બ્રાહ્મમુહૂર્તનો સમય શહેરમાં વેડફાઈ જાયછે

રાત રહે જાહરે, પાછલી ખટ ઘડી, સાધુપુરુષને સૂઈ ન રહેવું…

કવિ રઈશ મનીઆરનો એક શેર છે: પડી સાંજ તો એટલી હાશ છે કે/કશુંક કાયમી મેં સવારે લખ્યું છે...

રોજ સવારે એક સૂરજ ઊગે છે ત્યારે એના ઊગતાં પહેલાં દુનિયામાં ઘણું બધુ બની ચૂક્યું હોય છે. મધ્યરાત્રિ પછી કૅલેન્ડરમાંનો દિવસ બદલાઈ ચૂક્યો હોય છે .નરસિંહ મહેતાએ એક આખું લિસ્ટ આપ્યું છે કે આ ગાળા દરમ્યાન શું શું કરવું: રાત રહે જાહરે, પાછલી ખટ ઘડી, સાધુપુરુષને સૂઈ ન રહેવું

ઘડી એટલે ૨૪ મિનિટનો સમય. ખટ અર્થાત્ ષટ્ – છ ઘડીનો, બે કલાક ને ૨૪ મિનિટનો સમય સૂર્યોદય પહેલાં બાકી હોય ત્યારે સારા માણસોએ કરવા જેવાં કામમાં સૌથી પહેલું છે ઈશ્વરનું સ્મરણ. આ સમય બ્રાહ્મમુહૂર્તનો છે. વેદકાળથી એનું મહત્વ છે. ભગવદ્ગોમંડળ કોશ અનુસાર સૂર્યોદય પહેલાંની છ ઘડીનો નહીં પણ બે ઘડીનો અર્થાત્ ૪૮ મિનિટ પહેલાનો સમય બ્રાહ્મમુહૂર્તનો ગણાય. અર્થાત્ આવતીકાલે સૂરજ ૬ કલાક ૩૭ મિનિટે ઉદય પામવાનો હોય તો છમાં અગિયાર કમથી બ્રાહ્મમુહૂર્ત શરૂ થઈ જાય. નરસિંહ મહેતાની ઘડિયાળ પ્રમાણે ચાલીએ તો ચાર ને તેર મિનિટથી બ્રાહ્મમુહૂર્ત શરૂ થઈ જાય. નરસિંહવાળો બ્રાહ્મમુહૂર્તનો સમય વધારે રોમાંચક લાગે છે.

આ બ્રાહ્મમુહૂર્તનું મહત્વ શું છે? ભગવદ્ગોમંડળ કહે છે, બ્રાહ્મમુહૂર્તમાં માત્ર ધર્મચિંતન, બ્રહ્મોપાસના આદિ પરમાર્થ સંબંધી કાર્ય કરવાં જોઈએ. સાંસારિક કે સ્વાર્થસંબંધી કાર્યોમાં આ વખત વિતાવીને તેનો દુરુપયોગ ન કરવો જોઇએ. બ્રાહ્મમુહૂર્તમાં પાઠ કરનાર વિદ્યાર્થી બીજા કોઈપણ સમય કરતાં ઘણી ઝડપથી પાઠ પાકા કરી શકે છે. આનું કારણ આપતાં શાસ્ત્રોમાં કહેવાયું છે કે જેટલા ઋષિ,  મહર્ષિ, સિદ્ધ અને દેવ છે તે બધા જ બ્રાહ્મમુહૂર્તમાં બ્રહ્મચિંતન કરતા હોય છે એટલે એમના ચિંતનનો પ્રભાવ તેજના રૂપમાં વિશ્વભરમાં એ વખતે ફેલાય છે. જે લોકો આ સમયે યોગ્ય રીતે બ્રહ્મચિંતન કરે તેઓ આ તેજને યથાયોગ્ય રીતે પ્રાપ્ત કરે છે.

બ્રહ્મચિંતનનો વિશાળ અર્થ કરીએ તો માત્ર ઈશ્વરસ્મરણ નહીં, પણ ઘણી બધી પ્રવૃત્તિઓનો એમાં સમાવેશ કરી શકાય. મહેતાસાહેબના પ્રિસ્ક્રિપ્શન પ્રમાણે આ સમયે : જોગિયા હોય તેણે જોગ સંભાળવા, ભોગિયા હોય તેણે ભોગ તજવા અને વેદિયા હોય તેણે વેદ વિચારવા તથા સુકવિ હોય તેણે સદગ્રંથ બાંધવા. અને છેલ્લે કહે છે કે આપણે આપણા ધર્મ સંભાળવા, કર્મનો મર્મ લેવો વિચારી.

આપણે આપણા ધર્મ સંભાળવા. ધર્મ અહીં ભારતીય પરંપરામાં વપરાતા શબ્દના અર્થમાં છે, કોઈ રિલિજિયનના અર્થમાં નથી, જીવનકર્મના સંદર્ભમાં છે. પ્રોફેસરનો ધર્મ ભણાવવાનો અને ડૉક્ટરનો દર્દીઓને સાજા કરવાનો. પ્રાત:કાળ પહેલાંનો સમય પોતાના ધર્મને ઉજાળવા માટે કરવો એવું મહેતાજીનું કહેવુ છે.

એકવીસમી સદીમાં જીવતો માણસ બ્રાહ્મમુહૂર્તમાં શું કરી શકે? આધુનિક જમાનાના માણસને ઊંઘ મળવી જેટલી મુશ્કેલ છે એટલું જ અઘરું એના માટે મળેલી ઊંઘને ત્યજવાનું છે. શહેરોમાં તમને નરસિંહ મહેતા નહીં, પણ દૂધવાળો જગાડતો હોય છે. માથેરાન કે આબુમાં સનરાઈઝ પૉઈન્ટ પર વહેલા વહેલા પહોંચી જતા માણસો માટે પોતાના શહેરમા સૂર્યોદયનાં દર્શન દુર્લભ બની જાય છે. અહીં તો પ્રભાતનું પહેલું કિરણ સ્ફૂર્તિમય બને એ માટેની તૈયારીઓ આગલી રાતથી જ કરવી પડે એવી લાઈફ સ્ટાઈલ છે. ઊઠીને તરત પંખીઓનો કલરવ સાંભળવા મળે એવું જવલ્લે બને,  હિન્દી સિનેમાવાળાઓ એક જમાનામાં શહેરની સવાર બતાવવા પાર્શ્વસંગીતરૂપે આકાશવાણીની સિગ્નેચર ટ્યૂન વગાડતા.

બ્રાહ્મમુહૂર્ત જેવો કિંમતી સમય માણસ વેડફી નાખે છે. શાંત ચિત્તે જીવવાની અને શાંત્ત ચિત્તે કમાવાની જરૂરિયાત હજુય સમજાતી નથી. સૌને દોડતાં જોઈને આપણનેય થાય છે કે નહીં દોડીએ તો પાછળ રહી જઈશું. સૂર્યોદય પહેલાંની બે કે છ ઘડીને જ નહીં, સવારના એક આખા પ્રહરને માણસના દિવસનો સૌથી અગત્યનો ભાગ ગણવો જોઈએ.

પ્રહર એટલે ત્રણ કલાકનો સમય અર્થાત્ સાડાસાત ઘડી જેટલો વખત, રાતદિવસનો આઠમો ભાગ, બે ચોઘડિયાં (ચાર ઘડી અર્થાત્ ચોવીસ ગુણ્યા ૪ મિનિટ) જેટલો સમય. પ્રહર અથવા તો પહોર પરથી પ્રહરી શબ્દ બન્યો. પ્રહરી એટલે ચોકીદાર, દ્વારપાલ, પહેરેગીર. ૨૪ કલાકના ૮ પ્રહર અને ૧ પ્રહરની સાડાસાત ઘડી અને એક ઘડીની ૬૦ પળ અને ૧ પળની ૬૦ વિપળ. ૧ વિપળ બરાબર ત્રીસ ક્ષણ. આધુનિક ગણતરીમાં એક પળ બરાબર ચોવીસ સેકન્ડ. સવારની આ ક્ષણો, પળો, સેકન્ડો અને મિનિટો વેડફાઈ જાય છે અને કોઈને કંઈ જ પડી નથી. દરેક સવારનો પહોર જીવનની એક નવી શરૂઆતની તક છે. વિતેલી કાલ પાસેથી ભણેલા પાઠને અમલમાં મૂકવાની તક છે.

દિવસનો આરંભ દિવસ ઊગે તે પહેલા કરવો એવું કહી કહીને નરસિંહ મહેતા થાકી ગયા, પણ એનો અમલ થતો નથી. શહેરનો દિવસ મોડો ઊગે છે અને મધરાત પહેલાં એ આથમતો નથી. જાતને નિચોવી નાખીને કોઈ શહેરી પથારીમાં પડ્યો હોય એને બ્રાહ્મમુહૂર્તમાં ઉઠાડીને ‘નિદ્રાને પરહરી, સમરવા શ્રીહરિ, એક તે એક તું એમ કહેવું’ એવું સમજાવવું પાપ છે. અસ્તિત્વ માટેનો એક જંગ લડીને આવેલો માણસ આ નિદ્રા દરમ્યાન અભાનપણે આવતીકાલના એક નવા જંગ માટે તૈયાર થતો હોય છે. આવા માણસ માટે ઊગતા કે આથમતા સૂરજનું દ્રશ્ય રોમૅન્ટિક નથી હોતું, એને મન કારખાનાની પાળીનો આરંભ સૂર્યોદય છે અને એ શિફ્ટનો અંત સૂર્યાસ્ત, પછી ભલે એ રાતપાળીમાં કામ કરતો હોય.

ઔદ્યોગિકીકરણનો આરંભ થયો ત્યારે કેટકેટલાં ખ્વાબ જોવાયાં હતાં કે માનવજીવનનું ધોરણ ખૂબ ઊંચું જશે, કોઈ ભૂખ્યું નહીં સૂવે, સૌના જીવનમાં સોનાનો સૂરજ ઊગશે. કદાચ એવું થશે પણ ખરું. પણ એક વાત બહુ મોડેથી સમજાય છે કે સોનાનો સૂરજ ઊગે છે ત્યારે સાચો સૂરજ અસ્ત પામે છે. અંધારું થઈ ગયા પછી આશ્વાસન હોય છે કે કાલે પ્રભાત જોવા મળશે, પણ શહેરી જીવનમાં આવું આશ્વાસન નથી હોતું. શાયર રાજેશ રેડ્ડીના આ શબ્દો દરેક શહેરીજન માટે ક્યારેક ને ક્યારેક સાચા પૂરવાર થાય છે:

રાત કે બાદ રાત હી આઈ
સુબહ કા ઈંતઝાર ખાલી ગયા…

2 comments for “બ્રાહ્મમુહૂર્તનો સમય શહેરમાં વેડફાઈ જાયછે

  1. June 25, 2009 at 6:47 AM

    બહુ જ મનનીય લેખ. ખાસ કરીને પ્રહર, ખટ ઘડી, બ્રાહ્મમુહૂર્ત, ઘડી, પળ, ક્ષણ જેવા સમયના એકમોને રસપ્રદ રીતે મૂળ વાત સાથે સાંકળી લીધા છે.

  2. kishor c parekh
    December 12, 2010 at 8:52 AM

    i was hospitaliez 4 1 week.they wake u uo @4 ,4 their covinyance.
    i was reminded of narshi :rat: your article made khat ghdi concept clear.thanks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *