‘અમે બોલીઓ છીએ’: ભાષાની વિવિધ સુગંધનું સંશોધન

અમે બોલીઓ છીએ: શાન્તિભાઈ આચાર્ય

પ્રકાશક: ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ માર્ગ, ટાઈમ્સ પાછળ, અમદાવાદ 380009.

email: gspamd@vsnl.net,વેબ સાઇટ:gujaratisahityap arishad.org

પુષ્ઠ: 469 (ડેમી સાઈઝ),કિંમત: રૂ. 300,પ્રથમ આવૃત્તિ: માર્ચ 2009.

ame bolio chhieગુજરાતી ભાષામાં રસ ધરાવનારને, એના અભ્યાસમાં ઊંડા ઉતરવા માગનારને અને રિસર્ચ વર્કમાં રેફરન્સ મટિરિયલ તરીકે ઉપયોગ કરવા ધારનાર માટે સોનાની ખાણ પુરવાર થાય એવું એક પુસ્તક ગુજરાતી સાહિત્ય પરિષદે તાજેતરમાં પ્રગટ કર્યું છે.

શાન્તિભાઈ આચાર્ય અડધી સદીથી (૧૯૬૦થી) ગુજરાતી બોલીઓ વિશે સંશોધનો કરી રહ્યા છે.

પુસ્તકમાં કચ્છી  બોલીઓ  વિશેના પ્રથમ પ્રકરણમાં છ પેટા-પ્રકરણો છે: 1. રાજગોર (બ્રાહ્મણ)ની કચ્છી-માંડવી વિસ્તાર, 2. જૈન (ઓશવાળ)ની કચ્છી-બિદડા અને માંડવી વિસ્તાર, 3. સંઘારી કચ્છી- એ પણ બિદડા-માંડવી વિસ્તાર, 4. ભાટિયા જ્ઞાતિની કચ્છી-મુંદ્રા વિસ્તાર, 5. જત્ત (મુસ્લિમ)ની કચ્છી –બન્ની વિસ્તાર અને 6. સીદી કચ્છી-બેડી વિસ્તાર.

મઝાની વાત એ છે કે અહીં વિવિધ બોલીઓ વિશેની શાસ્ત્રીય, વિદ્વાનોને-અભ્યાસીઓને ઉપયોગી માહિતી ઉપરાંત સામાન્ય વાચકને મઝા પડે એવી દરેક બોલીઓની અઢળક વાર્તાઓ પણ છે. પુસ્તકમાં ઊભા અડધા પાના પર એ વાર્તા અને એની બાજુમાં જ એ વાર્તાનો સાદી- સરળ ગુજરાતીમાં અનુવાદ. વાર્તાઓ મઝાની છે અને વિવિધ બોલીઓમાં વાંચવાની ઔર મઝા આવે એવી છે.

કચ્છી બોલીઓ પછી સૌરાષ્ટ્રી (કાઠિયાવાડી ) બોલીઓનું પ્રકરણ છે જેમાં: 1 હાલારી બોલી, 2. ગોહિલવાડી બોલી: બોટાદ વિસ્તાર અને 3. ભાલ પંથક (પ્રદેશની) બોલી વિશે વાત છે.

ત્યારબાદ ઉત્તર ગુજરાત તથા મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિતના પ્રદેશોની આદિવાસી બોલીઓ વિશેનાં પ્રકરણો છે.

ગુજરાતી ભાષા તેમ જ બોલી વિશે અનેક સંશોધનો થયાં છે. જેમાં શાન્તિભાઈ આચાર્યનું સંશોધન આગલી હરોળનું છે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડે ડો. ટી.એન.દવેનો  ‘ગુજરાતની ભાષા’ નામનો ગ્રંથ પ્રકટ કર્યો હતો જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, ચરોતર, અને સુરત પ્રદેશની બોલીઓ વિશેનાં સંશોધનો પણ સામેલ છે. એ પુસ્તક વિશેનો લેખ સ્વ. હસમુખ ગાંધીના તંત્રીપદે પ્રગટ થતા દૈનિકની મારી દૈનિક  કોલમ ‘તારીખ અને તવારીખ’માં લખ્યો હતો જેનું મથાળું હતું : ‘ગુજરાતની બોલીઓ: છેતર આગર કોંટો લાજ્યો ’ (16 ફેબ્રુઆરી 1995). ગુજરાતી બોલીઓ અને ગુજરાતી ભાષા વિશે છેક 1859ના ફેબ્રુઆરીમાં પ્રગટ થયેલા ‘બુદ્ધિવર્ધક ગ્રંથ’ માસિકમાંના એક લેખ વિશે ‘મુંબઈ સમાચાર’ની દૈનિક કોલમ ‘ગુડ મોર્નિંગ (27 મે 1997)માં એક લેખ લખ્યો હતો: ‘આખા લેમડામાં એક ડાર મેઠું કે રણસોર રંજીલો.’

‘અમે બોલીઓ છીએ’ પુસ્તક વિશે આમુખ બાંધતાં શાંન્તિભાઈ આચાર્યના જીવન તથા કાર્યના નિકટના સાક્ષી એવા સાહિત્યકાર રઘુવીર ચૌધરી લખે છે: ‘(શાંતિભાઈની) અપેક્ષા- કહો કે શુભેચ્છા- છે કે પાંચ-સાડાપાંચ કરોડ ગુજરાતીઓમાંથી એમની પરંપરાના પાંચેક અભ્યાસીઓ નીપજી આવે…’’

શાંતિભાઈ આચાર્યની આ આશા ફળીભૂત થાય એવા વાચકો આ ગ્રંથને મળે એવી અમારી પ્રાર્થના.

3 comments for “‘અમે બોલીઓ છીએ’: ભાષાની વિવિધ સુગંધનું સંશોધન

 1. June 27, 2009 at 12:54 AM

  Very good information. Thanks.
  It is indeed very rare to see such a dedicated person on this sort of subject without much hype but with only inner motivation.

 2. June 27, 2009 at 10:40 AM

  વાંચીએ, હમજીએ, પછી એ. . ય ને હાકલા હો. ચ્યમ ષું થ્યું?

 3. Shailesh - Neeta
  June 29, 2009 at 9:36 PM

  Interesting. Added to the list of must have books… Thanks for the info..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *