તમારો બ્લોગ સૌથી વધુ વંચાતો બ્લોગ બનાવવો છે

આઠ વાગી ગયા.

8pm

આઠના ટકોરે આ પોસ્ટ: તમારો બ્લોગ સૌથી વધુ વંચાતો બ્લોગ કરવો છે?

બ્લોગિંગ કોઈ રમતરોળાં નથી, એક સિરિયસ કામ છે. તમે બ્લોગ વાંચતા હો કે લખતા હો- જરૂર ઉપયોગી થશે આ શ્રેણી. આજે એનો પ્રથમ હપ્તો.

અને હા, દર બુધવારે શું? બુધવારે ‘આરોગ્યસુખ’. મેડિકલ ક્ષેત્ર વિશે, આર્યુવેદ વિશે અને રોજિંદી લાઈફસ્ટાઈલની ગરબડો વિશે ઘણું બધું જાણવાનું છે, લખવાનું છે.

તો દર બુધવારે આ વિષય પરની ‘ટુ ડે’ઝ સ્પેશ્યલ’ વાનગી: ‘આરોગ્ય સુખ.

તમારો બ્લોગ સૌથી વધુ વંચાતો બ્લોગ બનાવવો છે?


ઉઠાંતરી સૌથી મોટું પાપ છે. ચોરીચપાટી આપણને ના શોભે. કોપીરાઈટના કાયદાનો અમલ હવે ગુજરાતીમાં પણ ચુસ્તપણે થવાનો છે. એક disclaimer મૂકી દીધું કે : ભાઈઓ ને બહેનો, આ ચોરીનો માલ જો તમારો હોય તો તમે મારું ધ્યાન દોરજો, હું તમને પાછો આપી દઈશ- આવું કાયદેસર ના ચાલે. ક્યારેક ભૂલથી કોઈક જ વખત અને અજાણતાં આવું થઈ જાય તો આ ડિસ્કલેઈમર કામ આવે. પણ ડે ઈન ને ડે આઉટ આપણે  બીજાનો જ માલ વાપર્યા કરતા હોઈએ ત્યારે કાનૂન આવાં ડિસ્કલેઈમર માન્ય રાખી શકે નહીં.

કવિતા-ગઝલ હોય લેખ-વાર્તા હોય કે પછી કોઈએ ગાયેલાં સુગમ-સંગીતનાં ગીતો-ગઝલો-હિંદી ફિલ્મ સોંગ્સ- આવું કોઈ પણ મ્યુઝિક. દરેકને આ કાનૂન લાગુ પડે છે. તમારા લેખમાં તમે કોઈનું નામ દઈને કાવ્યપંક્તિ કે થોડાંક વાક્યો ટાંકો તો કોપીરાઈટનો ભંગ નથી થતો.

અવતરણો કે કાવ્યપંક્તિની નીચે મૂળ સર્જકનું નામ લખીને ટાંકવામાં સહેજ પણ ગુનો નથી. અગાઉ મેં કહ્યું છે એમ ગમતાંનો ગુલાલ કરવો હોય તો ચપટીક ગુલાલ હોય, આખે આખા બાચકાં બાથવી લઈએ તો ભૂંડા લાગીએ જ, કાયદાની દ્રષ્ટિએ ગુનેગાર પણ બનીએ.

તમારો, આવું બધું કરવાનો ઉદ્દેશ માત્ર ‘ગુજરાતી ભાષાની સેવા’ કરવાનો હોય કે ‘નિર્ભેળ આનંદ મેળવવાનો’ હોય અને ‘કોઈ કમર્શ્યલ હેતુ ન હોય’, ‘આર્થિક ઉપાર્જનનો હેતુ ન હોય’ તો એને કારણે કંઈ તમને કોપીરાઈટનો ભંગ કરવાનો હક્ક મળી જતો નથી.

‘મરીઝ’ અને રમેશ પારેખથી માંડીને અનેક કવિઓની આર્થિક તંગદિલી જોઈ છે. એની સામે કેટલાક કવિઓ સાધનસંપ્પન પણ છે. કયા કવિને પૈસાની જરૂરિયાત છે અને કયા કવિને નથી –એના પરથી એનું ઉઠાવવું કે નહીં તે નક્કી નથી થતું. કોપીરાઈટનો કાયદો સૌ કોઈને એકસરખો લાગુ પડે. કવિ કાન્ત, કલાપી કે ન્હાનાલાલ, દલપતરામ, નર્મદ વગેરે સર્જકોના મૃત્યુને ૬0 વર્ષ પૂરાં થઈ ગયાં હોવાથી એમનાં લખાણો હવે તમે છૂટથી વાપરી શકો છો એટલું જ નહીં તમારે આ કે જેમના કોપીરાઈટ પૂરા થઈ ગયા હોય તેવા કોઈપણ લેખક-કવિનાં લખાણોને, આર્થિક ઉપાર્જન માટે કે પછી ગુજરાતી ભાષાની સેવા માટે કે પછી નિર્ભેળ આનંદ માટે , પુસ્તકરૂપે પ્રગટ કરવા હોય તો પણ બિલકુલ છૂટ છે તમને.

આ લેખશ્રેણીમાં મારે તમને થોડાંક મુદ્દાઓ વિશે જાણકારી આપવી છે. ૧. કોપીરાઈટનું મહત્વ શું છે? ૨. કોપીરાઈટનો ભંગ થાય ત્યારે નુકસાન કોનું, કેટલું થાય છે-જેના કોપીરાઈટ હોય તેને તો નુકસાન ખરું જ-જે ભંગ કરે છે તેને પણ મોટું નુકસાન છે. 3. તાજેતરમાં એક લેન્ડમાર્ક ચુકાદો આ અંગેનો આવ્યો છે જેની વિગતે વાત કરવી છે. ૪. ગમતાંનો ખરેખર ગુલાલ જ કરવો હોય તો શું કરવું-તમારાં બ્લોગને સૌથી વધુ વંચાતો કરવાની ૧૦ ટીપ્સ આપવી છે અને ૫.ગુજરાતીમાં સંખ્યાબંધ એવા બ્લોગ્સ છે જે તમને ઈંસ્પાયર કરી શકે છે. આ ગુજરાતી બ્લોગ્સ કયા કયા છે તેની વિસ્તૃત યાદી આપવી છે.

આવતા થોડાક દિવસ સુધી આ કામ આ જગ્યાએથી થતું રહેશે. મળતાં રહીએ.

1 comment for “તમારો બ્લોગ સૌથી વધુ વંચાતો બ્લોગ બનાવવો છે

  1. bharat bhatt
    June 2, 2011 at 7:59 PM

    આપની વાત બિલકુલ સાચી છે….આભાર….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *