પંચમહાલનું પેરિસ દેવગઢ બારિયા

Day 4, ગુરુવાર, ૨૮ મે ૨૦૦૯ : ગુડ મૉર્નિંગ ઑનલાઈન

ગઈકાલની વાત આગળ લંબાવીએ.

મોહમ્મદ બેગડાએ અઢારમી સદીના સાતમા દાયકાની આસપાસ પાવાગઢની તળેટીએ આવેલા રાજા પતાઈ રાવળના ચાંપાનેરના રાજ્યને લૂંટીને જીતું લીધું. (આજની તારીખે ત્યાં ઊભાં થયેલાં નવાં મુસ્લિમ સ્થાપત્યોને વર્લ્ડ હેરિટેજ સાઈટના ગતકડામાં પધરાવી દેવામાં આવ્યાં છે જેથી કાલ ઊઠીને કોઈ ત્યાં જઈને બાબરીવાળી ના કરે. સેક્યુલર સ્લમડૉગ્સની આવી બદમાશીઓ સામે ગુજરાતમાં કોઈ કંઈ બોલતું નથી). વૅલ, રાજા પતાઈ રાવળનાં એક રાણી પોતાનાં બે સંતાનોને લઈને દૂરનાં જંગલોમાં જતાં રહ્યાં. આ બે સંતાનો મોટાં થયાં જેમાંના મોટા ભાઈ પૃથુરાજના પુત્ર ઉદયસિંહે છોટા ઉદેપુરની સ્થાપના કરી. નાના ભાઈ ડુંગરસિંહે ઈ.સ. ૧૭૮૨માં દેવગઢ બારિયા વસાવ્યું. દેવગઢ નામના ડુંગરની તળેટીએ રાજમહેલ બનાવ્યો અને બારિયાનું રાજ્ય સ્થાપ્યું. છોટા ઉદેપુર અને દેવગઢ બારિયાના આંતરિક નકશામાં આજે પણ તમને ઘણું સામ્ય જોવા મળશે. મહારાજા ડુંગરસિંહના વંશજોએ બાર પેઢી સુધી સ્ટેટ ઑફ બારિયા પર સત્તા ભોગવી.

ડુંગરસિંહના અવસાન પછી એમના પૌત્ર રાજા માનસિંહ, ઈ.સ.૧૮૬૪માં, સગીર વયે ગાદી પર આવ્યા. પ્રગતિશીલ વિચારો ધરાવતા આ રાજવીએ એ જમાનામાં બારિયા જેવા આદિવાસી વિસ્તારમાં અંગ્રેજી કેળવણી શરૂ કરી, કુમારશાળા-કન્યાશાળા-છાત્રાલય જેવી શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરી. ઉપરાંત પોલીસદળ, ન્યાયતંત્ર અને મહેસૂલ ખાતા માટેના વહીવટી માળખાં ઊભાં કર્યા.

આ દૂરંદેશી રાજા માનસિંહ ગાદી પર આવ્યા તેનાં થોડાંક વર્ષ બાદ એમણે બારિયાનો વિકાસ કરવાની યોજના વિચારી. રાજાને સલાહ મળી હતી કે બારિયા રાજ્યનો વિકાસ કરવો હોય તો વાણિયાઓને વસાવવા જોઈએ. વાણિયાઓ વેપારધંધો કરશે તો રાજ્ય આર્થિક સમૃદ્ધિ પામશે. પણ પંચમહાલના એ ગાઢ જંગલમાં ધંધો કરવા આવે કોણ? હિંસક પશુ ઉપરાંત તીરકામઠાં લઈને ફરતી કોળી-ભીલની વસતિનો પણ ભય… એટલે સાહસિક વેપારી જ અહીં આવવાની હિંમત કરે.

બારિયાનું ઘર

૧. બારિયાનું ઘર અને ૨. મેડેથી દેખાતી ચબૂતરા શેરી. સ્ટેટ બેંકવાળા મકાનમાં આઝાદી પહેલાં બારિયા સ્ટેટના દીવાન સાહેબનું નિવાસસ્થાન હતું. તે પછી કાન્તિદાદાએ એ ખરીદ્યું હતું. આ બેઉ મકાનો આજની તારીખે અમારા કુટુંબની માલિકીના નથી.

મેડેથી દેખાતી ચબૂતરા શેરી

છગનાલાલ કુબેરજી વેપાર કરવા દેવગઢ બારિયા આવીને વસ્યા ત્યારે એમને રાજા માનસિંહે ત્રણ સગવડો આપી. એક, ગામમાં ઘરથાળ (ઘર બનાવવાનો જમીનનો પ્લૉટ)ની મોકાની જમીન વારદીઠ એક પાઈ કે એવી જ કોઈક પ્રતિક કિંમતે મળી. બારિયાનું અમારું ત્રણ માળનું ઘર એટલું મોટું કે રોજની સાફસફાઈ કરાવતાં ઘરની વહુ-દીકરીઓ થાકી જતી. બે, વેપાર કરવા માટે રાજ્ય તરફથી વગર વ્યાજે ત્રણ વર્ષ માટે રૂપિયા પાંચ હજારની મૂડી, જે રકમ હપ્તે હપ્તે રાજની તિજોરીને પરત કરી દેવાની. ઓગણીસમી સદીના એ પાછલા દાયકાઓમાં આટલી રકમનું મૂલ્ય આજના રૂપિયા પચાસ લાખ કરતાં વધુ હતું. (જે વેપારી હપતા ભરવામાં પોતાની દાનત ખોરી કરે એનું ઘર ખાલી કરીને સળગાવી મૂકવામાં આવતું. બારિયામાં એક વાણિયાનું ઘર આ રીતે રાજ્ય દ્વારા બાળી નાખવામાં આવ્યું હતું એવી વાયકાઓ સાંભળી છે.) ત્રીજી સવલત છગનલાલ કુબેરજી જેવા વેપારીઓને રાજ્ય દ્વારા જે મળતી તે સૌથી ચડિયાતી હતી: બારિયા સ્ટેટના સાત મહાલ (વિસ્તારો-તાલુકાઓ) માંથી જે વિભાગમાં ધંધો કરવો હોય ત્યાં રાજ્ય તરફથી સંપૂર્ણ પોલીસરક્ષણ મળે અને એ વિસ્તારનાં ગામડાંઓમાં વેપાર કરવાની એકહથ્થુ સત્તા મળે યાને ઈજારાશાહી–મૉનોપોલી– ત્યાં તમારા સિવાય બીજું કોઈ તમારા ધંધાની હરિફાઈ કરવા આવી શકે નહીં.

છગનલાલ કુબેરજીએ બારિયા નગરથી થોડા માઈલ દૂર સાગટાળા-ડભવાનાં અંતરિયાળ ગામોની મૉનોપોલી લીધી હતી. વનવાસીઓ લાકડું, ગુંદર અને બીજી જંગલઊપજ વેચે અને કરિયાણું, કાપડ, અનાજ જેવી જીવનજરૂરિયાતની ચીજો ખરીદી જાય. પ્રસંગતહેવારે રોકડ રકમની જરૂર પડે ત્યારે ચાંદીનાં ઘરેણાં પેઢીમાં જમા કરાવીને ઍડવર્ડ આઠમા અને જ્યોર્જ પંચમની છાપના રોકડા રૂપિયા ગાંઠે બાંધીને લઈ જાય.

છગનલાલ કુબેરજીનો ધંધો સબુરદાસ છગનલાલે વિકસાવ્યો. સબુરદાસ મારા દાદાના પિતા જેમનું તૈલચિત્ર આજે પણ મારા સ્ટડીરૂમમાં મોભાના સ્થાને છે. મારા નાના દીકરા આત્મિનદાસ સૌરભલાલની મુખરેખાઓ સબુરદાદાને મળતી આવે છે.

બીજા વિશ્વયુદ્ધના આરંભના ગાળામાં, ૧૯૪૦ના ફાગણ સુદની અગિયારસે સબુરદાસ છગનલાલ શાહ ૫૧ વર્ષની વયે લીલી વાડી મૂકીને દેવ થયા. ત્રણ પુત્રો અને બે પુત્રીઓના આ પિતાએ પૌત્રોને રમાડીને સંતોષથી છેલ્લ શ્વાસ લીધા. સબુરદાસના સૌથી મોટા પૌત્ર અશ્વિન વાડીલાલ મારા પિતા. વાડીદાદાના મોટાભાઈ રમણલાલ સબુરદાસ, જે દેવગઢ બારિયાના નગરશેઠ બન્યા અને વાડીદાદાથી નાના કાન્તિલાલ સબુરદાસ જેમણે દેવગઢની તળેટીએ જૂના રાજમહેલની જગ્યામાં એ સમગ્ર પંથકની સૌથી પહેલી કૉલેજ કે.એસ.શાહ કૉમર્સ કૉલેજ શરૂ કરાવી. કાન્તિદાદાએ શાહ કન્સ્ટ્રકશન્સ લિમિટેડ નામની પબ્લિક લિમિટેડ કંપનીના નેજા હેઠળ મુંબઈમાં નરિમાન પૉઈન્ટ પરની ઍર-ઈન્ડિયાના હૅડક્વાટર્સવાળી ૨૩ માળની ઈમારત બાંધી, એલ. આઈ.સીનું વડું મથક, મહારાષ્ટ્રનું સચિવાલય, વરલી પર શાહ હાઉસ તેમજ સુરતમાં તાપી નદી પરનો નહેરુ બ્રિજ તથા કોયના ડેમ અને બોકારો સ્ટીલ પ્લાન્ટ જેવાં પ્રતિષ્ઠિત જાહેર બાંધકામો ઊભાં કરવામાં ફાળો આપ્યો.

સબુરદાદાએ મૃત્યુનાં પાંચેક વર્ષ પહેલાં, ૧૯૩૫ની લાભ પાંચમે જે વસિયતનામું બનાવ્યું હતું તેની નકલ મને વાડીદાદા ગુજરી ગયા પછી બારિયાના અમારા ઘરમાંથી મળી. સબુરદાદાએ ગામડાંના ધંધા ઉપરાંત બારિયામાં પણ પેઢી ખોલી હતી અને ઑઈલ મિલ શરૂ કરી હતી. સબુરદાદા એમનાં ત્રણેય સંતાનો માટે વિલમાં શું લખીને ગયા તેની વાત કરીને આવતીકાલે પુરું કરીએ.

6 comments for “પંચમહાલનું પેરિસ દેવગઢ બારિયા

 1. Niraj
  May 28, 2009 at 11:43 AM

  Feeling good…

 2. May 29, 2009 at 7:50 AM

  રસ પડે છે . ઇતિહાસ, માહિતી… એ બધું જાણે એક નવલકથા માણતા હોઈ એ રીતે. ગમે છે.

 3. દેશી ગુજરાતી
  May 29, 2009 at 3:55 PM

  બહુ જ આનંદ પડ્યો વાંચવામાં.

  મજા, કસાયેલી કલમની પ્રવાહિતા અને ધરતીની સુગંધને કારણે આવી.

 4. May 29, 2009 at 5:10 PM

  દેશી ગુજરાતી,

  આભાર.

  -સૌરભ શાહ

 5. sandip pravinchandra kadakia
  August 11, 2011 at 9:54 PM

  Excellent.Can you provide the history of Pustakalaya(Librarery)?

  • August 12, 2011 at 11:01 AM

   I don’t have the history of the Baria’s library, Sandip. If you have any authentic source please let me know. Thanks.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *