ઊંઝા જોડણીમાં ભાગલા: મહેસાણા જોડણીનો અલગ ચોકો

સ્ટોપ પ્રેસ… બ્રેકિંગ ન્યુઝ…ઊંઝા જોડણીમાં ભાગલા: મહેસાણા જોડણીનો અલગ ચોકો

ડે વ લ પિં ગ સ્ટો રી : પ્ર થ મ અ પ ડે ટ : કડી, અંજાર અને માંગરોળ પણ ઝુકાવે છે

અમારા ખાસ પ્રતિનિધિ તરફથી
અમદાવાદ, તા.૧૫ જૂન:

એક ‘ઈ’ (દીર્ઘ ઈ) અને એક ‘ઉ’ (હ્રસ્વ ઉ)ના નારા સાથે અલગ જોડણીસ્તાનની માગણી કરી રહેલા આતંકવાદીઓના જૂથમાં બે ઊભા ભાગલા પડી ગયા છે. ભરોસાપાત્ર વર્તુળોના જણાવ્યા મુજબ ઊંઝા જોડણીસ્તાનની માગણી સાથે આરંભથી જોડાયેલું એક જૂથ હવે અલગ થઈ ગયું છે. પોતાને મહેસાણાવાદી તરીકે ઓળખાવી રહેલા આ જૂથના એક બળવાખોર નેતાએ પોતાનું નામ પ્રગટ નહીં કરવાની શરતે આ પ્રતિનિઘિને આપેલી ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, ‘અમારું જૂથ મૂળભૂત રીતે એક જ ‘ઇ’ અને એક જ ‘ઊ’-માં માને છે પણ ઊંઝાવાળાની ‘દીર્ઘ ઈ’ અને ‘હ્રસ્વ ઉ’-ની માગણી તદ્દન ખોટી, ગેરવાજબી અને વાહિયાત છે. અમે ‘દીર્ઘ ઈ’ અને ‘હ્રસ્વ ઉ’ની ઊંઝા જોડણીને બદલે ‘હ્રસ્વ ઇ’ અને ‘દીર્ઘ ઊ’ની મહેસાણા જોડણી વાપરીને ગુજરાતી ભાષાને બચાવવા માગીએ છીએ.’

વધુ તપાસ માટે અમારા રિપોર્ટરોની બે ટીમ ઊંઝા અને મહેસાણા જવા ઉપડી ગઈ છે.

વિગતવાર રિપોર્ટ માટે અમે દર કલાકે તમને અપડેટ્સ આપતા રહીશું.

અપડેટ-૧

દરમ્યાન, હમણાં જ પ્રાપ્ત થઈ રહેલા ચોંકાવનારા સમાચાર જણાવે છે કે વિપ્લવનો દાવાનળ અન્ય વિસ્તારોમાં પણ ઝડ્પભેર પ્રસરી રહ્યો છે.ઊંઝા ગૅન્ગમાંથી મહેસાણાનો ચોકો અલગ થયાના તુરંત બાદ અંજારથી અનુસ્વાર વગરની અંજાર જોડણીની માંગ સાથે લોકો હાથમાં બૅનરો લઈ રસ્તા પર ઉતરી આવ્યા છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ પણ ઊંઝાવાળાની જેમ અમદાવાદની ગુજરાતી સાહિત્ય પરિષદ પર મોરચો લઈ જવાનું કાવતરું ઘડી રહ્યા છે.

આ સમાચાર છપાવા જઈ રહ્યા છે ત્યારે જાણવા મળી રહ્યું છે કે ઊંઝા જોડણીમાંથી છુટા પડી રહેલા જૂથોમાના એક એવા કડી-કલોલવાદીઓએ કાના વગરની જોડણી માટે પ્રચાર ઝુંબેશ આદરી દીધી છે. સૌરાષ્ટ્રથી અભી અભી મળી રહેલા સમાચાર કહે છે કે માંગરોળવાદીઓ આજે રાત્રે માત્રા વગરની જોડણીની માંગ આગળ વધારવા એક ઍક્શન કમિટીની રચના કરી રહ્યા છે. અત્યાર સુધીના સૌથી મોટા ખબર એ છે કે ઊંઝા ટોળકીમાંથી છુટા પડનારા ત્રણ જૂથો- ધ્રોળ, ધ્રાંગધ્રા અને દ્વારકા- સંયુક્ત મોરચાની રચના કરીને જોડાક્ષર વગરની જોડણી માટે એક રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કરવાની ચિમકી ઉચ્ચારી રહ્યા છે.

આ બાબતોમાં વધુ ઊંડા ઉતરીને ઇન્વેસ્ટિગેશન કરવા માટે અમારા વિશેષ સંવાદદાતાઓની એક ટુકડી ઘટના સ્થળેથી રિપોર્ટ્સ મોકલવા અમદાવાદથી હેલિકૉપ્ટર લઈને ઉપડી ગઈ છે. તાજા સમાચાર પ્રાપ્ત થતા રહેશે તેમ અમે આપને અપડેટ્સ આપતા રહીશું.

12 comments for “ઊંઝા જોડણીમાં ભાગલા: મહેસાણા જોડણીનો અલગ ચોકો

 1. વિવેક ટેલર
  June 15, 2009 at 5:42 PM

  આ સમાચાર સાચા છે ?

  • June 15, 2009 at 6:20 PM

   સાચા ના હોત તો હૅલિકૉપ્ટરમાં રિપૉર્ટરોને મોકલવાનો આવડો મોટો ખર્ચો કોઈ કરે, વિવેકભાઈ!

 2. Dhaivat Trivedi
  June 15, 2009 at 6:01 PM

  બિલકુલ સાચા છે – બિટવિન ધ લાઈન્સ!!

 3. સુરેશ જાની
  June 15, 2009 at 6:03 PM

  આપની અદભુત કલ્પનાશક્તીને સો સો સલામ.
  આપ જેવા વીદ્વાન પાસેથી વીવેક સભર માર્ગદર્શન અને જવાબદાર લેખોની આશા રાખું છું.

 4. Pancham Shukla
  June 15, 2009 at 6:26 PM

  સુપર્બ સેટાયર! ક્યા ખૂબ લાયે હો !!!

 5. Ritesh Mehta
  June 15, 2009 at 8:10 PM

  આને કહેવાય વિનાશ કાળે વિપરીત બુધ્ધિ. એક બાજુ ગુજરાતી ભાષાના અસ્તિત્વની ચર્ચા, બચાવવાના ઉપાયો વિચારવામાં આવી રહ્યા છે અને અહિં અલગ અલગ ચોકા બની રહ્યા છે!

  • Ritesh Mehta
   June 16, 2009 at 1:55 AM

   બીજો મુદ્દો ઉમેરવાનો કે આ મહેસાણી, કચ્છી, સૌરાષ્ટ્રી કે પછી ઉંઝાની – એ બધી બોલી તરીકે બહુ અનન્ય છે તો તેને (ગુજરાતી ભાષાની)બોલી તરીકે જ ગણીએ તો વધારે સારુ રહેશે. લેખનમાં ભાષા રુપે “ગુજરાતી” એક જ રહે તો મજા આવશે.

 6. Prabhulal Tataria"dhufari"
  June 15, 2009 at 8:28 PM

  આતંકવાદ અને જોડણીસ્તાનને વણી લઇ સમાચાર પ્રસારિત કરી અલગતાવાદીની સારી મજાક ઉડાડી છે.
  લગે રહો, સૌરભભાઇ!
  -ધુફારી

 7. ગાંડાભાઈ વલ્લભ
  June 16, 2009 at 2:25 AM

  મને એમ કે કોઈ મહત્ત્વના સમાચાર હશે, પણ આ તો કોથળામાંથી બીલાડું નીકળ્યું!!

  • June 16, 2009 at 12:32 PM

   ગાંડાભાઈ,
   કોથળામાંથી કાઢેલા આ બાઘડા બિલાડાને જોઈને ઊંઝાના જોડણી બજારના ગોદામમાં ઘૂસી ગયેલા કેટલા બધા, દીર્ઘઈ પૂંછડી અને હ્રસ્વઉ મુખડું ધરાવતા, ઉંદરડાઓ કેવી રીતે ભાગમભાગ કરી રહ્યા છે તે તમે તમારા ફ્રેન્ડ સર્કલમાં અત્યારે જોઈ તો રહ્યા છો!

 8. Manish MISTRY
  June 16, 2009 at 9:54 AM

  “અમો ગુજlish વાળાઓને આમ લઘુમતિના હાઁસિયામા ધકેલી દેવા માટે આ અન્ય પ્રકારની ‘શુધ્ધતા’ ના આગ્રહીઓએ collectively આવું બંડ પોકાર્યું છે તેને અમે silent રહીને oppose કરીશું.” – International ગુજરાતી web-users’ Alliance 😛

 9. અલકેશ પટેલ
  June 21, 2009 at 8:42 AM

  તાલિબાની મનોવૃત્તિની હદે આપણી માતૃ-ગુજરાતી ભાષાની છેડતી કરીને તેને પીંખવા મથી રહેલા ઊંઝાવાદીઓના રોગની વહેલીતકે વાઢકાપ કરીને સાચી ભાષાને વધુ મજબૂત બનાવવાના તમામ પ્રયાસો આવકાર્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *