નિર્ણયો પછીના અફસોસ

નિર્ણય લેતી વખતે કોઇપણ માણસ માનતો નથી કે પોતે ઉતાવળિયું પગલું ભરે છે.
એવી ખબર હોત તો એણે એવો નિર્ણય લીધો જ ન હોત

(આ લેખ ૧૯૯૫-૧૯૯૯ના ગાળામાં ‘મુંબઈ સમાચાર’માં પ્રગટ થતી મારી દૈનિક કૉલમ ‘ગુડ મૉર્નિંગ’માં અને ત્યાર બાદ મારા પુસ્તક ‘કેમ છો પુછાય છે ત્યારે તમે ખરેખર મઝામાં હો છો?’માં છપાયો.)

જે થયું તે સારા માટે એવું આશ્વાસન માણસને હંમેશા સાંત્વન આપી શકતું નથી.. માણસ જોઇ શકે કે જે કંઈ થઈ ગયું છે એને કારણે પોતાને કેટલું નુકસાન થઈ ચૂક્યું છે. બની ચૂકેલા બનાવોને કારણે થયેલી તારાજી અનુભવી રહેલા માણસની પીડાને ‘જે થયું તે સારા માટે’ ના શબ્દો શમાવી શકતા નથી. તો પછી ભૂતકાળમાં બની ચૂકેલી ઘટનાઓ પ્રત્યેનો અફસોસ મિટાવવા શું કરવું?

એ અફસોસ ભૂંસવો જરૂરી છે. કારણકે પાછલી જિંદગીના પસ્તાવાઓના બોજ આગળ વધવાની ગતિ મંદ કરી નાખે છે. અફસોસને કારણે મનમાં જન્મતી શરમની લાગણી વર્તમાનની પ્રસન્ન ઘટનાઓને મન ભરીને માણતાં રોકે છે. અફસોસ છૂટી જવા જોઇએ એનું વધુ એક મહત્તાનું કારણ આપણે ભ્રમણાઓમાંથી બહાર આવી જઈએ પણ ખરું.  કેટલાક લોકો અફસોસ કરીને કહેતા હોય છે કે ધંધામાં મને અમુક તક મળી પણ મેં તે વખતે એને ઝડપી નહીં, બાકી હું પણ ધીરુભાઈ જેટલું કમાઈ શક્યો હોત અથવા તો મધ્યવયસ્ક સ્ત્રી અફસોસ કરતાં પોતાની પુત્રીને કહે કે મને તો એ વખતે ફલાણાનું માગું હતું પણ હું તારા પપ્પાના પ્રેમમાં હતી એટલે ત્યાં ના પાડે દીધી.બાકી હું આજે પેલા મોટા માણસની પત્ની હોત. આવા અનેક અફસોસ મનમાં સંઘરી રાખ્યા હોય છે.

કેટલાંક લોકો સાચા પસ્તાવા રૂપે કહેતા હોય છે કે મારી જીદને કારણે મેં મારા પુત્રને ફેક્ટરી ચાલુ કરવા અમુક રકમ આપી નહીં, મારી પાસે એટલા પૈસા સાવ ફાજલ પડ્યા હતા છતાં આપ્યા નહીં. કેટલાકને પસ્તાવો થતો હોય છે કે મા-બાપ હયાત હતાં ત્યારે મેં એમને માટે આમ ના કર્યું, તેમ ના કર્યું. કેટલાકને અફસોસ હોય છે કે નવ સત્તાવનવાળી ગાડી પકડી એને બદલે નવ બાવનવાળી પકડી હોત તો બારી પાસે બેસવાની જગ્યા મળી જાત.

જિંદગીમાં જે કંઈ બની ચૂક્યું છે તે એ જ રીતે બનવાનું હતું. અત્યારે ભલે તમને લાગે કે મેં આમ નહીં પણ તેમ કર્યું હોત તો કેટલું સારું થાત. પરંતુ હકીકત એ છે કે આ વિચાર તમને પાછળથી આવ્યો છે. તે વખતે તમે આમ નહીં પણ તેમ કરવાનું વિચારી શક્યા જ નહોતા એટલે જ તમે આમ કર્યું તે સ્વાભાવિક હતું. અત્યારે તમને લાગતું હોય કે ના, મેં તો તેમ કરવાનું વિચાર્યું હતું તો એનો અર્થ એ થયો કે તેમ કરવાનું વિચાર્યા પછી પણ તમે આમ જ કર્યું, કારણ કે તે વખતનાં તમને કાબૂમાં રાખનારાં પરિબળોમાં તમે આમ કરો એવાં પરિબળોની સંખ્યા વધારે હતી.

માણસ કોઈ પણ નિર્ણય લે છે, તે સાવ નાનો હોય કે પછી જિંદગી પર કાયમી છાપ છોડી શકે એટલો મોટો હોય, ત્યારે એ નિર્ણય પર અસર કરનારાં કે નિર્ણયને કાબૂમાં રાખનારાં અનેક પરિબળો હોય છે. સગવડ માટે કમચલાઉ ટર્મ કંટ્રોલિંગ ફૅક્ટર્સ એવી પાડીશું. તમને અત્યારે તરસ લાગી છે તો ઊભા થઈને પાણી પીવા જવું કે પછી પ્યૂન પાસે કે ઘરના કોઈ સભ્ય પાસે પાણી મંગાવવું, ઠંડું પાણી પીવું કે સાદું, પ્યાલામાં પીવું કે સીધું બોટલમાંથી જ પીવું, પાણી પીવું કે કશુંક ઠંડું બનાવીને કે મંગાવીને પીવું,  કે પછી પાણી પીવું જ નહીં અને તરસ્યા રહેવું – આવા નાના અમથા નિર્ણયને પણ અનેક કન્ટ્રોલિંગ ફૅક્ટર્સ હોવાનાં. કયા કયા તેની કલ્પના તમે જાતે કરી શકો છો. આવા નાના નિર્ણયોથી માંડીને પ્રેમ, લગ્ન, કારકિર્દી ઈત્યાદિ સંબંધી ખૂબ મોટા નિર્ણયોને પણ એના કન્ટ્રોલિંગ ફૅક્ટર્સ હોવાનાં.

આજે મને લાગતું હોય કે તે વખતે મારામાં અક્કલ નહોતી, અત્યારે હું એવું ન કરું તો એનો અર્થ એ કે હું પોતે કબૂલ કરું છું કે એ બાબતની અક્કલ મારામાં પાછળથી આવી. પેલો નિર્ણય લેવાયો એ વખતે એવી અક્કલ નહોતી, હોત તો મેં જુદો નિર્ણય લીધો હોત પણ નહોતી. એટલે અક્કલના અભાવે કે જેટલી અને જેવી હતી એવી અક્કલના આધારે, મેં એ સંજોગોમાં મને જે શ્રેષ્ઠ લાગ્યો એ નિર્ણય લીધો. શ્રેષ્ઠતમ આવડતના આધારે લેવાયેલા એ નિર્ણયને કારણે મારે સહન કરવું પડ્યું તે વાત અલગ છે, પણ એ નિર્ણય અંગેનો મારો અફસોસ બિલકુલ અસ્થાને છે. કારણ કે નિર્ણય લેવાયો ત્યારે મેં ઉતાવળ કરી હતી એવું તો મને આજે લાગે છે, નિર્ણય લેતી વખતે નહોતું લાગ્યું. નિર્ણય લેવાયો તે વખતે મેં મારી જાતને નહોતું કહ્યું કે હું ઉતાવળિયું કે બેવકૂફીભર્યું પગલું ભરી રહ્યો છું. તે વખતે તો મારે મન એ સમજદારીભર્યો, સ્વસ્થ  નિર્ણય હતો. આજે હવે એ ચોક્કસ વાતને લગતા કન્ટ્રોલિંગ ફૅક્ટર્સમાં ફેરફારો થયા છે ત્યારે મને વિચાર આવે છે કે એ નિર્ણય મેં ન લીધો હોત તો સારું થાત.

માણસના નિર્ણયોનું પરિણામ એના પોતાના માટે કે બીજાઓના માટે સારું કે ખરાબ આવી શકે પણ નિર્ણય પોતે સ્વતંત્રપણે સારો ખરાબ નથી હોતો. એ લેવાયો હોય છે ત્યારે લેનારની દાનત પોતાના પૂરતી તો શુભ જ હોય છે. નિર્ણય લેવાતો હોય ત્યારે માણસની આસપાસ એને કાબૂમા રાખનારાં જે પરિબળો હોય છે એને સભાન કે અભાનપણે ધ્યાનમાં રાખીને જ લેવાય છે. ભવિષ્યમાં અમુક સંજોગોમાં હું અમુક જ નિર્ણય કરીશ એવું પણ અત્યારથી માનીને બેસાય નહીં. તે વખતનાં કન્ટ્રોલિંગ ફૅક્ટર્સ ક્યા હશે, કોને ખબર. કોઇ વ્યક્તિએ અમુક નિર્ણય લીધો છે એવું આપણને કહેવામાં આવે ત્યારે ઘણી વખત આપણે કહી બેસતા હોઈએ છીએ કે એની જગ્યાએ હું હોઉં તો એવું ન કરું. આપણને ખબર નથી હોતી કે આવું બોલવા / વિચારવાનો અર્થ નથી કારણ કે તે વ્યક્તિએ પેલો નિર્ણય લીધો તે વખતે એનાં કન્ટ્રોલિંગ ફૅક્ટર્સ કયા હતાં. એ અંગેની પૂરેપૂરી જાણ આપણને ક્યારેય નથી હોતી. ક્યારેક બહુ બહુ તો બે–પાંચ કન્ટ્રોલિંગ ફૅક્ટર્સ અંગે ખબર ન હોય એવું બને.

નિર્ણયો લેવાઈ જાય છે ત્યારે સારું કે ખોટું એનું પરિણામ પણ આવી જાય છે, પણ નિર્ણયો લઈ શકાય એવું ન હોય ત્યારે? મન અનિર્ણિત દશામાં, અવઢવમાં રહેતું હોય ત્યારે લમણે પિસ્તોલ તકાયેલી હોય એવા સંજોગો પણ જીવનમાં આવે છે. એ વખતે સાચો કે ખોટો શીઘ્ર નિર્ણય કરવો જ પડતો હોય છે. પણ મોટાભાગની પરિસ્થિતિઓ અબઘડી નિર્ણય  લેવા માટે મજબૂર કરતી હોય એવી નથી હોતી.

2 comments for “નિર્ણયો પછીના અફસોસ

  1. DHIREN C. MEHTA
    December 28, 2011 at 7:25 AM

    Saurabhbhai – Just Awesome # Manushya Jeevanma banti Nani/Moti Vato ne Najarma ma rakhi lakhata aapna Vishleshano kharekhar Adabhut ane Sachot hoy chhe ke tevu Manan/Chintan/Bhavana Manase pote Kyarek no Kyarek potani Jeevandharama mani hoy chhe agar Sparshine gayi hoy chhe. Me aagau janawya mujab hu ghana samaythi aapnathi dur rahyo hato temaj aapna kharab samay darmiyan mari paseni kachi/adhuri mahiti me karane Aapne temaj Aapna Family par aaveli Aafatma moral support/sympathy darshavwa hajar na raheva badal Sharmindagi anubhavu chhu. Kher, Shreejibawa Aapna Jeevanma aavti nani/moti taklifoma * Shubh Drishti * rakhi, nana mamuli Ghasarka padi

  2. DHIREN C. MEHTA
    December 28, 2011 at 7:27 AM

    Vadhre ne vadhare Majbut ane Aadag banave tevi *Abhyarthana *

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *