બ્લોગ જગત કે મફતિયા પરા

ગુજરાતી બ્લૉગજગતમાં ચહલપહલ મચી રહી છે. પોતાને કંઇક લખતાં આવડે છે એવા વહેમમાં રાચતા સૌ કોઈ પોતપોતાનો બ્લૉગ બનાવી રહ્યા છે. (અમનેય આવો વહેમ છે એટલે અમે પણ બનાવ્યો, લો).

વર્ડપ્રેસ અને બ્લૉગસ્પોટ તરફથી તદ્દન વિનામૂલ્યે આ સેવા મળે છે. યશવંત ઠક્કર નામના માત્ર નામ અને કામથી અમારા પરિચિત અને શુભેચ્છક એવા આ બ્લૉગના EF આ મફતિયા સેવાને ‘મફતિયા પરા’ જેવી ગણાવે છે. શહેરમાં કે ગામમાં સીમાડાની ઉજ્જડ ભૂમિ પર સરકાર અને સત્તાવાળા રાજકરણીઓ જેને મન ફાવે તેને ઝૂંપડાં ઊભાં કરવાં દે અને જોતજોતામાં મફતિયું પરું ઊભું થઈ જાય! યશવંત ઠક્કરની આ ઉપમા આપણને તો ભઈ, ગમી ગઈ.

ગુજરાતી બ્લોગ જગતમાં કોઈની આંગળી પકડીને એક આંટો મારી આવો. શું જોવા મળશે. ક્યાંક ગાળાગાળ તો ક્યાંક દુનિયાની લાંબામાં લાંબી પોસ્ટ જેના પર લાખ પીઆરશિપ કર્યા પછી પણ કોઈ કમેન્ટ કરતું નથી, તો ક્યાંક કવિતા-ગઝલની ભરમાર. જ્યાંથી મળી ત્યાંથી ઉંચકી અને લગાવી દીધી. સુગમ સંગીત અને જાતભાતના લેખો. એ પણ કોઈ જાતના કૉપીરાઈટની દરકાર કર્યા વિના ચિપકાવ્યે જાઓ. લોકો વાહ વાહ કરવાના છે — શું સાહિત્ય જગતની સેવા કરી છે તમે? અને આ પ્રશંસાના જવાબમાં મધુર બ્લૉગિયું સ્મિત કરતાં આપણાં સ્લ્મબ્લૉગર્સ કહેશે: ભઈ, અમે તો ગમતાંનો ગુલાલ કરીએ છીએ. પણ બાપલા એ ગુલાલ પણ તમારે બીજાની થાળીમાંથી મુઠ્ઠી ભરીને ઉઠાવી લેવાનો? ચપટીક ઠીક છે. કેટલાક તો બાચકાંને બાચકાં બાથવી લે છે.

એ પછી વારો આવે મૌલિક કવિતા-ગઝલનો. શિખરિણી અને વસંતતિલકા કઈ મિસ વર્લ્ડનાં નામ છે એ પણ સાંભળ્યું ના હોય એવા બ્લૉગર્સ અછાંદસ પર ઉતરી પડે — ભઈ, છંદનાં બંધન તોડીને અમે લખીએ છીએ, લાભશંકર અને સિતાંશુની જેમ. અલ્યા બ્લૉગરિયા, લા. ઠા. – સિતાંશુ તો મહાકવિઓ છે, એમને છંદ નથી આવડતા એટલે અછાંદસ લખે છે એવું નથી, છંદ સહિતના તમામ બંધનોને ઘોળીને પી ગયા પછી, એનાથી મુક્ત થઈને તેઓ લખે છે.

અછાંદસ કરતાં પણ ગઝલની માર્કેટ બહુ તેજ છે. ‘મરીઝ’, ‘આદિલ’ કે મનોજ-રમેશની પોતાને ગમી ગયેલી ગઝલના રદીફ-કાફિયાને બેઠ્ઠા ઉઠાવીને કે પછી એમાંના એકાદ બે પૂર્જા બદલીને ભાઈઓ-બહેનો મૌલિક ગઝલકાર બની જાય છે. નવોદિતોને પ્રોત્સાહન આપીએ, જરૂર આપીએ. જેઓ પ્રોમિસિંગ છે એમની આરંભિક થોડી ભૂલો ચલાવી લઈને પણ પીઠ થાબડીએ. પણ અહીં બ્લોગ જગતમાં ૯૫ ટકા કવિઓ-ગઝલકારો હોય બાથરૂમ સિંગર અને પોતાને માને કિશોર-મૂકેશ ને લતા મંગેશકર.

બાથરૂમ સિંગર હોવું કંઈ ખોટું નથી. પણ બાથરૂમમાં નહાતાં નહાતાં ગાતાં ગાતાં કોઈએ પોતાનું આલ્બમ રેકોર્ડ કરાવીને બજારમાં મૂક્યું હોય એવું હજુ સુધી તો બન્યું નથી. ગુજરાતી બ્લૉગ જગત આ બાબતે પાયોનિયર કહેવાય. અહીં તો બાથરૂમ સિંગર્સ અંદરનો કેમેરા ચાલુ કરીને આખી સોસાયટીના ક્લોઝ સર્કિટ ટી પર પોતની કળા દેખાડતા હોય એવું લાગે છે.

એની વે, ગુજરાતીમાં અનેક સારા બ્લૉગર્સ છે. હજારે દસ તો દસ પણ જ્યાં જવું ગમે એવા બ્લૉગ્સ છે. સાહિત્યેતર વિષયોના અને ટૅક્નિકલ વિષયોના પણ સારા બ્લૉગ્સ છે. અંગ્રેજી બ્લોગ જગતમાં પણ ૯૦ ટકા નકામા બ્લૉગ્સ છે. એમના ૧૦ ટકા સંખ્યાને હિસાબે આપણાં કરતાં અનેકગણા થાય એટલે એવી સરખામણી ના થાય કે અંગ્રેજી કરતાં આપણે સાવ પછાત છીએ આ બ્લૉગ જગતમાં.

યશવંત ઠક્કરે આ અઠવાડિયે પોતાના બ્લૉગ ‘અસર’માં એક જબરો સનેડો રચીને મૂક્યો છે. યશવંતભાઈનો કટાક્ષ ધારદાર છે. એમના બ્લૉગ પરની રિસન્ટ રંગલા-રંગલીની પોસ્ટ પણ વાંચવા જેવી છે. અહીં યશવંત ઠક્કરની લેખિત અનુમતિ સાથે એમણે રચેલો સનેડો તમારા સુધી પહોંચાડું છું.પણ એ પહેલાં આ નાચીઝ એક તાજું મુક્તક આપની ખિદમતમાં પેશ કરવાની ઇજાઝત માગે છે-

ગમતાંનો  કરીએ ગુલાલ,પણ કોઈને કરીએ ના હલાલ…

ના લાવીએ અહીંથી ત્યાંથી, કોઇનો– ઉઠાવેલો  માલ…

એ રીતે તું ના બને હરીન્દ્ર, કે હું ના બનું સુરેશ દલાલ!

ઓવર ટુ યુ, યશવંતભાઈ ઠક્કરઃ

[રંગલો અને રંગલી બંને જણાં નાચી નાચીને સનેડો ગાય છે.]

હે સનેડો સનેડો… ડોટ કોમનો સનેડો…

હે… બ્લોગજગતનાં ખેતરે … મબલખ વાવણી થા……ય
આ બાજુ વાવ્યું નથી… ને ઓલી બાજુ કાપણી થાયરે.. સનેડો સનેડો …

હે… કોઈને ભાવે રસગુલ્લા ….. ને કોઈને ચોળા… ફળી…
કોઈને ફાવે પોચું પોચું ….. ને કોઈને તડાફડીરે … સનેડો સનેડો …

હે…. શિયાળે ચા ભલી….. ને ઉનાળે સરબત ખા……..સ
ચોમાસે કડવાણી ભલી …. ઓલી બ્લોગવાણી બારેમાસરે … સનેડો સનેડો…

હે… શિયાળે તડકો ભલો…. ને ઉનાળે છાંયાનો સહવા……સ
ચોમાસે છતરું ભલું…. ઓલ્યું બ્લોગિયું બારેમાસરે… સનેડો સનેડો…

હે…. સત્યનારાયણની હોય કથા…. ને મફત મળે પરસા…દ
એમ ગઝલુંનાં ગાડાં ભરાય ….. ને ગીતોનો થાય વરસાદરે… સનેડો સનેડો

હે… કોઈ લાવે ગતકડું….. ને કોઈ ગીતા….ને વે….દ
જેવી જેની મરજી….. અહીં નથી કોઈ વાતનો ભેદરે… સનેડો સનેડો

હે… ગઝલુંનાં વાચનાર ઘણાં….. ને લાંબી વારતાનો કોઈ પૂછે નહીં ભા…. વ
નવલકથાનું જ્યાં નામ પડે…. ત્યાં ચડી જાય ટાઢિયો તાવરે… સનેડો સનેડો…

હે…. બ્લોગજગતનાં ખેતરે…. લાગણીયું વરસે અપા…..ર
કોઈ વરસાવે વહાલપ ઘણું…. ને કોઈ વરસાવે ખારરે… સનેડો સનેડો….

હે…. કોઈએ પાથર્યા પથારા ….. ને કોઈએ માંડી હા……ટ
ઓલ્યા જુવાનિયા તડાફડી કરે……ને ઓલ્યા કાકાઓ કરે કકળાટરે … સનેડો સનેડો

હે…. બ્લોગજગત શોભી રહ્યું …. બહેનો થકી વિશે…..ષ
અવસરે આવીને ઊભી રહે…. હોય દેશ કે વિદેશરે… સનેડો સનેડો

હે… ઉંમર થઈ તો શું થયું……. ઓલી દાદીઓના ઉમંગનો નહીં પા….ર
નીત નીત નવી વાનગીઓ મૂકે … આ તો રોજનો જમણવારરે… સનેડો સનેડો

હે…. કલમથી કાગળ લખા….ય. પણ બ્લોગ લખ્યા ન જા…..ય
કી બોર્ડની વાટે જાતાં ….અજાણી આંગળીઓ ગોથાં ખાયરે… સનેડો સનેડો …

હે… ટેકનિકના જાણકાર ઘણાં…..લાવે નવું નવું રો…..જ
રંગબેરંગી પાણીથી …. એના ભર્યા ભર્યા રાખે હોજરે…. સનેડો સનેડો…

હે…. વાટકીના વહેવાર જેવો….. કૉમેન્ટનોય વહેવા….ર
લેતીદેતીમાં જે સમજે … એનો અટકે નહીં તહેવારરે… સનેડો સનેડો…

હે… સાસરિયા સૌ ટોળે વળ્યાં ….જોવા વહુનું આણું… અપા….ર
હરખઘેલી વહુએ …… એના બ્લોગ બતાવ્યા બારરે … સનેડો સનેડો…

હે… બ્લોગઘેલી વહુએ ……. સાસુમાને દીધો આદે….શ
હું બ્લોગ લખવા બેઠી છું …. મને બોલાવશો નહીં લવલેશરે…. સનેડો સનેડો…

હે ઉછળતી ને કૂદતી કન્યા…. કરે બ્લોગનું તોરણ તૈયા…. ર
તોરણ પાછળથી ડોકિયાં કરે…. ઓલ્યો સપનાંનો રાજકુમારરે… સનેડો સનેડો …

હે… કોઈ ગુજરાતમાં વસ્યું ….. ને કોઈ ગુજરાત બહા….ર
કોઈ દરિયાપાર ગયું …… સૌને ગુજરાતી ગમે અપારરે… સનેડો સનેડો…

હે… દરિયાપાર જઈને જે વસ્યાં … એને હૈયે વતનની યા…દ
બ્લોગના ટેકરે ટેકરેથી….. એણે ગુજરાતીમાં દીધા સાદરે… સનેડો સનેડો ..

હે…ધગધગતાં લોહીમાં…. ધગધગતો ભાષા.. પ્રે…મ
એ ધગધગતું લોહી…… ‘માવડી’ ને રાખશે હેમખેમરે…. સનેડો સનેડો…

હે…. રંગલોને રંગલી વિનવે …… રાખજો મોટું મ….. ન
હસતાં ને ખેલતાં રહેજો….. ને ભાષાનું કરજો જતનરે…. સનેડો સનેડો…

હે…. બ્લોગજનો તમે સહું…. હૈયે રાખજો હે…..ત
રંગલો રંગલી મર્યાં નથી …. કે નથી થયાં પ્રેતરે… સનેડો સનેડો

હે… રંગલો કહે રંગલીને ….. આ સનેડાનો અંત આવે નહીં…..
આજે રજા લઈ લઈએ…. કરીને તા થૈયા થૈયા ને તા થૈ રે… સનેડો સનેડો…

હે સનેડો સનેડો હે સનેડો સનેડો હે સનેડો સનેડો

રંગ બેરંગી સનેડો ….

બ્લોગે બ્લોગનો સનેડો….

થીમે થીમનો સનેડો…

ડોટ કોમનો સનેડો …..

સનેડો ……. સનેડો ……………………..

31 comments for “બ્લોગ જગત કે મફતિયા પરા

 1. Kunal
  June 14, 2009 at 12:08 AM

  fantastic one. 100% agreed.

 2. સુરેશ જાની
  June 14, 2009 at 2:10 AM

  સાવ સાચી વાત. બહુ જ તટસ્થ અને ધારરદાર વિશ્લેષણ. આમ જ અમ બ્લોગરોના કાન ખેંચતા રહેજો. તો જ બ્લોગ જગતમાં મૌલિક સર્જનોની મોસમ ખીલશે.

 3. Dr.Maulik Shah
  June 14, 2009 at 8:22 AM

  “નેટ જગતમાં દસ ટકા બ્લોગ સારા છે બાકિના બકવાસ”- એ કદાચ સાચી વાત્ . જોકે વિચાર અને વાણી સ્વાતંત્ર્ય એ નેટ જગત નો આત્મા છે. લોકો તેમના બાથરુમમાં શું કરે છે તે આપણે ન જોવુ હોય તો પરાણે તો હાથ પકડીને દેખાડતા નથી.પ્ણ શું લોકોને બાથરુમમાં ન્હાવુ કે નહી તે આપણે નક્કી કરી શકીએ ? બ્લોગ કદાચ એક ડાયરી ના સ્વરુપે છે જે લખવાની ને તેમાં પોતાનુ સર્જન મૂકવાની દરેક જીવની મહેચ્છા એ તેમનો હક પણ છે.જેમ પૃથ્વી પરના હવા પાણી અને અન્ય વસ્તુઓ ને સર્જનહારે સર્વજીવો માટે સમાન ઉપયોગ માટે સર્જી છે તેમ બ્લોગ એ કોઈ સિધ્ધહસ્ત લોકો કે મહાન સાહિત્યકારો કે કોલમીસ્ટો નો ઈજારો નથી. જૈન ધર્મનો સિધ્ધાંત – જીવો અને જીવવા દો એ આ લોકોએ સમજવુ રહ્યુ. જય હો…

 4. Markand Dave
  June 14, 2009 at 11:38 AM

  આદરણીય શાહસાહેબ,નમસ્તે,
  આપના વિચારો જાણી ઘણો આનંદ થયો.નમ્રભાવે કહું તો,કદાચ આ વાત મને લાગુ પડતી હોય તેમ લાગવાથી મારા બ્લોગ નું એડ્રેસ મેં લખ્યું નથી.અમે ૫૩ વર્ષ સંગીત સાધનામાં ગાળ્યા,પછી પણ હિંમત નો અભાવ,કદાચ એટલે જ છે,કે,કલાકાર આવા જ ગભરુ હશે?એ જે હોય તે પણ,આટલા સુંદર માર્ગદર્શન સાથે જો,શિખરિણી અને વસંતતિલકા શિખવા,તે પુસ્તકો નું લિસ્ટ આજ ના નવોદિત ગુજ-લિશ(ગુજરાતી-ઈંગ્લીશ)કવિ-શાયર-ગઝલકાર માટે જોડી દેશો તો આનંદ બેવડાઈ જશે.બાકી મારા મતે આવા નવોદિતો ના પ્રયાસ થી પણ જો ગુજરાતી ભાષા સાથે કોઈ જોડાયેલ રહે તો તે મારા મતે આવકાર્ય છે.સાસરી માં પહેલીવાર ખીચડી બળી જાય તો સાસુ પણ લઢ્યા વગર શિખવે,એવો ફોરવર્ડ જમાનો છે.
  મારી નાની દિકરી પાંચ વર્ષ ની હતી,સુંદર ગાતી હતી,પરંતુ બધા એ”તું નાક માંથી ગાય છે”તેમ સતત ટોકતાં,આજે ૧૮ વર્ષે પણ તે ગાતી નથી,શબ્દ અને સ્વર ને દુઃખ થતું હશે?
  માર્કંડ દવે.

 5. June 14, 2009 at 12:02 PM

  માર્કંડભાઈ,
  આભાર. કાન્તિલાલ કાલાણીનું આર. આર. શેઠે પ્રગટ કરેલું ‘છાંદસી’ તરત મારા ધ્યાનમાં આવે છે.
  મારી અંગત લાઇબ્રેરીમાં આ ઉપરાં ત આ જ વિષયનાં બીજાં કેટલાંક ઉપયોગી પુસ્તકો છે. આપના સુચનથી મને પ્રેરણા મળે છે, ક્યારેક આ પુસ્તકો વિશે EF સાથે વાત કારીશ.

 6. Pancham Shukla
  June 14, 2009 at 4:07 PM

  Good one!

 7. Natver Mehta, Lake Hopatcong,NJ, USA
  June 14, 2009 at 7:30 PM

  માનનિય શાહસાહેબ,
  આપનું વિશ્લેશણ ગજબનું છે અને આપની વાત સાવ સાચી છે કે ગુજરાતી બ્લોગનો રાફડો ફાટ્યો છે અને એમાં મારા બ્લોગ પણ આવી જાય. બ્લોગ બનાવતા પહેલાં મેં ઘણો વિચાર કરેલ કે બનાવવો કે ન બનાવવો.
  હું વાર્તાઓ લખતો આવ્યો છું. એક એવો પણ સમય આવ્યો કે લગભગ ચારેક વરસ સુધી કંઈ જ ન લખાયું કેમ કે આવું તે કોણ વાંચવાનું એવી ગ્રંથિ ય ખરી અને સમયનો અભાવ, અહિં યુએસએ આવ્યા પછી એક-બે વાર્તાઓ અહિં પ્રકાશિત થતા મફતિયા માસિકોના માલિકોને મોકલાવી સાભાર પરત થવાની અપેક્ષાસહિત. કારણકે જ્યારે દેશમાં હતો ત્યારે તો સાભાર પરતનો અનુભવ જ થયેલ. અને બાથરૂમ સિંગરની જેમ ઘરનો લેખક જ રહેલ. પણ અહિં મારી વાર્તાઓ સ્વિકારાય, છપાય.પહેલાં નવાઈ લાગી! આ માસિકો મફતિયા એટલા માટે કે એ ભારતિય ગ્રોસરી સ્ટોરમાં મફતમાં મળે. એમાં દેશી ડોક્ટરો, અને દેશી દુકાનો વગેરેની જાહેરાતની ભરમાર હોય અને અમારા જેવાં મફતિયા લેખકોની કૃતિઓ હોય. વાંચનારા વાંચે નહિતર પછી રિસાયકલ કરે. એમાં લેખકને કંઈ ન મળે બસ એક સંતોષ કે અલ્યા આપણી વાર્તા આવી છે, વાંચવા માટે જાણીતાને ફોન પણ કરવા પડે કે ભાઈ વાંચજો..
  એમાં અમારા જેવાં લેખક માટે બ્લોગ એક સારું માધ્યમ છે એ તો માનવું જ પડશે. અમે મહાન લેખક નથી પણ અમારી કૃતિઓ અમારી સાથે બળે/દટાય એવું થવાનો ભય નહિ રહે અમને. બાકી તો ભાઈ આપને પણ જાણ થઈ હશે કે કેટલા વિસે સો થાય. આ યુનિકોડમાં રૂપાંતરણ પણ સમય માંગી લે અને જ્યાઁ સમય જ ન મળતો હોય ત્યાં સમયની કિમત તો વધારે જ રહેવાની.
  બ્લોગ જગતમાં સહુ સ્વિકારય એવું ય નથી.

 8. bharat suchak
  June 14, 2009 at 7:46 PM

  http://gujaratikavitaanegazal.wordpress.com

  કોઇ પણ field કે કોઇ પણ જગ્યા એ બ્લોગ સારો છે કે ખરાબ છે તેનો ફેસલો વાચક ને કરવા દો.પહેલા
  અમિતાભ જેવાને પણ લોકો અએ નોહતો અપનાવ્યો. અને દુનિયા મા બધા લોકો ની પસદ અલગ અલગ છે માટૅજ બધુજ ચાલે છે.પહેલીવાર કોઇ ગઝલ લખે ને અનુભવ પછી લખે એમા ફ્રરક પડૅ.માટૅ હમેશા સૌ શિખતા રહેવુ જોઇએ

  ભરત સુચક

 9. સુરેશ જાની
  June 14, 2009 at 8:13 PM

  બહુ જ સરસ અને ઉપયોગી ચર્ચા.
  ડો મૌલિક શાહની વાત પણ સાચી છે ” બ્લોગ એ કોઈ સિધ્ધહસ્ત લોકો કે મહાન સાહિત્યકારો કે કોલમીસ્ટો નો ઈજારો નથી” આ વાત પણ સાચી છે.

  ———-
  પણ સારા અને નીવડેલા લેખકોનું માર્ગદર્શન મળે તો બ્લોગીંગની સ્વતંત્રતામાં સુગંધ ભળે.
  મફત મળે છે માટે આ સવલત ઘણા વાપરતા થયા છે – એ મરવા પડી રહેલી ગુજરાતી ભાષા માટે બહુ જ આવકારદાયક છે જ. સાહિત્યની ચોપડી ન ખરીદતા ગુજરાતીઓ આ બહાને લખતા થયા અને સાહિત્યમાં ( ખાસ કરીને યુવા પેઢીનો ) રસ વધારતા થયા , એને સૌરભભાઈ જેવા લેખકોએ વીચારવું જોઈએ. સાથે બ્લોગરોએ વધારે અને વધારે મૌલિક રચનાઓ. સ્વાનુભવો, વી. ની અભિવ્યક્તિ કરવા પર ધ્યાન ફેરવવું જોઈએ.

  મને શ્રધ્ધા છે કે, આમ જરુર થશે જ. ગુજરાતી ભાષા માટે એ શુભ ઘડી હશે.

 10. DR. CHANDRAVADAN MISTRY
  June 14, 2009 at 8:44 PM

  સૌરભભાઈ, નમસ્તે ! તમારી પોસ્ટ વાંચી. બ્લોગ-જગત પર ગુજરાતી ભાષાની છત્રછાયામાં આજે અનેક સફર કરી રહ્યા છે. અને, તમે જે વર્ણન કરો છો તેમાં જરૂર સત્ય છે. તેમ છતાં, તમે જે અભિપ્રાય આપો છો તે પર હું પુરો સહમત નથી. કોઈક સ્વરચિત..વાર્તાઓ,કાવ્યો કે લેખો વિગેરે પ્રગટ કરે છે. અને, એમાં ભુલો કરનારા ઘણા,અને સમાજની તોલે ખરેખર “સહિત્યકાર, લેખક કે કવિ “ની પદવી મેળવનાર બહું જ ઓછા.આ સનાતન સત્ય છે ! ગુજરાતી બ્લોગજગતે આવનાર સૌ ગુજરાતી ભાષા-પ્રેમી છે એવું અનુમાન આપણે જરૂર કરી શકીએ. કોઈને “કંઈક શબ્દો લખવા ” તો કોઈકને “કંઈક કાવ્યરૂપે લખવા”તમન્ના હોય…….અને, એ પ્રમાણે, લેખો, કાવ્યો,ગઝલો, વિગેરે આપણે નિહાળીએ. અને, અનેક બ્લોગરો “પોતાને ગમતું” કોઈનું પ્રગટ કરે. એવા સમયે, એ બ્લોગરની ફરજ છે કે એ એનો ઉલ્લેખ કરે…..જો એવું એ ના કરે તો એ એની મોટી ભુલ છે, અને અસલ લખનારનું અપમાન છે.હવે, વાત રહી “બાથરૂમ સીંગર “ની ! બ્લોગજગત વગર પણ દુનિયામાં એવા લોકો હોય છે. એથી, આ પ્રમાણે, બ્લોગજગતે બધા જ એવા એ ખોટું અનુમાન છે…….હવે, છેલ્લી વાત રહી….આ બ્લોગજગત નથી મારૂં કે તમારૂં..એ સ્વતંત્ર છે. એથી, સૌને હક્ક છે. કયો બ્લોગ ક્યારે નિહાળવો એનો નિર્ણય મારે જાતે જ લેવાનો…અને, જે પ્રગટ કરેલું વાચી યોગ્ય ના લાગે તો એ બારે “બે શબ્દો ” લખવા કે નહી એનો નિર્ણય પણ મારો જ રહે……..અંતે, આ પોસ્ટ પર મlરકન્દ દવેએ જે લખ્યું કે “નવોદિતના પ્રયાસથી પણ જો ગુજરાતી ભાષા સાથે કોઈ જોડાયેલ રહે તો તે મારા મતે આવકાર્ય છે “…….તો, ચાલો, આપણે સૌ “ચોકીદાર ના બની ” અનેકને “ઉત્સાહ આપનાર ” બનીએ ! આવા ભાવે સૌ સૌની સફર બ્લોગજગતે ચાલુ રાખે એવી આશા !………ચંદ્રવદન

  • bharat suchak
   June 15, 2009 at 8:25 AM

   I agree with you.

 11. Mehul
  June 14, 2009 at 9:17 PM

  ખોટુ ના લગાડશો, પણ તમારા લેખમા થોડી અમલદારી પણાંની બુ આવી :). લોકોને અભીવ્યક્ત થવા દો અને જે સારુ લાગે તેનો આનંદ લો!!

  પણ હા, સનેડો બહુ ગમી ગયો!

  • યશવંત ઠક્કર
   June 18, 2009 at 10:41 AM

   આભાર મેહુલભાઈ, આ મફતિયાપરાની ધક્કામૂક્કીમાં મારા સનેડા તરફ ધ્યાન આપવા બદલ!

 12. mahesh mandlia
  June 15, 2009 at 12:06 AM

  તમારા વિચારો જોરદાર છે. પણ બ્લોગ જગતમાં ઉઠાંતરી કરનારા કહેવાતા દાદાઓ, કાકાઓ, ભાઈઓ તમારી સમક્ષ એકદમ શાણા થઈને પેશ થાય છે એ ઘણું હાસ્યાસ્પદ છે. Too much ridicules.

  • સુરેશ જાની
   June 15, 2009 at 6:07 PM

   દાદાના લેખો વાંચવા ભલામણ ..

 13. Heena Parekh
  June 15, 2009 at 12:23 AM

  યશવંતભાઈની કોપીપેસ્ટની ભવાઈ પણ સનેડા જેટલી જ સુંદર છે. કોપીપેસ્ટ સામેની લડતમાં આપ પણ જોડાયા છો એ જાણીને અમારો જુસ્સો વધ્યો છે.

 14. A Unadkat
  June 15, 2009 at 3:58 AM

  જાણીતા સર્જકની રચના હોય, મૌલિક રચના હોય કે પછી બીજાના બ્લોગ પર ત્રાહિત સર્જકની પ્રકાશિત રચનાને કોપી કરી પોતાના બ્લોગ પર છાપી હોય, ગુજરાતી ભાષાનો પ્રચાર થાય અને લોકોને મન-ગમતું વાંચવા મળે (યુવાનો ગુજરાતી વાંચતા થાય) એમાં કશું ખોટું નથી લાગતું. હા, જાણીતા કે નવા કોઈની પણ રચના પોતાના નામે ચડાવી દેવી એ ખોટી વાત ગણાય. બીજી ભાષાની રચનાનો અનુવાદ પોતાના નામે કરી છાપવો એ પણ બરાબર ન ગણાય. આજ રીતે માતૃભાષા પર ઉંઝાજોડણીના નામે થતાં બળાત્કારો અને બળાત્કારીઓની ધાંધલ ધમાલ પણ વ્યાજબી નથી.

  • સુરેશ જાની
   June 15, 2009 at 6:09 PM

   ઉંઝા જોડણી પાછળની તર્કબધ્ધતાનો અભ્યાસ કરવા વીનંતી.

 15. કૃણાલ
  June 15, 2009 at 2:30 PM

  હું એક સાઇલન્ટ વાંચક તરીકે ઘણાં વખતથી એક વસ્તુનું લોકો દ્વારા થતું રટણ વાંચું છું. મને લાગે છે કે અમુક લોકોને વર્ડપ્રેસ, બ્લોગસ્પોટ કે ગુગલ દ્વારા મફતમાં આપવામાં આવતી બ્લોગિંગની સુવિધા ખૂંચે છે. એટલે એ લોકો જ્યારે પણ તક મળે ત્યારે ગુજરાતી બ્લોગ જગતની ચિંતા કરતી વખતે આ “મફત” શબ્દ પર ભાર આપવાનું ચૂકતા નથી. માની લઇએ કે મફત સુવિધા આપવાથી દરેક જણ જેને જેમ મનમાં આવે એમ બ્લોગ પર લખતા થઇ ગયા છે પણ એમાં સમસ્યા શું છે? ગામ હોય ત્યાં ગંદવાડ તો રહેવાનો જ એટલી સીધી વસ્તુ સૌ એ સ્વિકારી લેવી જોઇએ એમ મને લાગે છે.

  મફત મફતનું ગાણું ગાતા લોકોએ પણ સમજી લેવાની જરૂર છે કે 3-4 હજાર આપી ડોમેઇન રજીસ્ટર કરાવીને લખવાથી એ લોકો વર્ડપ્રેસમાં બ્લોગ લખનારાઓથી ઉપર નથી થઇ જતા કે એ ગુજરાતી ભાષાના ખરા હિતચિંતક નથી બની જતા. આજે 3-4 હજાર રૂપિયા એ કોઇ મોટી રકમ નથી અને વિશેષ કરીને એનઆરજી પ્રજા છે એના માટે 100 ડોલર વર્ષે ખર્ચવા કોઇ મોટી બાબત નથી પણ યોગ્ય અને પર્યાપ્ત સેવા જો વિના મૂલ્યે મળતી હોય તો શા માટે દર વખતે લોકો પૈસા ખર્ચે જ? આજે ઇ મેઇલની સુવિધા મફત છે પણ સાથે સાથે પ્રિમીયમ ઇ મેઇલ સર્વિસ પણ ઉપલબ્ધ હોય જ છે તો પણ કેટલા લોકો પ્રિમીયમ સર્વિસ લે છે? એનો મતલબ એ તો નથી કે જે મફતમાં ઇ મેઇલ સુવિધા વાપરે છે એ બધાં મફતિયાઓ ઇ મેઇલ માધ્યમનો દુરૂઉપયોગ કરે છે? દરેક જણ પોતપોતાની જરૂરિયાત અને પહોંચ પ્રમાણે સુવિધાઓનો ઉપયોગ કરતા હોય છે એમાં કોઇ વિશે મફતિયા શબ્દ વાપરીને જાહેરમાં ઘસાતું બોલવાની મને કોઇ જરૂર નથી લાગતી.

  ગુજરાતી બ્લોગ જગતની ચિંતા કરવી યોગ્ય છે પણ કોઇને ઉંચ નીચ ગણ્યા વગર તટસ્થ રહીને આ કાર્ય કરીએ તો એ વધૂ યોગ્ય રહેશે.

  • યશવંત ઠક્કર
   June 16, 2009 at 1:06 AM

   કૃણાલભાઈ… આ મફતિયા શબ્દનો ઉપયોગ મેં મારી પોસ્ટ રંગલીનું ડિપ્રેશન—માં રંગલા નામના પાત્ર મારફત કરેલો છે. એથી મને ચોખવટ કરવી જરૂરી લાગે છે.મફતિયા પરાનો કે બ્લોગજગતનો હેતુ પણ એ પાત્રો જ દર્શાવે છે એમ પ્રગતિ કરવાનો કે સુખી થવાનો કે હળવા થવાનો છે. હું પણ એમ જ માનું છું. આખી પોસ્ટ વાંચવાથી એ બાબત સ્પષ્ટ થશે. રંગલા પાત્રની ભાષા પ્રમાણે મને એ શબ્દ ઠીક લાગ્યો. તે શબ્દથી કોઈની લાગણી દુભાવવાનો ઈરાદો નથી.આ શબ્દ સૌરાષ્ટ્રમાં સાવરકુંડલા જેવા નગરમાં મફતિયા પરામાં રહેનારા લોકોના મોંઢે વિના સંકોચે વપરાતો મેં સાંભળ્યો છે. હું પોતે પણ મફતિયા પરા જેવા બ્લોગજગતનો જ સભ્ય છું ને રહેવાનો છું.જો બ્લોગ લખવાના પૈસા આપવા પડે તો હું ના લખું.મને પોસાય પણ નહીં. પૈસા આપીને લખનારા બધું જ સારું જ લખે છે કે બધું જ ખરાબ લખે છે એમ કહી ના શકાય. એવી જ રીતે વિના મૂલ્યેમાં લખનારા બધું જ સારું કે બધું જ ખરાબ લખે છે એમ કહી ના શકાય. એવી તમારી વાત સાથે સહમત છું. ઊંચનીચની વાત ન તો ત્યારે મગજમાં હતી કે ન અત્યારે મગજમાં છે. મને તો મફતમાં મળતી આ સુવિધા ખૂબ જ ગમે છે.બસ સૌ એ સુવિધાનો લાભ લઈને પ્રગતિ કરતા રહે એવી ભાવના ખરી.

 16. DR. CHANDRAVADAN MISTRY
  June 16, 2009 at 12:33 AM

  Revisiting your Blog & reading the additional Comments. I feel you had generated a nice dicussion on the topic of ” GUJARATI BHASHA & BLOG JAGAT “. Some totally agreed with you..some diaagreed ….some gave their individual views….And, I also see your interaction with the viewers with some of your replies…& I thank you for your response .

 17. મહામહિમ Z.
  June 17, 2009 at 1:57 PM

  પ્રિય સૌરભ શાહ સાહેબશ્રી,

  બ્લોગ જગત કે મફતિયા પરા પરા વાંચ્યું, બહુ સ્‍પષ્‍ટ શબ્દોમાં કહું તો મને જરાય ના ગમ્યું. તે માટે મારા અસ્‍પષ્‍ટ વિચારો નીચે મુજબ હું દર્શાવું છું સાથે આશા છે કે આપના લેખનો વિરોધ એ આપનો વિરોધ નથી એ બાબત આપ દિલથી સમજી શકશો.

  – હું અંગત રીતે માનું છું કે ગુજરાતી સાહિત્યની સેવા(?) કરવી હોય તો ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ બનવું કે તમારા જેવા મોટા ગજાના લેખક બનવું જરુરી નથી અને દરેક માટે શક્ય પણ નથી. એ અલગ બાબત છે કે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ કે લેખકો કે પ્રકાશકો પણ ગુજરાતી ભાષાની સેવા કરતા હોય તેમ મને તો ધણીવાર નથી લાગતું.

  – બ્લોગ જગત એ આજની તારીખે વ્‍યકિતગત ડાયરી જેવી વસ્‍તુ છે. તમે જ કહો તમે તમારા મિત્રોને કે સગા સંબંધીને છેલ્‍લે ક્યારે પોસ્ટકાર્ડ લખ્યું હતું કે તેઓનું પોસ્ટકાર્ડ તમને મળ્યું હતું ? જેમ આજે પોસ્ટકાર્ડ કે પત્રોનું સ્‍થાન ઇમેલ અને મોબાઇલે લીધું છે તેમ પહેલા જે લોકો એક સરસ મજાનું રંગીત પૂઠું ચડાવેલી ડાયરી રાખતા હતા અને તેમાં પોતાને ગમતી અને આવડતી કવિતાઓ લખતા હતા. (મે પણ ધો.૧૨ માં આવી એક સરસ ડાયરી બનાવી હતી અને તેમાં ૨૫૦ થી વધારે મને ગમતી અન્‍ય કવિઓની કવિતાઓ લખી હતી)બસ એ જ રીતે આજે પ્રકારની ડાયરીનું સ્‍થાન બ્લોગ જગતે લીધું છે.

  – સવાલ છે કોપીરાઇટ્સનો તો પહેલો પ્રશ્ન હું તમને પૂછું છું કે તમે [b]‘‘કાગળ પરના દીવા’’[/b] માં જે બધા લેખકોના વાક્યો મૂક્યા છે અને મુકશો તે બધા લેખકોની લેખિત અનુમતિ મેળવી છે ? (સોરી ફોર પર્સનલ એટેક)

  – ગુજરાતી ભાષા બચાવો ના ઝંડા લઇને નીકળતા બુઢ્ઢા લેખકો, પ્રકાશકો અને વડીલો શું ગુજરાતી ભાષાને બચાવી શક્યા છે કે બચાવશે ? બીલકુલ ખોટુ, જે રીતે શિક્ષણના માધ્યમ તરીકે ગુજરાતી (ખાસ કરીને મહાનગરોમાં, થોડાક ઉચ્ચ વર્ગમાં) લુપ્‍ત થઇ રહ્યું છે તે જ રીતે સાહિત્યમાં પણ …… દા.ત.આજકાલના નાનકડા બાળકો હેરી પોર્ટર જે ઉત્‍સાહથી વાંચે છે તે જ ઉત્‍સાહથી મીયા ફૂસકી, બકોર પટેલ કે મૂળશંકર ભટ્ટની (ભાવાનુવાદવાળી) વાર્તાઓ નથી વાંચતા કેમ ? જો ગુજરાતી ભાષાને ફરીથી ગૌરવવંતી અને સમૃદ્ધ કરવી હશે તો વડીલો કરતા બાળકો અને યુવાનોને ગુજરાતી ભાષા તરફ વાળવા પડશે…

  – અરે સાહેબ, ધારો કે કોઇને બેફામ, મરીજ, તુષાર શુક્લની કે મેધાણીની કોઇ કવિતા ગીત કે ગઝલ ગમી અને તે કોપી કરીને મૂકી તે કોઇ ખરાબ પ્રવૃત્તિ નથી. હા એ વાત સાચી કે ધણીવાર કૃતિને અંતે નામ નથી લખાતું જે ખોટી બાબત છે અને ધણીવાર કોપી કરનારને પણ ખબર નથી હોતી કે કોની કૃતિ છે.

  – કેટલાક મિત્રો કવિતામાં કે ગીત ગઝલમાં થોડોક ફેરફાર કરીને પોતાના નામે ચડાવી દે છે એ વાત બિલકુલ યોગ્‍ય ન કહેવાય, પણ અહીં એ પ્રકારનું કામ કરનારા નાનકડા બાળકો છે, ૧૫-૧૭ વર્ષના કે ૨૨-૨૫ વર્ષના વધારે ઉત્‍સાહી યુવાનો છે. જો આ નાનકડા મિત્રોને થોડીક સારી અને સાચી સમજ આપવામાં આવે તો પોતાની જાતે લખવાનો પ્રયાસ કરે પણ ખરા બીજી બાજુ ગુજરાતી સાહિત્યના મુનશીથી લઇને આજ દિન સુધીના ધણા એવા કવિ લેખકો છે જેમને અન્‍ય ભાષાઓની વાર્તાઓની કે કવિતાઓની કે નાટકોની કોપી કરીને મુક્યા છે, મારી પાસે એક લીસ્‍ટ છે.

  – હવે પહેલા જેવી દુનિયા વિશાળ નથી રહી, એક જ કુટુંબના ચાર સભ્યો યુકે, અમેરીકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા અલગ અલગ જગ્‍યાએ રહેતા હોય તેવું છે. સાથે સાથે કેટલા બધા ગુજરાતી છોકરા / છોકરીઓ વિદેશમાં અભ્યાસ કરવા ગયા છે, હવે એ મિત્રો પોતાની પસંદગીની કોઇ સારા કવિની ગઝલ પોતાના બ્લોગમાં મુકે તો વાંધો શું ? ધણીવાર એવું બને છે કે આપણને જે ગીત ગઝલ કે કાવ્ય ક્યાંય થી ન મળતું હોય તે કોઇ અનામી બ્લોગમાંથી મળી જાય છે.

  – વાત રહી ગુણવત્‍તાની તો સાહેબ દરેક વ્‍યકિત તમારી કક્ષાનો શ્રેષ્‍ઠ પત્રકાર કે લેખક ના બની શકે. દા.ત. જો દરેક વ્‍યકિત અમિતાબ બચ્‍ચન બની જાય તો ફિલ્મ જોવા કોણ જાય ? વળી દરેક વ્‍યકિતની વાંચનની પસંદગી અલગ અલગ હોઇ શકે, જો કોઇ આજે સાવ ફાલતું કક્ષાના ગુજરાતી ટુચકાઓ વાંચતો હશે કે જોડકણા જેવી કવિતાઓ લખતો વાંચતો હશે તો કદાચ તે આવતી કાલે જ્યોતીન્દ્ર દવે સુધી કે રાજેન્દ્ર શુકલ સુધી પહોંચી શકશે. જો ૧૫ વરસના છોકરા / છોકરીના માથા પર મેધાણીનું ‘સોના નાવડી’ કે કલાપીનો કેકારવ મારવામાં આવે તો કદાચ એને ભારે પડે, એની કક્ષા ના પણ હોય…

  – હું તો અંગત રીતે એમ માનું છું કે, જો કોઇ તરુણ છોકરો કે છોકરી મરીજ, બેફામ કે ગની દહિવાલાની બે ચાર ગઝલો ગીતો કે કાવ્યો કોઇ બ્લોગ પર વાંચશે તો કદાચ તેને વધારે રસ પડે અને પછી એ લેખક / કવિનું પુસ્‍તક પણ ખરીદે…. પણ જ્યાં સુધી એ પુસ્‍તક ન ખરીદે ત્યાં સુધી તેને વાંચવા ન મળે તો કદી પુસ્‍તક ખરીદવામાં નહીં આવે.

  • June 17, 2009 at 3:00 PM

   મિત્ર મહામહિમ યાને કિ ઝાકળભાઈ યાને કિ કિરીટ સોની,
   તમારી સારી એવી લાંબી કમેન્ટ્સના મુદ્દા રવિવારના મિલનમાં ચર્ચાઈ ગયા છે.તમે પણ એમાં સામેથી આમંત્રણ માગીને હાજરી આપી છે. ઊંઝાના આવતી કાલના લેખ પછી મફતિયા પરા વિશે વિગતે લખવાનું પ્રોમિસ પણ છે જ. પરંતુ ત્યાં સુધી તમારી મહેનત તથા કમેન્ટનિષ્ઠાના પુરાવા સમું આ લેખ જેવું અને જેટલું મૅટર રોકી રાખવાને બદલે તરત જ અપ્રુવ કરું છું. મારી પોસ્ટ તથા મિલન અહેવાલ બાદ તમારી આ અંગેની ગેરસમજો હજુ વધુ દૂર થઈ જશે અને મફતિયા પરા શા માટે, કેવી રીતે અને કોના વાંકે ન્યુસન્સ બને છે તે સમજાશે. દરમ્યાન, અન્ય મિત્રો પણ આ જ રીતે પોતાના મનોભાવો વ્યક્ત કરવા માગતા હોય તો તે સૌને હાર્દિક આમંત્રણ છે.
   મિત્રોને વિનંતી કે identity છુપાવીને થતી કમેન્ટ્સને હું પ્રોત્સાહન આપતો નથી. બીજું, મારા નેટ્વર્કને કારણે fake ids બનાવ્યા કરનારાઓની અસલી ઓળખાણ મેળવતાં ૪-૬ કલાક કરતાં વધુ વાર લાગતી નથી.

 18. પ્રવિણ કે.શ્રીમાળી
  June 17, 2009 at 2:17 PM

  કોપી પેસ્ટ એક વિકૃત માનસ !
  લખતાં ન આવડે છતાં,બીજા નાં વિચારો ની ચોરી કરી, પોતાના આત્માનો છેતરવાં માટેનું છળ.
  – પ્રવિણ કે.શ્રીમાળી

 19. Chirag Patel
  June 18, 2009 at 8:15 PM

  Excellent SANEDO. Really appreciate it.

  Careful and serious writing is also hidden in blogs which nobody cares to read many-a-times.

 20. nilam doshi
  June 19, 2009 at 9:57 AM

  સૌરભભાઇ, આપના પુસ્તકો તો ઘણાં વાંચ્યા છે. આજે અહી મુલાકાત લઇ ઘણાં લેખો વાંચ્યા. મજા આવી.

  હવે તો બ્લોગ ઉપરથી અમુક મેગેઝિનો કે છાપાઓ સુધ્ધાં જાણ પણ કર્યા સિવાય અમુક વાર્તાઓ કે કાવ્યો છાપી નાખે છે. અલબત્ત નામ જે તે કર્તાના સાચા નામ સાથે..પણ તેથી શું ? હમણાં એક વાર્તા..લઘુકથા મેં ઉદ્દેશમાં મોકલાવી હતી..તે છપાય તેપહેલા કોઇએ પોતાના મેગેઝિનમાં છાપી નાખી. તેથી મારે ઉદ્દેશમાં પ્રબોધભાઇને સોરી કહીને છપવાની ના પાડવી પડી…હવે બ્લોગમાં મૂકતા પહેલા દસ વાર વિચારવું પડે છે. શરૂઆતમાં બિન્દાસપણે બધું મૂકી દેતા તે હવે શકય રહ્યું નથી. ખેર ! ( તે છાપનારને મેં અંગત રીતે કહી દીધું છે.તેથી અહીં મેગેઝિનનું નામ નથી લખતી.)

  નીલમ દોશી

 21. યશવંત ઠક્કર
  June 20, 2009 at 4:53 PM

  મારા બ્લોગ ‘અસર’માં મેં કેટલીક રચનાઓ ગઝલ તરીકે મૂકી હતી. પણ બ્લોગજગતમાં અન્ય મિત્રોની ગઝલોનો પણ મેં અભ્યાસ કર્યો.એમની ગઝલો પરના પ્રતિભાવોનો અને એ અંગેની ચર્ચાઓનો પણ મેં અભ્યાસ કર્યો તો મને લાગ્યું કે ગઝલ અંગેની મારી પોતાની સમજ અપૂરતી છે. મને મારી રચનાઓ ગઝલ તરીકે કાચી લાગી. સાચુ કહું તો મને ખૂબ જ શરમ આવી કે જાણકાર મિત્રોએ મારાં વિષે શું ધાર્યું હશે.જેવી એ વાત સમજાઈ કે ઘડીનોય વિલંબ કર્યા વગર મેં એ તમામ રચનાઓની ગઝલ તરીકેની ટેગ હટાવી દીધી.ત્યારેજ મને એક પ્રકારની નિરાંતનો અનુભવ થયો. બાકી એવું ન કરું તો મને કોણ ભડાકે દેવાનું હતું? સૌરભભાઈ તો પછી મેદાનમાં આવ્યા. આ એ પહેલાંની વાત છે.

  બ્લોગમિત્રો, એ વાત બરાબર છે કે આપણે આપણા બ્લોગમાં શું લખવું કે કેવું લખવું … એ બધું આપણી મરજીની વાત છે. એમાં કોઈની જોહુકમી ન ચાલે. વળી એ વાત પણ બરાબર કે બ્લોગલેખન એ માત્ર સાહિત્યકારોનો ઈજારો નથી. પણ જ્યારે આપણે આપણાં કોઈ લખાણને ગઝલ ,ગીત, વાર્તા,નિબંધ,નાટક કે અન્ય કોઈ પ્રકાર તરીકે જાહેરમાં રજૂ કરતા હોઈએ ત્યારે આપણે સાહિત્યના ક્ષેત્રમાં કદમ મૂકી રહ્યા છીએ અને સાહિત્યકાર બનવા તરફ ગતિ કરી રહ્યા છીએ એ વાત ભુલાવી ન જોઈએ.આપણે એક ખુમારી અને જવાબદારી સાથે એ મૂકી રહ્યા છીએ. એના બદલામાં પ્રશંસા જ નહીં પણ ટીકા મળે તો એને સ્વીકારવાની કે સામનો કરવાની તૈયારી કરવાની તૈયારી સાથે મૂકી રહ્યા છીએ. જરૂરી નથી કે આપણી રચના ઉત્તમ જ હોય. કોઈ ગમે તેવો ખેરખાં પોતાની રચનાને ઉત્તમ ન કહી શકે. કહે તો એના જેવો નાદાન કોઈ નહીં. પણ અધિકારની સાથે આપણે જાતેજ સ્વીકારેલી શિસ્ત જોડી દઈએ તો એક અનોખા આનંદનો અનુભવ થશે એવું મને લાગે છે. બાકી તો, છે સૌની પાસે સૌનો બ્લોગ!!!

 22. યશવંત ઠક્કર
  June 20, 2009 at 6:14 PM

  સૌરભભાઈએ આ લેખ કોઈ અમુક જ બ્લોગસ માટે નથી લખ્યો કે નથી કોઈનાં નામનો ઉલ્લેખ કર્યો. સમગ્ર બ્લોગજગતને ધ્યાનમાં રાખીને લખ્યો છે.ને મજાકમાં ને મજાકમાં પોતાની જાતને પણ એમાં સાંકળી છે. આપણને એમની કહેવાની રીત આકરી લાગી શકે પણ એથી કરીને એમણે કહેલી વાતો ખોટી છે એમ ન કહી શકાય.
  બ્લોગજગત એટલે માત્ર અમુક જ પ્રકારનું સાહિત્યજગત એવી સાચીખોટી છાપ કોના લીધે પડી? આપણે લીધે.આપણે જ બ્લોગજગતને છલકાવી દીધું છે અમુક જ પ્રકારની કાચીપાકી સામગ્રીઓથી. એમણે એમની રીતે એ તરફ ઈશારો કર્યો છે. ને સંદેશો આપ્યો છે કે: જૂનાંને સાચવો, પચાવો .. પણ સાથે સાથે નવું નવું લાવતા રહો. નવાં મિત્રોને પ્રોત્સાહન આપવાનો એમણે વિરોધ નથી કર્યો પણ અતિશય લાડ લડાવવાની ના કહી છે. માત્ર ચોકલેટ કે મેગી જ ખવડાવવાનો વિરોધ કર્યો છે. જરૂર પડ્યે કડવાં ઓસડિયાં પાવાની વાત કરી છે. शब्दों पे मत जाओ यारो, भावनाओ को समजो.

 23. Chinmay Joshi
  June 21, 2009 at 12:16 PM

  કોપી પેસ્ટની ભવાઈ તદ્દન સાચી છે…………

 24. June 22, 2009 at 6:52 PM

  પ્રિય સૌરભભાઈ,
  સરસ, સમયસરની ચર્ચા કરી, ગમ્યું.

 25. M.D.Gandhi, U.S.A.
  August 12, 2009 at 10:34 PM

  સરસ ચર્ચા કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *