બાપુ, બચ્ચન અને મિડિયા : ૨

Day 8, સોમવાર, ૧ જુન ૨૦૦૯ : ગુડ મૉર્નિંગ ઓનલાઇન

મોરારિબાપુનો બનાવટી ઇન્ટર્વ્યુ છપાયા પછી કોકિલાબહેન અંબાણીનો પણ એમના પર ફોન આવ્યો હતો. મિડિયાને કારણે ફેલાયેલી ગેરસમજ દૂર કરવા બાપુ આતુર હોય તે સ્વાભાવિક હતું. પણ મેં એમને કહ્યું, ‘બાપુ, ખુલાસાઓ કરવાનું રહેવા દો. આ પ્રેસ રિલીઝ તમે મોકલશો એટલે એમને છાપ્યા વિના છૂટકો નહીં થાય પણ આ નોંધના પહેલા ફકરામાં તેઓ પોતાની ટિપ્પણીઓ મૂકશે અને મોટું મથાળું બાંધશે, ‘મોરારિબાપુ ફેરવી તોળે છે: અભી બોલા અભી ફોક.’બાપુએ સ્મિત કર્યું. મેં કહ્યું, ‘હું મારા જાતભાઈઓને જાણું છું. બધા જ એવા નથી પણ એમાંના કેટલાક મારા જાતભાઈ કરતાં કમજાતભાઈ વધુ છે.’બાપુએ નિર્ણય લઈ લીધો. પ્રેસનોટવાળું માંડી વાળવામાં આવ્યું.

બાપુની જેમ જ બચ્ચનજી પણ મિડિયાનો ભોગ બનતા રહ્યા છે.રાજીવ ગાંધીના મિત્ર હોવાને કારણે બચ્ચનજીને પણ વી.પી.સિંહ નામના એક અત્યંત કનિષ્ઠ અને હવે તો જોકે નર્કવાસી રાજકારણીએ બોફોર્સકાંડમાં ઘસડ્યા. વી.પી. રાજીવના નાણામંત્રી હતા અને જેમનું ખાધું હોય તેમનું જ ખોદીને કરિયર બનાવવાની પરંપરા પત્રકારત્વમાં જ્યાંથી આવી છે તે રાજકારણના ક્ષેત્રના તેઓ અઠંગ ખેલાડી હતા.

બચ્ચનજી બાપડાને બોફોર્સના બી સાથે પણ કોઈ લેવાદેવા નહીં (એમનો પોતાનો બી જ કેટલો બિગ છે). પણ તે વખતે એટલે કે એંસીના દાયકામાં માહોલ એવો કે બચ્ચનજીની નવી ફિલ્મ આવે તો તેનો બહિષ્કાર થાય, થિયેટરો પર દેખાવો થાય, તમામ છાપાઓમાં બચ્ચનજી હાય હાયના સૂરમાં જ રિપોર્ટિંગ થાય. બચ્ચનજીને ત્યારે કામ મળતું ઓછું થઈ ગયું તેનાં કેટલાંક કારણોમાનું એક કારણ આ પણ હતું — મિડિયામાં થઈ રહેલી બદનામી. બચ્ચનના દિવસો હવે પૂરા થયા. બધા જ કહેતા.

આ બાજુ બચ્ચનજી પોતે નાના ભાઈ અજિતાભ અને લંડન સ્થિત નામાંકિત વકીલ સરોષ લાયવાલાની ટીમ સાથે વર્ષો સુધી સ્વીડનના એ છાપા સામે બદનક્ષીનો દાવો લડ્યા અને જીત્યા. એ પછી બચ્ચનજી મિડિયાના નાનામાં નાના પત્રકારને પણ પોતાની વાતની રજુઆત માટે ઘરે બોલાવી ઈન્ટરવ્યુ આપવા માંડયા. તે એટલે સુધી કે મુંબઈના આઈ.વી. મહુબની નામના જાણીતા ચર્ચાપત્રીના ફ્લૅટ પર જઈને એક દિવસ બેલ વગાડી અને મહુબનીએ દરવાજો ખોલ્યો એટલે કહ્યું, ‘મારું નામ અમિતાભ બચ્ચન છે. હું અંદર આવી શકું?’ એક અદના ચર્ચાપત્રીને ત્યાં જઈને બચ્ચનજીએ બૉફોર્સની બાબતમાં પોતાનો પક્ષ રજુ કર્યો.

એ પછી કામ માટે બચ્ચનજી યશ ચોપરાને બંગલે ચાલતાં કેવી રીતે ગયા અને એ બધી વાતો ધર્મવીર ભારતી (‘ગુનાહોં કા દેવતા’ના નવલકથાકાર અને ‘ધર્મયુગ’ના તંત્રી)નાં પત્ની પુષ્પા ભારતીને આપેલા ઈન્ટરવ્યુમાં ઈમ્મોટેલાઈઝ થઈ ચૂકી છે, રિપીટ કરવાનો અર્થ નથી.

પણ હજુય મિડિયા બચ્ચનને છોડતું નથી. પુત્રવધુ માંગલિક છે, બહુ બધા મંદિરોમાં દર્શને જાય છે, સ્લમડોગ મિલિયોનેર વિશે બ્લૉગ પર એક્લફેલ બોલે છે… બચ્ચનજીએ જોવામાં અફલાતૂન એવી પણ એક હલકટ દૃષ્ટિકોણથી બનાવવામાં આવેલી ‘સ્લમડોગ મિલિયોનેર’ ફિલ્મ વિશે આપેલા નિખાલસ અને વિવેકી અભિપ્રાય સાથે ભારતનું ઉપરાણું લેવામાં ગૌરવ અનુભવતો દરેક ભારતીય સો ટકા સહમત થશે. પણ મિડિયાએ એ શબ્દો તોડી મરોડીને સનસનાટી મચાવી.

બચ્ચનજીના બ્લૉગનું રેટિંગ એવરેજ છે અને શેખર કપૂર ઍટ્સેટેરાના બ્લૉગ ઈન્ટલૅક્ચ્યુઅલ છે અને એનું રેટિંગ ઊંચું છે એવો રિપોર્ટ ‘હિન્દુસ્તાન ટાઈમ્સે’ છાપ્યો એટલે બચ્ચને પોતાના બ્લૉગમાં EF સમક્ષ એ રિપોર્ટ મૂક્યો અને કહ્યું કાલે વાત. બીજા દિવસે બચ્ચનજીએ નેટ પરથી એ તમામ ફિલ્મ સ્ટારો અને સો કોલ્ડ ઈન્ટલૅક્ચ્યુઅલ દિગ્દર્શકોના બ્લૉગ પરની અવરજવરના આંકડા શોધીને મૂક્યા. બચ્ચનજીના બ્લૉગ પરના વિઝિટર્સની સંખ્યા પેલા ‘ટૉપ રેટેડ’ બ્લૉગ્સ કરતાં અનેકગણી હતી.

પ્રકાશ મહેરાના અંતિમ દિવસોમાં તેઓ હોસ્પિટલમાં ખબર કાઢવા ગયા. ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’ના ‘મુંબઈ મિરર’ તથા દેશના અન્ય નગરોના એ નામના ‘મિરર’માં વિવેક લાલવાણીએ બચ્ચનની મુલાકાત લઈને, એમના શબ્દો ટાંકીને, એવી સ્ટોરી બનાવી જે વાંચીને લાગે કે બચ્ચનજી સ્વાર્થી, કમીના અને શું કહીએ એને — જવાદો ને — એવા છે. બચ્ચનજીએ ‘મિરર’ની એ સ્ટોરીનું કટિંગ પોતાના બ્લૉગ પર પીડીએફ બનાવીને મૂક્યું. પણ એ પહેલાં કઈ રીતે વિવેક લાલવાણીએ લાલવાણીએ એસએમએસ પર લટૂડાંપટૂડાં કરીને આ ઈન્ટરવ્યુ ઈ-મેઈલ પર મેળવ્યો અને મૂળ ઈન્ટરવ્યુમાં પૂછાયેલા પ્રશ્નો કયા હતા, એના જવાબો કયા હતા તે બધું જ EF સમક્ષ મૂક્યું.

લાલવાણી ખુલ્લો પડી ગયો. બચ્ચનજીના જવાબોમાં કાંટછાંટ તો ખરી જ પણ તે ચાલાકીપૂર્વકની. પોતે ઈ-મેઈલ પર નમ્રતાથી પૂછેલા પ્રશ્નોની ભાષા બદલીને ઍગ્રેસિવ કરી નાખી જેથી વાચકોને લાગે કે શું બહાદુર અને હિંમતવાળો પત્રકાર છે, માળો બેટો મરદનું ફાડિયું છે.

પણ EF આગળ આ ફાડિયું નિવસ્ત્ર બની ગયું તમને લાગશે કે બચ્ચનજીએ શા માટે આવું કરવું જોઈએ? બચ્ચનજી બચ્ચનજી છે. કૂતરાં ભસે એને લીધે કંઈ હાથી પોતાની ચાલ થોડી છોડે. ના એવું નથી. આ જમાનો એવો છે જ્યાં ભસતા ડાઘિયાને તમે કરડવા ના જાઓ તો ગલૂડિયાંઓ પણ તમને હૂલ આપવા માંડે. આખી રાત આ…ઉ… આઉ… હાઉ… હાઉ… કરીને તમારી ઊંઘ બગાડી નાખે. એટલે જ, પેલો દાઢીવાળો કહે છે ને એમ: ચૈન સે સોના હૈ તો જાગ જાઓ!

5 comments for “બાપુ, બચ્ચન અને મિડિયા : ૨

 1. jay vasavada
  June 1, 2009 at 2:25 PM

  ૧૦૦ % સંમત, બચ્ચન,બાપુ અને મિડિયા ના આ બન્ને ભાગ સાથે…

  • hemangbarot
   July 15, 2009 at 7:20 PM

   મિડિયા-પ્રેસ TRP કોપિ વધારવા માટે અવુ લખતા અને સોધતા હોય ચે. તમારિ સાથે પણ આવુ જ
   કઇક બન્યુ હતુ.

 2. June 1, 2009 at 4:05 PM

  yees, i go thru his blog frequently
  and i never find he is not a writer ?!!
  he can express himself very well.

  I wrote to him,
  i never found u a good actor before “blake” and very easily he accepts in next day post. ?!!!!

 3. June 1, 2009 at 8:42 PM

  21મી સદીના મિડિયાની માયાજાળ અને ફિતૂરમાં સમજણ અને જાગૃતિ વારંવાર ગેરસમજના વાઘામાં મજેથી મહાલતી હોય છે. એટલું વળી સારું છે કે એક દાવા/દલીલના એકથી વધુ રૂપો મિડિયા પાસે હોય છે એટલે લોકોને સરેરાશનો અવકાશ તો રહે છે!

 4. June 2, 2009 at 3:01 AM

  well, i’m not a pure SAHITYAKAR like u ppl and cant make a proper comment.. but just wanna first of all congratulate u for the BLOG and than i really luv to read the content..

  regarding this the previous comment were so high lang and tough to understand i put my arms to say anything.. simply say i luv to read this content

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *