પર્સનલ ડાયરી: વિનય ખત્રી

વિનય ખત્રી એનું નામ. મારા વર્ચ્યુઅલ મિત્ર છે. નવા મિત્ર છે. અમારી ઓળખાણ ચંદ્રકાન્ત બક્ષીએ કરાવી — પંદર દિવસ પહેલાં જ. ગુગલ સર્ચના ગુજરાતી વર્ઝનમાં ફાંફાં મારતાં ‘આરપાર’ માટે બક્ષી સાહેબના અવસાનના થોડા સમય પછી લખાયેલા મારા એક લેખનો ઉલ્લેખ કરીને કોઈએ મારા નામ પછી કૌંસમાં લખ્યું હતું — (ક્યાં છો?). મેં સર્ચમાંથી લિન્ક મેળવી તો હું ગયો ફનએનગ્યાન.કોમ બ્લૉગ પર. મને કૌતુક થયું કે આ ભાઈ કેમ મને યાદ કરે છે. મેં એમની ઈમેઈલ આઈડી શોધવાની દરકાર કર્યા વગર કમેન્ટ બોક્ષમાં જ મારો સંદેશો નાખ્યો અને સંપર્કની કડી આપી.

અને એ પછીનાં એક પણ દિવસ, એ પછીની એક પણ રાત કે સાચું પૂછો તો એક પણ કલાક એવાં નથી ગયાં જ્યારે મેં એમની સાથે ફોન પર, મેઈલથી કે ચૅટ પર વાત કરી ના હોય.

આ બ્લૉગ શરૂ કરવાનું હું વિચારતો હતો — માત્ર વિચારતો જ હતો. વિનયના ધક્કા વિના મારી ગાડી યાર્ડમાં જ પડી રહી હોત. બ્લૉગની ડિઝાઈનના અમલીકરણમાં સો ટકા જશ વિનય ખત્રીને જાય છે. રાતોના ઉજાગરાઓ કર્યા છે એમણે, પહેલા જ દિવસથી. ગુજરાતી ટાઈપિંગમાં કક્કો લખતાં પણ આવડે નહીં, એ બાબતમાં આપણે અંગૂઠા છાપ (જેલમાં જે અભણ કેદી હોય તેના માટે બીજા સેમી-અભણ કેદી કહેતા — એ તો થમ્સ અપ છે).

મારો મિત્ર વિનય ખત્રી તેની પત્ની હિના સાથે. નેપથ્યમાં પુણેનો સિંહગઢ કિલ્લો છે

મારો મિત્ર વિનય ખત્રી તેની પત્ની હિના સાથે. નેપથ્યમાં પુણેનો સિંહગઢ કિલ્લો છે

વિનયને હું અમદાવાદથી કાગળ પર લખી, બહાર સ્કૅનિંગ કરાવડાવી, ઘરે આવી ઈ-મેઈલ કરું. મારું તો સ્કૅનર પણ ખરાબ છે. (શું શું ખરાબ નથી સૌરભ શાહ તમારું અત્યારે? નસીબ સહિત બધ્ધું જ, મારા ભાઈ!). વિનય રાત આખી જાગીને ટાઈપ કરે, ફોન પર પ્રૂફરીડિંગ કરીએ, અપલોડ કરે… દિવસો અને રાત્રિઓ સુધી રોજેરોજ આ જ ક્ર્મ. જે ચાર દિવસોમાં નથી લખ્યું ત્યારે રોજ ત્રણ વખત યાદ કરાવે. કંઈક લખો, કેમ નથી લખતા — નોઈંગ ફુલ્લી વેલ કે લખીશ તો મગજમારી એમની જ વધશે…

આ માણસ મને કહેતો નથી કે એ મને કેટલો ચાહે છે. છેક હમણાં બે-ત્રણ દિવસ પહેલાં જ મને ખબર પડી કે છેક ઑક્ટોબર ૨૦૦૭માં એણે ઓરકુટ પર હરકિસન મહેતા, અશ્વિની ભટ્ટ અને સૌરભ શાહ–ની કમ્યુનિટી બનાવી હતી! મને રૂબરૂ મળ્યા, જોયા, સાંભળ્યા વિના — માત્ર એક વાચક તરીકે! મળ્યા તો અમે હજુ પણ નથી. કમ્યુનિટી માટે મેં એમને સલાહ આપી છે કે હમણાં પૉઝ પર રાખો, હોલ્ડ ઈટ. પછી કમ્યુનિટી કરીશું. ઓરકુટ ઉપરાંત ફેસબુક પર પણ કમાલો કરીશું. પણ ફર્સ્ટ થિંગ ફર્સ્ટ, અત્યારે આ કામ કરીએ. પુસ્તકોનું એડિટિંગ પૂરું કરીને પ્રકાશકને સોંપીએ, પછી જ્ઞાતિ સંમેલનો અને મેળાવડાઓ કરીએ!

11 comments for “પર્સનલ ડાયરી: વિનય ખત્રી

 1. June 12, 2009 at 11:41 PM

  વિનયભાઈ આમ તો બધાને જ મદદ કરવા તત્પર હોય છે. પણ સૌરભ શાહનું નામ પડે એટલે વિનયભાઈનો ઉત્સાહ જોઈને મને રામ અને હનુમાન વચ્ચેનો સંબંધ યાદ આવે. તમારું દરેક કામ વિનયભાઈ ઉત્સાહ અને આનંદથી કરતા જાય અને અમારા સૌ મિત્રો સાથે એ આનંદને વહેંચતા જાય. વિનયભાઈ જેવા મિત્રો મળવા ઘણાં દુષ્કર છે.

 2. June 13, 2009 at 9:26 AM

  વિનયભાઈ સાથેનો મારો પરિચય નવો નવો જ છે.આમ જૂઓ તો એ ઉંમરમાં નાના છે.વ્યવસાય જુદો છે.એ સિવાય ઘણી ઘણી બાબતો એવી હશે કે જેમાં એમની સાથે મારો મેળ ન ખાય.પણ ભલું થજો બ્લોગજગતનું કે આ બધી અડચણો બાજુમાં રહી ગઈ અને અમે અવારાનવાર એકબીજાને “કેમ છો?” એવું પૂછતા થઈ ગયા. બાકી… આ ભગમભાગીના જમાનામાં રસ્તા વચ્ચે પડેલી ખીલી કે કાંટો ઉંચકીને એક બાજુ ફેંકવાનું કામ કરવાવાળા કેટલા? પણ આ માણસ જિદ્દી ગણાવાનું જોખમ લઈને પણ એવું કરે છે.અન્ય બ્લોગમિત્રો પાસે વિનયભાઈ વિષે મારા કરતા વિશેષ જાણકારી છે જ એટલે મારે વધારે કહેવું નથી.
  મને તો એમની આ બંનેની તસ્વીર જોઈને હૈયે ટાઢક થઈ.મારામાં લપાઈને બેઠેલો વડિલ ઉછાળો મારીને બહાર આવી જાય છે ને મારો જમણો હાથ ઉંચો થઈ જાય છે ને મનોમન એવું બોલાઈ જાય છે કે “સદાય આવાં પ્રસન્ન રહો”
  છેલ્લે… વિનયભાઈની તસ્વીરમાં નેપથ્યમાં સિંહગઢનો કિલ્લો છે જે ઘણું જ સૂચક છે.

 3. June 13, 2009 at 9:54 AM

  હિના પારેખની વાત સાચી છે કે વિનયભાઈ હંમેશા બધાને મદદ કરવા તત્પર જ હોય છે.મને પણ અવાર-નવાર ઘણી મદદ કરી જ છે.

  પરંતુ અહિંયા આ “રામ-હનુમાન”ની ઉપમા થોડી ખૂંચે છે, એ તો ભગવાન-ભક્તનો સંબંધ છે પણ અહિં તો દોસ્તનો સંબંધ છે અને રહેશે તો જ યોગ્ય છે. કદાચ એ બન્ને પણ ફેન-ફોલોઅર કરતા ફ્રેન્ડ બનવાનું પસંદ કરશે.

 4. June 13, 2009 at 10:39 AM

  તમે ક્યાંક લખેલુ આઉટલુક વાળા વિનોદ મહેતાના ઉલ્લેખ સાથે કે ટીક કે રહેના. આજે હવે અમારી ગરજ છે તમે અહિં ટકી રહો તે. શુભેચ્છાઓ.

 5. June 13, 2009 at 10:49 AM

  ગુજરાતી બ્લોગ જગતમાં સૌરભભાઈની હાજરી એ વાંચન વૈવિધ્ય પૂરુ પાડયુ છે. મેઘધનુષ્યના આ ખૂટતા રંગને પૂરવાનુ કામ જો વિનયભાઈના સદ હસ્તે થયુ તો તેઓ અભિનંદન ના હકદાર છે. સંવાદ ગુજરાતી નામના ઈ ટીવી ગુજરાતી ના પ્રોગ્રામમાં સાંભળતો ત્યાર થી તેમની સાથે સંવાદ કરવાનું મન હતુ આજે આ પ્રથમ પ્રયાસ છે. ધન્યવાદ વિનયભાઈ- સૌરભભાઈ…

  -ડો.મૌલિક શાહ

 6. June 13, 2009 at 3:57 PM

  ગુજરાતી માં એક રુઢીપ્રયોગ ‘પારકી છઠ્ઠી ના જાગતલ ‘ વિનયભાઇ માટે એ વધુ અનુરુપ છે

 7. June 14, 2009 at 5:00 PM

  વિનયખત્રી એટલે મઝાના માણસ, સહુને નાની મોટી મદદ કરવા તત્પર. ફન સાથે ગ્યાનની ગુફતગૂ. ગુજરાતી બ્લૉગ જગતના ખબરદાર પત્રી, કડક-કમ-સક્કર પણ જાગરુક વ્યક્તિત્વ. મને ગદ્ય કરતાં પદ્યમાં વધુ રસ હોવાને લીધે મારો એમની સાથે ઓછો પણ અદ્વિતિય સંપર્ક છે.

 8. June 15, 2009 at 2:12 AM

  વિનયભાઈ વિષે હું શું કહી શકુ ?
  આજે બ્લોગ જગતમાં મારી જે કંઈ પણ ઓળખાણ છે તેમાં તેમનો ઘણો ફાળો છે.
  વધુ કોઇ અલંકારો ના જોડતાં આ નવી યાત્રા માટે શુભેચ્છા.

 9. pravin
  June 16, 2009 at 9:18 AM

  સૌરભભાઈ,

  તમારા વાચક ચાહક તો અનેક હશે – હુ ૫ણ છું – પણ કદાચ વિનયભાઈ જેવા ચાહક તો નશીબદારને જ મળે. એટલે હવે (શું શું ખરાબ નથી સૌરભ શાહ તમારું અત્યારે? નસીબ સહિત બધ્ધું જ, મારા ભાઈ!)લખવું યોગ્ય લાગે છે ખરૂં?

  any way નશીબ તો અમારૂં સારૂ છે કે તમે બે જણ મળ્યા અને તમે અમને મળ્યા

  • June 16, 2009 at 10:05 AM

   વાત સાચી છે તમારી, પ્રવીણભાઈ. કૌંસંમાં પોતાની જ ખિલ્લી ઉડાડવાની આ મારી લેખન શૈલી ઘણી જાણીતી છે, જેમ કે (આ કોણ બોલ્યું કે…) આવું બધું વર્ષોથી કર્યું છે, પણ અહીં મારે ધ્યાન રાખવાનું હતું કે યાર, અત્યારના મારા દરેક રીતે ચીંથરેહાલ સંજોગોમાં વિનય ખત્રી જેવો દોસ્ત એને જ મળે જે ખરેખર નસીબદાર હોય. આ બાબતે પેલું કૌંસમાં મૂકેલું વાક્ય ખોટું કહેવાય. તમને કહું, પ્રવીણભાઈ, ‘ટાઇટેનિક’ હિમશીલા સાથે અથડાયા પછી કોઈ નવો પેસેન્જર એમાં ચડે ખરો? વિનય ખત્રી નામનો સાહસિક પૂણેરી માડુ ચડી ગયો છે! અને હવે તમે જોજો, આ ઇન્ડિયન ‘ટાઇટેનિક’નો અંત કંઈક જુદો જ આવશે!

 10. bharat
  June 22, 2009 at 11:31 PM

  જેને જેતપુરના ભાદરના પાણીનો સથવારો હોય એ જ બંદો હિમશિલા સાથે ટકરાઈને ધ્વસ્ત થયેલા ટાઈટેનિકમાં પેસેન્જર તરીકે ચડી
  શકે, વિનય ખત્રી જૂનના આખરમાં જેતપુર હશે તેવી વાત થયેલ. જેતપુરથી ઔર ઍક પેસેન્જર ટાઈટેનિકમા ચડી શકે છે. મને લાગે છે કે
  ટાઈટેનિક પાછું તરવા લાગશે,ના ના ના…ના ઇંડિયન ટાઈટેનિક ફિનીક્ષ પંખીની જેમ રાખમાંથી પાંખ ફફડાવીને ગગનમા ઉચી ઉડાન
  ભરીને લોકોની વિચારધારાને _____________(આ ખાલી જગ્યા છે) કરી દેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *