વ્હાલું વતન: પંચમહાલનું પેરિસ દેવગઢ બારિયા

Day 3, બુધવાર, ૨૭ મે ૨૦૦૯: ગુડ મૉર્નિંગ ઑનલાઈન

પંકજ ઉધાસ ‘નામ’માં ચિઠ્ઠી આઈ હૈ ગાય છે ત્યારે ફિલ્મનાં પાત્રો જ નહીં, ફિલ્મ જોનારાઓ પણ આંખમાંનાં ઝળઝળિયાં ગાલ પરથી વહી જવા દે છે. હું દેશ છોડીને પરદેશ ગયો નથી — સિવાય કે એક વાર. મોરારિબાપુએ નૈરોબી નજીકના રમણીય નૈવાશામાં અહીંના ગુજરાતી સાહિત્યકારો-કલાકારોને પોતાની સાથે લઈ જઈને અલમોસ્ટ પ્રાઈવેટ કહી શકાય એવી કથા કરી ત્યારે મને પણ એ સદ્-ભાગ્ય મળ્યું હતું. પણ પરદેશમાં વસતા ગુજરાતીઓ પોતાના હ્રદયના છાને ખૂણે કઈ તરસને પંપાળતા હશે તેની કલ્પના કરી શકું છું.

વતનનો વિરહ સૌ કોઇને હોવાનો. એલેક્સ હેઈલીએ ‘રૂટ્સ’ નામની કથામાં પોતાની સોળ પેઢીઓ વિશે સંશોધન કરીને રોમાંચક ગાથા વર્ણવી છે.

Natukaka

Natukaka

છ વર્ષ થયાં મારે, મુંબઈ છોડ્યે. આમ જુઓ તો કલાક-બે કલાકમાં જ અમદાવાદથી મુંબઈ પહોંચી શકાય. પણ ઉનાળાની ઢળતી બપોરના એકાંતમાં મુંબઈ બહુ યાદ આવે. મુંબઈ હતો ત્યારે બારિયા બહુ યાદ આવતું. દેવગઢ બારિયા. આ સાથેની તસવીરમાં તમે જેમની સાથે મને જુઓ છો તે મારા નટુકાકા છે. મારા દાદાના ખાસમખાસ દોસ્તાર. આ તસવીર બેએક વર્ષ પહેલાંની છે. નટુકાકા થોડાંક જ વર્ષમાં સેન્ચ્યુરી ફટકારશે. અમારી જેમ એ પણ બારિયાના, પછી મુંબઈના. મુંબઈમાં પણ અમારાં કુટુંબો બાજુ-બાજુના મકાનમાં રહેતાં. નટવરલાલ સી. શાહ ઉર્ફે નટુકાકા પાસેથી, મારા દાદાઓ અને કાકાઓ પાસેથી તેમજ મારા પૂજ્ય પપ્પા પાસેથી જે વાતો સાંભળીને ઉછર્યો છું તે બધી જ દિલમાં સંઘરાયેલી છે.

* * *

“આજ રાત્રે… જયદીપ ટૉકીઝના… રૂપેરી પડદા પર… ભવ્ય રજૂઆત પામે છે…” હાથલારી પર ત્રિકોણાકારમાં બે પાટિયાં ઠેલી જતો વૃદ્ધ દેવગઢ બારિયામાં શુક્રવારે રિલીઝ થતી ફિલ્મની જાહેરાત કરતો. ચબૂતરા શેરીમાંથી પસાર થતો ત્યારે અમે ઘરની બહાર નીકળીને એની પાછળ દોડતા. તે વખતના આમિર-સલમાન-શાહરૂખ સમા જિતેન્દ્રની ‘ફર્ઝ’ જેવી બ્લૉક બસ્ટર ફિલ્મ આવવાની હોય તો હાથલારીને બદલે ઘોડાગાડીમાં પ્રચાર થતો. સાથે ફિલ્મની સ્ટારકાસ્ટ છાપેલાં લાલ કાગળિયાં પણ વહેંચાતાં.

દેવગઢ બારિયા પંચમહાલનું પેરિસ ગણાતું. યુરોપના લોકો પેરિસને ફ્રાન્સનું દેવગઢ બારિયા ગણે છે કે નહીં એની ખબર નથી. પણ ‘નેશનલ જ્યોગ્રાફિક’ના જૂના અંકોના ફોટાઓમાં કે અંગ્રેજી ફિલ્મોમાં જોયેલા પેરિસ કરતાં પણ બારિયા મને વધારે રૂપાળું લાગતું.

પાદરે આવેલાં જયદીપ ટૉકીઝ અને જિમખાના દેખાય એ પહેલાં જ તમારી આસપાસના સમગ્ર વાતાવરણમાં ફેલાઈ ગયેલું દેવગઢ બારિયા તમને ઘેરી વળે. રણછોડજીનું મંદિર, તળાવ, બેટ અને ટાવર. પેલી તરફ પાનમ નદી અને સામે દેખાતો દેવગઢ ડુંગર. ‘શોલે’ જેવી એક આદર્શ હિંદી ફિલ્મના સેટ માટે જરૂરી એવાં તમામ લોકેશન એક સાથે તમને મળી જાય — એક પાણીની ટાંકી સિવાય.

મારા જન્મના આઠેક મહિનામાં જ, ડિસેમ્બર ૧૯૬૦માં, મારા પિતા મુંબઈ સ્થાયી થયા. મારી છેલ્લાં છ વર્ષ સિવાયની જિંદગી આ પચરંગી મહાનગરમાં વીતી. વચ્ચે ચારેક વર્ષ સુરત ખરું. પણ તે વખતે ફ્લાઈંગ રાણીનો પાસ કઢાવી મહિનામાં ઘણું અપ-ડાઉન થતું. આ રીતે જોઈએ તો મારું વતન મુંબઈ ગણાય પણ મુંબઈ મારી નવી પેઢીનું વતન બનશે. મારા માટે ઉનાળા-દિવાળીની રજાઓમાં જ્યાં જવાનું ફરજિયાત હતું તે બાપદાદાનું ગામ દેવગઢ બારિયા મારું વતન છે. કોઈ પૂછે કે તમે મૂળ ક્યાંના, તો તરત જીભે એક જ જવાબ ચડતો.

મૂળ અમે દેવગઢ બારિયાના. સૌરભ અશ્વિન, અશ્વિન વાડીલાલ, વાડીલાલ સબુરદાસ, સબુરદાસ છગનલાલ, છગનલાલ કુબેરજી, કુબેરજી અંદરજી, અંદરજી? અંદરજીના પિતાનું નામ કુટુંબમાં કોઈને ખબર નથી. નાના હતા ત્યારે મજાકમાં કહેતા કે અંદરજી બહારજી.

કુબેરજી અંદરજીની સાતમી પેઢીએ તલ્કીનજી સૌરભજી અને આત્મિનજી સૌરભજીનાં નામ આવે. ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં છગનલાલ કુબેરજી ખાનદેશ છોડીને દેવગઢ બારિયામાં વસ્યા. કયું ખાનદેશ? ખબર નથી. ગૂગલ અર્થના નકશામાં બારિયાની નજીકના વિસ્તારોમાં ત્રણ ખાનદેશ દેખાડે છે જેમાંનું એક ડાકોર નજીક છે. અમારું કુટુંબ વાણિજ્ય કરનારું વણિક કુટુંબ. કહો કે અમે વાણિયા. દેશદેશાવર વેપાર માટે વહાણમાં સફર ખેડનારા વહાણિયા–વાણિયા ગણાયા. કુટુંબમાં અંદરજીની કેટલી પેઢી પહેલાંના બાપદાદાઓ વહાણિયા બન્યા હશે, શ્રીજીબાવા જાણે.

છગનલાલ કુબેરજી વેપાર કરવા બારિયા આવ્યા ત્યારે ૧૮૫૭નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પૂરો થઈ ગયો હતો, ‘સત્યપ્રકાશ’ સાપ્તાહિકના અધિપતિ અને કવિ ‘નર્મદ’ના પત્રકારમિત્ર કરસનદાસ મૂળજી પર ચાલેલા ઐતિહાસિક ‘મહારાજ લાયબલ (બદનક્ષી) કેસ’નો ચુકાદો પણ આવી ચૂક્યો હતો. ‘નર્મદ’નું ‘ડાંડિયો’ જોરશોરથી શરૂ થઈને ચાલુ-બંધ, ચાલુ-બંધ થવા માંડ્યું હતું અને દૂર પોરબંદરમાં કરમચંદને ત્યાં મોહનનો જન્મ પણ થઈ ચૂક્યો હતો. એવા એ કાળમાં છગન કુબેર ખાનદેશ છોડીને વેપાર કરવા બારિયા શું કામ આવ્યા. ઈન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. વાતની શરૂઆત મોહમ્મદ બેગડાથી કરવી પડશે. બાકીની વાત આવતીકાલની પોસ્ટમાં આગળ ધપાવીશું. પિક્ચર અભી બાકી હૈ, મેરે દોસ્ત.

6 comments for “વ્હાલું વતન: પંચમહાલનું પેરિસ દેવગઢ બારિયા

 1. May 27, 2009 at 4:41 AM

  તમે તમારા વતન દેવગઢ બારિયા વિશે વાત માંડી છે એ સંદર્ભે…બારિયાના સંનિષ્ઠ શિક્ષક પ્રિન્સીપાલ સ્વ. વિનોદ સોની સાહેબ વિશે આપને કોઈ માહિતી ખરી? જો હોય તો ક્યારેક એમની પ્રોફાઈલ આપશો?

  • May 27, 2009 at 11:11 AM

   sahil,
   hi, i have met vinod sonisaheb a couple of times. my elder brother studied in s.r. high school for 4 years and passed s.s.c. from there. our family had good relations with him because not only my brother but my father, all my uncles and my grandfather and his brothers studied in s.r. .. i have visited the school complex many times. it has a magnificent building. if you wish you can contact my bhai parag who is in new york state. his e-mail is: shah.parag.a@gmail.com If you will share your communication with parag about sonisaheb with us i will be most happy.
   regards.
   -saurabh shah

 2. Shivani
  May 27, 2009 at 8:02 AM

  Hi Saurabhbhai,

  Hun Baria ni toh nathi pan mara Dada nu e mosad thay..but i have been born in Dahod and has been to Baria many time so we are neighbours that way and ahi usa ma rahi ne tame mane e juni yaado taji karavi didhi…:)

 3. May 27, 2009 at 10:57 AM

  hi shivani,
  last night i composed my comment on your feedback of aasgdh’sy pratham diwase. but before i could post i lost it while editing. same thing happened with my comment on nimesh dave’s feedback. both are precious to me. i am trying to retrive it because i do not know i will be able to put the same energy and feelings again. can somebody help? can somebody advice me how not to repeat (threepeat actually! i heard this newly coined word from gunvant shah some years back. he said that american writer whho coined this word, got it registered and now he earns royalty from that!} mistake again?
  btw, i did not know you have memories of baria! world is indeed small. you can share those memories with EF).
  love.
  -saurabh shah

 4. Shivani
  May 27, 2009 at 1:31 PM

  Hi Saurabhbhai,

  You are right.It was ‘bhai’ from whom i heard this ‘threpeet’word and this word is being used in the movie called ‘forest gump’ and writer made lots of money.
  -shivani

 5. May 31, 2009 at 9:49 AM

  આગળ પાછળના સંદર્ભ,નાનીનાની પણ મજાની વાતો અને હળવાશભરી રજૂઆત … આ બધાંને કારણે રસ પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *