઓને તમારે શું કહેવું?

અંકિત ત્રિવેદીએ બીજો એક કિસ્સો કહ્યો:

અંકિતના પઠનમાં કવિ રમેશ પરેખનાં કાવ્યોની એક સીડી જાણીતી પ્રકાશન સંસ્થા નવભારત સાહિત્ય મંદિરની સિસ્ટર કન્સ્રર્ન નવભારત કમ્યુનિકેશન્સ તરફથી તૈયાર થઈ રહી હતી તે દિવસોની વાત. અંકિત અને નવભારતના માલિક-ભાગીદાર જયેશ શાહ કવિ રમેશ પારેખના રાઈટ્સ માટે અમરેલી રસીલાબેન અને નીરજ રમેશ પારેખ પાસે ગયા. સાથે રૂપિયા પંદર હજાર લેતા ગયા. રાઈટ્સ લીધા પછી બીજા દસ હજાર રૂપિયા અને સીડી આવી ગયા પછી બીજા પંદર. કુલ રૂપિયા ચાળીસ હજાર આપ્યા. અને તે પણ માત્ર રમેશ પારેખનાં કેટલાંક કાવ્યોની સીડી બનાવવા માટે, પુસ્તક છાપવાનું નહીં કે રમેશનાં ગીતો-ગઝલો ગાવાનાં પણ નહીં. માત્ર ૧,૦૦૦ (એક હજાર) સીડી માટેના જ. આટલી સીડી વેચાઈ ગયા પછી રાઈટ્સ રિન્યુ થાય અને કવિના કોપીરાઈટ્સ હોલ્ડરોને (એટલે કે એમના કુટુંબીજનોને) નવી ૧,૦૦૦ સીડી બને તો બીજા વધારાના પૈસા મળે.

હવે તમે જ વિચારો કે આ સીડી તમે ક્યાંક સાંભળી (કે કોઇકે અપલોડ કરી અને તમે સાંભળી) અને તમે ગમતાંનો ગુલાલ કરવાના અતિ ઉત્સાહમાં તમારી સાઈટ પર કે તમારા બ્લોગ પર ડાઉનલોડ કરીને મૂકી દીધી તો આ સો રૂપિયાની સીડી ખરીદવા કોણ મારો કાકો જવાનો છે? તમારે ત્યાં મફતિયો મળતો માલ ગમતાનો ગુલાલ નથી, કવિના કુટુંબની આવક પર મારવામાં આવતી લાત છે. તમને જો ગુજરાતી સાહિત્ય માટે, ગુજરાતી ભાષા માટે, ગુજરાતી કવિ-વાર્તાકાર-નવલકથાકાર-લેખક માટે જો  એટલો જ પ્રેમ હોય તો તમારે પ્રોપર ચેનલોમાંથી પસાર થઈ, યોગ્ય વિધિઓ કરીને તમને ગમી ગયેલું સર્જન તમારા બ્લોગ પર કે તમારી સાઈટ પર મૂકવું જોઈએ.

અને અહીં હું કોઈ પ્લેગિયારિસ્ટ કે સડકછાપ પાયરેટેડ સીડીનો ધંધો કરનારાઓ સાથે વાત નથી કરતો. એમની સાથે તો પોલીસ ડીલ કરશે, સજા પણ થશે. હું વાત કરું છું ગુજરાતી સાહિત્યના પ્રેમીઓ સાથે જેમને ખરેખર આ ભાષા માટે માન છે, પ્રેમ છે. તમારાં પ્રેમ-આદર દર્શાવવા માટે તમે ગુજરાતી સર્જકોના સર્જનને જેમતેમ, ફાવે તેમ તમારા બ્લોગ પર ના મૂકો એવી બે હાથ જોડીને વિનંતી. તમારો આશય આર્થિક ફાયદો મેળવવાનો ના હોય તો ના હોય, પણ તમારે કારણે કોઈને આર્થિક નુકસાન થતું હોય ત્યારે તેની જવાબદારી કોની? તમારી. કદાચ તમને ખ્યાલ ના હોય કે આ કવિતા કે વાર્તા કે લેખના કોપીરાઈટ કોની પાસે છે તો મને ઈમેઈલ (hisaurabhshah@gmail.com) કરશો તો હું તમને સંપર્ક માટેનાં સરનામાં વગેરે મેળવી આપવાની જરૂર કોશિશ કરીશ. હું જેની કારોબારી સમિતિનો પાંચ વર્ષથી ચૂંટાયેલો સભ્ય છું તે ગુજરાતી ભાષા-સાહિત્યની સર્વોચ્ચ સંસ્થા ‘ગુજરાતી સહિત્ય પરિશદ, અમદાવાદ’ પાસે પણ આવા સંપર્કોની ખૂબ મોટી ખાણ છે. મારા અંગત રેફરન્સીસમાં નહીં હોય તો હું ત્યાંથી લાવીને તમારા સુધી પહોંચાડીશ.

કાલે કોપીરાઈટના ભંગ બદલ પેલી અમેરીકનને થયેલા કરોડોના દંડ વિશે.

11 comments for “તમારો બ્લોગ…: થોડી વધુ ટિપ્સ

 1. jay vasavada
  June 27, 2009 at 2:55 AM

  spot on !

 2. SALIL DALAL(TORONTO)
  June 27, 2009 at 10:42 AM

  આ ખરા સૌરભભાઇ !
  ક્રિએટિવ એવા સૌના તરફથી આભાર…..કોપીરાઇટની અગત્યતા યોગ્ય રીતે મુકવા બદલ.
  અગાઉની મારી કમેન્ટનો કોઇ રિસ્પોન્સ કેમ નહિ મળ્યો હો ય, મિત્ર?

  • June 27, 2009 at 11:18 AM

   સલિલભાઈ,

   નાસિક હતો ત્યારે તમારી કમેન્ટ મળી હતી.
   તે વખતના ટૅન્શનમાં અંગત મિત્રે ખભા પર હૂંફથી હાથ મૂક્યો છે એવૂં અનુભવ્યું.

   દોડધામ વચ્ચે પણ મેઘાને કહ્યું કે સલિલભાઈને વળતી કમેન્ટ કરવાને બદલે એમના વિશે આ ક્મેન્ટ્ને સાંકળી લઈને સરસ લેખ પોસ્ટ કરી સરપ્રાઇઝ આપીએ.
   નાસિકથી અમદવાદ પાછાં ફરતાં હતાં ત્યારે આ બ્લોગનું કામ પૂરું કરીને તમારા વિશે ‘પર્સનલ ડાયરી’માં લખવાનું શરુ કર્યું ત્યાં લૅપતોપની બૅટ્રી ગઈ (t પછી shift key દબાવવાની રહી જાય ત્યારે આવું થાય. તમે કહેશો કે,’સૌરભ તારા માટે laptopનો આ જ ઉચ્ચાર બરાબર છે કારણકે એ તારા રાઈટિંગ-ફાઈટિંગને અનુરૂપ છે).

   ઍની વે, ટુ કટ ઈટ શૉર્ટ, મારા EFના સભ્યો, ફિલ્લમની ચિલ્લમવાળા મારા મશહૂર મિત્ર સલ્લિલ દલ્લાલ જે અમારી બકબકથી કંટાળીને ટૉરોન્ટૉ ભાગી ગયા છે, એમના વિશે કાલ્રે, રવિવારે, ૨૮ જૂનની ઉઘડતી સવારે(I.S.T. મુજબ) તમને મારી પર્સનલ ડાયરીમાં વાંચવા મળશે. તમારી કૉપી બુક કરાવી… ના, તમારા નેટ કનૅક્શનનું બિલ ભરાવી દેજો..

 3. June 27, 2009 at 1:39 PM

  પ્રિય સૌરભભાઈ
  આપની આ લેખ માળા ખુબ ગમી

  હુ હજુ એક બાબતે થોડો મુન્જવણમા છુ.

  મૅ હાલમા જ એટલે કે લગભગ તમારા સાથે જ ગુજરતીમા બ્લોગ લખવાની શરુઆત કરી છે.
  પરન્તુ મે તેમા નામી કવીઓની કવિતાઓ તેમના નામ સાથે મુકી છે.

  તો શુ તેમા પણ કોપીરઈટ નો ભન્ગ થાય છે?????

  આપના ઉત્તરની પ્રતિક્ષામા

  નિશાન્ત ગોર

  • June 27, 2009 at 2:27 PM

   જી, હા.

   તમારા બ્લૉગ પર આદિલ મન્સુરી, ‘બેફામ’, ‘ઘાયલ’, ‘મરીઝ’ જેવા ટોચના શાયરોની અનેક ઉત્તમ ગઝલ છે. આ ઉપરાંત વચ્ચે વચ્ચે નામ વગરની પદ્ય રચનાઓ છે જે તમારી હશે. સૌથી પહેલી સુરેશ દલાલની કવિતા તમે પોસ્ટ કરી હતી જેમાં કવિનું નામ શોધવું પડે અને માંડ મળે તે રીતે મૂકાયું છે.અને એક અતિ ગંભીર વાત. ’મારી આંખમાં તું વહેલી સવાર સમું પડ્તી/ ને ઘેરાતી રાત મને યાદ છે, ઘેરાતી રાત તને યાદ છે’ કવિતામાં ક્યાંય કવિનું નામ કેમ નથી? આ તો રમેશ પારેખનો માલ છે, યાદ છે?

   કવિની પ્રગટ સંમતિ વિના મૂકાયેલી કોઇ પણ રચના કવિના કૉપીરાઈટનો ભંગ કરે છે.

   તમારા એક અન્ય બ્લોગ પર કચ્છ વિશેની માહિતી તમે બહુ સરસ રીતે આપી રહ્યા છો. એ કામ આગળ વધારો.

   • June 27, 2009 at 4:17 PM

    ખુબ આભાર સૌરભભાઈ

    આપે જે રસપુર્વક મારા બ્લોગ જોયા અને વાન્ચ્યા.
    આપનો અભિપ્રાય મારા માટે ખુબ જ મહત્વનો છે.
    આ અજાણ્યા કવિઓના નામ મને ખ્યાલ ન હોવાથી તેમનુ નામ નથી લખી શક્યો. ખુબ ખેલદિલી પુર્વક જણાવુ છુ કે, તે પણ મારી ક્રુતિઓ નથી.

    આજના સમયમા આ નામી કવિઓ પાસેથી જો ઓનલાઈન પરમિશન મેળવવી હોય તો કેવી રીતે મેળવી શકાય તે અન્ગે જો માહિતી મળે તો આપનો આભારી થઈશ.

    ફરી આપના આભારસહ

    નિશાન્ત ગોર

 4. pravin
  June 27, 2009 at 4:04 PM

  સૌરભભાઈ, જબરદસ્ત અને આંખ ઊઘાડનાર લેખ. મારો તો કોઈ બ્લોગ નથી પણ તમારી સાથે સંપુર્ણ સહમત. (ભવિષ્યમાં જ્યારે પણ કોઈ સીડી કોપી કરવાની ઈચ્છા થશે ત્યારે તમારો આ લેખ ચોક્કસ યાદ રાખીશ)

 5. Jitu Dhabaria
  June 27, 2009 at 4:55 PM

  Saurabhbhai

  have started reading your articles and posts, you have got so much clarity in your thoughts . its amazing.

  wanted to write in gujrati but couldnt.

  Jitu

 6. June 28, 2009 at 11:42 PM

  ઘણુ અસરકારક… બ્લોગ લેખકોને વળતો જવાબ આપો છો તે નમ્રતા ગમી. અગાઉના લેખો કરતા આ લેખ થોડો વધુ સંવેદનશીલ બની રહ્યો.

 7. June 30, 2009 at 2:38 PM

  બહુ સરસ, ભાઇ. તમારી પાસેથી બહુ શિખવા જેવુ છે.બહુ વખતથી હું તમારો ફેન છુ.તમે પહેલાં ‘ગુજરાત સમાચાર’માં લખતા હતા ત્યારથી. તમારો બ્લોગ બહુ ગમ્યો

 8. July 1, 2009 at 5:25 AM

  કોપીરાઈટની વાત સાચી. પણ આજે તો કોપી કરવાનો જાણે સહુનો રાઈટ(હક્ક)થઈ ગયો છે. અને સહુ હક્કથી કોપી કરે. એટલે બંદાએ મૌલિક વાર્તાનો બ્લોગ શરૂ કર્યો. કોપી રાઈટ વિશે વર્ડ પ્રેસ એક અન્ય કોઈએ વિગતવાર સમજણ આપવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *