વો ભૂલી દાસ્તાં, લો, ફિર યાદ આ ગઈ

ઉનાળાની રજાઓમાં ગુજરાતના નાનકડા ગામમાં વિતાવેલી બળબળતી બપોરો યાદ છે? ગામના જાહેર કૂવાનો પંપ અને એની બાજુમાં એક ઊંચા થાંભલા પર જાહેર રેડિયો સાથે જોડેલું શંકુ આકારનું સ્પીકર. આકરા તાપને સહ્ય બનાવતો અને કારણ વિના ઉદાસીની ટીસ જન્માવતો સ્વર આવે છેઃ

વો ભૂલી દાસ્તાં,

લો, ફિર યાદ આ ગઈ,

નઝર કે સામને ઘટા સી છા ગઈ…

લતા-મદનમોહન

મુગ્ધાવસ્થાની તદ્દન શરૂઆતમાં ગમતાં એ ફિલ્મી ગીતોના સંગીતકાર મદનમોહન હતા એ વાતની ખબર તો બહુ મોડેથી પડી. મદનમોહનના સંગીતનો એ જમાનો હિન્દી ફિલ્મસંગીતનો સોનાનો જમાનો હતો. લતા મંગેશકરની ભવ્ય કારકિર્દીનાં ઉત્તમ ગીતો મદનમોહનની બંદીશમાં સાંભળવા મળે છે. એચએમવીએ લતા-મદનમોહનનાં ગીતોનું આલબમ બહાર પાડ્યું જ છે. ટી સિરીઝે અ ટ્રિબ્યુટ ટુ મદનમોહન નામની સીડી રજૂ કરી છે. તમામ ગીતો ઓરિજિનલ રેકોર્ડિંગને બદલે અનુરાધા પૌડવાલના વર્ઝનમાં ગવાયાં છે. આ બન્ને ગાયિકાઓની તુલના જ ન થઈ શકે અને લતાના અવાજનું મિસ્ટિક તત્ત્વ આ સીડીમાં ખૂટતું જરૂર જણાય, પણ અહીં મઝા મદનમોહનના ટોપ ફોર્ટીન ગીતોની છે. એકસાથે એક જ જગ્યાએ વારાફરતી આ ગીતો સાંભળ્યા પછી એક જ લાગણી થાય — પરમ તૃપ્તિની લાગણી.

મદનમોહનની બંદીશો સાથે સંકળાયેલી એ ભૂલી દાસ્તાન ફરીથી યાદ આવી જાય છે. મિલનના સંજોગો ક્યારેક વિરહ કરતાં પણ દુઃખદાયક હોય છે. નસીબમાં ફરી એ મિલનની રાત આવે કે ન પણ આવે. આંખોમાંથી પ્રેમની એ વર્ષા ફરી વહે કે ન પણ વહે. એટલે જ:

લગ જા ગલે કે ફિર યે હસીં રાત હો ન હો,

શાયદ ફિર ઈસ જનમ મેં મુલાકાત હો ન હો…

આ રીતે થતું મિલન નસીબદારોને મળે કે કમનસીબોને એવા સવાલનો જવાબ મેળવવો કષ્ટદાયક છે. મન એકાંગી બની જાય છે. અર્જુનની જેમ પંખીની આંખ સિવાય એને બીજું કશું જ દેખાતું નથી. આખી દુનિયા બસ, એક જ જગ્યાએ કેન્દ્રિત થઈ ગઈ છે:

તેરી આંખોં કે સિવા દુનિયા મેં રખા ક્યા હૈ,

ઠોકર જહાં મૈંને ખાઈ ઈન્હોંને પુકારા મુઝે,

યે હમસફર હૈ તો કાફી હૈ ઈનકા સહારા મુઝે…

કોઈના ગયા પછી ભણકારાના સહારે પણ જિંદગી વીતી શકતી હોય છે. આંગણાંમાં કોઈનાં પગલાં સંભળાય કે કોઈ પરિચિત અવાજથી ગૂંજતી હવા લહેરાય ત્યારે શોભિત દેસાઈના શબ્દો યાદ આવે: કોઈ જાણીતો શ્વાસ લાગે છે, એ અહીં આસપાસ લાગે છે અને મદનમોહનની તર્જ સંભળાય:

ઝરા સી આહટ હોતી હૈ તો દિલ સોચતા હૈ,

કહીં યે વો તો નહીં, કહીં યે વો તો નહીં…

પણ આહટ હમેશાં છેતરામણી હોય છે. કોઈ આવતું નથી એટલે મન એની યાદની પાછળ પાછળ દોડી જાય:

તુ જહાં જહાં ચલેગા,

મેરા સાયા સાથ હોગા…

અતીતનો બોજ ખભા પર નાખીને આગળ ચાલતા રહેવાનું છે. રાત્રે મકાનની અગાશી પરથી જે ચંદ્ર દેખાય છે એ જ ચંદ્ર એના શયનખંડની સળિયાવાળી બારીમાંથી એને પણ દેખાવાનો છે. મન જ્યારે ઉદાસ થઈ જશે ત્યારે એ જ્યાં હશે ત્યાં; ઉદાસી એને પણ ઘેરી વળવાની છે. છૂટા પડી ગયા પછી, બસ આ જ એક સાંત્વન હોય છે. વર્ષો વીતી ગયા પછી એ પણ નથી હોતું.

યૌવનમાં કરેલાં ‘સૈફ’ પાલનપુરીવાળાં રેશમી સાહસો બદલ કેવાં ઈનામો મળ્યાં છે એ વાત કોઈને કહેવાની ન હોય:

ઘર સે ચલે થે હમ ખુશી કી તલાશ મેં

ગમ રાહ મેં ખડે થે વહી સાથે હો લિયે,

ખુદ દિલ સે દિલ કી બાત કહી ઔર રો લિયે,

યું હસરતોં કે દાગ…

ફૂલ કરમાઈ ગયા પછી પણ ફૂલ જ રહે છે. ફરક માત્ર એટલો પડે છે કે સુગંધને બદલે એ ફૂલને હવે કાંટા સાથે તોળાવું પડે છે.

કિનારે પાછા આવી ગયા પછી હોઠ સીવી લીધા છે. મઝધારે શું બની ગયું એનો દોષ કોઈના પર ઢોળી દેવામાં રસ નથી. આમ છતાં દુનિયા જીદ કરે છે, ખુલાસાઓ અને સ્પષ્ટતા માગે છે. લોકોને ફરિયાદ સાંભળવાની આશા છે. નિંદા સાંભળવાની લાલચ છે. પણ આપણને હકીકતની ખબર છે. પુખ્ત સમજ જમાનાને ખુશ કરવાથી દૂર રહે છે અને બસ, એટલું જ કહે છે:

ન તુમ બેવફા હો ન હમ બેવફા હૈ,

મગર ક્યા કરેં અપની રાહેં જુદા હૈ.

જમાનો પોતાની વાસ્તવિકતાની રાહો પર ચાલવા બોલાવે છે અને એ પોતાની મોહબ્બતની બાહોંમાં સમાઈ જવાનું આમંત્રણ આપે છે. બેમાંથી એક વિકલ્પ પસંદ કર્યો જેમાં મજબૂરી સિવાય બીજું જ નહોતું.

પૉઝ પર મૂકેલી સીડી ફરી શરૂ થાય છે અને જિંદગી પણ. આંખોમાં વર્ષોની પ્યાસ એકઠી થાય છે. એ દિવસોની સ્મૃતિ સતત સામે આવતી રહે છે. જે વાત આદરી હતી તે અધૂરી રહી ગઈ. ક્યારેક એવો પણ તદ્દન બિનવ્યવહારુ વિચાર આવી જાય છે કે હજુય એ વાત પૂરી થઈ શકે તો કેવું. હથેળી પર લાગેલી મહેંદીની સુવાસ જેના શ્વાસમાં ભળી જવાની છે એનો આ સુગંધ પર કોઈ હક્ક નથી એની તમને ખબર છે. એટલે જ દિલ પોકારી ઊઠે છે:

અધૂરા હું મેં અફસાના, જો યાદ આઉં ચલે આના,

મેરા જો હાલ હૈ તુઝ બિન વો આ કર દેખ કે જાના…

ખોઈ ખોઈ આંખેં હૈ ઉદાસ,નૈના બરસે રિમઝિમ રિમઝિમ

એ કહે છે કે તમારી પાસે તો માત્ર શબ્દો જ છે અને શબ્દો પર હવે ભરોસો રહ્યો નથી. પણ એમની મુસીબત એ છે કે ચૂપ રહીએ તો મૌન પણ એમને અકળાવનારું લાગે છે. કહે છે:

વો ચૂપ રહે તો મેરે દિલ કે દાગ જલતે હૈ,

જો બાત કર લો બૂઝતે ચરાગ જલતે હૈ…

ખૂબ રડી લીધું હવે વધારે નથી રડવું. તમારા માટે તો નહીં જ, પણ એક વાત પૂછું? મારા દુઃખની વાત સાંભળીને તમારી આંખમાં આંસુ કેમ…

જો હમને દાસ્તાં અપની સુનાઈ આપ ક્યોં રોયે?

તબાહી તો હમારે દિલ પે આઈ, આપ ક્યોં રોયે?

હા, એક જમાનો હતો જ્યારે લાગતું હતું કે અમે ખુશનસીબ છીએ, તમારે કારણે અમે ઝળહળ ઝળહળ છીએ. લાગતું હતું કે જાણે મંઝિલ મળી ગઈ અને દિનની ધડકન થંભી જાય તો પણ કોઈ ગમ નથી:

આપ કી નઝરોં ને સમઝા પ્યાર કે કાબિલ મુઝે,

દિલકી અય ધડકન ઠહર જા મિલ ગઈ મંઝિલ મુઝે…

કોઈ માગે છે આર્થિક સલામતી તો કોઈ સામાજિક સ્વીકાર ઈચ્છે છે. કોઈને કવિ કિસન સોસાવાળી ક્ષણ નહિ, પણ સદી જોઈએ છે, રણ નહિ પણ નદી જોઇએ છે. ભૌતિકતાઓમાં અટવાતા સંબંધોની સફરમાં ભાગ્યે જ કોઈ એવું કહેવાવાળું મળે છે કે, ‘લાવો, તમારો ભાર હું ઊંચકી લઉં’:

અગર મુઝ સે મોહબ્બત હૈ,મુઝે સબ અપને ગમ દે દો;

ઈન આંખો કા હર એક આંસુ, મુઝે-મેરી કસમ દે દો…

કશુંક ગુમાવીને ઘણું વધારે મેળવવાનું જોખમ ખેડવાની હિંમત બહુ ઓછાની ચાલતી હોય છે. એણે આપેલી ઉદાસી પણ પ્રિય છે, કારણ કે એના તરફથી મળતી દરેક ચીજ પ્રિય છે. એ ભલે ગમે એટલો અન્યાય કરે, જુલમ અને જફા કરે, પણ એને આપણા તરફથી સતત પ્રેમ મળતો રહે એમાં જ તો સંબંધોનું ગૌરવ છે:

હૈ ઈસી મેં પ્યાર કી આબરૂ,

વો જફા કરે મૈં વફા કરું…

પણ છેવટે એમણે જતા રહેવાનું જ નક્કી કર્યું. લાખ વિનંતીઓ કરી, લાલચો આપી, કાલાવાલા કર્યા, પણ એમણે પાછા વળીને જોયું પણ નહીં. રસ્તા પર ઊડેલી ધૂળ પણ શમીને પાછી બેસી ગઈ. એક સન્નટાને તાકી રહ્યા છીએ. ગયા પછી સમજાય છે કે એમણે તો નક્કી કરી જ નાખ્યું હતું જવાનું. દૂર જવાનું તો બસ કોઈ બહાનું જ એમને જોઈતું હતું. શક્ય છે કે તમારી સાથે હત ત્યારે જ એમને કોઈ નવું સરનામું મળી ગયું હોય:

જાના થા હમ સે દૂર બહાને બના લિયે,

અબ તુમને કિતને દૂર ઠિકાને બના લિયે….

ઊનાળાની સન્નાટાસભર બપોર હજુય દર વર્ષે સતાવવા આવી જાય છે.

(આ લેખ ‘સમકાલીન’ની મારી દૈનિક કૉલમ ‘તારીખ અને તવારીખ’માં, દોઢેક દાયકા અગાઉ લખાયો. કૅસેટ્માંથી સીડીનો જમાનો આવી ગયો, બસ બાકી બધું એમનું એમ છે.)

9 comments for “વો ભૂલી દાસ્તાં, લો, ફિર યાદ આ ગઈ

 1. jayeshupadhyaya
  June 17, 2009 at 10:59 AM

  સૌરભભાઇ,
  એક વાત …પંડીત નહેરુના અવસાનનો વિષય લઇ લખાયેલી કૈફી આઝ્મીની નઝમ રફી સાહેબ અવાઝ અને મદનમોહનની તર્જ ફીલ્મ નૌનીહાલ શબ્દો-મેરી આવાઝ સુનો પ્યાર કા રાઝ સુનો… આવી નઝમ મુશ્કેલીથી મળતી હોય છે અને મદનમોહન પોતે પણ સારું ગાઇ શકતા. પણ મલીકો અને રેશમીયાઓની જેમ એમણે ગાવાનો દુરાગ્રહ નહોતો રાખ્યો… બાકી ભુંગળાની વાત… ગામની પંચાયતની ઓફીસથી વગાડાતા રેડીયો હજીય યાદ છે!

 2. chetu
  June 19, 2009 at 2:14 PM

  સૌરભભાઇ, આપે તો અહિ મારા પ્રિય ગીતો અને પ્રિય અઁતરાઓ મુકી દીધા .. આ બધા ગીતો હુ સૂર -સરગમ પર મુક્વાની છુઁ.. લતાજી અને મદન મોહનજી ની વાત જ ન્યારી છે ..!

  • June 19, 2009 at 2:32 PM

   ચેતુ,
   તમારા ઉત્સાહ અને સંગીતપ્રેમનો આદર કરું છું. કોઈના કૉપીરાઇટ્નો ભંગ થાય એવું કશું કરશો નહીં. ગમતાંનો ગુલાલ કરવો હોય તો આ મધુર ગીતો મૂકવાને બદલે તમારા વિઝિટર્સને ‘સારેગામા’ કે એવી કોઈ મ્યુઝિક ક્ંપનીની લિન્ક આપીને સમજાવશો કે ગમતાં ગીતોને પૈસા ખર્ચીને ડાઉનલોડ કરીને ગૌરવભેર એને માણે અથવા આલ્બમો વિશે જાણકારી મેળવી બજારમાંથી મેળવી લે.
   તમે આ બાબતે શું કર્યું છે તે જણાવશો.અમને ઇન્તજાર રહેશે.
   આભાર.

   • June 19, 2009 at 3:46 PM

    શ્રેી સૌરભભાઇ,
    આપનેી વાત બરોબર છે .. પણ મેઁ આ બાબત ખુલાસો મુક્યો જ છે કે આ ગીત ડાઊન લોડ થૈ શકે તેમ નથી . બસ મન પસઁદ સરગમ અને તેના વિષે મિત્રો સાથે શેર કરવા સિવાય બેીજો કોઇ આશય નથી કે કોપીરાઇટ્સ નો ભંગ થાય .. !

 3. June 19, 2009 at 5:04 PM

  Chetu,
  You have not understood the Copyright Act properly.

  બધાં કરે છે એટલે હું પણ કરું તો ચાલશે એવી દલીલ ભવિષ્યમાં કરશો નહીં.

  તમે આ ગીતો જ્યાંથી લઈ આવ્યા ત્યાં તમે કોઈની પરવાનગી માગી?

  શક્યતા એ છે કે એ જ્ગ્યાએ પણ પરવાનગી વિના ગીતો મૂકાયાં હોય.

  તમારી જાણ ખાતર ઉમેરવાનું કે તમે ઓરિજિનલ સીડી પૈસા ખર્ચીને બજારમાંથી લઈ આવ્યા હો તો પણ ઈન્ટરનેટના જાહેર માધ્યમ દ્વારા આ રીતે ગમતાંનો ગુલાલ કરાય નહીં. તમારા ઘરે આવતા મિત્રો સાથે તમે એને માણો તો એ તમારો હક્ક છે, બસ એટ્લો જ હક્ક છે.

 4. Hemal
  December 3, 2009 at 2:16 AM

  હમે ઉન રાહ્ પર ચલના હૈ , જહા ગિરના ઔર સમ્ભલના હૈ
  હમ હૈ યે દિયે ઔરો કે લિયે જિન્હે તુફાનો મે જલના હૈ ….

  I was reminded of that Subir Sen song, after having gone through your other recent writings ! It was such a treat reading Goodmorning those days….I’m glad you’re back. Be well, our best wishes to you !

  ~ Hemal Bhatt and family

 5. Kirit Patel
  December 28, 2009 at 12:02 AM

  આજે વર્સો બાદ મે દેશમો વિતવેલ મજ્જા ના દિવસો યાદ આવિ ગયા. ટામરો લેખ જોર્દાર ચ્હે.

 6. August 25, 2010 at 10:06 AM

  આજે રીતાયર્દ થયા પચ્હિ પહેલિ વાર પુરાના દીવસોનિ યાદ આવિ!!!!

  • August 25, 2010 at 2:17 PM

   I did an excellent musical concert with one of the Madanmohan associate last year. Once I learn the blogger friendly process of uploading the video clip I shall share it with all of you.

Leave a Reply to Hemal Cancel reply

Your email address will not be published. Required fields are marked *