તૂટે તે સંબંધ, ટકે તે વ્યવહાર

કોઈ પણ સંબંધનું ખરું મૂલ્ય પ્રથમ નહીં, અંતિમ મુલાકાતને આધારે નક્કી થતું હોય છે.

પેઈન્ટિંગમાં પીંછીનો પહેલો લસરકો સૌથી મહત્વનો અને લેખ, વાર્તા કે કવિતામાં પ્રથમ વાક્ય કે પ્રથમ પંક્તિ સૌથી મહત્વનાં. પ્રથમ બ્રશ સ્ટ્રોક પછી જ બાકીના સ્ટ્રોક્સ કેવા આવશે તે નક્કી થાય છે. પહેલો જ લસરકો કે પહેલું જ વાક્ય ખોટાં મુકાયા તો ત્યાર બાદ સર્જાતી સમગ્ર કૃતિ એ જ દિશામાં આગળ વધવાની.

સંબંધમાં પ્રથમનું નહીં, અંતિમનું મહત્વ છે. અંતિમ મુલાકાતનું. કોઈ પણ સંબંધનું ખરું મૂલ્ય બે વ્યક્તિની પ્રથમ નહીં, અંતિમ મુલાકાતને આધારે નક્કી થતું હોય છે. સંબંધના ચિત્રનો એ છેલ્લો બ્રશ સ્ટ્રોક નક્કી કરી આપે છે કે અત્યાર સુધી તમે દોરતા રહ્યા એ ચિત્ર કેવું રહ્યું. ‘મરીઝ’ કહે છે એમ: ‘બધો આધાર છે જતી વેળાના જોવા પર…’

અપેક્ષા દરેક સંબંધનું આરંભબિંદુ. ભૌતિક સિવાયની અપેક્ષાઓમાંથી આરંભાતો સંબંધ માણસની માણસ માટેની તરસને કારણે સર્જાય. આ તરસનું જન્મસ્થાન માણસના મનનું એકાંત હોઈ શકે, મનના ઉઝરડા પણ હોઈ શકે. અપેક્ષા વિનાના સંબંધનું અસ્તિત્વ હોઈ શકે? કદાપિ નહીં. અપેક્ષા વિનાનો કોઈ પણ સંબંધ તમે બતાવો, હું તમને ચંદ્ર વિનાની શરદ પૂર્ણિમા બતાવીશ. દરેક સાચા સંબંધમાં અપેક્ષા રાખવાનો હક્ક છે. બન્ને પક્ષે સમજણભેર વધતી જતી અપેક્ષાઓ સંબંધમાં આત્મીયતા ઉમેરતી રહે છે. દીવાલ ત્યારે ઊભી થાય જ્યારે બેઉ પક્ષની અપેક્ષાને સામસામા પલ્લામાં મૂકીને એને તોળવામાં આવે. ત્રાજવાનાં બન્ને પલ્લાં એકસરખી ઊંચાઈએ રહે અને કાંટો બરાબર મધ્યમાં આવીને ટટ્ટાર ઊભો રહે એવા પ્રયત્નો થાય ત્યારે સંબંધનો અંત આવે, વ્યવહારની શરૂઆત થાય.

સાચા સંબંધની શરૂઆતમાં સભાનતાનો, જાગ્રતપણાનો કે આયાસનો અભાવ હોય. ટૂંકા વિરામની જાહેરાત થાય ત્યારે જ ખબર પડે કે દોઢ કલાક પહેલાં ચલચિત્ર શરૂ થઈ ગયું હતું. વિરામના નાનકડા પડાવ વિનાનો સંબંધ શક્ય નથી. દરેક સંબંધમાં એક તબક્કો એવો આવી જતો હોય છે જ્યારે શૂન્યાવકાશ, દિશાહીનતા અને ખાલીપણાના ભાવ તળિયેથી નીકળી સપાટી પર આવી ગયેલા જણાય, સિનેમાગૃહનો પડદો દસ મિનિટ પૂરતો સાવ કોરોકટ દેખાય. આ ગાળાનું મહત્વ સમજનારી વ્યક્તિઓ જ ભવિષ્યમાં એ સંબંધને એના પૂર્ણ સ્વરૂપમાં પામી શકે. કેટલાક અધીરાઓ ઈન્ટરવલમાં જ થિયેટર છોડીને ઘરભેગા થઈ જાય.

કોઈ ચોક્કસ સમયે અને કોઈ એક ચોક્કસ સ્થળે જન્મેલો સંબંધ કાયમ ત્યાંને ત્યાં રહી શકતો નથી. સમય અને સ્થળની સાથે સંબંધની તીવ્રતામાં, એના આવેશમાં વધઘટ થતી રહેવાની. સંબંધ સર્જાયા પછી ક્યારેક એનો ભાર લાગવા માંડે, ઊડવાને બદલે ડૂબવાની લાગણી થવા માંડે. ત્યારે શું ફરી એક વાર અજનબી બની જવું? દરેક વખતે એ જરૂરી નથી અને ક્યારેક શક્ય પણ નથી. જેમાં વર્ષો અનેક ઉમેરાયાં હોય પણ એ વર્ષોની ધૂળ એના પર બાઝી ન હોય એવા સંબંધો ભાગ્યે જ જોવા મળે અને મળે ત્યારે એ ઈશ્વરે આપેલા ઉત્તમોત્તમ વરદાન જેવા લાગે.

અવિનાશી કશું જ નથી હોતું. સંબંધ પણ નહીં. બે વ્યક્તિની વચ્ચે જે તૂટે છે તે જ સંબંધ છે. તૂટ્યા પછી પણ ટકી રહે એ સંબંધ નહીં, વ્યવહાર છે. કોઈ વ્યક્તિ માટે કોઈ એક સમયે લાગણી જન્મી હોય તો જન્મતાંની સાથે જ એ જીવનની મૂડી બની જાય. ભવિષ્યમાં એ વ્યક્તિ માટે એવી જ લાગણી ન રહે તો એને કારણે મૂળ મૂડીમાંથી કશું ઓછું નથી થતું.

દુનિયા જેને સમાધનો કહે છે તે સંબંધમાં પણ અનિવાર્ય. ખુલ્લા મન સાથે ભરાયેલું સમાધાનનું દરેક પગલું એક વ્યક્તિએ બીજીને આપેલી કિંમતી ભેટ બની જાય. સામેથી મળી જતી આ સોગાદ સાચવવાની હોય, એની આશા રાખવાની ન હોય.

સંબંધમાં એક તબક્કો એવો પણ આવે જ્યારે ફેલાવા જઈએ તો વિખેરાઈ જઈએ અને ઊંચે ચડવા જઈએ તો બટકી જઈએ. મુઠ્ઠીભર મળી જતી ક્ષણો જિંદગીભર સાચવવાની હોય છે. વરસાદથી ભીની થયેલી સડક પર વેરાયેલાં બોરસલ્લીનાં ફૂલની સુગંધ જેવી આ ક્ષણોનાં પાનાં વરસો પછી ખૂલશે ત્યારે સ્થિર થઈ ગયેલા સમયની સુગંધ એમાંથી આવશે.

5 comments for “તૂટે તે સંબંધ, ટકે તે વ્યવહાર

 1. June 15, 2009 at 12:39 AM

  સંબંધો વિશે ખૂબ સરસ વિશ્લેષણ. ગમ્યું.

 2. nilam doshi
  June 19, 2009 at 10:12 AM

  nice to read this..enjoyed..thanks

 3. chetu
  June 19, 2009 at 2:05 PM

  “સંબંધમાં એક તબક્કો એવો પણ આવે જ્યારે ફેલાવા જઈએ તો વિખેરાઈ જઈએ અને ઊંચે ચડવા જઈએ તો બટકી જઈએ. મુઠ્ઠીભર મળી જતી ક્ષણો જિંદગીભર સાચવવાની હોય છે”

  ૧૦૦% સાચી વાત ..અને સઁબ્ંધો જેટ્લા મજબુત હોય છે એટ્લા જ નાજુક હોય છે .. ક્યારે એની નાજુક દોરીની રેશમ ગાંઠ છુટી જાય એ નક્કી નથી હોતુ ..!

 4. Neha
  June 19, 2009 at 11:17 PM

  After long time, besides of poems blogs found something which really expressing. Excellent on relations!

  Relations are always delicate, but if we can preserve it then the best things achieved in life.

 5. Yogesh
  June 27, 2009 at 7:08 PM

  અપેક્ષા દરેક સંબંધનું આરંભબિન્દુ….. બહુ સરસ વાત કહી તમે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *