પર્સનલ ડાયરી: પપ્પા

સોમવાર, ૮ જુન ૨૦૦૯
DSC01843

ગઈકાલે મોડી સાંજે નાસિકની મુંબઈ-આગ્રા રોડ પર આવેલી વૉકહાર્ટ હૉસ્પિટલના SICUમાં પપ્પાને મળ્યો. ઑક્સિજન માસ્ક અને બીજાં અનેક મૅડિકલ રમકડાં હોવા છતાં એમણે મારી સાથે થોડી વાતો કરી. ઑપરેશન પછી પેટના દર્દમાં ઘણી રાહત છે. કફ આવે ત્યારે આંતરડાં ખેંચાય તે વખતે દુખે છે.(ઉપરનો અને નીચેનો — બંને ફોટા મોટો ભાઈ વડોદરા આવ્યો ત્યારના, એક મહિના પહેલાંના- ૬ મે ૨૦૦૦૯-ના છે.)

નાસિકમાં મારાં બેન-બનેવી છે. પપ્પા મારા જન્મથી ૨૦૦૩ સુધી મુંબઈ રહ્યા, પછી વડોદરા સ્થાયી થયા. વડોદરા મારું મોસાળ છે. હું ૨૦૦૩માં અમદાવાદ આવ્યો. અમદાવાદથી દર મહિને વડોદરા જઉં, એમની સાથે થોડાક કલાક ગાળું. એમની સાથે વાતો કરવાની ખૂબ મઝા આવે. એમના જમણા કાને હડતાળ છે એટલે મને ડાબે બેસાડે, જૂની વાતો યાદ કરીને ખડખડાટ હસે અને અમને હસાવે. છેલ્લાં બે-ત્રણ વર્ષમાં મેં એમને જેટલા પ્રસન્ન જોયા છે એટલા ક્યારેય નથી જોયા. મારી સાથે કુટુંબની વાતોથી માંડીને દિલ્હીની નવી સરકાર સુધીની વાતો કરે અને મેઘા સાથે સ્ટીફન હૉકિંગ અને થિયરી ઑફ રિલેટિવિટી જેવી મને સહેજ પણ પલ્લે ના પડે તેવી વાતો કરે.

ગયા મહિને મારો મોટો ભાઈ પરાગ પાંચ દિવસ માટે પપ્પા-મમ્મીને મળવા અમેરિકાથી વડોદરા આવ્યો ત્યારે અમે ખૂબ વાતો કરી. પપ્પાને મેં મારી આગામી નવલકથા ‘પૂજ્ય પપ્પા’નો પ્લોટ સંભળાવ્યો જે એમણે ધ્યાન દઈને સાંભ્ળ્યો. જોકે, આ નવલકથા આત્મકથનાત્મક નથી, આખી કાલ્પનિક છે. મારી પહેલી નવલકથા “વેર વૈભવ” છપાતી હતી ત્યારે પણ એ આટલા જ ખુશ હતા. એ કિસ્સો મેં ‘અભિયાન’માં દિવાળી અંક માટે કાન્તિ ભટ્ટે પપ્પા વિશેનો લેખ લખાવ્યો ત્યારે એમાં ટાંક્યો હતો. એ આખો લેખ હસમુખ ગાંધીએ ‘સમકાલીન’માં એડિટ પેજ પર ફરીથી છાપ્યો હતો. મને મળી જશે તો તમારી સાથે શૅર કરીશ.

DSC02146

મારા અને પપ્પા વચ્ચે ક્યારેક સર્જાયેલા મનદુઃખના નાનકડા ગાળાનો, મુંબઈ છોડ્યા પછી કાયમી અંત આવી ગયો. એમના હ્રદયરોગની તકલીફ વખતે તેમ જ એમને કૅન્સર ડિટેક્ટ થયું તે સમયે પપ્પા-મમ્મી અમદાવાદ મારે ત્યાં આવીને રહ્યા હતા. મને અને એમને- બેઉને એક્બીજાની બહુ હૂંફ મળી હતી. એ પછી એમના બાળપણના મિત્ર મનુભાઈ પટેલ, જે રબર ઇન્ડસ્ટ્રીનું મોટું નામ છે, તરફથી મને એક ઇમેઈલ મળ્યો હતો. મનુકાકા લખતા હતા કે : અશ્વિન (મારા પપ્પા) કહે છે, સૌરભ મારો શ્રવણ છે…

…ગયા વર્ષે જુનમાં અમદાવાદ પોલિસની ક્રાઇમ બ્રાંચ પાસે મારી ધરપકડ કરાવવાના સમાચાર મેઘાએ એમને ફોન પર આપ્યા ત્યારે પપ્પા-મમ્મી તાબડતોબ અમદાવાદ આવી ગયા હતા. ૯ દિવસ રિમાન્ડના અને ૬૩ દિવસ, જામીન મળ્યા ત્યાં સુધી સાબરમતી સેન્ટ્રલ જેલના- અઢીત્રણ મહિનાની એ કસોટી દરમ્યાન એમણે મને અને મેઘાને તન-મન-ધનથી સાથ આપ્યો હતો. આ એ ગાળો હતો જ્યારે મારા સારા દિવસોના અનેક સગાં-મિત્રો-સાથીઓએ મને પડતો મૂક્યો હતો.

પપ્પાની આવરદા હજુ ઘણી લાંબી છે. આ ઉંમરે એમને મારી જરૂર હશે એના કરતાં વધારે મને એમની જરૂર છે. મારાં સગાં-વહાલાં સાથેની મારી છેલ્લી નિઃસ્વાર્થ કડી મારા પપ્પા છે. એમના સ્વાસ્થ્યભર્યા દીર્ઘાયુ માટે આપ સૌએ કરેલી પ્રાર્થનાઓ બદલ અંતઃકરણપૂર્વક સૌનો આભાર.

(પપ્પા વિશેની આગલી બે પોસ્ટ ૭મી અને ૫મી જુને લખી છે.)

તા.ક.: આ વેબ-સાઇટ પર ‘મારા જેલના અનુભવો’ શરૂ કરવાની જાહેરાત ટૂંક સમયમાં કરું છું

8 comments for “પર્સનલ ડાયરી: પપ્પા

 1. June 8, 2009 at 1:00 PM

  બધા મા ને જ વધારે મહત્વ આપે, તમે પપ્પા અંગે લખ્યું તે સારું લાગ્યું. માતૃવંદના ઘણી લખાઈ હવે પિતૃવંદના માટે જગ્યા છે. તબિયત સુધાર પર હશે.

 2. Natver Mehta, Lake Hopatcong,NJ, USA
  June 10, 2009 at 4:22 AM

  આપશ્રીના પિતાશ્રીની તંદુરસ્તી માટે શુભેચ્છા.પિતાની આપણને હરહંહેશ જરૂર રહે છે.

 3. SALIL DALAL(TORONTO)
  June 10, 2009 at 9:03 AM

  અમે ૮ ભાઈ બહેન છીએ.
  અમારાં બા તથા બાપુજી (જેમને અમે સૌ ‘મોટાભાઈ ‘ કહેતા) બંનેને હૃદય ની બીમારી રહેતી. દવાખાનેથી રજા મળ્યા પછીના દિવસોમાં, તેમને ખબર ના પડે એ રીતે, એક રાત્રે જમ્યા પછીની વાતોનો દૌર મેં ટેપરેકોર્ડર ઉપર ધ્વનિમુદ્રિત કરવા માંડ્યો..
  તેમને ખબર પડી અધવચ્ચે .
  ત્યારે મોટાભાઈ સહેજ ખચકાયા. પણ બાએ, હંમેશ મુજબ, પરિસ્થિતિ સંભાળી લીધી. (”છોકરાંઓને આપણા ગયા પછી કુટુંબ વિશેની વિગતો કોણ કહેશે?” etc )
  એ કેસેટમાં જૂની સ્મૃતિઓના સ્મરણને કારણે બા વારંવાર લાગણીશીલ થયા. તો અમુક પ્રસંગો યાદ કરતા બન્ને એટલું ખડખડાટ હસતાં રહ્યાં કે હૃદય રોગના નવા હુમલાની બીક લાગે.
  ફરી કોઈવાર તેમની વાતો ટુકડે ટુકડે ટેપ કરાવવા તેમણે સંમતિ આપી.
  થોડાક જ વખત પછી ઓક્ટોબર ૧૯૯૨માં બા અને તેના વરસથી પણ ઓછા સમયમાં જુલાઈ ‘૯૩ માં ‘મોટા ભાઈ’ પણ કાયમ માટે વિદાય થઇ ગયા.
  તેમનો અવાજ ફરી ટેપ નહિ થઇ શક્યાનો અફસોસ જીવનભર રહ્યો છે.
  પણ એથી ય મોટો આઘાત ત્યારે લાગ્યો, જ્યારે ૨૦૦૫માં પડેલા ભારે વરસાદનું પાણી ઘરમાં ચાર ફૂટ સુધી પ્રવેશી ગયું. ત્રણ ત્રણ દિવસ ઘરમાં રહેલા પાણીમાં હિન્દી ફિલ્મસંગીતની સેંકડો કેસેટો અને કઈ કેટલુંય સંગ્રહિત અખબારી સાહિત્ય નષ્ટ થઇ ગયું.
  તેમાં બા બાપુજીના અવાજ વળી દુર્લભ કેસેટ પણ ગઈ.
  આજે તો ટેકનોલોજી ખુબ વિકસેલી છે. ત્યારે એક સુચન કરવાનું મન થાય છે.
  મા -બાપ કે અન્ય કુટુંબીજનો સાથે નિરાંતે વાતો કરતી વખતે ટેપ ચાલુ રાખવાની પ્રથા રાખી શકાય. એટલું જ નહિ તેની ‘બેક અપ ‘ કોપી જરૂર પડે બેંકના લોકર માં મૂકી શકાય.
  આ અંગત વાત ‘મુજ વીતી’ અન્ય કોઈ સાથે ના વીતે એવા શુભ આશયથી ‘વિકુ’ સાથે શેર કરી છે
  ‘વિકુ’ અર્થાત…. ‘વિસ્તારિત કુટુંબ’
  ‘ઇએફ ‘ એટલે કે ‘એકસ્ટેન્ડેડ ફેમીલી’નું આનાથી સારું ગુજરાતી થઇ જ શકતું હશે… સજેશન એનીબડી ?
  સોચો ઠાકુર…!

 4. June 11, 2009 at 9:09 AM

  શુભ સવાર, બધું બરાબર જ હશે. સહુ કુશળ હશે. સલીલભઈને મળવાનું થાય છે તે આડકતરા ફાયદા માટે સૌરભભાઈનો આભાર માની લઈએ. એમના બન્ને મુદ્દા સાથે સંમત. વિકુ ને વિશાળ કુટુંબ પણ કરી શકાય્ બાકી વાતો તો રેકોર્ડ કરવી જ.

 5. ketan mistry
  June 11, 2009 at 2:06 PM

  Dear Saurabh bhai, best wishes to your father from the bottom of my heart… I remember that article & your picture with your father…

 6. DHIREN C. MEHTA
  January 4, 2012 at 5:54 PM

  Saurabhbhai ~ Jai Shri Krishna * Ooparni diaryna panama Pitaji sathe Aapna tunkagalana mandukhno ullekh vanchi mane mara Pitaji (BHAI) sathe thata Vicharbhed thaki thata matbhed ane tene karane koi var ubhi thati taan yaad aavti gayi, chhata koi divas manbhed oobho na thato. Well, Aapne ek vaat janavavi hati ke 2000 ni saalma amara kutumb tarafthi ~ SMRUTI SANNIDHYA ~ namnu ek pushtak amara Pitashrini
  Pratham Mrityu Tithi par amara Kutumb/Mitro ma aapel. Te pushtakma amoe temna Swabhav ne anurup temaj temne gamti vastuonu sankalan karel. Pushtakma mara gamta lekhako jemke

 7. DHIREN C. MEHTA
  January 4, 2012 at 6:10 PM

  Suresh Dalal, Gunvant Shah ane of course Saurabh Shah vigereno abhar maani temna gamta lekho/kavita temaj bhajan vi.no samavesh karel chhe. Pushtakna Mukhprushth par aapna Aradhyadev Bansariwala Shri Krishna nu pimpal paan par Chitraji chhapavel. Aa pushtakni copy aap sarvene moklel(Aapne Borivali resi add par hand delivery thi pahochadel. Kadach aapni busy schedule ma Aapna hathma aa pushtak aavyu hoy.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *