અલવિદા બારિયા – ૨

Day 6, શનિવાર, ૩૦ મે ૨૦૦૯ : ગુડ મૉર્નિંગ ઑનલાઇન

મુંબઈથી દરેક વૅકેશનમાં બારિયા જવાનું થતું ત્યારે આ નગર એક શહેરી બાળકની દૃષ્ટિએ જોવાતું એટલે ગામડું લાગતું. પણ ખેતર, સીમ, ઢોર, ધૂળ અને ફાનસની બત્તીવાળું ગામ આ નહોતું. એવા ગ્રામ્યજીવનનો અનુભવ મોસાળના ગામે થતો — આસોજ. વડોદરાથી પાવાગઢ જતાં હાલોલ પહેલાં અને જરોદ પછી તરત જ આસોજ આવે. (મારો જન્મ જરોદમાં.) આસોજમાં નાનાની ખૂબ મોટી ખેતી. ત્રણમાંના બે મામાઓ પણ બેચલર ઑફ એગ્રિકલ્ચરની ડિગ્રી લઈને નાના સાથે ખેતી કરતા. આજે નાના નથી, ખેતી નથી અને ત્રણેય મામા, એમનાં સંતાનો – બધાંજ વડોદરામાં છે. આસોજમાં પન્નાલાલ પટેલની નવલકથામાં વાંચવા મળે એવું બધું જ જોવા મળે. પણ મોસાળની વાત આજે નથી કરવાની, આજે બાપદાદાઓના વતન દેવગઢ બારિયા વિશેની ૨૬ મેથી શરૂ કરેલી વાત પૂરી કરવાની છે.

બારિયાના દરેક વૅકેશન સાથે જોડાયેલા અનેક અનુભવોએ હું ઘડાયો. એસ.એસ.સી. પછીના સૌથી લાંબા વૅકેશનમાં બારિયાના ટાવર પાસેની વિશાળ પબ્લિક લાઈબ્રેરીમાંથી એક દિવસ હકલબરી ફિનનાં પરાક્રમોના ગુજરાતી અનુવાદનું પુસ્તક લઈ આવ્યો. દાદાએ એ જોયું અને ત્રીજા માળના એમના સ્ટડીરૂમના અંગત પુસ્તકાલયમાંથી મૂળ અંગ્રેજી પુસ્તક કાઢીને મારા હાથમાં મૂકીને કહ્યું: “ઓરિજિનલ અંગ્રેજી પુસ્તકને સાથે રાખીને ગુજરાતી અનુવાદ વાંચવાનો.”

બારિયાના એ જ ઘરમાં સ. છ. શાહની સહીવાળાં અમદાવાદની મહાદેવ રામચંદ્ર જાગુષ્ટેની પ્રકાશન સંસ્થાએ પ્રગટ કરેલાં અનેક પુસ્તકો જોયાં છે. સ. છ. શાહ નામ ચીતરેલું સબુરદાદાનું ટેબલ આજે મારા સ્ટડી રૂમમાં છે. એ ટેબલ પર વચ્ચે એક નાનકડો અરીસો છે. થોડા વખત પહેલાં એનો તૂટેલો કાચ કાઢી નવો નખાવતી વખતે મિસ્ત્રીને કાચની પાછળ કરેલું પેકિંગ મળ્યું. લંડનથી પ્રગટ કરવામાં આવેલું ૧૯૨૮ના છાપાનું પાનું હતું. તદ્દન બરડ. પણ મેં મારી રીતે સાચવી લીધું છે.

વાડીદાદા પાસે અંગ્રેજી સાહિત્યનો ખજાનો હતો. કમ્પલીટ વર્ક્સ ઑફ શેક્સપિયર અને કમ્પલીટ વર્ક્સ ઑફ જ્યોર્જ બર્નાર્ડ શોથી માંડીને સાર્થ ગુજરાતી જોડાણી કોશની ૬૦ વર્ષ કરતાં પણ જૂની આવૃત્તિ — આ બધું મને એમના ગયા પછી વારસામાં મળ્યું છે. ‘કુમાર’ અને ‘અખંડ આનંદ’નાં ચાળીસ-પચાસના દાયકાઓમાં પ્રગટ થયેલા અંકના ઢગલાઓ બારિયાના ઘરમાંથી મળ્યા. લેખક બનવાની તમામ કાચી સામગ્રી અમારા વાણિયાઓના કૌટુંબિક ઘરમાં હતી. દસમાના વૅકેશનમાં દાદા બારિયાના એક ટાઈપિંગ કલાસમાં મને ફરજિયાત મોકલતા. સિત્તેરના દાયકામાં ઈન્ટરનેટની કોઈને કલ્પના પણ ક્યાંથી હોય. દાદા કદાચ એમ માનીને મોકલતા હશે કે ભવિષ્યમાં આ છોકરો લેખક બને તો કમાણી કરવા આવું કંઈક શીખી લીધું હોય તો કામ આવે!

મારા પિતા એસ. આર. હાઈસ્કૂલમાં ભણતા એ જમાનાથી વાડીદાદા રોજ ટાઈમ્સ ઑફ ઈન્ડિયા ઘરે મગાવતા. રીડર્સ ડાયજેસ્ટ, ટાઇમ, ન્યુઝવીક અને લાઈફ પણ આવતાં. દાદાને અસ્થમાની તકલીફ અને સવારે ત્રણ-ચાર વાગ્યા સુધી ઊંઘ ન આવે એટલે ફિલિપ્સનો લાંબો રેડિયો વસાવી બી.બી.સી. સહિત જગતભરનાં રેડિયો સ્ટેશનો પકડતા. ૭૮ આર. પી. એમ.ના ગ્રામોફોન પર વગાડવા માટેની ઢગલો અંગ્રેજી-ગુજરાતી રેકૉર્ડ્સ હતી. ‘કે સરા, સરા, સરા… વૉટેવર વિલ બી વિલ બી…‘ પણ દાદાના એ સ્ટડી રૂમમાં જ સાંભળેલું. ભવિષ્યની ચિંતા શું કામ કરવી, જે થવાનું છે તે થશે એવું કહેતા આ મશહૂર અંગ્રેજી ગીતમાં ‘વિલ આય બી રિચ, વિલ આય બી પુઅર’ એવું નાની દીકરી માતાને પૂછે છે. હું ને મારો મોટો ભાઈ પરાગ ‘વિલ આય બી રિચ’ના વિલાયતી ઉચ્ચારો પકડી શકતા નહીં એટલે એકલાં એકલાં ગાવાનું મન થાય ત્યારે એ જ્ગ્યામાં ‘ગુ..લાબી મૂછ’ શબ્દો મૂકીને આગળ વધતા.

ઍડવોકેટ દાદાના સ્ટડીરૂમ અને એમના બેડરૂમ વચ્ચેની જગ્યામાં એમણે ફોટોગ્રાફીનો ડાર્કરૂમ બનાવ્યો હતો. એમની પાસે રોલીફ્લેક્સ કેમેરા હતો. પોતે પાડેલા ફોટાની નૅગેટિવ્સ જાતે જ ડેવલપ કરતા, ફિક્સ કરતા અને પ્રિન્ટ કરતા. આ પ્રિન્ટના ગ્રીટિંગ કાર્ડસ બનાવી કુટુંબના સૌ કોઈની વર્ષગાંઠે અભિનંદન મોકલતા. ડાબે ઉપરના ખૂણે જેની વર્ષગાંઠ હોય એની મોટી તસવીર અને જમણે નીચેના ખૂણે દાદાની સહી સાથે એમનો પોતાનો ટચૂકડો ફોટો. ટ્રિક ફોટોગ્રાફી પણ કરતા. પરાગનો એક ફોટો એવો પાડ્યો હતો જેમાં એનો ડબલ રોલ હતો. ટાઈ-કોટ પહેરેલો એક પરાગ મોઢે પ્યાલી માંડે છે અને એની સામે સાદો સદરો પહેરીને બેઠેલો પરાગ સાંઈબાબાની જેમ હાથ ઊંચો કરીને ના પાડે છે — શરાબ બૂરી ચીજ હૈ.

દિવાળીમાં ફટાકડા ફોડવાની, કુટુંબમાં કે નજીકના પરિચિતોમાં લગ્ન પ્રસંગ હોય ત્યારે મહાલવાની કે દશેરા અને મહાઓચ્છવ જેવા ઉત્સવોમાં ભાગ લેવાની મઝા બારિયા જેવી બીજે ક્યાંય નહીં. કુટુંબમાં મૃત્યુ વખતે આખો પરિવાર બારિયા આવી જાય — બધા જ કાકાઓ, કાકીઓ, ફોઈઓ, ફુવાઓ, એમનાં સંતાનો. લગન કે કોઈ શુભ પ્રસંગ કરતાં આવા શોક વખતે પરિવારના સભ્યો ભેગા મળે ત્યારે વધારે સારું લાગતું, વધારે હૂંફ મળતી, એકબીજાની બધારે નજીક અવાતું.

૧૯૮૧માં વાડીદાદાનું અવસાન થયું એના ચાર જ મહિના બાદ દેવદિવાળીએ મારી પરસનબા પણ ગુજરી ગઈ. તળાવ કિનારે પપ્પા-અજિતકાકાને વડીલોનું વિધિસર તર્પણ કરતા જોયા.

એ પછી બારિયા જવા-આવવાનું ઓછું થઈ ગયું. મારા અને પરાગનાં લગ્ન બારિયાની જ છોકરીઓ સાથે થયાં. એ હિસાબે અમારાં સંતાનોનું મોસાળ પણ આ જ. પણ હવે ક્યાં કોઈ રહ્યું છે બારિયામાં. દાદાના પરમ મિત્ર ડો. બાબુભાઈ સોની, પપ્પાના સૌથી નજીકના દોસ્તાર ચંદ્રકાંત પુરુષોત્તમદાસ પરીખ ઉર્ફે સી.પી.કાકા — વારાફરતી બધા જ ગયા. બારિયાના દરેક જૂના ઘરનું કમ સે કમ એક જણ વીસ-ત્રીસ-ચાળીસ વરસથી અમેરિકા વસે છે, બીજા કેટલાય વતન છોડીને મુંબઈ, વડોદરા, અમદાવાદ સ્થાયી થયા છે. દાદાના અને પપ્પાના મિત્રોમાંથી જેમની સાથે મારે નિકટતા છે એમને મળવા જાઉં ત્યારે આંખ ભરાઈ આવે. છેલ્લે નટુકાકાને મળ્યો, જેમના શતાયુને પાંચ-સાત વર્ષ જ બાકી છે.

દસ-બાર વર્ષ પહેલાં છગનલાલ કુબેરજી અને સબુરદાસ છગનલાલના પુરુષાર્થના ભવ્ય વારસાસમું બારિયાનું યાદગાર ઘર સમજુ વડીલોએ વ્યવહારુ બનીને કાઢી નાખ્યું. આવી સંપત્તિ પેઢી દર પેઢી વારસામાં મળવી જોઈએ. આજે પણ હું બારિયા જાઉં ત્યારે અચૂક એ જૂના ઘરે જઈને નવા માલિકોનો હૂંફાળો આવકાર પામી આખા ઘરના તમામ ઓરડાઓને નજરથી પસવારતો જાઉં છું અને ઘર હજુ સલામત છે એવા આશ્વાસન સાથે રુંધાયેલા ગળે ચા પીને ચૂપચાપ નીકળી જાઉં છું. આ ઘર અમારી પેઢીને મળ્યું હોત તો મારાં પોતાનાં, મારાં ભાઈબહેનનાં અને અમારાં પિતરાઈઓનાં સંતાનોને અમારા તરફથી એ વારસો મળ્યો હોત અને તેઓ પણ આ વારસો પોતાની નવી પેઢીને સોંપી શક્યા હોત. એવું થયું હોત તો એમાનું કોઈ એક જૂના ટેબલના ખાનામાંથી મળી આવેલા પાસપોર્ટ સાઈઝના ફોટાને જોઈને વિચારતું હોત — મારા સંતાનની મુખરેખા સૌરભદાસ અશ્વિનલાલને મળતી આવે છે.

4 comments for “અલવિદા બારિયા – ૨

 1. June 1, 2009 at 8:47 PM

  ઐતિહાસિક સંદર્ભો સાથે વતન અને વડવાઓની વાત મનનીય રહી.

 2. June 3, 2009 at 10:49 AM

  ……………. !!

 3. Maulik Patel
  August 6, 2009 at 12:26 PM

  જનની જન્મભુમિસ્ચ સ્વર્ગાદપિ ગરિયસી

 4. Sanjay D Shah
  April 17, 2013 at 6:53 PM

  I relived nostalgic memories of Devgadh Baria. In our young age, in every vacation we were going to MOSAL.Either Mumbai or Devgadh Baria. I also remember Public library.Maharaja Jaidipsinh had given his palaces free for Library and Gymkhana. Dr. Babubhai and his two daughters Nayna and Chhaya. I have not met them for 40 years. i wish them happiness, where ever they are.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *