ફરી એક વાર, શ્રી ગણેશાય નમઃ

Raanki wav of Patan, the historical of Gujarat.

Raanki wav of Patan, the historical capital of Gujarat. Kanialal Maneklal Munshi has written an excellent novel- 'Patan ni Prabhuta'. Harkisan Mehta loved the famous character of this novel so much that he used to write informative articles for his weekly 'Chitralekha' under the pen name of 'Munjal Mehta'.

શુભારંભ દિવસ: સોમવાર, ૨૫ મે ૨૦૦૯

આજે પચ્ચીસમી મે. હરકિસન મહેતા હયાત હોત તો આજે એમણે ૮૧ વર્ષ પૂરાં કર્યાં હોત. ૨૫ મે ૧૯૨૮થી ૩ એપ્રિલ ૧૯૯૮ સુધીની જીવનયાત્રા કોઈ પણ પત્રકાર, લેખક માટે પ્રેરણાદાયી છે. ‘ચિત્રલેખા’ની સ્થાપના વજુ કોટકે કરી, હરકિસન મહેતાએ ‘ચિત્રલેખા’ને વટવૃક્ષ બનાવ્યું. એમની છત્રછાયા હેઠળ અનેક કલમો ફૂલીફાલી — આપનો વિશ્વાસુ એમાંનો એક. ૧૯૮૨માં મારી પાસે એમણે ‘મુખવાસ’ લખાવવાની શરૂઆત કરી જે મેં છએક મહિના લખી. પછી ‘સમકાલીન’માં જોડાયો. આજે લગભગ ૨૫ વર્ષથી એ કૉલમ મારી ‘બહેનપણી’ ‘ઇશિતા’ લખે છે. મારા પછી થોડા સમય માટે તારક મહેતા અને ત્યાર બાદ બોસ્ટન નિવાસી કવિ અને નાટ્યકારમિત્ર ચન્દ્રકાન્ત શાહ (ઉર્ફે ‘ચન્દ્ર’ ઉર્ફે ચંદુ)એ પણ લખી હતી.

હરકિસનભાઈ મારા મેન્ટર હતા. ‘મારા તંત્રીઓ’ વિશેના મારા એક લેખમાં મેં મારા પત્રકાર જીવનમાં મોટો ફાળો આપનારા ત્રણ તંત્રીઓ વિશે લખ્યું હતું — યશવંત દોશી (‘ગ્રંથ’ અને ‘પરિચય પુસ્તિકા’), હસમુખ ગાંધી (‘સમકાલીન’) અને હરકિસન મહેતા. લેખ લખ્યો તે વખતે ત્રણેય મહાનુભાવો વિદ્યમાન હતા. ૧૯૯૮-૯૯ના ગાળામાં બાર મહિના કરતાં ઓછા સમયમાં વારાફરતી એ ત્રણેય મહાન પત્રકારોને આપણે ગુમાવ્યા.

૨૫મી મે હરકિસન મહેતાની જન્મજયંતિ હોવાથી આ દિવસથી બ્લૉગ શરૂ કરવો હતો. છેલ્લા ચારેક દિવસથી દિવસ-રાત પાછળ પડીને છેવટે શરૂ થઈ શક્યો. બ્લૉગિંગની ટેક્નોલૉજી મારા માટે સાવ નવી. હું અણઘડ. કાગળ પર પેન ચલાવતાં આવડે, બસ. વિનય ખત્રીની મદદ વિના આ બ્લૉગ વેબવર્લ્ડ પર ચડ્યો ન હોત. એમની સાથે કેવી રીતે આકસ્મિક ઓળખાણ થઈ, મિત્રતા થઈ તેની વાત હવે પછી ક્યારેક કરવાની છે.

‘મરીઝે’ લખ્યું હતું: એ સૌથી ઉચ્ચ તબક્કો છે મિલનનો, કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે! હું જોકે, હજુ એવા ઉચ્ચ તબક્કા સુધી પહોંચ્યો નથી. એટલે મારે કહેવાનું ઘણું બધું છે અને યાદ પણ ઘણું બધું આવી રહ્યું છે.

શું? શું?

આજથી બરાબર દસ વર્ષ પહેલાં મેં ‘મુંબઈ સમાચાર’માંની મારી દૈનિક કૉલમ ‘ગુડ મૉર્નિંગ’ને વિરામ આપ્યો હતો. મારે તંત્રી તરીકે ‘મિડ-ડે’માં જોડાવાનું હતું. ૧૯૯૯ના મેની ૨૨ કે ૨૩મી તારીખે મેં ‘મુંબઈ સમાચાર’ના વાચકો પાસે વિદાય માગતી મારી છેલ્લી કૉલમ લખી હતી. દાયકા પછી, મને આનંદ છે કે હું ફરી એકવાર ‘ગુડ મૉર્નિંગ’ના શ્રી ગણેશ કરી રહ્યો છું — આ વખતે આ કોલમ પ્રિન્ટ મિડિયા માટે નથી, એક્સક્લુઝિવલી ઑનલાઈન રીડર્સ માટે છે.

મારે રોજ તમારી સાથે વાત કરવી છે. આપણી આસપાસના અને આપણી અંદરના જગતમાં બનતી ઘટનાઓ-દુર્ઘટનાઓ વિશે. ક્યારેક કરન્ટ ટૉપિક, ક્યારેક ફિલ્મ, ક્યારેક ફૂડ તો ક્યારેક સાહિત્ય વિશે. મારે વાત કરવી છે ગુજરાતીઓ વિશે, ગ્લોબલ ગુજરાતીઓ વિશે, ગુજરાતની અસ્મિતા વિશે અને આ અસ્મિતાને ભસ્મીભૂત કરવા મંડી પડેલા સેક્યુલર સ્લમડૉગ્સ વિશે,  જોડણીના આતંકવાદીઓ વિશે. મારે વાત કરવી છે ક્યારેક રમેશ પારેખની સોનલ વિશે, ક્યારેક અશ્વિની ભટ્ટની આશકા વિશે, ક્યારેક પુરુષોત્તમ ઉપાધ્યાય વિશે, ક્યારેક કલ્યાણજી-આણંદજી વિશે તો ક્યારેક સૌમિલ-શ્યામલ અને સોલી-નિશા વિશે. મારે વાત કરવી છે તરલા દલાલ વિશે, મારી પાણીપુરીની રેસિપી વિશે, કલિંગરના શરબત વિશે અને બ્લેક લેબલ વિશે (ગુજરાતમાં પીવાય નહીં તો શું થયું, વાત તો થાય ને).

હવે પછીના દિવસોમાં આ બ્લૉગ પર રોજેરોજ કોઈક નવી આયટમ મૂકાશે. રોજ કંઇક નવું, કંઈક નોખું. આ કૅચલાઈન ૧૯૮૧માં મને ‘નિખાલસ’ સાપ્તાહિકનું સંપાદન કરવાની જવાબદારી સોંપવામાં આવી ત્યારે અમારા કૅમ્પેઈન માટે મેં લખી હતી. ખૂબ લોકપ્રિય થઈ. પછી તો સાડીવાળા, પાનવાળા, ફરસાણવાળા સૌ કોઈ પોતપોતાની જાહેરખબરમાં આ કૅચલાઈન વાપરતા થઈ ગયા. લગભગ ત્રણ દાયકા પછી હું એને માંજીને, ચકચકિત કરીને, ફરી વાપરી રહ્યો છું.

તમારી આ બ્લૉગ પાસે શી અપેક્ષા છે? તમને ખરેખર લાગે છે કે આવા બ્લૉગની જરૂર છે કે પછી હું મારો અને તમે તમારો – આપણે બેઉ પોતપોતાનો સમય વેડફી રહ્યા છીએ. આજે આ બ્લૉગમાં કોઈ વિભાગ, પેટાવિભાગ ઈન્ટ્રોડ્યુસ કરતા નથી — સમય ઓછો છે. રાત થોડી ને વેશ ઝાઝા છે જેવું જ કંઈક. પણ મેં પ્રોમિસ આપ્યું છે એમ આગામી દિવસોમાં તમને રોજ એક નવો વિભાગ/પેટાવિભાગ શરૂ થતો જોવા મળશે.

બ્લોગની લંબાઈ તમારા હિસાબે કેટલી હોવી જોઇએ? છાપામાં આ કોલમ લખતો ત્યારે અંદાજે એક હજાર શબ્દો લખતો. અપવાદરૂપે લાંબી થતી. પણ ક્યારેક જ. બ્લૉગ પર મારા હિસાબે એ લંબાઈ વધુ પડતી છે. લાંબુંલાંબું લખવાની મને ટેવ નથી. બ્લોગની દુનિયા માટે ૧,૦૦૦ શબ્દો  ઘણા કહેવાય. તમારી પ્રતિક્રિયા પછી એની શબ્દસંખ્યા નક્કી કરીશું — પાંચસો, મે બી સાતસો.

રોજ નવા નવા વિષયો પર લખવું છે. લખવું મારી પૅશન છે. ત્રીસ વર્ષની પત્રકારત્વ-લેખનની કારકિર્દી પછી પણ એ પૅશન અકબંધ છે. આ ત્રણ દાયકામાં આ જ પૅશને મારું ભરણપોષણ કર્યું છે એ મારું સદ્ ભાગ્ય છે.

‘ગુડ મૉર્નિંગ ઑનલાઈન’માં લખાતા લેખો ઉપરાંત આવતીકાલથી રોજ હું ‘પર્સનલ ડાયરી’ વિભાગ હેઠળ તમારી સાથે પર્સનલ વાતચીત કરવા ધારું છું. ‘ગુડ મૉર્નિંગ ઑનલાઈન’ અને ‘પર્સનલ ડાયરી’નાં સ્વરૂપો તદ્દન જુદાં હોવાનાં. કેટલાં જુદાં એ તમે અઠવાડિયું-પંદર દિવસ વાંચશો એટલે આપોઆપ ખબર પડવા માંડશે.

અત્યારની મારી પ્રવૃત્તિઓમાં બહારથી જોઇએ તો હું કશું કરતો નથી. અમેરિકામાં આ પરિસ્થિતિને ‘બિટ્વીન ટુ જોબ્સ’ની સિચ્યુએશન કહે છે, અમે દેશીઓ આના માટે એક શબ્દથી ચલાવીએ છીએ — બેકારી!

પણ મારો સ્ટડીરૂમ પ્રવૃત્તિઓથી ધમધમે છે.   ‘મારા જેલના અનુભવો’ લખી રહ્યો છું — લગભગ અડધે સુધી પહોંચ્યો છું. મારાં આઉટ ઑફ પ્રિન્ટ પુસ્તકોની નવી રિવાઈઝ્ડ એડિશનોનું કામ પૂરું થવામાં છે.

આજના માટે બસ આટલું જ.

જય શ્રી કૃષ્ણ… જય જિનેન્દ્ર… જય સ્વામિનારાયણ… જય જલારામબાપા… જય હિન્દ!

COPYRIGHT 2009:  Saurabh Shah. All rights reserved.

FOR  PERMISSION AND CONDITIONS TO USE  THIS CONTENT  ON YOUR BLOG OR WEBSITE FREE OF CHARGE CONTACT hisaurabhshah@gmail.com

83 comments for “ફરી એક વાર, શ્રી ગણેશાય નમઃ

 1. RAMESH KAPADIA
  March 20, 2013 at 10:34 AM

  Respected Saurbhbhai,
  I recall having attended a big gathering in Ahmedabad years back.In this gathering CM of Gujarat had shared the platform with you.Since then I had even communicated with you from my residence in Maninagar,AHMEDABAD & I used to get your reply also… I migrated to Bombay just 2 years ago with my son and his family,just one fine morning I got hold of MUMBAI SAMACHAR in its new AVTAR and read your column GOOD MORNING and really delighted as if two friends meet after ages…

 2. September 25, 2013 at 1:15 PM

  Aatmiya Shri Saurabhbhai

  Sadar Pranam Sah.

  Ghana vakhat pachhi aapni sathe vat karva no avsar prapt thayo. Good Morning mate aapne tya VIMALSHRI SUPRABHATAM a shabda vaprato hato. Pethadshah na teo dharmapatni hata parantu Shri Jinmandir na darshan karva jati vakhte pan a jamanama suvarna na sikka nu daan karta hata atle yachako ma pan magwa nikalti vakhte aa shabda ni teo boom marta hata ane jem besta varsha savarma SABRAS shabda boline yachako ghare namak manglik tarike aapi jata tem aa shabda jo pratah kale koi bole, vanche athwa sambhle to ana jivanma hit ane kalyan ni bhumikao nu sarjan thavani shakyata vadhi jaay chhe. Aajna diwase aapne amara tarafthi VIMAL SHRI SUPRABHATAM. Aajno diwas kevo jaay chhe a kaal na blog upar janva samutsuk.

  ATULKUMAR VRAJLAL SHAH NA JAI JINENDRA

 3. Pankaj Gulabrai VORA
  April 14, 2014 at 10:58 AM

  14/4/14 tamne kevi rite marvu game , matra bakwas, dar roj nava vishay malwa jaruri nathi.koi diwas raja pado athwa koi sara pustak nu bhashantar chhapo.hospital na bill kon bharshe ae pan tamare janavvu hatu.Mumbai samachar sponsor karshe?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *