દોસ્ત એ કહેવાય જેની પાસે ત્રાજવું ન હોય

જેમની પાસે મિત્રોનું સુખ નથી તેઓ સમજવા તૈયાર નથી કે સોદાબાજી વગરના સંબંધોનું પણ અસ્તિત્વ છે આ જગતમાં

દુનિયા તમારી સાથે કેવું વર્તન કરે છે એનો આધાર તમારા પોતાના પર છે. કોઈકનું વર્તન તમને ગમતું ન હોય ત્યારે તમે એને બદલવાની કોશિશ નથી કરતા, તમારું એના પ્રત્યેનું વલણ બદલી નાખો છો અને બદલામાં એવો વ્યવહાર મેળવી શકો છો જેવો તમે ઈચ્છો છો. તમારે પોતે લોકોને  શીખવવું પડતું હોય છે કે એમણે તમારી સાથે કઈ રીતે વર્તવું અને કઈ રીતે નહીં, અને કઈ મર્યાદા જાળવવી. કોઈ તમારી સાથે સારી રીતે વર્તતું ન હોય તો એમાં વાંક માત્ર સામેની વ્યક્તિનો નથી હોતો, તમારો પણ એટલો જ વાંક હોય છે, આ તમારે સ્વીકારવું પડે. તમારી ખૂબ નજીકના વર્તુળમાં પ્રવેશી જતી વ્યક્તિઓ કોઈ એક તબક્કે તમને દુખી કરવા માંડે ત્યારે એમનો વાંક કાઢવાને બદલે વાંક તમારો નીકળવો જોઈએ – તમે શા માટે એમને તમારી આટલી નજીક આવવા દીધી, શા માટે તમે એમના માટે મર્યાદાઓનું સીમાંકન કર્યું નહીં? હવેથી ખ્યાલ રાખવાનો.

જે જેન્યુઈન દોસ્તો છે એમની સાથેના વ્યવહારમાં આવો ખ્યાલ રાખવાની જરૂર પડતી નથી. સ્વાર્થ વગરના સંબંધો આ દુનિયામાં જવલ્લે જ રચાય છે. કશુંક તમને જોઈતું હોય છે એમની પાસેથી, કશુંક એમને મેળવવું હોય છે તમારી પાસેથી. એ કશુંક દરેક વખતે ભૌતિક કે સ્થૂળ સ્તરનું જ હોય એવું જરૂરી નથી. સૂક્ષ્મ અને અભૌતિક પણ હોઈ શકે. પરંતુ અંતે તો લેવડદેવડની જ વાત હોય છે. ગોઠણ સુધી પહોંચતા કપડાં પહેરતાં ત્યારે દોસ્તોનો જે સંપૂર્ણપણે નિર્દોષ પ્રેમ મળ્યો હોય એવો પ્રેમ ફુલ પેન્ટ પહેરવાની ઉંમર પછી મળતા મિત્રો પાસેથી નથી મળતો. સ્કૂલના દિવસો દરમિયાન ક્યાં કશું ભાન હોય છે દુનિયાદારીનું? ક્લાસમાં સાથે ભણતો છોકરો ધીરુભાઈનો છે કે એમના ડ્રાઈવરનો એવી સ્ટેટસ સભાનતા નથી આવી હોતી તે વખતે.જેની સાથે જામી ગયું તે જ દોસ્તાર. જેની સાથે સ્કૂલમાં રમવાની, ભણવાની, રખડવાની અને ઝઘડવાની મજા આવી હોય એવા મિત્રો તમારી મોટી ઉંમરે પણ તમારાથી એટલા જ નજીક હોય તો (તો-ની નીચે જાડી અંડરલાઈન કરીને વાંચજો, પછી કહેતા નહીં કે અમે કહ્યું નહીં!) તમે નસીબદાર કહેવાઓ. ખૂબ નસીબદાર કહેવાઓ. અને મોટી ઉંમરે જો કોઈને આવી ઉમદા મૈત્રી મળે એ તો ભગવાનનો સવાયો લાડકવાયો કહેવાય. બધા પાસે આવું નસીબ નથી હોતું. જેમની પાસે આવા મિત્રોનું સુખ નથી તેઓ એક વાત સમજવા ક્યારેય તૈયાર નથી થતા કે સોદાબાજી વગરના સંબંધોનું પણ અસ્તિત્વ છે આ જગતમાં.

દોસ્ત એને કહેવાય જેની પાસે ત્રાજવું ન હોય. લાગણીઓને માપીજોખીતોળીને વહેંચનારાઓ માટે ક્યારેય તમારા અંતરંગ વિશ્વમાં સ્થાન નથી હોતું. જેમની સાથેની દોસ્તી દાયકાઓ પછી અકબંધ રહી હોય એમની પ્રશંસા તમે સાચા દિલથી કરી શકો છો, કારણ કે વખાણ કરીને તમારે એમની પાસેથી કંઈ મેળવવાનું નથી હોતું. એમની ટીકા પણ તમે કોઈ જાતના દંશ વગર કરી શકો છો, કારણ કે ટીકા સાંભળીને એ તમારી પાસેથી કશું પાછું લઈ લેવાના નથી એની તમને ખાતરી હોય છે. તદ્દન નિર્ભાર થઈને તમે એમની સાથે વર્તી શકો છો. તમારા તમામ મહોરાં, નકાબ, બુરખાઓને બાજુએ મુકી તમે જેવા છો એવા જ પેશ આવી શકો છો. જિંદગીનો આ ઘણો મોટો આનંદ છે. લોકો તમને ફોલી ન ખાય એ માટે સતત પહેરવું પડતું બખ્તર તમે આવા મિત્રોને મળો છો ત્યારે શરીર પરથી ઉતારીને ઊંચું મૂકી દો છો

આવા મિત્રો માટે તમને ક્યારેય ફરિયાદ નથી હોતી કારણ કે તમને ક્યારેય એમની પાસે કોઈ અપેક્ષા નથી હોતી. એમની સાથેની વાતોમાં ક્યાંય ખુલાસાઓ નથી હોતા, કોઈ બહાના નથી હોતાં, સહેજ પણ જીદ નથી હોતી, કોઈ તંગદિલી નથી હોતી. તમને ખબર હોય છે કે તેઓ આ સંબંધને આવરી લેતા પ્રદેશમાં જે કંઈ કરે છે તેની પાછળનો આશય એકદમ શુભ છે, અને જે કંઈ નથી કરતા તેની પાછળનાં કારણો તદ્દન દોષરહિત છે. આવી મૈત્રી તમને દુનિયામાં ટકી રહેવાની શક્તિ પૂરી પાડે છે. તેઓની હાજરી તમારા જીવનમાં ચોવીસે કલાક ન હોવા છતાં એક અહેસાસ તમને થયા કરે છે કે તેઓ તમારી સાથે જ છે. તમારી આસપાસનું વાતાવરણ બનીને સતત તમારી પડખે છે. એમની હાજરીમાં થતું તમારું દરેક હાસ્ય અને દરેક રુદન તમારા અંગત ખજાનાનો હિસ્સો બની જાય છે. જન્મોજન્મનો સાથ જો માગવાનો હોય તો આવા મિત્રોનો માગવાનો હોય પ્રાર્થના કરવાની હોય તો તે કુન્દનિકા કાપડિયાના શબ્દોમાં કરવાની હોય કે, “પરમાત્મા અમને પણ એવા મૈત્રીભાવથી ભરી દે કે અમારા મિત્રોની અપ્રગટ શક્યતાઓ પિછાણી શકીએ અને તેને બહાર લાવવામાં સહાયભૂત બનીએ. અમારી ઊણપો, નબળાઈઓ, ભૂલ દૂર કરવાના અને સાત્વિકતા, સત્યનિષ્ઠા, નિર્ભયતા વધારવાના પ્રયત્નોમાં અમે એકમેકને સક્રિય સાથ આપીએ. અમારી સારી દશામાં જેઓ અમારી સાથે હતાં, તેમનો માર્ગ દુર્દશાની ખીણમાંથી પસાર થાય ત્યારે અમે તેમને વીસરીએ નહીં.”

દુનિયામાં ટકી રહેવા તમને આવા મિત્રોની અનિવાર્યતા મહેસૂસ થાય છે, કારણ કે તમે જુઓ છો કે મોટા થયા પછી તમારી નજીક આવી જઈને પોતાને તમારા મિત્ર કહેવડાવતા લોકો જ તમારી પડતી સમયે સૌથી વધુ તાળીઓ પાડવા લાગે છે. તમારા એકાંતમાં તમને સંભળાય છે એ અને એ તાળીઓને તમે ગૂંજન માનીને સાચવી રાખો છો તમારી પાસે, જે પુખ્તતાનું એક વધુ પગથિયું ચડવામાં કાખઘોડી તરીકે કામ લાગશે, આ લોકો તમારી ચડતી વખતે ફરી પાછા હાજર થઈ જાય છે અને હવે એમના બેશરમ સ્મિતથી તમે ભોળવાતા નથી. તમારી પાસે આવા લોકો સાથે પનારો પાડવા માટે એક ઇનબિલ્ટ શોક ઍબ્ઝોર્બર, એક સ્ટેબિલાઈઝર આવી ગયું હોય છે જેને કારણે તમે લાગણીપ્રૂફ બની જાઓ છો. એમની બનાવટી પ્રશંસા અને એમની બેવજૂદ ટીકાથી અકળાતા નથી. તમારો સો ટચનો આક્રોશ કે તમારી ચોવીસની કેરેટની હૂંફ – કશુંય તમે આવા લોકોમાં વહેંચતા નથી, વેડફતા નથી. કારણ કે તમને ખબર હોય છે કે દોસ્ત કોણ છે અને અમિત્ર કોણ છે.

માગવાનું કશું જ નથી હોતું ભગવાન પાસે, કારણ કે તમારી હૃદયની ઈચ્છાઓ હોઠ પર શબ્દસ્થ થાય તે પહેલાં જ, જરાય ટટળાવ્યા વગર એ બધું આપતો રહે છે. છતાં માગવાનું હોય તો એની પાસે એક જ વસ્તુની માગણી થાય : મૈત્રી.

7 comments for “દોસ્ત એ કહેવાય જેની પાસે ત્રાજવું ન હોય

 1. June 19, 2009 at 2:28 PM

  જીવન રૂપી બાગમાં મિત્ર એ સુંદર ફૂલ છે જેનેી સૌરભ – સુગંધ જીવન ભર આપણને મહેકતા રાખે છે..!

 2. pinak
  June 19, 2009 at 2:31 PM

  Article ma duniyadari no sauthi latest anubhav tame thalvi nakhyo che saheb.. Article ma bau samay pachi lagnio ni chaant dekhai che baki tame chamda chiri nakhta lakhano mate famous cho.. Very nice A rticle..

  • June 19, 2009 at 2:48 PM

   પિનાક,
   હું તો લાગણીઓનો અને ભાવનાઓનો જ માણસ છું

   મારાં દસમાનું એક પુસ્તક જ તમે કહો છો તેવું, ‘…ચીરી નાખે..’ એવું છે. બાકીનાં ૯ નાં માત્ર શીર્ષકો જ વાંચશો તો ય ખ્યાલ આવશે. બાય ધ વે, આ લેખ નવો નથી, ‘બેસ્ટ ઑફ સૌરભ શાહ’માં છે, ૧૦-૧૫ વર્ષ અગાઉ લાખાયો છે. મારા બીજા અનેક લેખોની જેમ આ પણ લિમિટેડ અર્થમાં કાળાતીત છે.

 3. Niraj
  June 19, 2009 at 2:53 PM

  “છતાં માગવાનું હોય તો એની પાસે એક જ વસ્તુની માગણી થાય : મૈત્રી.” ખુબ સુંદર વાત કહી.

 4. Rakesh
  June 20, 2009 at 11:42 AM

  truth of life. this is story of every one. i beleieved that as many real friends do you have you are richer person in life. i like half pent and full pant friend story. world is so selfish so when you are young you will find true friend and full pant it is very difficult to find

  nice artical

  rakesh

  surat

 5. સુનિલ શાહ
  June 20, 2009 at 4:22 PM

  સરસ મઝાનો લેખ..
  ‘બેસ્ટ ઑફ સૌરભ શાહ’માંથી વધુ લેખો મૂકશો..?

 6. Niraj
  June 21, 2009 at 5:56 AM

  ચાલુ રાખો…

Comments are closed.