મારા જેલના અનુભવો – ૧

પ્રિય મિત્રો,

ઇન્ટરનેટના  માધ્યમથી તમારી સાથે જિંદગીના સૌથી અંધકારમય અને કાળા ડિબાંગ તબક્કાના અનુભવો શેર કરતાં પહેલાં બે નાનકડી વાત કરવાની છે.

એક : જે કારણસર આ તબક્કો સર્જાયો તેનાં કારણોની ચર્ચામાં હું નહીં ઉતરું કારણ કે આ કેસ સબ-જ્યુડિસ છે અને ભારતના એક નાગરિક તરીકે આપણા ન્યાયતંત્ર માટે મને અતૂટ આદર તથા અડગ વિશ્વાસ છે.

બે : થોડીક દિલની વાતો. વિરાટ પહાડ જેવું સંકટ જીવનમાં આવી પડે ત્યારે માણસ અંદરથી આખેઆખો હચમચી જાય એ સ્વાભાવિક છે. આવા સમયે તેનો સમગ્ર ભૂતકાળ ધ્વસ્ત થઈ ગયેલી ધરતીકંપગ્રસ્ત ઈમારતો જેવો લાગવા માંડે અને ભવિષ્ય બની જાય એક અનંત અંધારી ટનલ. એ સંજોગોમાં વર્તમાનની વાસ્તવિક ક્ષણોમાં ટકી રહેવું પણ દુષ્કર બની જાય. આવી પ્રત્યેક ક્ષણમાં મને પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપાએ તૂટી જતાં બચાવ્યો. હતાશા અને નિરાશાની ઘોર ઊંડી ખીણમાં હું લપસી રહ્યો હતો ત્યાં જ કોઈક અકળ શક્તિએ મારી માનસિકતાને સાચવી લીધી.

મને કોઈ રંજ નથી, રોષ નથી. જીવનમાં જે કંઈ બને તે અનિવાર્ય હોય  છે એટલે જ કુદરત એ ઘટનાઓનું સર્જન કરે છે. વર્ષોથી હું માનતો આવ્યો છું કે જીવનમાં જે કંઈ બને તે સારા માટે જ બને છે, ઘટના ગમે તેટલી દુઃખદાયી કે પીડાજનક હોય એનું આખરી પરિણામ શુભ જ આવતું હોય છે – જરૂર માત્ર થોડીક વધુ ધીરજ ધરવાની હોય છે.

ગુજરાતી ભાષામાં જેલના અનુભવો વિશેનું મૌલિક સાહિત્ય ઝાઝું નથી. સરદાર વલ્લભભાઈ પટેલે સાબરમતી જેલના પોતાના અનુભવોની વિગતે નોંધ લખી છે. ગાંધીજી (‘યરવડાના અનુભવો’) અને કાલેલકર (‘ઓતરાદી દીવાલો’) અને ઝવેરચંદ મેઘાણી (‘જેલની બારીએથી’)નાં પુસ્તકો ગુજરાતી સાહિત્યનાં માઈલ સ્ટોન્સ છે. આ સૌ રાજદ્વારી કેદીનો દરજ્જો ધરાવતા વીઆઈપી કેદી હતા,  જેમનો અન્ય કેદીઓ સાથેનો સંપર્ક બહુ રહેતો નહીં. હું એક સાધારણ અને બિનરાજકીય કેદી તરીકે રીઢા ગુનેગારોથી માંડીને અદાલતમાં પાછળથી નિર્દોષ પુરવાર થયેલા કેદીઓ સહિતના સેંકડો બંદીઓ સાથે દિવસ-રાત રહ્યો છું. જેલમાં રહીને મેં જે કંઈ જોયું, જાણ્યું અને વિચાર્યું તે બધું જ આપ સૌની સમક્ષ રજૂ કરું છું.

આ અનુભવકથા દર રવિવારે તમારા સુધી પહોંચશે. દરેક પ્રકરણે હું  બેસબ્રીથી તમારી કમેન્ટનો ઇન્તજાર કરતો રહીશ.

-સૌરભ શાહ

‘મારા જેલના અનુભવો’  પ્રકરણ:૧

પોલીસ રિમાન્ડમાં નવ દિવસ વિતાવ્યા પછી પહેલવહેલીવાર હું ખૂબ ખુશ હતો

હું ખુશ હતો.

અમદાવાદની ડિટેક્ટશન ઓફ ક્રાઈમ બ્રાન્ચે મારા પોલીસ રિમાન્ડની ૧૪ દિવસની મુદત પૂરી થવાના પાંચ દિવસ પહેલાં જ મને કોર્ટમાં હાજર કરી દીધો હતો. આરોપીને વધુ સમય પોલીસ કસ્ટડીમાં રાખવાની હવે જરૂર નથી, કારણ કે જે પૂછપરછ કરવાની હતી તે પૂરી થઈ ગઈ છે એવી રજૂઆત ક્રાઈમ બ્રાન્ચ કોર્ટને કરવાની હતી. એ પછી મારા વકીલ દ્વારા મારી જામીનઅરજી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જી.એમ. પટેલ સમક્ષ મૂકવાની હતી. જામીન મળતાં જ હું મારા ઘરે પાછો જઈ શકીશ એની મારા વકીલોને ખાતરી હતી. ક્રાઈમ બ્રાન્ચની ગાયકવાડ હવેલીની કચેરીમાં ગાળેલી દુઃસ્વપ્ન જેવી નવ રાત્રિનો અંત વેંત છેટો દેખાઈ રહ્યો હતો. ગામના ઉતાર જેવા ચોર-ઉચક્કાઓ સાથે પોલીસ રિમાન્ડમાં વિતાવેલા નવ દિવસ પછી પહેલીવાર હું ખૂબ ખુશ હતો.

અડધો કલાક પહેલાં મને સખત પોલીસ જાપ્તા હેઠળ કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. રિમાન્ડ પૂરા થયા પછી મને જામીન મળે છે કે નહીં તેના સમાચાર જાણવા ટીવી અને પ્રિન્ટ મીડિયાના પત્રકારમિત્રોનું ટોળું નીચે કોર્ટના કમ્પાઉન્ડમાં જમા થઈ ગયું હતું.

તળ અમદાવાદનો ઘીકાંટા વિસ્તાર. પાંચ વર્ષ પહેલાં નવું બંધાયેલું મકાન. છઠ્ઠા મજલે કોર્ટ નંબર અગિયારમાં હું બેઠો હતો. હિન્દી ફિલ્મોમાં આમ તૌર પર બતાવવામાં આવે છે તેના કરતાં ઘણી જુદી એવી વાસ્તવિક અદાલતોમાં સાક્ષીનું અને આરોપીનું એવાં બે પાંજરાં નથી હોતાં. કોર્ટ રૂમના એક માત્ર પાંજરામાં આરોપીએ નહીં પણ સોગંદનામું કરવા માટે સાક્ષીએ અને ફરિયાદીએ ઊભા રહેવાનું હોય છે. જજના ડાયસ અને પ્રેક્ષકોની ખુરશીઓ વચ્ચે વકીલો તથા એમના સહાયકો માટેનાં ટેબલ-ખુરશીઓ છે. જજના ડાયસની બરાબર સામેના છેડાની દીવાલ પાસે રાખેલા લાંબા બાંકડા આરોપીઓ માટે છે. બાંકડાની હરોળ અને પ્રેક્ષકોની ખુરશીઓ વચ્ચે લાકડાના કઠેડાવાળી સાડા ત્રણ ફીટની ઊંચાઈ ધરાવતી આડશ છે. આ આડશની બહાર નીકળવાનો દરવાજો સ્ટોપરથી બંધ કરેલો છે. કોર્ટને જરૂર પડે ત્યારે આરોપીને એના બાંકડા પરથી ઊભો કરીને જજના ડાયસ પાસે, સાક્ષીના પાંજરા નજીક, લઈ આવવામાં આવે. કામ પૂરું થાય એટલે એણે પાછા પેલા બાંકડા પર જઈને બેસી જવાનું. પોલીસવાળો કઠેડાનો દરવાજો કડી વાસીને બંધ કરી દે.

મારા રિમાન્ડના નવ દિવસ પછી મને અદાલતમાં હાજર કરવામાં આવ્યો ત્યારે મને પરિવાર સાથે પ્રેક્ષકોની ખુરશી પર બેસાડવામાં આવ્યો. મારા પર જાપ્તો રાખી રહેલા ક્રાઈમ બ્રાન્ચના પોલીસો અમારી આગળ-પાછળ ગોઠવાઈને સરવા કાને અમારી વાતો સાંભળતા હતા. હું, મારી જીવસંગિની મેઘા, અમારાં બંનેનાં માતા-પિતા અને મારાં કેટલાંક સગાં તથા મિત્રો મેજિસ્ટ્રેટ સાહેબના આગમનની રાહ જોતાં સમય પસાર કરી રહ્યાં હતાં.

એ દિવસે શનિવાર હતો. ૨૧મી જૂન ૨૦૦૮. હનુમાનજીનાં દર્શન કરીને નાળિયેરનો પ્રસાદ લાવવામાં આવ્યો હતો. કોપરાના નાના ટુકડા કરીને મારા જાપ્તામાં આવેલા પોલીસ કોન્સ્ટેબલોમાં વહેંચ્યો. એક ટુકડો મેં મોઢામાં મૂક્યો. મેજિસ્ટ્રેટ સાહેબ પોતાની ચેમ્બરમાંથી ડાયસ પર આવે એની ઘડીઓ ગણાઈ રહી હતી. કોર્ટ રૂમનું વાતાવરણ વિનાકારણ મને તંગદિલીભર્યું લાગતું હતું. ઢળતી બપોરના સાડા ચારનો સુમાર હતો. પંદર-વીસ મિનિટમાં જ ફેંસલો થઈ જવાનો હતો. મારી માનસિક યાતના અને પરિવારની પારાવાર પરેશાનીનો અંત આવી જવાનો હતો. મેં મેઘાને કહ્યું, ‘ઘરે જઈને નહાઈ-ધોઈને આ નવ દિવસોની ઘણી બધી વાતો કરીશ… એક નવલકથાનો પ્લોટ પણ વિચાર્યા છે… તું નોટ્સ કરતી જજે…ના, એક કામ કરજે. ટેપરેકોર્ડર ચાલુ કરી દેજે… ખૂબ વાતો કરવાની છે…’
* * * * *

રિવાઈન્ડ

‘અહીં સહી કરો’, નવ દિવસ પહેલાં પોલીસ સબ-ઈન્સ્પેક્ટર ડી.એચ. વાઘેલાએ મને સંબોધીને કહ્યું હતું. ક્રાઈમ બ્રાન્ચની ભોંયતળિયાની ઓફિસના મધ્ય ખંડમાં એક સાદા નાના ટેબલ પરના ચોપડામાં મારી સહી લેવામાં આવી. એ સાથે જ સૌરભ અશ્વિનકુમાર શાહ (ઉં.વ. ૪૮, રહેવાસીઃઅમદાવાદ, ગુજરાત)ની ઈન્ડિયન પિનલ કોડની કલમ ૪૦૬ અને ૪૨૦ હેઠળ ધરપકડ કરવામાં આવી. હવે હું સત્તાવાર આરોપી હતો. ૧૨મી જૂન ૨૦૦૮એ ગુરુવાર હતો. મારા અત્યાર સુધીના જીવનનો સૌથી મનહૂસ દિવસ.

એ દિવસે બપોરે ત્રણ વાગ્યે પી.એસ.આઈ. વાઘેલા અને એમના મદદનીશ કોન્સ્ટેબલ હડમતસિંહ સિસોદિયા સાદા કપડાંમાં નવરંગપુરાની ‘વિચારધારા’ની ઓફિસે મારી કેબિનમાં ધસી આવ્યા હતા. પંદરેક મિનિટની પૂછપરછ કરી વધુ પૂછતાછ માટે પોલીસની સુમોમાં બેસાડી ગાયકવાડ હવેલી લઈ ગયા હતા. હેરિટેજ સ્મારક જેવી આ હવેલીની અત્યારની જર્જરિત ઈમારતોમાં એક જમાનામાં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ તથા એમના પૂર્વજોના રાજકીય, વહીવટી તથા મહેસૂલી કાર્યાલયો બેસતાં હતાં. અત્યારે અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચનું આ ઠેકાણું છે, જ્યાંના લોકઅપમાં બોમ્બ બ્લાસ્ટના આરોપીઓ તેમજ ખૂંખાર ગુનાઓ સાથે સંકળાયેલા શકમંદોને રાખવામાં આવે છે.

બે કલાકમાં જ પૂછતાછ કરીને તમને પાછા તમારી ઓફિસે મોકલી દઈશું એવું કહીને મને ઉપાડવામાં આવ્યો હતો. છ કલાકની પૂછપરછ દરમિયાન મેં મારી નિર્દોષતાના પૂરતા ખુલાસાઓ અને પુરાવાઓ આપ્યા હોવા છતાં રાત્રે નવ વાગ્યે ચોપડામાં સહી કરાવીને મારી ધરપકડ કરવામાં આવી. મારી કાંડા ઘડિયાળ, મારું પૈસાનું પાકિટ અને મારો મોબાઈલ ફોન ઘરે મોકલી દેવાનું જણાવાયું. આ દરમિયાન મેં મારી ઓફિસે ફોન કરીને મારા પરિવારજન એવા ડ્રાઈવર ભરતભાઈને ક્રાઈમ બ્રાન્ચ પર બોલાવી લીધા હતા. ભરતભાઈ દિગ્મૂઢ થઈ ગયા હતા. શું કરવું એની એમને સમજ પડતી નહોતી. સમજ તો મને પણ ક્યાં પડતી હતી કે આ બધું શું કામ થઈ રહ્યું છે.

આરોપીની ધરપકડ કર્યા પછી પોલીસની ફરજ બનતી હોય છે કે તાત્કાલિક આરોપીના પરિવારને જાણ કરવી. ઘણી વાર પોલીસ સત્તાવાર ધરપકડ બતાવ્યા વિના આરોપીને કે શકમંદને અઠવાડિયું-પંદર દિવસ પોતાની કસ્ટડીમાં રાખતી હોય છે. પોલીસની પરિભાષામાં એને ‘ઉપલક’ રાખ્યો કહેવાય. આવા શકમંદને એક જગ્યાએ રાખવાને બદલે પોલીસવાનમાં બંદી કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતો રાખવામાં આવે. કુદરતી હાજત પણ એણે પોલીસવાનમાં જ કરવાની અને પોલીસ પાણી ભરીને આપે એનાથી સફાઈ પણ એણે જ કરવાની. ભવિષ્યમાં શકમંદના પરિવાર તરફથી અદાલતમાં ફરિયાદ થાય કે એ અઠવાડિયું-પંદર દિવસ પોલીસે સત્તાવાર ધરપકડ બતાવ્યા વિના શકમંદને કસ્ટડીમાં રાખ્યો તો એનો પણ ઈલાજ હોય છે. પોલીસ પોતાના પરિચિત હોટેલ-લોજવાળાને કહીને શકમંદ એ જગ્યાએ રહેતો હતો એવો ચોપડો ચીતરાવી લે.

ખેર, મને ‘ઉપલક’ રાખવાનો કોઈ અર્થ નહોતો. જો એવું મારી સાથે થયું હોત તો બીજે જ દિવસે હાઈ કોર્ટમાં મારા પરિવારે હેબિયસ કોર્પસની અરજી દાખલ કરી હોત અને અદાલતે પોલીસને હૂકમ કર્યો હોત કે આ માણસને ૨૪ કલાકમાં કોર્ટ સમક્ષ હાજર કરવો. મારી સત્તાવાર ધરપકડની જાણ ભરતભાઈને કરવામાં આવી અને આ જાણકારી પ્રાપ્ત થઈ છે એવા લખાણ નીચે એમની સહી લઈ લેવામાં આવી. ભરતભાઈના ગયા પછી બે પોલીસોના પહેરા હેઠળ મને ઉપરના માળે મોકલવામાં આવ્યો. પગથિયાં ચડતાં પહેલાં પતરાનાં લાલ-ભૂરા પાટિયાં પર મેં વાંચ્યુ કે ડિટેક્શન ઓફ ક્રાઈમ બ્રાન્ચનો આ ‘નાર્કોટિક્સ એન્ડ પ્રીવેન્શન ઓફ ગેન્ગ એક્ટિવિટીઝ ડિપાર્ટમેન્ટ’ છે. નાર્કોટિક્સ કે ડ્રગ્સ મેં જિંદગીમાં સૂંઘ્યા તો શું જોયાં પણ નથી. ૨હ્યો સવાલ ગેન્ગ એક્ટિવિટીનો. ગુજરાતી સાહિત્ય પરિષદની કારોબારી સમિતિના એક સભ્ય તરીકે કરેલી સામૂહિક પ્રવૃત્તિઓ સિવાય બીજી કોઈ ગેન્ગ એક્ટિવિટીમાં હું સંડોવાયો નથી.

પોલીસ તરફથી મને જણાવવામાં આવ્યું કે આવતી કાલે, મારી ધરપકડના ૨૪ કલાક પૂરા થાય તે પહેલાં, મને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરીને મારા પોલીસ રિમાન્ડ માગવામાં આવશે.

પોલીસ કસ્ટડીની સૌથી પહેલી રાત મેં આશ્ચર્યમિશ્રિત રોષ અને ભય સાથે વિતાવી. મારી સૂવાની જગ્યાની સામેના ખૂણામાં બેઝબોલનું બેટ હતું. એના ઉપયોગો વિશેની કલ્પના કરતાં કરતાં હું પીએસઆઈના પલંગ પર સૂઈ ગયો.

(ક્રમશઃ)

‘મારા જેલના અનુભવો’નાં બીજાં પ્રકરણો તેમ જ ‘ચિત્રલેખા’માં પ્રગટ થયેલી મુલાકાત
સાબરમતી જેલમાં વીતાવેલા ‘એ ૬૩ દિવસો…’ વાંચવા અહીં ક્લિક કરો
.

13 comments for “મારા જેલના અનુભવો – ૧

 1. Niraj
  June 21, 2009 at 5:46 AM

  મજેદાર…

 2. Gaurang
  June 21, 2009 at 10:49 AM

  Jail experiences described in “Shantaram’ was quite horrendous. I hope you had not been through such inhuman treatment. I am almost afraid to read further.

 3. Chinmay Joshi
  June 21, 2009 at 12:11 PM

  સૌરભભાઈ.
  ખરેખર અઘરો અનુભવ…..

 4. Pancham Shukla
  June 21, 2009 at 3:14 PM

  As an EF, I feel the resonance of this sort:

  કોઈ બીજાને કહું તો એ નકી હાંસી કરે,
  આ વિતક તારા વિના તો કોણ પરમાણે સજન?
  (રાજેન્દ્ર શુક્લ)

 5. Sandip Kotecha
  June 21, 2009 at 4:48 PM

  Dear Saurabhbhai,

  You and your family have seen the tough days.. May you all recover from those tough memories soon…

 6. Atul Jani (Agantuk)
  June 21, 2009 at 7:17 PM

  જેલવાસ દરમ્યાન પણ તમારો સમગ્ર વાતાવરણને અવલોકવાનો ગંભીર પ્રયાસ કાબીલે દાદ છે. મુશ્કેલીમાં તો લગભગ દરેક મનુષ્ય ક્યારેક ને ક્યારેક મુકાતો જ હોય છે. પણ તે ઘટના દરમ્યાન સતત જાગ્રત રહેવું તે કોઈક થી જ બની શકે તેવું છે. આપના મક્કમ મનોબળ અને વિપરીત પરિસ્થિતિમાં પણ ટકી રહેવાના સફળ પુરૂષાર્થ બદલ ધન્યવાદ.

  આગામી હપ્તાની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યો છું.

 7. Narendra Mistry
  June 21, 2009 at 8:54 PM

  Saurabhji,
  I would like to read all your experiences.

 8. niraj patel
  June 21, 2009 at 9:35 PM

  jordaar, saruaat … pls keep it up, we r with u….

 9. મીના છેડા
  June 22, 2009 at 2:40 PM

  મૌન….

  આમ તો મૌન પણ બોલકું જ હોય છે ને… પણ આજે અહીં મૌન પણ મૌન થઈ ગયું છે.

  મીના છેડા

 10. June 26, 2009 at 4:31 AM

  અન્ય પ્રકરણોની રાહ રહે એવી ધમાકેદાર શરૂઆત.
  લગે રહો સૌરભભાઈ

 11. djvakil45
  July 14, 2009 at 4:40 PM

  SAURABHBHAI, IT IS REALLY A SAD STORY TO READ & TO EXPERIENCE. THERE ARE TWO ASPECTS OF THIS STORY. ONE IS STORY/NOVEL ASPECT & SECOND IS HUMAN RELATIONSHIP ASPECT.
  THE STORY ASPECT IS REALLY NEW & INTERESTING. AS YOU HAVE MENTIONED EARLIER,THERE IS VERY LESS LITRATURE ON THIS SUBJECT & YOURS WILL BE ONE OF THE MOST AUTHENTIC ONE. OF COURSE, THERE IS NOTHING TO SAY ABOUT YOUR PEN.. YOU HAVE WONDERFUL WRITING STYLE & THINKING.. PL. KEEP WRITING FURTHER.
  THE SECOND ASPECT IS HUMAN RELATION ASPECT. WHAT EVER HAS HAPPEND MAY BE SUBJUDICE, BUT OUR FEELINGS ARE WITH YOU. WE CAN UNDERSTAND & EXPERIENCE THE PAIN YOU ARE FACING AT PRESENT. PL. DO NOT GET UPSET, OUR GOD IS GREAT. THE END WILL BE WELL ONLY. OUR MORAL SYMPATHY & SUPPORT IS ALWAYS WITH YOU.

 12. Neha Joshi
  July 17, 2009 at 9:54 PM

  Saurabh bhai,
  This is really very very interesting for us to just read but I can imagine the horrible situation through which u had to pass …a difficult and depressive dilema of life.

 13. mahendra
  July 23, 2009 at 1:08 PM

  સૌરભભાઈ,
  તમે દુખનું દરણુ કર્યુ ને
  સુખ નો સુર્મો કર્યો
  સમ્બન્ધો નુ સ્નાન અને
  આત્મા નુ જ્ઞાન કર્યુ
  આમ જીવન સાર્થક કર્યુ
  બધા લેખો વાંચ્યા ને
  જાણે તમારી સાથે જ હોઇએ
  તેમ અનુભવ્યું
  કાંતી ભટ ના 75 મા જન્મ દિવસે આપ્ને મલ્યા હતા
  અર્થાત તમે તો મને નહી ઓળ્ખો
  પણ ત્યારે જ મે તમેને મારા કેમેરા ની
  સ્મુતી મા રખ્યા હતા
  ( સહિત્યિક શબ્દ નથી લખતો — કે કેમેરા મઢેલા)
  સપ્રેમ
  સદાય તમારા લખાણ નો ચાહક અને ગ્રાહક
  મહેન્દ્ર ઠાકર ના
  સ્નેહ વન્દન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *