કોઈ તમારી પાસે સલાહ માગે ત્યારે

સલાહ માગનાર વ્યક્તિ તમારા કરતાં સમજમાં, અક્કલમાં, પુખ્તતામાં કે અનુભવમાં ઊણી છે એવુ માનવાની ભૂલ ક્યારેય ન કરવી

સામે ચાલીને તો ન જ આપવી પણ કોઈ માગણી કરે તોય શિખામણ આપતા પહેલાં બે વાર વિચાર કરવો. સલાહ, અભિપ્રાય અને માર્ગદર્શન પણ શિખામણના ભાઈભાંડુ છે, ફરક એટલો કે તેઓ થોડા વધુ રૂપાળાં છે. તમારી જગ્યા એ હું હોઉં તો હું આમ કરું અને આમ ન કરું- કોઈકના જીવનમાં ચંચુપાત કરવા માટેનો વિઝા આ વાક્યમાં છે. અહીં આવી શિખામણની વાત નથી. કોઈ સામેથી, ખરા હ્રદયથી અને પૂરા વિશ્વાસ સાથે તમને કહે કે તમે મારા વતી નિર્ણય લો ત્યારે તમારે શું કરવાનું?

નિર્ણય લેવાને બહાને એ વ્યક્તિ પર જોહુકમી ચલાવવાની? કે પછી સામેવાળી વ્યક્તિની, આવું કહેવા પાછળની, ભાવના સમજીને તમારે તમારા નિરીક્ષણો રજૂ કરી પાછળ હટી જવાનું અને એને જે કરવું હોય તે કરવા દેવાનું? સલાહ-શિખામણની જરૂર પડે છે મનની અનિર્ણયાત્મક પરિસ્થિતિ વખતે. મન ડહોળાયેલું લાગતું હોય ત્યારે, કશું જ સ્પષ્ટ ન દેખાતું હોય અથવા તમામ વિકલ્પ સારા કે તમામ વિકલ્પ નઠારા જણાતા હોય ત્યારે, કશાના દબાણ હેઠળ- પછી એ વ્યક્તિ હોય કે પરિસ્થિતિ- અણગમતા નિર્ણયો કરવા પડે ત્યારે. આવા સમયે  મન, પોતે કરવા ધારેલા નિર્ણયને વળગી રહેતું હોય છે પણ વ્યવહારુ અક્કલ મજબૂરીને કારણે લેવાઈ રહેલા નિર્ણયોને વળગી રહે છે. આ સતત ચાલી રહેલા દ્વંદ્વનો અંત લાવવાની શક્તિ વ્યક્તિના પોતાનામાં હોય છે જ, પણ આ પ્રકારના અત્યંત વલ્નરેબલ પ્રસંગોએ એ શક્તિ ઢંકાઈ જાય છે. બેઉ વિરોધાભાસી વિચારોને જોખી-તોળી જોવાની વૃત્તિને ક્યારેક લોકો અનિર્ણાયક મનોદશા ગણીને નકારાત્મક વૃતિ તરીકે ખપાવી દે છે.

પોતે કરવા ધારેલા નિર્ણયને સમર્થન મળે અથવા તો ન કરવા ઇચ્છતા નિર્ણયથી દૂર રહેવાનું બળ મળે તે માટે વ્યક્તિ બીજાઓ પાસે સલાહસૂચન, માર્ગદર્શન, શિખામણ માગે છે. મારે શું કરવું એની મને સમજ પડતી નથી એવું કોઈ તમને કહે ત્યારે માની લેવાનું કે એણે નક્કી તો કરી નાખ્યું છે કે શું કરવું પણ એ કરવા આડેનાં વિધ્નો કેવી રીતે દૂર કરવા એ માટેની અથવા તો એ વિધ્નો દ્વારા સર્જાનારાં જોખમોને કેવી રીતે સહન કરી લેવા એ માટેની સલાહ તમારી પાસે માગવામાં આવે છે. આટલી વાત સમજવી બહુ જરૂરી છે. ખરી દ્વિધા હું આમ કરું કે તેમ કરું-ની નથી હોતી. હું આમ જ કરવા માગું તો એમાં કઈ રીતે આગળ વધવું એ સલાહ પૂછવામાં આવતી હોય છે.

કોઈ તમારી પાસે આવીને સલાહ માગે, ત્યારે તમને આપોઆપ તમારું સ્ટેટસ વધી ગયેલું લાગે છે. તમે આવનાર વ્યક્તિને, એ જે મુદ્દો ચર્ચવા માગે છે તેના વિશે જ નહિ પરંતુ એણે બૂટને પૉલીશ કેટલા  દિવસે કરવી જોઇએ અને ફોન પર વાત કરતી વખતે હોલ્ડ ઓનનું સંગીત વધુમાં વધુ કેટલી સેકન્ડ્સ સુધી પોતે સાંભળવું કે બીજને સંભળાવવું જોઈએ તે વિશે પણ બે શબ્દો કહેવાની લાલચ રોકી શકતા નથી. જ્યોતિન્દ્ર દવેના ‘મુરબ્બી’ બનવાની અભિલાષા દરેક વ્યક્તિમાં છુપાયેલી હોય છે.

સલાહ માગનાર વ્યક્તિ સમાજમાં કે અક્કલમાં કે પુખ્તતામાં કે અનુભવમાં તમારા કરતા ઊણી છે એવુ માનવાની ભૂલ ક્યારેય ન કરવી. તમે એ વિષયના નિષ્ણાત કન્સલ્ટન્ટ છો એટલે મોંઘી ફી આપીને તમારી સલાહ લેવા કોઈ નથી આવતું. તમે એના પરિચિત અથવા મિત્ર અથવા આત્મીય છો એટલે એ આવે છે.

સામેથી કોઈ શિખામણ લેવા આવ્યું છે એટલે જે બાબતે શિખામણ આપવાની હોય એ બાબત ઉપરાંત એના જીવનની બાગડોર હાથમાં લઈ લેવાની લાલચ આવે તો એવી લાલચ પર લગામ નાખવી. અનિર્ણયમાં ફસાયેલી વ્યક્તિ પરાધીનતા મહેસૂસ કરે છે. એ પોતાનું માનસિક સ્વાતંત્ર્ય મેળવવાની કોશિશમાં તમારી પાસે આવીને સલાહ માગે છે અને તમે એના સમગ્ર જીવનને જાણે કાબૂમાં લઈ લેવા માગતા હો એવું વર્તન કરી એને સાવ જ ગુલામ બનાવી દેવાનું કેવી રીતે વિચારી શકો?

સામેથી સલાહ માગવા આવનાર અપરિચિત વ્યક્તિને સલાહ આપવા બેસી જવાય નહી. એ કામ વ્યવસાયી સાઈક્યાટ્રિસ્ટ અથવા કાઉન્સેલરોનું. તમારી પાસે અપરિચિત વ્યક્તિને પ્રશ્નો કરીને એ મુદ્દાને લગતી તમામ માહિતી મેળવી લેવાની નિપુણતા કે આવડત ન હોય, એટલો સમય પણ ન હોય. જેમને તમે નજીકથી જાણો છો એવી વ્યક્તિ તમારી શિખામણ માગે ત્યારે હાઈવે પર આવતા ચાર રસ્તા પરના દિશાસૂચક પાટિયાંઓને યાદ કરીને એ વ્યક્તિને માહિતી આપી દેવાની કે એ જે પરિસ્થિતિમાં છે ત્યાંથી એ કઈ કઈ દિશામાં જઈ શકે છે, કઈ દિશામાં કયાં કયાં સ્થળો આવેલાં છે અને એ દરેક સ્થળ અહીંથી કેટલું દૂર છે.

સલાહ માગનાર વ્યક્તિ પોતે પોતાની દિશા પસંદ કરીને એ દિશાએ આવતું સ્થળ નક્કી કરી શકે. તમારા સૂચન મુજબનું જ એ સ્થળ હોય તે જરૂરી નથી. એવો આગ્રહ પણ ન હોય. હાઈવે પર કાર ચલાવતો મુસાફર આવ જંકશન પર ઘડી ભર ઊભો રહીને અનેકમાંનો એક વિકલ્પ પસંદ કરે તો બાકીના વિકલ્પસૂચક પાટિયાઓએ માઠું લગાડવાનું ન હોય અને આને કારણે બાકીના પાટિયાઓની ઉપયોગિતામાં રજમાત્રનો ઘટાડો નથી થતો.

પછી જે રસ્તો પસંદ થાય તેના પર બને એટલી રોડ સાઈન્સ મૂકી આપવાની. આગળ ડાબી તરફનો વળાંક છે, બમ્પર આવે છે, રેલવેનો ચોકીદાર રહિત ફાટક છે, પુલ છે, રસ્તો સાંકડો છે, વેગમર્યાદા છે ઇત્યાદિ. સલાહ લેનારી વ્યક્તિએ આ ટ્રાફિક સાઈન્સની મનોમન નોંધ રાખવાની હોય. સલાહ આપનારી વ્યક્તિએ આવી દરેક સાઈન મૂકતી વખતે બૂમાબૂમ કરીને ધ્યાન દોરવાનું ન હોય.

અને છેલ્લે, એ માર્ગ પર અમુક અંતરે માઈલસ્ટોન્સ મૂકી આપવાના જેથી વ્યક્તિને ખબર પડે કે પોતે કેટલી આગળ વધી રહી છે. આ માઈલસ્ટોન્સની સદંતર અવગણના એણે કરવી હોય તો એ એની મરજી.

તમારે આમ જ કરવું અને આમ તો બિલકુલ જ ન થાય એવાં અંતિમવાદી વચનો સલાહ આપનારના મોઢામાં ન શોભે. તમે આમ પણ કરી શકો, ધારો તો આમ પણ થઈ શકે એવા ખુલ્લાંત (ઓપન એન્ડેડ) વિકલ્પો સૂચવી શકાય.

સાચી રીતે અને સારી રીતે સલાહ આપ્યા પછી કેટલીક વાર શિખામણ માગનાર વ્યક્તિની જ નહીં શિખામણ આપનારની પણ વણકહી સમસ્યાઓ આપમેળે ઊકલી જતી હોય છે.

2 comments for “કોઈ તમારી પાસે સલાહ માગે ત્યારે

  1. June 22, 2009 at 4:07 PM

    “સાચી રીતે અને સારી રીતે સલાહ આપ્યા પછી કેટલીક વાર શિખામણ માગનાર વ્યક્તિની જ નહીં શિખામણ આપનારની પણ વણકહી સમસ્યાઓ આપમેળે ઊકલી જતી હોય છે.”

    So true.

  2. DHIREN C. MEHTA
    December 28, 2011 at 11:47 AM

    આપે સલાહ વીશય પર આપેલ સલાહ સર્વાન્ગ સાચી – મને વારન્વાર ચર્ચા વીચાર્ ના કરીને સલાહ સુચન કર્વા ગમે ચ્હે પન તમે લખ્યા મુજબ એક લક્સ્મન રેખા દોર્રી રાખ્વામા માનુ ચ્હ્હુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *