પર્સનલ ડાયરી

રવિવાર, ૭ જુન ૨૦૦૯

બપોરે ૩.૧૫

પપ્પા હજુ SICU (surgical intensive care unit)માં છે. બનતાં સુધી સાંજે એમને રેગ્યુલર ICUમાં અથવા એમના રૂમમાં ટ્રાન્સફર કરશે. દસેક દિવસ હૉસ્પિટલમાં રહેવું પડશે.

પપ્પાના મોટા આંતરડામાં કૅન્સરની ગાંઠ હતી. બે વર્ષ અગાઉ આ ગાંઠનું અસ્તિત્વ જાહેર થયું ત્યારે ડૉ. મનુ કોઠારીએ અમારી સાથે નિરાંતે વાત કરીને સમજાવ્યું હતું કે never trouble the trouble unless the trouble troubles you. જ્યાં સુધી કૅન્સરની આ ગાંઠને કારણે કોઈ તકલીફ ઊભી ના થાય ત્યાં સુધી એને છંછેડવાની જરૂર નથી એવી ડૉ. કોઠારીની સોનેરી શિખામણને લીધે પપ્પા વીતલાં બે વર્ષ દરમ્યાન સુંદર જીવન જીવી શક્યા છે, કેન્સર હોવા છતાં.

ત્રણ વર્ષ પહેલાં એમના હ્રદયમાં બે સ્ટૅન્ટ્સ નખાવ્યા પછી લોહી પાતળું કરવાની ઇત્યાદિ દવાઓ લેતા હતા તે પણ ડૉ. કોઠારીના કહેવાથી ક્રમશઃ બંધ કરી હતી કારણકે એ દવાઓ પાચનક્રિયા સાથે ગડબડ કરતી હતી. ઘી વગરની કોરી રોટલી, મીઠાઈ નહીં, ફરસાણ પર પાબંદી વગેરે જેવી પરેજીઓ પણ ડૉ. કોઠારીએ દૂર કરાવી દીધી હતી. જે ખાવાનું મન થાય તે બધું જ ખાઓ – પ્રામાણસર, એવી ડૉ. કોઠારીની સલાહને પપ્પા અનુસર્યા છે. પપ્પાનું જીવન પહેલેથી જ ઘણું નિયમિત, શિસ્તબદ્ધ છે. રોજ ચાલવાની એમની ટેવ હૉસ્પિટલાઇઝ્ડ થયાના અઠવાડિયા પહેલાં સુધી ચાલુ હતી.

દસ-બાર દિવસ પહેલાં તકલીફ ઊભી થઈ. મોટા આંતરડામાંની ગાંઠ ફેલાઈ ગઈ જેને કારણે મળમાર્ગમાં અવરોધ ઊભો થયો. મળવિસર્જન તેમ જ ખોરાક લેવાની ક્રિયાઓ બંધ થઈ ગઈ. ઑન્કો-સર્જ્યન ડૉ. વાળાવળકર, ડૉ. સિંહ અને ડૉ. ચાફેકરની ઍક્સપર્ટ ટીમે મોટા આંતરડાનો ક્ષતિગ્રસ્ત ટુકડો કાપી નાખ્યો છે. કાપ્યા પછી આંતરડાને ફરી જોડી દઇને મળમાર્ગ ચાલુ કરવો શક્ય નહોતું આથી કામચલાઉ પેટની બહાર કોથળી મૂકીને એમાં મળવિસર્જન થાય તેવી ગોઠવણ કરી છે જે ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી ચાલુ રહેશે, મે બી મોર.

આ ઉંમરે કૅન્સરની અન્ય કોઈ ટ્રીટ્મેન્ટ (કેમો થેરપી જેવી) પપ્પાના શરીરને માફક નહીં આવે એવું ડોક્ટરોનું તારણ છે. પપ્પા ૭૮ વર્ષના છે. આવતી ૧૧મી જાન્યુઆરીએ તેઓ ૭૯ પૂરાં કરીને ૮૦માં પ્રવેશશે. વધુ આવતી કાલે લખીશ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *