હવનનો પાડો અને ઇદની બકરી

 Day 10, બુધવાર, ૩ જુન ૨૦૦૯ : ગુડ મૉર્નિંગ ઓનલાઇન

‘ઈટીવી’ના ‘સંવાદ’ કાર્યક્રમ માટે રાજકોટની ‘વિજ્ઞાનજાથા’ વાળા જયન્ત પંડ્યા સાહેબે મંદિરમાં પાડાનું બલિદાન અપાતું અટકાવ્યું પણ બકરી ઈદ વિશે એમનો શો પ્લાન હતો?

બ્રેક પછી મેં આ સવાલ એમને પૂછ્યો: આગામી બકરી ઈદ દરમ્યાન ચાર લાખ બકરાંની કુરબાની અપાશે. તમે અને તમારી ટીમ આ વિશે શું કરવા ધારો છો?

ગોધરાકાંડ પછીનાં રમખાણો દરમ્યાન અખબારી યાદીઓ છપાવનારાઓમાંના એક એવા જયન્ત પંડ્યા જવાબ આપતાં થોથવાઈ ગયા. કોઈની ફરિયાદ આવશે તો પગલાં લઈશું કે એવું કંઈક મોળું મોળું બોલ્યા અને તરત બીજે ફંટાઈ ગયા, મેં એમની ગાડીને પાટે ચડાવવાની કોશિશ કરી પણ તેઓ તો ઢોંગી સાધુઓ ઉપરાંત બનાવટી બાબા-ફકીરોને પણ અમે છોડતા નથી — વાળી લાઈને ચડી ગયા. બકરી ઈદ અને ૪ લાખ બકરાંની કુરબાનીવાળી વાતનો કોઈ જવાબ એમની પાસે નહોતો. પણ એમનો ચહેરો ખુલ્લો પડી જવાનો હતો. રેકોર્ડિંગ પૂરું થયું.

વાત અહીં પૂરી થતી નથી. થોડાક મહિનાઓ બાદ ‘સંવાદ’ માટેનો મારો ૧૪૪ એપિસોડ્સનો કૉન્ટ્રાક્ટ પૂરો થતો હતો. મારે ‘વિચારધારા’ શરૂ કરવાનું હતું. એટલે દરેક મહિનાના સળંગ ચાર-છ દિવસની તારીખો આપવી મારા માટે શક્ય નહોતી. ‘સંવાદ’ના એક સાથે રોજના છએક એપિસોડ્સ રૅકોર્ડ થતા. મુંબઈના શૅડ્યુલમાં એક જ દિવસમાં બાર ઈન્ટરવ્યુઝ કરવાનો મારો રૅકોર્ડ છે — ડૉ. પ્રકાશ કોઠારી, સુરેશ દલાલ, ઈંસ્માઈલ દરબાર, અરુણા ઈરાની, વર્ષા અડાલજા, હિતેન કુમાર, પ્રવીણ સોલંકી, અરવિં જોષી, ફિરોઝ ઈરાની વગેરે. ‘સંવાદ’ની શરૂઆત કરવા માટે ‘ઈટીવી’ની ટીમ જ્યારે મારા ઘરે આવી ત્યારે તેઓ તરત જ શરુ કરવા માગતા હતા. પણ મારે બે જ મહિના પછી મોરારિબાપુની કથા માટે નૈરોબી જવાનું હોવાથી શેડ્યુલ સમાવાય એમ નહોતો. મેં સુચન કર્યું કે તમે મારો આગ્રહ ન રાખો. ‘ઈટીવી’ની ટીમે કહ્યું હતું કે અમે તમારા પાછા આવવાની રાહ જોઈશું — પછી ‘સંવાદ’નો ડેઈલી ટૉક શો શરૂ થયો.

મેં ‘સંવાદ’ના દર્શકોની વિદાય લીધી. પણ મઝાની વાત જુઓ મારાવાળા એપિસોડ્સ પૂરા થયા પણ એમાં ક્યાંય જયન્ત પંડ્યાવાળો એપિસોડ નહોતો. ‘ઈટીવી’ અને ‘સંવાદ’ની ટીમ સાથેના બૅકગ્રાઉન્ડની આ રામાયણ એટલા માટે માંડી કે અમે બેઉ પક્ષે દિવસરાત મહેનતમજૂરી કરીને ‘સંવાદ’ની ખૂબ મોટી બ્રાન્ડ ઊભી કરી હોવા છતાં સેક્યુલર બહારવટિયા પોતાનું ફાવતું કરાવી ગયા. જયન્ત પંડયાનો મેં લીધેલો ઈન્ટરવ્યુ ‘સંવાદ’માં ક્યારેય પ્રસારિત થયો નહીં. મારાવાળા ઈન્ટરવ્યુઝના પુનઃ પ્રસારણની સિઝન શરૂ થઈ ત્યારે પણ એમાં ક્યાંય રાજકોટવાળા જયન્ત પંડ્યા દેખાણા નહીં.

પંડ્યા પ્રકરણ અહીં પૂરું થયું? ના. ખરી વાત તો હજુ હવે આવે છે.

મારી સાથેના ‘સવાદ’ પૂરl થયા પછી એક દિવસ સવારે અચાનક મેં ‘ઈટીવી’ પર જોયું કે ‘સંવાદ’ના ઓરિજિનલ સેટમાં મુલાકાતીઓની ખુરશી પર જયન્ત પંડયા બિરાજમાન છે અને ખુશી ખુશી ઈન્ટરવ્યુ આપી રહ્યા છે. ‘સંવાદ’માંથી મેં વિદાય લીધી એ પછી થોડાક એપિસોડ્સ હરિ દેસાઈએ કર્યા અને ત્યાર બાદ જય વસાવડાએ દૌર સંભાળ્યો. આ બે મિત્રોમાંથી કોણે જયન્ત પંડયાનો નવેસરથી ઈન્ટરવ્યુ લીધો હતો તે અત્યારે મને યાદ નથી. પંડયા સાહેબનો નવો ઈન્ટરવ્યુ એ જ કાર્યક્રમમાં આવ્યો તે નક્કી. રાત્રિના પુનઃપ્રસારણ વખતે મેં એક મિત્રને કહીને એ મુલાકાત રેકોર્ડ કરાવી લીધી. મારા પટારાઓમાંના એકમાં આ નવા ઈન્ટરવ્યુની તેમ જ મેં લીધેલા ઓરિજિનલ ઈન્ટરવ્યુની (અન-એડિટેડ) ટેપ્સ છે. વખત આવ્યે EF સાથે શૅર કરીશું અને જોઈશું કે આ બેઉ ઈન્ટરવ્યુઝમાં કેવો જમીનાસમાનનો તફાવત છે.

તો ટૂંકમાં મેં ‘સંવાદ’ના ૧૪૪ એપિસોડ્સ કર્યા જેમાંથી ૧૪૩ પ્રસારિત થયા. રાઈટ? રૉન્ગ. ૧૪૨ પ્રસારિત થયા. તો હજુ બીજો એક એપિસોડ ક્યાં વયો ગ્યો? કહું છું, બાપલા. ધીરજ ધરો. એ ઈન્ટરવ્યુ એનજીઓની બહેનજીઓનો હતો. ટુ બી પ્રિસાઈસ એક જ બહેનજીનો. તેની વાત કાલે…

4 comments for “હવનનો પાડો અને ઇદની બકરી

 1. વિરલ
  April 23, 2013 at 1:42 PM

  પાડાઓ ભેસ થઈને તળાવમાં પડ્યા અને બોકડાઓ અશ્લીલ ચાળા કરતા દાઢી હલાવતા હલાવતા કસાઈ થઈ ગયા.

 2. વિરલ
  April 23, 2013 at 1:47 PM

  પાડાઓ ભેસ થઈને તળાવમાં પડ્યા અને બોકડાઓ અશ્લીલ ચાળા કરતા દાઢી હલાવતા હલાવતા કસાઈ થઈ ગયા. Remove priveous comment.

 3. વિરલ
  April 23, 2013 at 2:08 PM

  ડૉ’ન્ટ રિમુવ. બોકડા યાદ આવતા મિસ્ટેક થઈ ગઈ. અક્ષરો કપાયેલા દેખાયા હતા, હવે બરાબર છે.

 4. siddharth
  May 29, 2013 at 10:04 AM

  જોરદાર….

Leave a Reply to વિરલ Cancel reply

Your email address will not be published. Required fields are marked *