અલવિદા, બારિયા

Day 5, શુક્રવાર, ૨૯ મે ૨૦૦૯ : ગુડ મૉર્નિંગ ઑનલાઈન

સબુરદાદાના વસિયતનામામાં મને રસ પડે એ તો જાણે કે સ્વાભાવિક છે, પણ તમને ય રસ પડ્યો! સારું સારું…

મારા પરદાદા સબુરદાસે એમનાં ત્રણેય સંતાનો માટે રોકડ રકમ, સોનું, ચાંદી, મકાનો તેમજ ધંધાનાં લેણાં તથા રોકાણો ઈત્યાદિ મળીને જે વિલ, ૧૯૩૫ની લાભ પાંચમે, કર્યું તે રકમ આજના ભાવે રૂપિયા દસ કરોડ કરતાં વધી જાય. ત્રણમાંના સૌથી મોટા પુત્ર રમણલાલે ધંધો સંભાળ્યો, વચેટ વાડીલાલ (મારા દાદા) ભણીને બી.એ. એલ.એલ.બી. થયા અને દેવગઢ બારિયા સ્ટેટના પબ્લિક પ્રોસિક્યુટર બન્યા. સૌથી નાના કાન્તિલાલ વિલાયત જઈ સિવિલ એન્જિનિયર થયા.

સબુરદાસે વિલમાં એક જોગવાઈ એવી રાખી હતી કે (મારા ગયા પછી) “મારી રોકડ રકમમાંથી રૂ. ૧,૦૦,૦૦૦ (અંકે રૂપિયા એક લાખ પૂરા) સારી જામીનગીરીઓમાં (અર્થાત્ શૅર્સ-સિક્યુરિટીઝમાં) રોકવા તેમજ તેના વ્યાજનો ઉપયોગ સમસ્ત કુટુંબની આજીવિકાના કાર્યમાં કરવો. સદર રકમનો ઉપયોગ વેપારમાં કરવો નહિ. પરંતુ જ્યારે ત્રણેય ભાઈઓ છેવટે જુદા થાય ત્યારે સરખે ભાગે વહેંચી દેવી…”

આ વિલ જે સાલમાં થયું તે ૧૯૩૫ના વર્ષમાં બીજા વિશ્વયુદ્ધ પહેલાંની સોંઘવારી હતી. ત્યારે સોનું સવા પાંત્રીસ રૂપિયે તોલો હતું. આજે દસ ગ્રામના (તોલા કરતાંય સહેજ ઓછું) રૂ.૧૪,૭૫૦ છે. ત્યારે ચાંદી ૬૫ રૂપિયા ૧ આને ૧૦૦ તોલા હતી, આજે કિલોના રૂ.૨૨,૧૦૦ છે.

* * *

છગનલાલ કુબેરજી જેમને કારણે બારિયામાં વસ્યા તે હિઝ હાઈનેસ મહારાજા માનસિંહજી ઑફ સ્ટેટ ઑફ બારિયાનું ઈ.સ. ૧૯૦૮માં અવસાન થયું. બારિયાના સર્કલ બજારના નાનકડા ગોળાકાર બાગની સંગેમરમરની એમની પ્રતિમા અને બારિયાના મોટા તળાવને આપયેલું સત્તાવાર નામ ‘માનસરોવર’ રાજાની સ્મૃતિને પ્રજામાં કાયમ રાખે છે.

૧૯૦૮માં રાજા રણજિતસિંહનો રાજ્યાભિષેક થયો. ઉચ્ચ શિક્ષણ અને તેજસ્વી કારકિર્દી ધરાવતા આ રાજવી ઈમ્પિરિયલ કેડેટ કોરમાં જોડાયા હતા. એમને ‘નાઈટ કમાન્ડર સ્ટાર ઑફ ઈન્ડિયા’નો ખિતાબ અંગ્રેજોએ આપ્યો હતો. આથી તેઓ સર રણજિતસિંહ કહેવાયા. બારિયાનો ટાવર એમણે બંધાવ્યો, જિમખાના પણ એમની જ દેણ અને એમણે શરૂ કરેલી એસ. આર. (સર રણજિતસિંહજી) હાઈસ્કૂલનું જાજરમાન મકાન તથા વિશાળ મેદાન ભલભલી આધુનિક પબ્લિક સ્કૂલોની ભવ્યતાને ટક્કર મારે એવાં છે. આ સ્કૂલમાં મારા દાદા અને એમના ભાઈઓ, મારા પિતા, મારાચાર્ટર્ડ અકાઉન્ટન્ટ કાકા અજિત શાહ ( જે ચાર દાયકાથી ન્યુયૉર્ક રહે છે  અને એમનાબધા જ ભાઈઓ (કઝિન્સ)  તથા અમારી પેઢીમાંથી એક માત્ર મારો મોટો ભાઈ પરાગ ભણ્યા છે.

ઈ.સ. ૧૯૪૮માં, આઝાદી આવ્યા પછીના મર્જરના ગાળામાં, સર રણજિતસિંહના અવસાન બાદ એમના પૌત્ર (યુવરાજ સુભગ સિંહજીના પુત્ર) જયદીપસિંહજીનો સૉર્ટ ઑફ રાજ્યાભિષેક થયો. જયદીપસિંહજીના લગ્ન જયપુરના મહારાજાની પ્રથમ રાણીનાં દીકરી સાથે થયાં. આ મહારાજા ઑફ જયપુરના બીજાં લગ્ન ગાયત્રીદેવી સાથે થયાં હતાં, જેમનું શાલીન સૌંદર્ય દુનિયા આખીને પ્રભાવિત કરતું. જયદીપસિંહજીનાં લગ્ન વખતે રાજવી જાનમાં જોડાવાનું આમંત્રણ અમારા કુટુંબને પણ હતું અને દાદાના મોટા ભાઈ રમણલાલ સબુરદાસ (જેમને સૌ મા’કાકા યાને કિ મહાકાકા કહેતા) અમારા પરિવારના પ્રતિનિધિ તરીકે હિઝ હાઈનેસને પરણાવવા જયપુર ગયા હતા.

બારિયા સ્ટેટના પ્રગતિશીલ રાજવીઓને કારણે ગુજરાતના બે સૌથી પછાત જંગલ વિસ્તારોમાંના એક એવા પંચમહાલ (બીજો ડાંગ)માં આવેલા આ બારિયા નગરમાં દાયકાઓથી પાણીના નળ હતા. (જે તળાવમાંથી આવતું, ‘શોલે’ જેવી ટાંકી તો ક્યાં હતી — વાંચ્યું નહીં, પરમ દિવસના હપતામાં) ઉપરાંત વીજળી, પહોળા અને પાકા રસ્તા, ગટર વ્યવસ્થા, એક સરખાં મકાનોથી શોભતી રાજ માર્ગ જેવી ટાવર શેરી, શૈક્ષણિક સંસ્થાઓ, કોર્ટ કચેરીઓ, રેલવે લાઈન વગેરે જેવી આધુનિક સુવિધાઓ આવી હતી. (મરીન ડ્રાઈવના ક્વીન્સ નૅકલેસ ગણાતા ચંદ્રાકાર દરિયા કિનારે આવેલાં તમામ મકાનો પણ એક સરખી ડિઝાઈનનાં છે અને આજે ય એ મકાનોને તોડીને નવું બાંધકામ નવી ડિઝાઈનથી થઈ શક્તું નથી.)

મુંબઈથી વડોદરા જંકશને પહોંચ્યા પછી બે ફાંટા પડે — એક અમદાવાદ તરફ જવાનો અને બીજો દિલ્હી જવાનો. તમારે દિલ્હીનો ફાંટો પકડવાનો. કલાકેકમાં ગોધરા વટાવ્યા પછી દાહોદ પહેલાં પિપલોદ જંકશન આવે ત્યાં ઉતરી જવાનું. સૌથી ફાસ્ટ ગાડી ત્યાં દહેરાદૂન એક્સપ્રેસ ઊભી રહે એટલે મુંબઈથી બારિયાવાસીઓ ‘ફાસ્ટ’ પકડે. આ સિવાય પિપલોદ જંકશન પર પૅસેન્જર ટ્રેનો, ગુડ્ઝ વગેરે થોભે. પિપલોદથી બારિયા જવા માટે નૅરોગેજ પાટે જવું પડે. માથેરાન કે દાર્જિલિંગ કે ઉટી જેવી જ રમકડા ગાડી. ચાલુ ગાડીએ ચડઉતર કરી શકીએ એટલી ગતિ. પિપલોદથી બારિયાનું દસ કિલોમીટર અંતર કાપે એમાં તો વળી બે સ્ટેશન પણ કરે — નાની ઝરી અને મોટી ઝરી. અમે મુંબઈથી પિપલોદ થઈને બારિયા જતી વખતે કે ત્યાંથી પાછાં આવતી વખતે આ ગાડીમાં નથી બેઠાં કારણ કે બારિયાથી કોઈને કોઈ વાહન લઈને તેડવા આવ્યું જ હોય. પણ વૅકેશનમાં બે વાર બારિયા બહારની પિકનિક થતી તેમાંની એક આ રમકડા ગાડીમાં બેસીને થતી. બારિયાથી પિપલોદ જવાનું અને એ જ ગાડીમાં પાછા. બીજી પિકનિક દેવગઢનો ડુંગર ચઢીને શિખર પરના મંદિરના ઓટલે થતી. સ્થાનિક પિકનિકો તળાવ કાંઠે કે તળાવ કિનારેના બગીચામાં થતી. ઘરેથી મારી બા વઘારેલા મમરા, સેવ અને ડુંગળી-લીંબુ-મીઠું બાંધી આપે એ અમારો નાસ્તો. અને દાદા સલાહો બાંધી આપતા — ચાલુ ગાડીમાંથી ઉતરતા નહીં, અંધારા પહેલાં ડુંગર ઉતરી જજો.

તળાવના બગીચા પાસેનો બારિયાનો ટાવર નગરનું ઘરેણું છે. આ ટાવર જોવો હોય કે બારિયાનાં બીજાં સ્થળો જોવાં હોય તો પરમ દિવસે (૨૬ મે)ના પ્રથમ હપતામાં સાહિલની કમેન્ટમાં જ્યાં મોકલનારનું નામ અંગ્રેજીમાં લખ્યું છે ત્યાં (અથવા અહીં) ક્લિક કરો અને પાછા આવો એટલે ટાવર નીચે ઊભા રહેતા કચોરીવાળા મહારાજની એક ઈન્ટરેસ્ટિંગ વાત તમને કરું. કચોરીનો સ્વાદ હું માણીશ — સોડમ તમે માણજો.

આજે પૂરું કરવાનું હતું. હવે કાલે પૂરું કરીશું. ભઈ, વતનની યાદો છે. એમ કંઈ જલદી પૂરી થતી હશે. તમારામાંથી કોઈએ તમારા વતનની, બાળપણની, બાપદાદાની કે મોસાળના ગામની સ્મૃતિઓ શૅર કરવી છે? કમેન્ટ્સનું ખાનું તમારા માટે જ તો છે, ભલા માણસ.

2 comments for “અલવિદા, બારિયા

 1. May 31, 2009 at 12:39 PM

  તમે છૂક છૂક ગાડીની વાત કાઢી તો મને અમરેલીમાં વર્ષો પહેલાં સાંભળેલી એક દંતકથા યાદ આવી ગઈ. સાંભળો:
  ઢસા જંક્શંનથી અમરેલી આવવા નીકળેલી છૂક છૂક ગાડીમાં અમરેલીના એક શેઠ મુસાફરી કરે. ડબ્બાના દરવાજે ઊભા ઊભા સિગારેટ પીએ. કુદરતને કરવુંને શેઠના હાથમાંથી સિગારેટ નીચે પડી ગઈ. ગજબ થઈ ગયો!!પણ શેઠે ઘડીનોય વિલંબ કર્યા વગર સાંકળ ખેંચી.ગાડી ઊભી રહી ગઈ. શેઠે નીચે ઉતરીને દોટ મૂકી. સળગતી સિગારેટ લઈ લીધી અને ફરીથી કશ ખેંચવા માંડ્યા. દરમ્યાન ગાર્ડ સાહેબ આવ્યા. તપાસ કરી કે ‘કોણે અને ક્યા કારણસર સાંકળ ખેંચી.’ શેઠે હકિકત જણાવી. શેઠને દંડ થયો. શેઠે વટથી દંડ ભરી દીધો. એમનું કહેવું હતું કે:” દંડ પોસાય પણ કાંઈ જામેલી સિગારેટ જાવા દેવી થોડી પોસાય?”
  વાર્તા પૂરી. હવે અગત્યની ત્રણ વાતો. [1] એ શેઠ વાણિયા નહોતા. [2] આજે વિશ્વ તમાકુ દિવસ છે. શું કહીશું? એ જ કે ” જિંદગી સ્વીકારો,તમાકુ નહિ.” [3] સૌરભભાઈ ,આવી લાંબી કૉમેન્ટ સવારે માંડ માંડ ટાઈપ કરીને સબમીટ કરું એ પહેલાં તો લાઈટ ગઈ. સાલું લાગી આવ્યું! પણ શું થાય? અત્યારે ફરીથી બધું કર્યું. કાંઈ જામેલી કૉમેન્ટ જાવા થોડી દેવાય? શું કો છો?

 2. Sanjay D Shah
  December 10, 2013 at 12:09 PM

  Dear Saurabh,
  Since long, you have not updated your blog. Let Last Peg not remain our last Peg!!!
  CA Sanjay D Shah

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *